તેઓ ઝડપી મેલેરિયા ટેસ્ટ કીટ શોધવા તેમની બેગમાંની વસ્તુઓ આઘીપાછી કરી બેગ ફંફોસે છે. બેગમાં દવાઓ, સલાઈનની બોટલો, આયર્ન સપ્લીમેન્ટ્સ, ઇન્જેક્શન, બીપી માપવાનું મશીન અને બીજું ઘણું ઠાંસી ઠાંસીને ભરેલું છે. જે મહિલાનો પરિવાર બે દિવસથી તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે મહિલા પલંગ પર થાકેલા સૂતા છે, તેમને ખૂબ તાવ છે. તેમનું પરીક્ષણ પોઝિટિવ આવે છે.

તેઓ ફરી એકવાર તેમની બેગ ફંફોસે છે, આ વખતે ઇન્ટ્રાવિનસ (આઈવી) સોલ્યુશન – 500 મિલી ડેક્સ્ટ્રોઝ સલાઈન - ની બોટલ શોધવા. મહિલાના પલંગ પર ચડીને તેઓ છતની એક બાજુથી બીજી બાજુ સુધી જતા બીમની આસપાસ કાળજીપૂર્વક પ્લાસ્ટિકની દોરી બાંધે છે, અને ઝડપથી ફટાફટ એક આઈવી બોટલને  તેની સાથે બાંધી દે છે.

35 વર્ષના જ્યોતિ પ્રભા કિસ્પોટ્ટા જેઓ છેલ્લા 10 વર્ષથી ઝારખંડના પશ્ચિમી સિંઘભૂમ જિલ્લામાં અને તેની આસપાસના ગામડાઓમાં તબીબી સેવાઓ આપી રહ્યા છે, તેઓ ન તો પ્રશિક્ષણ-પ્રાપ્ત અનુભવી ડોક્ટર છે કે ન તો પ્રશિક્ષિત નર્સ. તેઓ કોઈ સરકારી હોસ્પિટલ કે આરોગ્યસંભાળ કેન્દ્ર (હેલ્થકેર સેન્ટર) સાથે સંકળાયેલા નથી. પરંતુ પશ્ચિમી સિંઘભૂમના માત્ર નામની જ જાહેર આરોગ્ય વ્યવસ્થા ધરાવતા મુખ્યત્વે આદિવાસી ગામોના લોકો માટે ઓરાઓન આદિજાતિના આ યુવતી એ મૂંઝવણમાં તેમનો પહેલો સહારો છે, અને ઘણી વાર તેમની છેલ્લી આશા પણ.

પ્રાદેશિક સર્વેક્ષણો અનુસાર  ગ્રામીણ ભારતમાં 70 ટકાથી વધુ આરોગ્યસંભાળ સેવાઓ આરએમપી દ્વારા જ અપાય છે, જ્યોતિ પ્રભા એવા ઘણા 'આરએમપી' માંના એક છે. અહીં સામાન્ય રીતે કોઈ પણ ધારી લે એમ આરએમપી એટલે કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નથી, પરંતુ રુરલ મેડિકલ પ્રેક્ટિશનર (ગ્રામીણ તબીબી ચિકિત્સક) માટેનો એક ભ્રામક ટૂંકાક્ષર છે, જેમને ઉપહાસપૂર્વક ઝોળા છાપ ડોકટરો (ઊંટવૈદો) તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં સમાંતર ખાનગી આરોગ્યસંભાળ સેવા ચલાવતા કોઈ પ્રશિક્ષણ પ્રાપ્ત ન કરેલ આ તબીબી ચિકિત્સકોને શૈક્ષણિક જગતમાં  'ઊંટવૈદ' તરીકે તિરસ્કારપૂર્વક તુચ્છતાથી જોવામાં આવે છે અને આરોગ્યસંભાળ અંગેની સરકારી નીતિઓમાં અત્યંત દ્વિધાપૂર્વક.

આરએમપી ઘણીવાર ભારતમાં કોઈપણ માન્ય મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ હોતા નથી. તેમાંના કેટલાક હોમિયોપેથ અથવા યુનાની ડોકટરો તરીકે નોંધાયેલા હોઈ શકે છે, પરંતુ તેઓ એલોપેથિક દવાઓની પ્રેક્ટિસ અથવા તેનું વિતરણ કરે છે.

જ્યોતિ પાસે બિહાર સરકાર દ્વારા નોંધાયેલ હોવાનો દાવો કરતી કાઉન્સિલ ઓફ અનએપ્લોઈડ રુરલ મેડિકલ પ્રેક્ટિશનર્સ (બેરોજગાર ગ્રામીણ તબીબી ચિકિત્સકો) નામની ખાનગી સંસ્થામાંથી મળેલું એલોપેથિક મેડિસિનનું આરએમપી પ્રમાણપત્ર છે. તેઓએ ત્યાં 10000 રૂપિયા ચૂકવીને છ મહિનાનો કોર્સ કર્યો હતો. આ સંસ્થા હવે અસ્તિત્વમાં જ નથી.

Jyoti Prabha Kispotta administering dextrose saline to a woman with malaria in Borotika village of Pashchimi Singhbhum.
PHOTO • Jacinta Kerketta
Jyoti with a certificate of Family Welfare and Health Education Training Programme, awarded to her by the Council of Unemployed Rural Medical Practitioners
PHOTO • Jacinta Kerketta

ડાબે: જ્યોતિ પ્રભા કિસ્પોટ્ટા પશ્ચિમી સિંઘભૂમના બોરોતિકા ગામમાં મેલેરિયાથી પીડિત મહિલાને ડેક્સ્ટ્રોઝ સલાઈન આપી રહ્યા છે. જમણે: અનએમ્પ્લોઈડ રુરલ મેડિકલ પ્રેક્ટિશનર્સ કાઉન્સિલ દ્વારા એનાયત કરવામાં આવેલ પરિવાર કલ્યાણ અને આરોગ્ય શિક્ષણ તાલીમ કાર્યક્રમના પ્રમાણપત્ર સાથે જ્યોતિ

*****

જ્યોતિ દર્દીના મિત્રને સૂચનાઓ સાથે કેટલીક દવાઓ આપતા પહેલા આઈવી બોટલ ખાલી ન થાય ત્યાં સુધી રોકાય છે. ખરાબ રસ્તાઓને કારણે લગભગ 20 મિનિટ દૂર પાર્ક કરેલી તેમની બાઇક તરફ અમે પાછા ફરીએ છીએ.

પશ્ચિમી સિંઘભૂમ જિલ્લો ખનિજોથી સમૃદ્ધ છે પરંતુ અહીં માળખાકીય સુવિધાઓ અને હોસ્પિટલો, પીવાના શુદ્ધ પાણી, શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગાર જેવી પ્રાથમિક સુવિધાઓની પહોંચ અપૂરતી છે. સામાન્ય રીતે આ વિસ્તાર જ્યોતિનું કાર્યક્ષેત્ર છે. આ વિસ્તાર જંગલો અને પર્વતોથી ઘેરાયેલ અને અહીં રાજ્ય અને માઓવાદી વચ્ચે અવારનવાર સંઘર્ષ થતા રહે છે. અહીં જે થોડાઘણા રસ્તાઓ છે  તે પણ દુરસ્ત હાલતમાં નથી, અને મોબાઈલ કે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી છે કે પછી બિલકુલ જ નથી. ઘણી વાર જ્યોતિ માટે બીજા ગામ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો ત્યાં ચાલીને જવાનો જ હોય છે. કટોકટીના સમયે ગામ લોકો તેમને બોલાવી લાવવા સંદેશવાહકને સાયકલ પર મોકલે છે.

જ્યોતિ બોરોતિકા ગામમાં એક સાંકડા રસ્તાની ધારે એક માટીના મકાનમાં રહે છે જે રસ્તો તમને પશ્ચિમી સિંઘભૂમ જિલ્લાના ગોઈલકેરા બ્લોક લઈ જાય. આ લાક્ષણિક આદિવાસી ઘરની વચ્ચે એક રૂમની ચારે બાજુ ફરતે વરંડા છે. વરંડાના એક ભાગનું નવીનીકરણ કરીને તેને રસોડામાં ફેરવવામાં આવ્યો છે. ગામમાં વીજળીનો પુરવઠો અનિયમિત છે, અને ઘર મોટે ભાગે અંધારિયું લાગે છે.

આ ગામના  આદિવાસી ઘરોમાં બહુ બારીઓ હોતી નથી, અને લોકો ઘણીવાર દિવસના સમયે પણ નાનકડી ટોર્ચનો ઉપયોગ કરે છે અથવા  ઘરના એક ખૂણામાં ફાનસ મૂકે છે. જ્યોતિ અહીં પોતાના પતિ, 38 વર્ષના સંદીપ ધનવર, જેઓ પણ આરએમપી છે, પોતાની 71 વર્ષની માતા જુલિયાની કિસ્પોટ્ટા અને પોતાના ભાઈના આઠ વર્ષના દીકરા જોન્સન કિસ્પોટ્ટા સાથે રહે છે. જ્યોતિના પતિ સંદીપ ધનવર પણ આરએમપી છે

એક સાઇકલ સવાર જ્યોતિને શોધતો તેમના ઘર પાસે પહોંચે છે. તેઓ પોતાનું ભોજન (અધૂરું) છોડી દે છે અને નવા કેસની સંભાળ લેવા તાકીદે પોતાની બેગ સાથે લે છે. પોતાની દીકરીને જવાની તૈયારી કરતી જોઈ જુલિયાની સદરી ભાષામાં બૂમ પાડે છે “ભાત ખાય કે તો જાતે (તારું જમવાનું તો પૂરું કરીને જા).” જ્યોતિ કહે છે, “તેમને મારી હમણાં જ જરૂર છે. ભોજન મને ગમે ત્યાં મળશે. દર્દી મહત્ત્વપૂર્ણ છે."  માતા સાથે વાત કરતી વખતે તેમનો એક પગ (ઘરના) દરવાજાની બહાર છે. આ તેમના ઘરમાં અવારનવાર ભજવાતું દ્રશ્ય છે.

Jyoti’s mud house in Borotika village in Herta panchayat
PHOTO • Jacinta Kerketta
A villager from Rangamati village has come to fetch Jyoti to attend to a patient
PHOTO • Jacinta Kerketta

ડાબે: હેરતા પંચાયતના બોરોતિકા ગામમાં જ્યોતિનું માટીનું ઘર. જમણે: રંગામતી ગામના એક રહેવાસી દર્દીની સારવાર માટે જ્યોતિને બોલાવવા આવ્યા છે

જ્યોતિ  બોરોતિકા, હુતુતુઆ, રંગમતી, રોમા, કાંડી, ઓસાંગી સહિત હેરતા પંચાયતના 16 ગામોમાં કામ કરે છે. બધા ગામ 12 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા છે. દરેક કિસ્સામાં તેમણે કેટલુંક અંતર પગપાળા કાપવું પડે છે. આ ઉપરાંત કેટલીકવાર રૂંધીકોચા અને રોબકેરા જેવી બીજી  પંચાયતોમાં આવેલા ગામડાઓની મહિલાઓ પણ તેમને બોલાવે છે.

*****

લગભગ 30 વર્ષના ગ્રેસી એક્કા જ્યોતિએ તેમને મુશ્કેલ સમયમાં શી રીતે મદદ કરી તેની વાત કરતા અમને જણાવે છે, "2009 ની વાત છે, હું મારા પ્રથમ બાળક સાથે ગર્ભવતી હતી." તેઓ બોરોતિકામાં પોતાને ઘેર અમારી સાથે વાત કરી રહ્યા છે. તેઓ ઉમેરે છે, “બાળકનો જન્મ મધરાતે  થયો હતો. તે વખતે મારી સાથે મારા વૃદ્ધ સાસુ સિવાય જો કોઈ એકમાત્ર મહિલા હોય તો એ જ્યોતિ હતી. બાળજન્મ પછી મને બહુ જ ઝાડા થઈ ગયા હતા અને મને ખૂબ અશક્તિ લાગતી હતી. હું બેભાન થઈ ગઈ હતી. ત્યારે સતત જો કોઈએ મારી કાળજી લીધી હોય તો એ જ્યોતિ જ હતી."

ગ્રેસી યાદ કરે છે કે એ દિવસોમાં વાહનવ્યવહારની યોગ્ય સુવિધા કે તેમના ગામને જોડતા યોગ્ય રસ્તા નહોતા. ગ્રેસીને 100 કિલોમીટરથી વધુ દૂર ચાઈબાસા લઈ જવા માટે જ્યાં સુધી સરકારી નર્સ જરનાતી હેબ્રમનો સંપર્ક સાધી ન શકાયો ત્યાં સુધી (ગ્રેસીની સારવાર માટે) જ્યોતિએ સ્થાનિક ઔષધિઓ પર જ આધાર રાખ્યો હતો. નવી માતાને સાજા થઈ ફરી સંપૂર્ણ સ્વસ્થ થતા એક વર્ષ લાગ્યું. ગ્રેસી કહે છે, "એ  જ્યોતિ જ હતી જે મારા નવજાત બાળકને દૂધ પીવડાવવા માટે ગામની અન્ય સ્તનપાન કરાવતી મહિલાઓ પાસે લઈ જતી હતી. જ્યોતિ ન હોત તો આજે મારું બાળક જીવિત ન હોત."

ગ્રેસીના પતિ 38 વર્ષના સંતોષ કચ્છપ કહે છે કે ગામમાં બે વર્ષથી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં અઠવાડિયામાં એક વાર નર્સ બેસે છે. આ પીએચસી જ્યોતિના ઘરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે અને તેમાં કોઈ સુવિધા નથી. તેઓ ઉમેરે છે, “નર્સ ગામમાં રહેતી નથી. તે આવે છે અને તાવ જેવી નાની ફરિયાદોવાળા લોકોને તપાસે છે ને પછી પાછી જતી રહે છે. નર્સે નિયમિતપણે રિપોર્ટ મોકલવાનો હોય છે, પરંતુ ગામમાં ઇન્ટરનેટની સુવિધા નથી. તેથી તે અહીં રહી શકે તેમ નથી. જ્યોતિ ગામમાં રહે છે અને તેથી જ તે બહુ કામમાં લાગે છે." સગર્ભા સ્ત્રીઓ પીએચસી જતી નથી. તેઓ બાળકને ઘેર જ જન્મ આપવા માટે જ્યોતિની મદદ લે છે.

આજના દિવસે પણ જિલ્લાભરના ગામડાઓમાં કોઈ જ કાર્યરત પીએચસી નથી. ગોઇલકેરા બ્લોકમાં આવેલી હોસ્પિટલ બોરોતિકાથી 25 કિલોમીટર દૂર છે, અને આનંદપુર બ્લોકમાં તાજેતરમાં સ્થપાયેલ પીએચસી લગભગ 18 કિલોમીટર દૂર છે. એક નાનો 12-કિલોમીટરનો રસ્તો બોરોતિકાથી સેરેંગ્દા ગામ થઈને જાય છે અને જ્યારે તે કોએલ નદીને અડકે ત્યાં અટકી જાય છે. ઉનાળામાં નદીમાં ઓછું પાણી હોય ત્યારે લોકો આનંદપુર પહોંચવા નદી પાર કરી લે છે. પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં પૂર આવે છે અને એ રસ્તો બંધ થઈ જાય છે, પરિણામે હેરતા પંચાયતના ગામડાઓના લોકોને આનંદપુર જવા માટે - લગભગ 4 કિલોમીટર વધારે લાંબા - બીજા રસ્તાનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. નદીથી આનંદપુર સુધીની વચ્ચે વચ્ચે ડામરના તૂટેલા રસ્તાના નાના-નાના ટુકડાઓવાળી એક પથરાળ કાદવવાળી ગલી લગભગ 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થાય છે.

Graci Ekka of Borotika village says, “It was Jyoti who used to take my newborn baby to other lactating women of the village to feed the infant. My baby would not have survived without her.
PHOTO • Jacinta Kerketta
The primary health centre located in Borotika, without any facilities. Government nurses come here once a  week
PHOTO • Jacinta Kerketta

ડાબે: બોરોતિકા ગામના ગ્રેસી એક્કા કહે છે, "એ જ્યોતિ જ હતી જે મારા નવજાત બાળકને દૂધ પીવડાવવા માટે ગામની અન્ય સ્તનપાન કરાવતી મહિલાઓ પાસે લઈ જતી હતી. જ્યોતિ ન હોત તો આજે મારું બાળક જીવિત ન હોત." જમણે: કોઈપણ સુવિધાઓ વિનાનું બોરોતિકામાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. સરકારી નર્સો અહીં અઠવાડિયામાં એકવાર આવે છે

પહેલા એક બસ હતી જે લોકોને છેક ચક્રધરપુર શહેર સુધી લઈ જતી, પરંતુ એક અકસ્માત થયા પછી તે બંધ થઈ ગઈ હતી. હવે લોકો સાયકલ અને મોટરબાઈક પર આધાર રાખે છે, અથવા ચાલતા જાય છે. સગર્ભા સ્ત્રીઓ માટે આ રીતની મુસાફરી ઘણી વખત અશક્ય હોય છે. અને તે ઉપરાંત આનંદપુર પીએચસીમાં માત્ર સામાન્ય પ્રસૂતિ જ થઈ શકે છે. જો ગર્ભાવસ્થા જટિલ હોય અથવા ઓપરેશનની જરૂર હોય તો મહિલાઓએ આનંદપુરથી 15 કિલોમીટર વધારે દૂર મનોહરપુર જવું પડે  અથવા રાજ્યની સરહદ પાર કરીને ઓડિશામાં અંદર લગભગ 60 કિલોમીટર દૂર રાઉરકેલા જવું પડે.

જ્યોતિ કહે છે, “નાનપણથી મેં જોયું છે કે મહિલાઓ જ્યારે બીમાર પડે છે ત્યારે તેઓ સૌથી વધુ લાચાર હોય છે." જ્યોતિએ જોયું છે કે,  "પુરુષો [શહેરો અને નગરોમાં] કમાવા માટે બહાર જાય છે. નગરો અને હોસ્પિટલો એ બધું ગામડાથી બહુ દૂર હોય છે, અને ઘણીવાર મહિલાઓ તેમના પતિના પાછા ફરવાની રાહ જોતી રહે છે પરિણામે તેમની હાલત  વધુ કથળે છે. ઘણી મહિલાઓ માટે જો તેમના પતિ ગામમાં રહેતા હોય તો ય કંઈ કામના નથી, કારણ કે પુરુષો ઘણીવાર નશામાં હોય છે અને પત્નીની ગર્ભાવસ્થા દરમિયાન પણ તેમને મારતા હોય છે."

જ્યોતિ કહે છે, “પહેલાં આ વિસ્તારમાં એક દાઈ-મા (મિડવાઈફ) હતા. બાળજન્મ દરમિયાન મહિલાઓ માટે તેઓ એકમાત્ર સહારો હતા. પરંતુ ગામડાના મેળામાં કોઈએ તેમની હત્યા કરી નાખી. તેમના પછી ગામમાં આ માટેની કુશળતા ધરાવતા કોઈ મહિલા નથી."

દરેક ગામમાં એક આંગણવાડી સેવિકા અને એક સહિયા છે. સેવિકા ગામમાં બાળકોની નોંધ રાખે છે, અને સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ અને તેમના બાળકોના સ્વાસ્થ્યની સમીક્ષા કરે છે. સહિયા સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરે છે, પરંતુ ભોજન, પરિવહન અને રહેવાનો ખર્ચ દર્દીએ જાતે ઉઠાવવો પડે છે. લોકો સહિયાને બદલે જ્યોતિનો સંપર્ક સાધવાનું વધારે પસંદ કરે છે કારણ કે જ્યોતિ  ઘેર આવવા માટે ક્યારેય અલગથી ચાર્જ (પૈસા) લેતી નથી,  માત્ર દવાઓના પૈસા લે છે.

આવક માટે વરસાદ આધારિત ખેતી અને દાડિયા મજૂરી પર આધાર રાખતા આ ગામોના પરિવારોને એ ખર્ચો પણ ક્યારેક વધારે પડતો લાગે છે. પશ્ચિમી સિંઘભૂમની ગ્રામીણ વસ્તીના 80 ટકા થી વધુ લોકો કેઝ્યુઅલ અથવા ખેત મજૂરીમાં રોકાયેલા છે (જનગણતરી 2011). મોટાભાગના પરિવારોના પુરુષો કામ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સ્થળાંતર કરે છે.

The few roads in these Adivasi villages of Pashchimi Singhbhum are badly maintained. Often the only way to reach another village for Jyoti is by walking there.
PHOTO • Jacinta Kerketta
Jyoti walks to Herta village by crossing a stone path across a stream. During monsoon it is difficult to cross this stream
PHOTO • Jacinta Kerketta

ડાબે: પશ્ચિમી સિંઘભૂમના આ આદિવાસી ગામોમાં જે થોડાઘણા રસ્તાઓ છે તે પણ દુરસ્ત હાલતમાં નથી. ઘણી વાર જ્યોતિ માટે બીજા ગામ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો ત્યાં ચાલીને જવાનો જ હોય છે. જમણે: જ્યોતિ એક ઝરણામાં એક બાજુથી બીજી બાજુ સુધીનો પથ્થરનો રસ્તો ઓળંગીને ચાલીને હેરતા ગામ જાય છે. ચોમાસા દરમિયાન આ પ્રવાહને પાર કરવો મુશ્કેલ છે

*****

નીતિ આયોગના રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક ( નેશનલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ ના) અહેવાલ મુજબ ગ્રામીણ પશ્ચિમી સિંઘભૂમમાં - વંચિતતાના બિન-નાણાકીય સૂચકાંકોના આધારે - લગભગ 64 ટકા લોકો 'બહુપરિમાણીય રીતે ગરીબ' છે . અહીં મોટે ભાગે લોકો પાસે બે જ વિકલ્પ હોય છે. કાં તો ઊંચા ખર્ચે મફત સરકારી સુવિધાઓ સુધી પહોંચે  અથવા જ્યોતિની જેમ કોઈપણ આરએમપી પાસેથી મોંઘી દવાઓ ખરીદે, જે પોતાની ફી પાછળથી સમયાંતરે નાના-નાના હપ્તાઓમાં પણ સ્વીકારવા તૈયાર હોય છે.

વિલંબ ઘટાડવા માટે રાજ્ય સરકારે જાહેર આરોગ્ય સુવિધાઓ - મમતા વાહન અને સહિયાઓ - માટે જિલ્લા હોસ્પિટલોમાં કોલ સેન્ટરોની મદદથી મફત સેવાનું નેટવર્ક ગોઠવ્યું છે.  સગર્ભા મહિલાઓને આરોગ્ય સુવિધામાં લઈ જવા માટેની ટ્રાન્સપોર્ટ વાન વિશે વાત કરતાં જ્યોતિ કહે છે, "લોકો મમતા વાહન માટે એક ફોન નંબર પર કૉલ કરી શકે છે. પરંતુ ઘણી વખત વાહન ચાલકને લાગે કે સગર્ભા મહિલાની બચવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે તો તે વાહન ચલાવવાની ના પાડી દે  છે. આનું કારણ એ છે કે જો કોઈ મહિલા તેમના વાહનમાં મૃત્યુ પામે તો ડ્રાઈવર લોકોના ગુસ્સાનું નિશાન બને છે.”

બીજી તરફ જ્યોતિ બાળકને ઘેર જન્મ અપાવવામાં મહિલાઓની મદદ કરે છે અને તેઓ જે મદદ કરે છે તેના બદલામાં 5000 રુપિયા લે છે. બજારમાં 30 રુપિયામાં વેચાતી સલાઈન બોટલ ચડાવવાના તેઓ 700-800 રુપિયા લે છે. મેલેરિયાની સારવારના ડ્રિપ સિવાય ઓછામાં ઓછા 250 રુપિયા, ન્યુમોનિયાની દવાના 500-600 રુપિયા અને કમળો અથવા ટાઇફોઇડની સારવારના 2000-3000 રુપિયા થાય. એક મહિનામાં જ્યોતિના હાથમાં લગભગ 20000 રુપિયા આવે, જેમાંથી, તેમના કહેવા પ્રમાણે, અડધા દવાઓ ખરીદવા માટે ખર્ચાય.

પ્રતિચી (ઈન્ડિયા) ટ્રસ્ટ દ્વારા 2005માં પ્રકાશિત કરાયેલા અહેવાલ માં ગ્રામીણ ભારતમાં ખાનગી તબીબી ચિકિત્સકો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચે ચિંતાજનક સાંઠગાંઠ હોય તેવું જોવા મળે છે. અહેવાલ નોંધે છે, "પીએચસી  અને બીજા જાહેર આરોગ્ય સેવા એકમોમાં દવાઓની તીવ્ર અછત હોય છે, ત્યારે આ વિશાળ ખાનગી દવા બજાર - ઘણીવાર ડોકટરો દ્વારા અનૈતિક પ્રથાઓના  ઉપયોગ વડે અને તેને પ્રોત્સાહન આપીને - મુખ્યત્વે નિયમનકારી કાર્યપદ્ધતિની ગેરહાજરીને કારણે સામાન્ય લોકો પાસેથી આ રકમ કઢાવે છે."

Jyoti preparing an injection to be given to a patient inside her work area at home.
PHOTO • Jacinta Kerketta
Administering a rapid malaria test on a patient
PHOTO • Jacinta Kerketta

ડાબે: જ્યોતિ પોતાને ઘેર તેમની કામ કરવાની જગ્યામાં દર્દીને આપવા માટે ઈન્જેક્શન તૈયાર કરી રહ્યા છે. જમણે: દર્દીનું ઝડપી મેલેરિયા પરીક્ષણ કરી રહેલા (જ્યોતિ)

2020 માં ઝારખંડના મુખ્ય પ્રધાન દ્વારા શરૂ કરાયેલ રાજ્યની આરોગ્ય સમીક્ષા એ રાજ્યની આરોગ્યસંભાળ પ્રણાલીનું પહોંચ અને વિતરણની દ્રષ્ટિએ અત્યંત નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું હતું. આ સમીક્ષામાં, 2011ની વસ્તી ગણતરીના આધારે ભારતીય જાહેર આરોગ્ય ધોરણો અનુસાર, ઝારખંડમાં 3130 આરોગ્ય ઉપ-કેન્દ્રો, 769 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 87 સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની અછત દર્શાવાઈ હતી. રાજ્યમાં દર એક લાખની વસ્તીએ માત્ર 6 ડોકટરો, 27 પથારીઓ, 1 લેબ ટેકનિશિયન અને લગભગ 3 નર્સો છે. ઉપરાંત રાજ્યમાં નિષ્ણાત ડૉક્ટરની 85 ટકા જગ્યાઓ ખાલી છે.

છેલ્લા એક દાયકા પહેલાની પરિસ્થિતિમાં આજે ખાસ કોઈ બદલાવ આવ્યો નથી. ઝારખંડ ઇકોનોમિક સર્વેક્ષણ 2013-14 માં પીએચસીની સંખ્યામાં 65 ટકા, પેટા-કેન્દ્રોમાં 35 ટકા અને સીએચસીમાં 22 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે નિષ્ણાત તબીબી અધિકારીઓનો અભાવ એ સૌથી ચિંતાજનક મુદ્દાઓ પૈકી એક છે. આ અહેવાલે પુષ્ટિ કરી હતી કે સીએચસીમાં પ્રસૂતિશાસ્ત્રીઓ, ગાયનેકોલોજિસ્ટ્સ અને બાળરોગ નિષ્ણાતોની 80 થી 90 ટકાની ઉણપ જોવા મળી હતી.

આજે પણ રાજ્યની એક ચતુર્થાંશ વસ્તીને સંસ્થાકીય પ્રસૂતિની પહોંચ નથી અને રાજ્યની જરૂરિયાત કરતાં 5258  ડોકટરો ઓછા છે. 3.29 કરોડ લોકોની વસ્તીવાળા (જનગણતરી 2011) આ રાજ્યમાં તમામ જાહેર આરોગ્ય સુવિધાઓમાં થઈને માત્ર 2306 ડૉક્ટરો છે.

આવી અસમાન આરોગ્યસંભાળ પ્રણાલીમાં આરએમપી મહત્ત્વપૂર્ણ બની જાય છે. જ્યોતિ બાળકોને ઘેર જન્મ અપાવવામાં માતાઓની મદદ કરે છે અને પ્રસૂતિ પછીની સંભાળ રાખે છે, અને સગર્ભા સ્ત્રીઓને લોહતત્ત્વ (આયર્ન) અને વિટામિન સપ્લિમેન્ટ્સ પૂરા પાડે છે. તેઓ ચેપ અને સાધારણ  ઇજાઓના નાના-મોટા કેસો સંભાળે છે, અને તાત્કાલિક તબીબી સેવા આપે છે અને ગંભીર કેસોમાં પણ સંભાળ પૂરી પાડે છે. જટિલ કેસોમાં તે દર્દીને સરકારી હોસ્પિટલમાં દાખલ થવાની ભલામણ કરે છે અને (દર્દીને ત્યાં લઈ જવા માટે) પરિવહનની વ્યવસ્થા પણ કરી આપે છે અથવા તેમને સરકારી નર્સનો સંપર્ક કરાવી આપે છે.

*****

ઝારખંડ રુરલ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન (ગ્રામીણ તબીબી ચિકિત્સક સંગઠન) ના સભ્ય વીરેન્દ્ર સિંહના અંદાજ મુજબ ફક્ત પશ્ચિમી સિંઘભૂમમાં 10000 આરએમપી પ્રેક્ટિસ કરે છે. તેમાં 700 મહિલાઓ છે. તેઓ કહે છે, "આનંદપુર જેવા  નવા પીએચસીમાં કોઈ ડૉક્ટર નથી હોતા. આખું પીએચસી નર્સો દ્વારા જ ચલાવવામાં આવે છે. જ્યોતિ જેવા આરએમપી જ તેમના ગામોની સંભાળ રાખે છે પરંતુ તેમને સરકાર તરફથી કોઈ સહકાર મળતો નથી. પરંતુ તેઓ એ વિસ્તારના લોકોને સમજે છે કારણ કે તેઓ તેમની સાથે રહે છે. તેઓ જનતા સાથે જોડાયેલા છે." તેઓ પૂછે છે, "તમે તેમના કામની અવગણના કેવી રીતે કરી શકો?"

Susari Toppo of Herta village says, “I had severe pain in my stomach and was bleeding. We immediately called Jyoti."
PHOTO • Jacinta Kerketta
Elsiba Toppo says, "Jyoti reaches even far-off places in the middle of the night to help us women."
PHOTO • Jacinta Kerketta
The PHC in Anandpur block
PHOTO • Jacinta Kerketta

ડાબે: હેરતા ગામના સુસારી ટોપ્પો કહે છે, 'મને પેટમાં સખત દુખાવો થતો હતો અને લોહી પડતું હતું. અમે તરત જ જ્યોતિને ફોન કર્યો.' વચ્ચે: એલ્સિબા ટોપ્પો કહે છે, 'જ્યોતિ અમારી, મહિલાઓની, મદદ કરવા અધરાતે-મધરાતે દૂર-દૂરના સ્થળોએ પણ પહોંચી જાય છે.' જમણે: આનંદપુર બ્લોક સ્થિત પીએચસી

હેરતા ગામના 30 વર્ષના સુસારી ટોપ્પો કહે છે કે 2013માં જ્યારે તેઓ તેમના પહેલા બાળક સાથે ગર્ભવતી હતા ત્યારે બાળકે તેમના પેટમાં ફરવાનું બંધ કરી દીધું હતું. “મને પેટમાં સખત દુખાવો થતો હતો અને લોહી પડતું હતું. અમે તરત જ જ્યોતિને ફોન કર્યો. તેઓ આખી રાત અને બીજા દિવસે અમારી સાથે રહ્યા. તે બે દિવસમાં તેમણે દિવસની ત્રણ લેખે કુલ છ સલાઈનની બોટલો ચડાવી. આખરે મારી સામાન્ય પ્રસૂતિ થઈ." બાળકનું વજન 3.5 કિલો હતું. જ્યોતિને 5500 રુપિયા ચૂકવવાના થતા હતા પરંતુ પરિવાર પાસે તે વખતે માત્ર 3000 રુપિયા હતા. સુસારી કહે છે કે તેઓ બાકીની રકમ પછીથી લેવા સંમત થયા.

હેરતામાં લગભગ 30 વર્ષના એલિસાબા ટોપ્પો આશરે ત્રણ વર્ષ પહેલાના તેમના અનુભવનું વર્ણન કરતા તેઓ કહે છે, “ત્યારે હું જોડિયા બાળકો સાથે ગર્ભવતી હતી. મારા પતિ હંમેશની જેમ સંપૂર્ણપણે નશામાં હતા. હું હોસ્પિટલ જવા માગતી ન હતી કારણ કે મને ખબર હતી કે રસ્તાઓ ખરાબ છે.” તે ઉમેરે છે કે ઘરથી લગભગ ચાર કિલોમીટર દૂર મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે પણ ખેતરો અને ખુલ્લી ગટરોમાં થઈને ચાલવું પડે છે.

એલિસાબા રાત્રે  પેશાબ કરવા ખેતરો પાસે ગયા હતા ત્યારે તેમને વેણ ઉપડ્યું. અડધા કલાક પછી  તેઓ ઘરે પાછા આવ્યા  ત્યારે તેમના સાસુએ તેમને માલિશ કરી આપ્યું, પરંતુ દુખાવો ચાલુ રહ્યો. તેઓ કહે છે, “ત્યારે અમે જ્યોતિને બોલાવ્યા. તેઓ આવ્યા,  મને દવાઓ આપી અને તેમને કારણે જ હું સામાન્ય પ્રસૂતિથી ઘેર જ મારા જોડિયા બાળકોને જન્મ આપી શકી. તેઓ અમારી, મહિલાઓની, મદદ કરવા અધરાતે-મધરાતે દૂર-દૂરના સ્થળોએ પણ પહોંચી જાય છે."

ઈન્ટ્રાવિનસ સોલ્યુશનનો આડેધડ ઉપયોગ કરવા માટે આરએમપી જાણીતા છે.  બિહારમાં ઝારખંડમાં આરએમપી દ્વારા લગભગ દરેક પ્રકારની બિમારી માટે 'સલાઈન' તરીકે જાણીતા આઈવી સોલ્યુશનનો ઉપયોગ કરાતો હોવાનું પ્રતિચી અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. અભ્યાસમાં જણાયું હતું કે તે માત્ર બિનજરૂરી અને ખર્ચાળ છે એટલું જ નહિ પણ ઘણા કિસ્સાઓમાં તો તેની પ્રતિકૂળ અસર પણ જોવા મળે છે. અહેવાલમાં ટાંકવામાં આવ્યું હતું કે, "જેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા એ  'પ્રેક્ટિશનરો'એ (ચિકિત્સકોએ) ભારપૂર્વક જણાવ્યું હતું કે સલાઈન વિના કોઈ સારવાર થઈ શકતી નથી, કારણ કે 'સલાઈન શરીરમાં લોહી વધારે છે, પોષણ આપે છે અને ઝડપી રાહત પહોંચાડે છે.'"

તેમનું કામ જોખમી છે, પરંતુ જ્યોતિ નસીબદાર રહ્યા  છે. તેઓ દાવો કરે છે કે તેમની 15 વર્ષની પ્રેક્ટિસમાં તેમને એક પણ નિષ્ફળતા મળી નથી. તેઓ કહે છે કે, “જો મને ક્યારેય કોઈ કેસ હું સંભાળી શકીશ એવી ખાતરી ન હોય, તો હું હંમેશા દર્દીને મનોહરપુર બ્લોક હોસ્પિટલમાં મોકલી દઉં છું. અથવા હું તેમને મમતા વાહન બોલાવવામાં મદદ કરું છું કે પછી તેમને સરકારી નર્સનો સંપર્ક કરાવી આપું છું."

Jyoti seeing patients at her home in Borotika
PHOTO • Jacinta Kerketta
Giving an antimalarial injection to a child
PHOTO • Jacinta Kerketta

ડાબે: જ્યોતિ બોરોતિકામાં પોતાને ઘેર દર્દીઓને તપાસી રહ્યા છે. જમણે: બાળકને મલેરિયા વિરોધી ઈન્જેક્શન આપી રહેલા (જ્યોતિ)

જ્યોતિએ દ્રઢ નિશ્ચય દ્વારા જ આ કુશળતા હાંસલ કરી છે. તેઓ સેરેંગ્દાની સરકારી શાળામાં 6 ઠ્ઠા ધોરણ હતા ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. તે કારણે તેમના શાળાકીય અભ્યાસમાં મોટો અવરોધ ઊભો થયો હતો. જ્યોતિ યાદ કરે છે, “તે દિવસોમાં શહેરથી પાછા ફરી રહેલા એક મહિલા મને કામ અપાવવાના બહાને પટના લઈ ગયા અને મને એક ડોક્ટર દંપતી પાસે છોડી દીધી. એ લોકો મારી પાસે કચરા વળાવતા અને ઘર સાફ કરાવતા. એક દિવસ હું ત્યાંથી ભાગીને ગામમાં પછી આવી ગઈ."

પછીથી આનંદપુર બ્લોકના ચારબંદિયા ગામની કોન્વેન્ટ શાળામાં તેમણે ફરીથી તેમનું શિક્ષણ શરૂ કર્યું. તેઓ કહે છે, "ત્યાં જ દવાખાનામાં કામ કરતા નન્સને જોઈને મને પહેલી વાર નર્સિંગના કામમાંથી મળતો સંતોષ અને આનંદ સમજાયો. હું તેનાથી આગળ અભ્યાસ કરી શકી નહીં. મારા ભાઈએ કોઈક રીતે 10000 રુપિયાની વ્યવસ્થા કરી અને મેં એક ખાનગી સંસ્થામાંથી - એલોપેથિક મેડિસિનમાં રુરલ મેડિકલ પ્રેક્ટિશનરનો - કોર્સ કર્યો." આ ઉપરાંત તેમને ઝારખંડ રુરલ મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન તરફથી પ્રમાણપત્ર મળ્યું. કિરીબુરુ, ચાઈબાસા અને ગુમલાની અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં બે-ત્રણ મહિના સુધી ડોક્ટરોના મદદનીશ તરીકે કામ કર્યા પછી તેઓ તેમની પોતાની પ્રેક્ટિસ શરૂ કરવા માટે તેમના ગામમાં પાછા આવ્યા.

હેરતા પંચાયતમાં કામ કરતા સરકારી નર્સ જરનાતી હેબ્રમ, કહે છે: “તમે બહારથી આવતા હો તો આ વિસ્તારમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. જ્યોતિ પ્રભા ગામમાં પ્રેક્ટિસ કરે છે અને તેથી લોકોને મદદ મળી રહે છે.”

જ્યોતિ કહે છે, “સરકારી નર્સો મહિનામાં એકવાર ગામની મુલાકાત લે છે. પરંતુ લોકો તેમની પાસે સારવાર માટે જતા નથી કારણ કે તેઓ તેમના પર વિશ્વાસ કરતા નથી. અહીંના લોકો શિક્ષિત નથી. તેથી તેમના માટે દવાઓ કરતાં વધુ અનિવાર્ય પરિબળો છે ભરોસો અને વ્યવહાર."

ગ્રામીણ ભારતના  કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર  લખો

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jacinta Kerketta

اوراؤں آدیواسی برادری سے تعلق رکھنے والی جیسنتا کیرکیٹا، جھارکھنڈ کے دیہی علاقوں میں سفر کرتی ہیں اور آزاد قلم کار اور نامہ نگار کے طور پر کام کرتی ہیں۔ وہ آدیواسی برادریوں کی جدوجہد کو بیان کرنے والی شاعرہ بھی ہیں اور آدیواسیوں کے خلاف ہونے والی نا انصافیوں کے احتجاج میں آواز اٹھاتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jacinta Kerketta
Illustration : Labani Jangi

لابنی جنگی مغربی بنگال کے ندیا ضلع سے ہیں اور سال ۲۰۲۰ سے پاری کی فیلو ہیں۔ وہ ایک ماہر پینٹر بھی ہیں، اور انہوں نے اس کی کوئی باقاعدہ تربیت نہیں حاصل کی ہے۔ وہ ’سنٹر فار اسٹڈیز اِن سوشل سائنسز‘، کولکاتا سے مزدوروں کی ہجرت کے ایشو پر پی ایچ ڈی لکھ رہی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Labani Jangi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik