દરરોજ સાંજે 5 વાગ્યાની આસપાસ કામ પરથી પાછા ફર્યા પછી, ડૉ. શબનમ યાસ્મિન સીધા તેમના ઝાંખા-ભૂખરા ઘરની છત પર  જાય છે. ત્યાં તેઓ સ્નાન કરે છે, પેન અને ડાયરીઓ સહિત કામના સ્થળે લઈ ગયા હોય તે દરેક વસ્તુને તેઓ જંતુમુક્ત કરે છે, તેમના કપડાં ધોઈ નાખે છે (આ બધા માટે છત પર વ્યવસ્થા કરવામાં આવી છે), અને પછી જ નીચે તેમના પરિવાર સાથે રહેવા જાય છે.  તેઓ છેલ્લા એક વર્ષથી આ નિત્યક્રમ ખૂબ સાવચેતીપૂર્વક અનુસરી રહ્યા છે.

ઉત્તર-પૂર્વ બિહારના કિશનગંજ શહેરમાં પોતાના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર આવેલી સદર હોસ્પિટલના સ્ત્રીરોગચિકિત્સક અને સર્જન 45 વર્ષના ડૉ. યાસ્મિન કહે છે, “જ્યારે બધું બંધ હતું, ખાનગી હોસ્પિટલો પણ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે મહામારી [લોકડાઉન] દરમિયાન મેં  બધો જ સમય કામ કર્યું છે. મને ક્યારેય કોરોના સંક્રમણ થયું નથી, જો કે મારા કેટલાક સહકાર્યકારો સંક્રમણનો ભોગ બન્યા હતા.  અમે હોસ્પિટલમાં બે કોવિડ - 19 પોઝિટિવ ગર્ભાવસ્થાઓ સફળતાપૂર્વક સંભાળી હતી.”

શબનમ માટે આ બધું સરળ નથી. કોરોનાવાયરસ વાહક બનવાનું  જોખમ લેવાનું તેમને પોસાય તેમ નથી. ઘેર તેમની માતા અને બાળકો - 18 અને 12 વર્ષના બે દીકરા  - છે. અને તેમના પતિ, 53 વર્ષના ઇર્તાઝ હસન, જેઓ હાલ કિડનીની બિમારીમાંથી સ્વસ્થ  થઈ રહ્યા  છે, અને તે માટે બમણી કાળજી લેવી જરૂરી છે. યાસ્મિન કહે છે, “મારી માતા અઝરા સુલ્તાનાને કારણે જ હું [છેલ્લું એક વર્ષ] કામ કરી શકી  છું. તેમણે બધી જવાબદારી સંભાળી લીધી, નહિ તો - તબીબ, ગૃહિણી, શિક્ષક, ટ્યુશનશિક્ષક - બધું હું જ હતી."

2007 માં  તેમણે તબીબી શિક્ષણ પૂરું કર્યું ત્યારથી તેમના જીવનનો આવો જ દોર ચાલે છે. યાસ્મિન કહે છે, “હું MBBS ના છેલ્લા વર્ષમાં હતી ત્યારે ગર્ભવતી હતી. મારા લગ્ન પછી લગભગ છ વર્ષ સુધી હું ક્યારેય મારા પરિવાર સાથે રહી નથી. મારા પતિ વકીલ  હતા, તેઓ પટનામાં વકીલાત કરતા હતા. મને જ્યાં મોકલવામાં આવતી ત્યાં હું કામ કરતી.”

સદર હોસ્પિટલમાં ડૉ. શબનમની નિમણુક થઈ તે પહેલા 2011 માં  તેમના ઘરથી લગભગ 45 કિલોમીટર દૂર ઠાકુરગંજ બ્લોકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી-પ્રાઈમરી હેલ્થ સેન્ટર) માં તેમની નિમણુક કરાઈ હતી. 2003 માં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી એમબીબીએસની અને 2007 માં પટના મેડિકલ કોલેજમાંથી અનુસ્નાતકની પદવી  મેળવ્યા બાદ  તેમણે તબીબ તરીકેની ખાનગી પ્રેક્ટિસની શરુઆત કરી હતી. થોડા વર્ષો તબીબ તરીકેની ખાનગી પ્રેક્ટિસ કર્યા પછી તેમને આ સરકારી નોકરી મળી હતી.  તેઓ તેમના બીજા નાનકડા   દીકરાને પોતાની માતા પાસે છોડીને ઠાકુરગંજ પીએચસી પહોંચવા એક સ્થાનિક બસમાં આવ-જા કરતા. તે આકરું  અને મહેનત માગી લે તેવું હતું, તેથી નવ મહિના પછી તેઓ તેમની માતા અને બાળકો સાથે ઠાકુરગંજ સ્થળાંતરિત થઈ ગયા. તેમના પતિ ઇર્તાઝા પટના રહ્યા અને દર મહિને તેમના પરિવારની  મુલાકાત લેતા.

Dr. Shabnam Yasmin and women waiting to see her at Sadar Hospital: 'I worked throughout the pandemic [lockdown], when everything was shut...'
PHOTO • Mobid Hussain
Dr. Shabnam Yasmin and women waiting to see her at Sadar Hospital: 'I worked throughout the pandemic [lockdown], when everything was shut...'
PHOTO • Mobid Hussain

ડૉ. શબનમ યાસ્મિન અને તેમને બતાવવા માટે સદર હોસ્પિટલમાં રાહ જોતી મહિલાઓ: 'જ્યારે બધું બંધ હતું ત્યારે મહામારી [લોકડાઉન] દરમિયાન  મેં બધો જ સમય કામ કર્યું હતું ...'

યાસ્મિન તે દિવસો યાદ કરતા કહે છે, “મને મારા પતિનો ટેકો હતો, પણ દિવસમાં બે વારની  મુસાફરી ત્રાસજનક  હતી અને તે જીવન આકરું  હતું. સૌથી ખરાબ વાત તો એ હતી કે હું ભાગ્યે જ કંઈ કરી શકતી. હું સર્જન છું. પણ હું શસ્ત્રક્રિયા કરી શકતી નહોતી. સાધનના નામે  ત્યાં [પીએચસી પર] મીડું હતું, નહોતી કોઈ બ્લડ બેંક કે નહોતા કોઈ એનેસ્થેટિકસ. પ્રસૂતિમાં જટિલતા ઊભી થાય તો તેવા કેસોમાં  હું દર્દીને બીજે મોકલવાથી વધુ કંઈ જ કરી શકતી નહોતી. હું સિઝેરિયન પણ કરી શકતી નહોતી. કોઈ હસ્તક્ષેપ નહીં, [ફક્ત તેમને કહેવાનું] બસ લો અને  લઈ જાઓ [નજીકની હોસ્પિટલમાં]."

કિશનગંજ જિલ્લાની સદર હોસ્પિટલમાં તેમના કન્સલ્ટિંગ  રૂમની બહાર આશરે 30 મહિલાઓ તેમને બતાવવા માટે રાહ જોઈ રહી છે. તેમાંના મોટાભાગના ફક્ત મહિલા તબીબ સાથે વાત કરવા માગે છે અથવા તેમની પાસે જ તપાસ કરાવવા માગે છે. હોસ્પિટલમાં બે મહિલા તબીબો છે - ડૉ. શબનમ યાસ્મિન અને ડૉ. પૂનમ (જેઓ ફક્ત પોતાનું પ્રથમ નામ વાપરે છે) - બંને પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગચિકિત્સા વિભાગના  છે. બંને તબીબો રોજના  40-45 કેસ સંભાળે છે, પરંતુ તે પછી પણ કેટલીક મહિલાઓ પ્રતીક્ષા ક્ષેત્રમાં ભીડને કારણે તબીબને  મળ્યા વિના ઘેર પાછી  જાય છે.

બંને તબીબો અઠવાડિયાના 48 કલાક કામ કરે છે, પરંતુ ઘણીવાર તે ફક્ત સંખ્યા જ બનીને રહી જાય છે. યાસ્મિન કહે છે, “સર્જનો ઓછા છે, તેથી હું જ્યારે શસ્ત્રક્રિયા કરતી હોઉં ત્યારે મને કોઈ  ગણતરી રહેતી નથી. જો જાતીય હુમલા અને બળાત્કારને લગતા કેસ હોય તો મારે અદાલતમાં જવું પડે છે. આખો દિવસ એમાં જાય છે. જુના અહેવાલો ફાઇલ કરવાના હોય છે અને સર્જન તરીકે અમને હંમેશા ગમે ત્યારે બોલાવી શકાય છે.”  જે તબીબો સાથે મેં વાત કરી હતી તેમના અંદાજ પ્રમાણે કિશનગંજ જિલ્લાના સાત પીએચસી, એક રેફરલ સેન્ટર અને સદર હોસ્પિટલ વચ્ચે આશરે 6-7 મહિલા તબીબો  છે.  (યાસ્મિનને બાદ કરતા) તેમાંના લગભગ અડધા કરાર ઉપર કામ કરે છે.

તેમના દર્દીઓ - તેમાંના મોટા ભાગના કિશનગંજના, કેટલાક નજીકના અરરિયા જિલ્લાના, અને કેટલાક તો પશ્ચિમ બંગાળના - મુખ્યત્વે ગર્ભાવસ્થા સંબંધિત નિયમિત પરીક્ષણ અને પ્રસૂતિ પહેલાની સંભાળ માટે, તેમ જ પેટના દુખાવા, પેઢુના ચેપ, પીડાદાયક માસિક સ્રાવ અને વંધ્યત્વની ફરિયાદો સાથે આવે છે. યાસ્મિન ઉમેરે છે,  “હું જોઉં છું તેમાંની મોટા ભાગની મહિલાઓને, પછી તેઓ ભલે ગમે તે સમસ્યા માટે અહીં આવ્યા હોય, એનિમિયા (લોહતત્વની ખામી) હોય છે. [પીએચસી અને હોસ્પિટલમાં] લોહતત્વ (આયર્ન) ની ગોળીઓ વિના મૂલ્યે ઉપલબ્ધ છે, તેમ છતાં તેમના પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને કાળજીનો સંપૂર્ણ અભાવ છે."

રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વેક્ષણ અહેવાલ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે - એનએફએચએસ-4, 2015-16 )  ડૉ. યાસ્મિનના નિરીક્ષણની પુષ્ટિ કરતી આધારભૂત માહિતી આપે છે: કિશનગંજ જિલ્લામાં 15-49 વર્ષની વયની મહિલાઓમાંથી  67.6 ટકા એનિમિક છે. 15-49 વર્ષની વયની સગર્ભા સ્ત્રીઓ માટે આ આંકડો થોડો ઘટીને  62 ટકા થાય છે. અને માત્ર 15.4 ટકાએ ગર્ભાવસ્થા દરમિયાન 100 દિવસ કે તેથી વધુ સમય સુધી આયર્ન ફોલિક એસિડનો કોર્સ પૂરો કર્યો હતો.

Only 33.6 per cent of childbirths in Kishanganj district are institutional deliveries. A big reason for this, says Dr. Asiyaan Noori (left), posted at the Belwa PHC (right), is because most of the men live in the cities for work
PHOTO • Mobid Hussain
Only 33.6 per cent of childbirths in Kishanganj district are institutional deliveries. A big reason for this, says Dr. Asiyaan Noori (left), posted at the Belwa PHC (right), is because most of the men live in the cities for work
PHOTO • Mobid Hussain

કિશનગંજ જિલ્લામાં માત્ર 33.6 ટકા બાળજન્મ સંસ્થાકીય પ્રસૂતિઓ છે. બેલવા પીએચસી (જમણે) ખાતે નિયુક્ત  ડૉ. આસિયાન  નૂરી (ડાબે) કહે છે કે આનું મોટું કારણ એ છે કે મોટાભાગના પુરુષો કામ માટે શહેરોમાં રહે છે.

સદર હોસ્પિટલથી લગભગ 10 કિલોમીટર દૂર એ જ બ્લોકમાં બેલવા પીએચસીમાં નિયુક્ત  38 વર્ષના ડૉ.આસિયાન  નૂરી કહે છે, “મહિલાનું સ્વાસ્થ્ય એ પ્રાથમિકતા જ નથી. તેઓ આરોગ્યપ્રદ ખોરાક લેતા  નથી, નાની ઉંમરે લગ્ન કરે છે અને પહેલું બાળક એક વર્ષનું  થાય તે પહેલાં તો તેઓ  ફરીથી ગર્ભ ધારણ કરે છે. બીજા બાળકના જન્મ  સુધીમાં તો  માતા એટલી નબળી થઈ જાય છે કે તે માંડ ચાલી શકે છે. એક તકલીફ બીજી તકલીફ તરફ દોરી જાય છે, અને તેથી તેઓ બધા એનિમિક છે." અને કેટલીકવાર માતાને  તેના બીજા બાળકની પ્રસૂતિ માટે લાવવામાં આવે છે ત્યાં સુધીમાં તો તેને બચાવવા માટે ખૂબ મોડું થઈ ગયું હોય છે.

યાસ્મિન કહે છે, “પહેલેથી જ મહિલા તબીબો ઓછા છે. અમે દર્દીઓ તરફ ધ્યાન ન આપી શકીએ અથવા કોઈ દર્દી મરી જાય તો હોબાળો મચી જાય છે." તેઓ ઉમેરે છે કે માત્ર પરિવારના સભ્યો જ નહીં પણ આ વિસ્તારમાં કાર્યરત 'ઠગ' ની મંડળી અથવા જરૂરી લાયકાત વિનાના તબીબી વ્યવસાયિકો પણ તેમને ધમકી આપે છે. બાળજન્મ દરમિયાન માતાનું અવસાન થયા બાદ પરિવારના એક સભ્યએ યાસ્મિનને કહ્યું હતું કે, “ આપને ઈન્હે છૂઆ તો દેખો ક્યા હુઆ [તમે દર્દીને સ્પર્શ કર્યો અને જુઓ શું થયું]”.

એનએફએચએસ-4 નોંધે છે કે કિશનગંજ જિલ્લામાં માત્ર 33.6 ટકા બાળજન્મ જ જાહેર હોસ્પિટલોમાં સંસ્થાકીય પ્રસૂતિઓ છે. ડૉ. નૂરી કહે છે કે આનું મોટું કારણ એ છે કે મોટાભાગના પુરુષો કામ માટે શહેરોમાં રહે છે. "આ પરિસ્થિતિમાં  મહિલા માટે પ્રસૂતિ  દરમિયાન ક્યાંય જવાનું શક્ય નથી, અને તેથી બાળજન્મ ઘેર જ થાય  છે." તેઓ અને અહીંના અન્ય તબીબોનો અંદાજ છે કે કિશનગંજ જિલ્લાના ત્રણ બ્લોક્સ - પોથિયા, દિઘલબન્ક અને તેર્હાગાછ (જે તમામમાં પીએચસી છે) માં મોટાભાગના બાળકોના જન્મ ઘેર જ થાય છે. આ બ્લોક્સમાંથી સદર હોસ્પિટલ અથવા ખાનગી દવાખાના  સુધી ઝડપથી પહોંચવામાં વાહનની સુવિધા સરળતાથી મળતી નથી  અને રસ્તામાં આવતા નાના ઝરણાં  મહિલાઓ અને તેમના પરિવારો માટે  હોસ્પિટલ પહોંચવાનું  મુશ્કેલ બનાવે  છે.

2020 માં મહામારી સંબંધિત લોકડાઉન અને તેના વિપરીત પરિણામ પછી કિશનગંજ જિલ્લામાં સંસ્થાકીય પ્રસૂતિની સંખ્યામાં વધારે ઘટાડો થયો. વાહનોની અવરજવર ઉપર અંકુશ અને હોસ્પિટલોમાં વાયરસના સંક્રમણના  ડરને કારણે મહિલાઓ સંસ્થાકીય પ્રસૂતિથી દૂર રહી હતી.

Dr. Mantasa at the Chattar Gachh referral centre in Kishanganj's Pothia block:. 'A big part of my day goes in talking to women about family planning...'
PHOTO • Mobid Hussain

કિશનગંજના પોથિયા બ્લોકના છતર ગાછ રેફરલ સેન્ટરમાં ડો.મંતાસા: 'મારા દિવસનો મોટો ભાગ મહિલાઓ સાથે કુટુંબ નિયોજન વિશે વાત કરવામાં જાય છે ...'

'જ્યારે અમે ગર્ભનિરોધ વિશે માતા-પિતાને સમજાવીએ ત્યારે [પરિવારની] વૃદ્ધ મહિલાઓને તે ગમતું નથી. મને ઘાંટા પાડવામાં આવે  છે, અને જ્યારે હું વાત કરવાનું શરૂ કરું છું ત્યારે માતા અથવા દંપતીને ત્યાંથી જતા રહેવાનું  કહેવામાં આવે છે. આ બધું સાંભળીને સારું નથી લાગતું ... '

કિશનગંજ જિલ્લા મુખ્ય મથકથી 38 કિલોમીટર દૂર પોથિયા બ્લોકમાં છતર ગાછ  રેફરલ સેન્ટર / પ્રસૂતિ અને બાળ કલ્યાણ કેન્દ્રમાં નિયુક્ત કરાયેલા 36 વર્ષના ડૉ. મંતાસા કહે છે, "પરંતુ હવે તેમાં સુધારો થયો છે."  ડૉ. યાસ્મિનને  તેમની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેવા જ પડકારોનો સામનો તેઓ (મંતાસા) કરી રહ્યા છે  - તેમના પરિવારથી દૂર રહેવાનું અને ત્રાસજનક પ્રવાસ. તેમના પતિ ભાગલપુરમાં રહે છે અને નોકરી કરે છે અને તેમનો એકનો એક  દીકરો કટિહાર જિલ્લામાં તેના નાના-નાની  સાથે રહે છે.

ડો. મંતાસા (જેઓ  ફક્ત તેમની અટકનો ઉપયોગ કરે છે) એ ઉમેર્યું હતું,  "મારા દિવસનો મોટો ભાગ મહિલાઓ સાથે કુટુંબ નિયોજન, ગર્ભનિરોધકની પદ્ધતિઓ, બે બાળકોના જન્મ વચ્ચેના અંતર, આહાર વિશે વાત કરવામાં જાય છે." ગર્ભનિરોધક અંગે વાતચીત શરૂ કરવાનું કામ એ મહામુશ્કેલ કામ  છે - એનએફએચએસ -4 નોંધે છે કે કિશનગંજમાં  પરિણીત મહિલાઓમાંથી માત્ર 12.2 ટકાએ કુટુંબ નિયોજનની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, અને માત્ર 8.6 ટકા કેસોમાં આરોગ્ય કર્મચારીએ ગર્ભનિરોધકનો ઉપયોગ ન કરતી કોઈ મહિલા સાથે કુટુંબ નિયોજન  અંગે ક્યારેય વાત કરી હશે.

ડૉ. મંતાસા, જેઓ  ડૉ. યાસ્મિનની જેમ તેમના પરિવારના પહેલા તબીબ  છે, કહે છે, "જ્યારે અમે ગર્ભનિરોધ વિશે માતા-પિતાને સમજાવીએ ત્યારે [પરિવારની] વૃદ્ધ મહિલાઓને તે ગમતું નથી. મને ઘાંટા પાડવામાં આવે  છે, અને જ્યારે હું વાત કરવાનું શરૂ કરું  ત્યારે માતા અથવા દંપતીને [તેમની સાથે દવાખાને આવેલી વૃદ્ધ મહિલાઓ દ્વારા] ત્યાંથી જતા રહેવાનું  કહેવામાં આવે  છે. કેટલીકવાર જો હું ગામમાં હોઉં તો મને ત્યાંથી જતા રહેવાનું  કહેવામાં આવ્યું છે. આ બધું સાંભળીને સારું નથી લાગતું ...પરંતુ અમારે અમારું કામ તો કરવું જ પડશે.”

ડૉ. યાસ્મિન કહે છે, “મારા દિવંગત પિતા સૈયદ કુતુબદ્દીન અહેમદ મુઝફ્ફરપુરની સરકારી હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફમાં  હતા. તેઓ કહેતા કે મહિલા તબીબો હોવા જોઈએ તો જ મહિલાઓ આવશે. અને હું  (મહિલા તબીબ) બની. અને અમારે  અહીં ઘણા વધારે (મહિલા તબીબો) ની જરૂર છે."

ગ્રામીણ ભારતના  કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર  લખો

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

انوبھا بھونسلے ۲۰۱۵ کی پاری فیلو، ایک آزاد صحافی، آئی سی ایف جے نائٹ فیلو، اور ‘Mother, Where’s My Country?’ کی مصنفہ ہیں، یہ کتاب بحران زدہ منی پور کی تاریخ اور مسلح افواج کو حاصل خصوصی اختیارات کے قانون (ایفسپا) کے اثرات کے بارے میں ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Anubha Bhonsle
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar
Editor and Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik