પૂર્ણિમા ભૂયન કહે છે, “મને યાદ છે એ દિવસે તોફાન આવ્યું હતું અને મારા ઘર પર મૂશળધાર વરસાદ પડ્યો હતો. પછી મારી આંખ સામે મારું ઘર પડી ભાંગ્યું હતું અને [મુરી ગંગા] નદી તેને વહાવી ગઈ હતી." ખાસીમારામાં કંઈ કેટલીય વાર તેમનું ઘર ધરાશાયી થઈ હતું તેમાંથી એક વખતની વાત તેઓ કહી રહ્યા છે.

Gangasagar, West Bengal

હાલ 70 વર્ષથી વધુ ઉંમરના ભૂયન હવે દક્ષિણ 24 પરગણા જિલ્લાના સાગર બ્લોકમાં આવેલા નાના ટાપુ ઘોડામારા પરના ખાસીમારા ગામમાં રહેતા નથી. ઘોડામારાના 13 પરિવારોને 1993 માં પશ્ચિમ બંગાળ સરકારે ઘોડામારાથી હોડીની સવારી દ્વારા 45 મિનિટ જેટલે દૂર આવેલા સાગર ટાપુ પરના ગંગાસાગર ગામમાં જમીનનો નાનકડો ટુકડો આપ્યો હતો, પૂર્ણિમાનો પરિવાર પણ તેમાંથી એક હતો.

ઈન્ટરનેશનલ પર્સ્પેક્ટિવ્સ ઓન ક્લાઈમેટ ચેઈન્જ જર્નલમાં 2014 નું સંશોધનપત્ર  જણાવે છે કે ઘોડામારાની જમીનનો ભાગ 1970 ના દાયકાના મધ્યભાગથી સંકોચાતા સંકોચાતા હવે લગભગ અડધો જ રહી ગયો છે -  તેનો વિસ્તાર 1975 માં 8.51 ચોરસ કિલોમીટરમાંથી ઘટીને 2012 માં 4.43 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. આના ઘણા કારણો છે - સુંદરવન પ્રદેશમાં જ્યાં આ ટાપુ આવેલો છે ત્યાં નદી અને દરિયાકાંઠાનું ધોવાણ, પૂર, ચક્રવાત, મેન્ગ્રોવ્સનું નુકસાન, દરિયાની સપાટીમાં વધારો. આ પ્રક્રિયાઓ દ્વારા વિસ્થાપિત થયેલા ઘોડામારા પરના લોકોની કુલ સંખ્યા સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક ટાપુવાસીઓ માને છે કે, અલગ અલગ સમૂહોમાં લગભગ 4000 લોકોને સાગર ટાપુ અથવા કાકદ્વીપ અને નામખાના જેવા મુખ્ય ભૂમિ વિસ્તારોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

ભૂયનને એ દિવસ સ્પષ્ટપણે યાદ છે જ્યારે તેમનું ઘર તૂટી પડ્યું હતું, જોકે એ કયું વર્ષ હતું એ તેમને યાદ નથી. તેઓ કહે છે, “હું મારા પાડોશીના તળાવમાં વાસણો માંજતી હતી, ત્યાંથી મને મારું ઘર દેખાતું હતું. મારા પતિ બીમાર હતા, તેમને ટાઈફોઈડ થયો હતો. મારા પાડોશી, જેમનું ઘર અમારા ઘર કરતા મોટું હતું, તેમણે મારા પતિ અને અમારા બાળકોને એમને ઘેર લઈ આવવાનું મને કહ્યું હતું. વરસાદ શરૂ થઈ ગયો હતો, ભરતી આવવા માંડી હતી અને અમારું ઘર જે જમીન પર  બાંધવામાં આવ્યું હતું ત્યાં સુધી નદી પહોંચી ગઈ હતી. અમારું ઘર લાંબા સમય સુધી વરસાદ સામે ટક્કર ઝીલતું રહ્યું, પરંતુ પછી પૂર્વ તરફથી એક વાવાઝોડું આવ્યું અને વધુ વરસાદ લાવ્યું. થોડા જ સમયમાં ઘર [તૂટી પડ્યું ને] ગાયબ થઈ ગયું. નદી 10-12 વાર મારું ઘર વહાવી ગઈ છે.

Purnima Bhuyan shifted to Sagar island in 1993
PHOTO • Siddharth Adelkar
Montu Mondal migrated after his house was destroyed
PHOTO • Siddharth Adelkar

પૂર્ણિમા ભૂયન (ડાબે) નું ઘર 10-12 વખત બરબાદ થઈ ગયું એ પછી 1993 માં તેઓ સાગર ટાપુ પર સ્થળાંતરિત થઈ ગયા, અને મોન્ટુ મંડલ (જમણે) બે વાર પોતાનું ઘર ગુમાવ્યા પછી સ્થળાંતરિત થયા

પૂર્ણિમા કહે છે કે જ્યારે તેમનું ઘર વારંવાર નદીમાં વહી જતું હતું (એ કયા દાયકાઓમાં બન્યું હતું એ તેમને યાદ નથી) એ વર્ષો દરમિયાન તેમને સરકાર તરફથી કોઈ મદદ મળી નહોતી. માત્ર 1993 માં જે પરિવારોના ઘોડામારાના ઘરો નાશ પામ્યા હતા એમને સાગર ટાપુ પર જમીનના નાનકડા - માંડ એક એકરના - પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.

શક્ય હોત તો ભૂયને હજી આજે પણ ઘોડામારામાં જ રહેવાનું પસંદ કર્યું હોત. તેઓ નિસાસો નાખીને કહે છે, “હું તમને કહું કે મને એ જગ્યા કેમ ગમે છે. ત્યાં લોકો વધુ મદદરૂપ હતા. કોઈ પરિવાર પોતાનું ઘર ગુમાવે તો બીજો પરિવાર તરત જ નવું મકાન બનાવવા માટે તેમની જમીન ઓફર કરતા. અહીં એવું થતું નથી." દુર્ભાગ્યે, ખાસીમારા ગામ સંપૂર્ણપણે ડૂબી ગયું હતું અને 2011 ની વસ્તી ગણતરીમાં તેની વસ્તી શૂન્ય તરીકે નોંધવામાં આવી હતી. જોકે આ ટાપુ પરના બીજા છ ગામોમાંથી કેટલાક ગામોમાં લોકો હજી  પણ વસે છે - (વસ્તીગણતરી 2011 મુજબ) સમગ્ર ઘોડામારા ગ્રામ પંચાયત વિસ્તારની વસ્તી લગભગ 5000 છે (અને પછીના વર્ષોમાં આ વસ્તીમાં પણ ઘટાડો થયો છે).

ઘોડામારાના બીજા પરિવારો સાથે 1993 માં ગંગાસાગર પહોંચેલા મોન્ટુ મંડલ સાગર ટાપુ પર શરૂઆતના વર્ષોની મુશ્કેલીઓને ભૂલી શક્યા નથી. સરકાર દ્વારા તેમને ફાળવવામાં આવેલી જમીનમાં ખારાશનું પ્રમાણ વધુ હોવાને કારણે શરૂઆતમાં એ જમીન પર ખેતી થઈ શકતી ન હતી. ઉપરાંત પીવા અને ન્હાવા માટેના ચોખ્ખા પાણીની પણ અછત હતી. હાલ 65 વર્ષના મંડલે આજીવિકા રળવા માટે ખાડા ખોદવા અને સૂકવેલી માછલી વેચવા જેવા દાડિયા મજૂરીના કામ કર્યાં હતાં. તેમની 1.5 વીઘા (લગભગ અડધો એકર) જમીન પર તેમણે એક ઘર બનાવ્યું હતું અને સમય જતાં તેઓ ચોખાની ખેતી પણ કરી શક્યા હતા.

people getting down from the boat
PHOTO • Siddharth Adelkar
Ghoramara island
PHOTO • Siddharth Adelkar

જ્યાં મુરી ગંગા નદી દ્વારા પાળા ધોવાઈ ગયા છે ત્યાં જેમતેમ કરીને સંતુલિત કરેલું લાકડાનું તકલાદી પાટિયું હોડી અને ઘોડામારા ટાપુ વચ્ચે પુલ તરીકે કામ કરે છે

મંડલ ઘોડામારામાં રહેતા હતા ત્યારે નદીએ બે વાર તેમનું ઘર બરબાદ કરી નાખ્યું હતું. તેઓ કહે છે, “લગભગ 10-15 વર્ષ પહેલા સુધી ઘોડામારાની ઉત્તરથી દક્ષિણ તરફ ચાલવામાં 2-3 કલાક લાગતા હતા. હવે એ જ અંતર કાપવામાં તમને એક કલાકથી પણ ઓછો સમય લાગે."

કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓશનોગ્રાફિક સ્ટડીઝના પ્રો. સુગતા હઝરા કહે છે કે ઘોડામારાના વિસ્થાપિત ગ્રામવાસીઓને સરકાર દ્વારા 'આબોહવા શરણાર્થીઓ' તરીકે માન્યતા આપવામાં આવી નથી કારણ કે તેઓને દેશમાં ને દેશમાં જ આંતરિક સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તેઓ ઉમેરે છે, "પરંતુ તેઓને પર્યાવરણીય સ્થળાંતરિતો તરીકે ઓળખવામાં આવવા જોઈએ, સરકારે આવો એક વિશેષ વર્ગ ઊભો કરવો જોઈએ, અને આ લાચાર લોકો માટે ગૌરવ અને ન્યાય સુનિશ્ચિત કરવા જોઈએ."

જુઓ વીડિયોઃ 'ઘોડામારા સુખચેનની અને સોનાની ભૂમિ હતી'

સાગર ટાપુ પરના એક કાર્યકર્તા (જેઓ પોતાનું નામ જાહેર કરવા ઈચ્છતા નહોતા) તેમના જણાવ્યા અનુસાર 1970 થી 1990 ના દાયકા સુધી જ્યારે લોકો ઘોડામારાથી સાગર ટાપુ પર સ્થળાંતરિત થયા ત્યારે સ્થળાંતરિતો અને સ્થાનિકો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ હતું. તેઓ કહે છે, “માછીમારી માટેના વિસ્તારો ઘોડામારાના લોકોને આપી દેવામાં આવ્યા હતા એથી સ્થાનિક લોકો નારાજ હતા. તાજા પાણીની જરૂરિયાત ધરાવતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. સમય જતાં આ તણાવ ઓછો થતો ગયો.”

મંડલ અને ભૂયન ઘોડામારા ટાપુ પરના લોકોનો સદ્વ્યવહાર યાદ કરે છે, પરંતુ ઘોડામારા માત્ર હોડીની એક ટૂંકી સવારી જેટલું દૂર હોવા છતાં તેઓ ત્યાં ક્યારેય ગયા નથી. દરમિયાન જેઓ ઘોડામારામાં રહે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોને ઘેર પરત લઈ જવા સવારી મળે એની રાહ જોતા શેખ દિલજાન ઘોડામારાના લેન્ડિંગ પોઈન્ટ પાસે તેમની સાઈકલ રિક્ષાની બાજુમાં ઊભા છે. આ ટાપુ પાસે હાલમાં જેટી કે ઉતરાણ વિસ્તાર નથી - નદીનું પાણી એ બધુંય તાણી ગઈ છે. જેમતેમ કરીને સંતુલિત કરેલું લાકડાનું તકલાદી પાટિયું હોડી અને આ ટાપુ વચ્ચે પુલ તરીકે કામ કરે છે. પાળાના મોટા ભાગનું પણ ધોવાણ થઈ ગયું છે, પરિણામે એ જમીન પર ચાલવું મુશ્કેલ બન્યું છે.

વીડિયો જુઓ: તેમના પગ નીચેની ગાયબ થતી જતી જમીન

થોડી ફેરીઓ કરીને દિલજાન દિવસના 200-300 રુપિયા કમાય છે. પોતાની આવક વધારવા માટે ચાર વર્ષ પહેલા તેમણે નાગરવેલનાં પાન ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. તેઓ કહે છે, “આ વાવેતર એક વર્ષથી પણ ઓછા સમયમાં ધોવાઈ ગયું હતું. નદી આટલી ઝડપથી જમીનની નજીક આવી જશે એવું મેં ધાર્યું નહોતું."

ઘોડામારાની ખારી જમીન અને પાણી કૃષિ વિકલ્પોને મર્યાદિત કરે છે અને ટાપુ પરના ઘણા લોકો નાગરવેલનાં પાન જેવા રોકડિયા પાકની ખેતી કરવા તરફ વળ્યા છે. રેતાળ કાંપની જમીન, ખારાશ વધવાની સંભાવના ધરાવતી હોવા છતાં નાગરવેલનાં પાન ઉગાડવા માટે યોગ્ય છે. ટાપુવાસીઓ તેમના વાવેતરના રક્ષણ માટે દેવી બિંદુબાશિનીની પ્રાર્થના કરવા માટે જાણીતા છે. પરંતુ આ પ્રાર્થના પણ દિલજાનના નાગરવેલનાં પાનને બચાવી શકી નહીં.

આજીવિકાના મર્યાદિત વિકલ્પો ઉપરાંત ઘોડામારાના રહેવાસીઓને શાકભાજી અને અનાજ જેવી દૈનિક જરૂરિયાતો માટે (અડધો કલાકની મુસાફરી કરીને) કાકદ્વીપ શહેર સુધી જવું પડે છે. ઘોડામારામાં એક આરોગ્ય ઉપ-કેન્દ્ર ટાપુ પરના આશરે 5000 લોકોની આરોગ્ય સંબંધિત પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે છે. જો કે, ગંભીર બીમારીઓની સારવાર માટે રહેવાસીઓને કાકદ્વીપની હોસ્પિટલમાં જવું પડે છે.

portrait
PHOTO • Siddharth Adelkar
paan leaves cultivation
PHOTO • Siddharth Adelkar

કામના વિકલ્પોના અભાવે શેખ દિલજાને ઘોડામારામાં નાગરવેલનાં પાનની ખેતી કરી હતી, પરંતુ એક વર્ષથી ઓછા સમયમાં તેમનું વાવેતર ધોવાઈ ગયું હતું

દિલજાન કહે છે, “મારી પત્ની અને બે દીકરાઓ સાથે આ સંકોચાતા જતા ટાપુને છોડવામાં મને આનંદ થશે. પરંતુ સરકાર અમને બીજે ક્યાંય જમીન આપતી નથી." અહેવાલો જણાવે છે કે 1993 પછી ઉપલબ્ધ જમીનની અછતને કારણે સરકારે લોકોને સાગર ટાપુ પર લોકોને પુન:સ્થાપિત કરવાનું બંધ કરી દીધું છે.

સાગર ટાપુ પર કામના અભાવે ઘણા પરિવારોના પુરુષોને કામની શોધમાં પશ્ચિમ બંગાળની બહાર સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. બીજી એ ચિંતા છે કે - સાગર ટાપુ પણ દર વર્ષે સંકોચાઈ રહ્યો છે અને અહીંની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, અને તેના રહેવાસીઓ ફરી એકવાર તેમની જમીનો અને ઘરો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.

અમે દિલજાન સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ અમને તેમની રિક્ષામાં આ ટાપુ પર એક એવી જગ્યા પર લઈ જાય છે જ્યાં નદી જમીનનો મોટો હિસ્સો ગળી ગઈ છે, રંજીતા પુરકૈત અમારી વાતચીતમાં જોડાય છે. તેમનું ઘર, જે એકવાર ધોવાઇ ગયું હતું, તે નદી કિનારેથી થોડાક મીટર દૂર છે.તેઓ કહે છે, “શક્ય છે કે મારું આ ઘર પણ ધોવાઈ જાય. સરકારે શું કર્યું છે? કંઈ જ નહીં. ઓછામાં ઓછું સરકાર પાળાઓને મજબૂત કરી શકી હોત! કેટલાય પત્રકારો આવીને ફોટા ખેંચીને ગાયબ થઈ જાય છે. પણ અમારી સ્થિતિમાં ક્યારેય કોઈ ફેરફાર થયો નથી. સરકાર અમને બીજે ક્યાંય જમીન આપશે? આ ટાપુ સંકોચાઈ રહ્યો છે અને અમારા ઘરો અને જમીનો ગાયબ થઈ રહ્યા છે. કોઈને કંઈ પડી નથી."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Urvashi Sarkar

ଉର୍ବଶୀ ସରକାର ହେଉଛନ୍ତି ଜଣେ ସ୍ୱାଧୀନ ସମ୍ବାଦିକା ଓ ୨୦୧୬ ପରୀ ଫେଲୋ

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ଉର୍ବଶୀ ସର୍କାର
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Maitreyi Yajnik