તે અન્ય આદિવાસી મહિલાઓ સાથે ખેતરોમાં કામ કરી રહી હતી ત્યારે તેમના ગામ સલીહાનો એક યુવાન તેમની પાસે દોડતો આવ્યો અને બૂમ પાડી: “એ લોકો ગામ પર હુમલો કરી રહ્યા છે, એ લોકોએ તમારા પિતા પર હુમલો કર્યો છે. એ લોકો આપણા ઝૂંપડાં સળગાવી રહ્યા છે. ”
"એ લોકો" સશસ્ત્ર બ્રિટિશ પોલીસ હતા જે રાજના વિરોધી ગણવામાં આવતા ગામ પર ત્રાટક્યા હતા. અન્ય ઘણા ગામો ઉજાડવામાં આવ્યા હતા, સળગાવી દેવામાં આવ્યા, તેમનું અનાજ લૂંટવામાં આવ્યું. વિદ્રોહીને તેમની જગ્યા બતાવવામાં આવી રહી હતી.
સાબર જાતિના આદિવાસી દેમતી દેઈ સાબર 40 અન્ય યુવતીઓ સાથે સલિહા તરફ દોડ્યા. વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાની કહે છે, "મારા પિતા લોહીથી લથબથ જમીન પર પડ્યા હતા. તેના પગમાં ગોળી વાગી હતી."
આ એ આમ તો મૂરઝાઈ ગયેલા મનને ફરી જીવંત કરતી સ્મૃતિ હતી. “મારું મગજ છટક્યું અને મેં બંદૂકધારી અધિકારી પર હુમલો કર્યો. તે દિવસોમાં, અમે બધા ખેતરોમાં અથવા જંગલમાં કામ કરવા જતા હતા ત્યારે લાઠીઓ લઈને જતા હતા. જો જંગલી પ્રાણીઓ સાથે ભેટો થઇ જાય તો તમારી પાસે કંઈક તો હોવું જોઈએ ને.
તેમણે જેવો અધિકારી પર હુમલો કર્યો, કે તેમની સાથેની અન્ય 40 મહિલાઓએ પણ બાકીના ઘોડેસવાર સૈનિકોની ટુકડી પર લાકડીઓ ફેરવી. "મેં બદમાશનો પીછો કરીને શેરીની બહાર હાંકી કાઢ્યા," તેઓ ગુસ્સાથી પણ હસતા હસતા બોલ્યા "લાકડીઓનો વરસાદ વરસાવીને. તેનું તો મગજ બહેર મારી ગયેલું ને એને સમજાયું જ નહિ કે શું કરે. એટલે એ દોડ્યો, દોડે રાખ્યો.” તેમણે ટીપીટીપીને માણસને ગામમાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ તે પોતાના પિતાને ઊંચકી અને ત્યાંથી દૂર લઇ ગયા. ત્યાર બાદ અન્ય આંદોલનનું નેતૃત્વ કરતા હતા એ સમયે તેમની (પિતાની) ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક સાબર આ વિસ્તારમાં બ્રિટિશ વિરોધી બેઠકોના મુખ્ય આયોજક હતા.



