તેઓ બોલવાનું શરૂ કરે છે, પરંતુ અધવચ્ચે જ અટકી જાય છે. ઊંડો શ્વાસ લઈને, તેઓ ફરી પ્રયાસ કરે છે. પણ તેમનો અવાજ કંપી ઉઠે છે. તેઓ નીચે જુએ છે, અને તેમની હડપચી કંપી જાય છે. અનિતા સિંહ લગભગ એક વર્ષથી બહાદુરી સાથે લડી રહ્યા છે. પરંતુ, તેમના પતિની યાદ ભૂલાવી શકાય તેમ નથી. ૩૩ વર્ષીય અનિતા કહે છે, “અમારું નાનું અને સુખી કુટુંબ હતું. મારા પતિ અમારા મોભ હતા.”
અનિતાના પતિ, ૪૨ વર્ષીય જયકર્ણ સિંહ, ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ૨૦ કિલોમીટર દૂર લાખોટી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેમને એપ્રિલ ૨૦૨૧માં કોવિડ-૧૯ ના લક્ષણો દેખાવા લાગ્યા. જ્યારે અમે અનિતાને તેમના ઘેર મળ્યા ત્યારે તેઓ કહે છે, “તેમને શરદી, ખાંસી અને તાવ હતો. જ્યારે કોરોનાની બીજી લહેર ચાલુ હતી ત્યારે પણ શિક્ષકોને શાળાએ જવાની ફરજ પાડવામાં આવી હતી. એ દિવસો દરમિયાન તેમને ચેપ લાગ્યો હશે.”
૨૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ જયકર્ણનું કોરોના વાયરસનું પરીક્ષણ પોઝીટીવ આવ્યું. જ્યારે તેઓ શ્વાસ લેવા માટે હાંફતા હતા, ત્યારે શહેરની કોઈપણ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ઉપલબ્ધ નહોતા. અનિતા યાદ કરે છે, “મેં ઘણી હોસ્પિટલોમાં આજીજી કરી, પરંતુ તે બધાએ ના [પાડી દીધી. અમે ઘણા ફોન કોલ્સ કર્યા કારણ કે તેમની તબિયત ઝડપથી બગડી રહી હતી. પરંતુ કંઈ થયું નહીં. અમારે તેમની સારવાર ઘેર જ કરવી પડી હતી.”
સ્થાનિક ડોકટરે જયકર્ણને તાવ અને ઉધરસની સારવાર કરી હતી. અનિતાના સંબંધીઓએ કોઈક રીતે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી. અનિતા કહે છે, “અમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા નહોતા. અમારે તે જાતે જ શીખવું પડ્યું હતું. પરંતુ અમે હોસ્પિટલની પથારી શોધતા રહ્યા હતા.”
મહામારીના લીધે ભારતની સાર્વજનિક સ્વાસ્થ્યની માળખાકીય સુવિધાઓની કફોડી હાલતનો પર્દાફાશ થયો, ખાસ કરીને ગામડાઓ અને નાના શહેરોમાં. દેશના કુલ સ્થાનિક ઉત્પાદનમાંથી માત્ર ૧.૦૨% જ આરોગ્ય પાછળ ખર્ચવામાં આવે છે, આથી લોકો માટે તેના પર નિર્ભર રહેવા માટે વધારે કંઈ નથી. નેશનલ હેલ્થ પ્રોફાઈલ ૨૦૧૭ અનુસાર, દેશમાં ૧૦,૧૮૯ વ્યક્તિઓ દીઠ ફક્ત એક જ સરકારી એલોપેથિક ડોક્ટર છે, અને દર ૯૦,૩૪૩ લોકો દીઠ માત્ર એક જ સાર્વજનિક હોસ્પિટલ છે.
ઓક્સફેમ ઈન્ડિયા દ્વારા ગયા વર્ષે જુલાઈમાં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ - અસમાનતા અહેવાલ ૨૦૨૧: ભારતના અસમાન સ્વાસ્થ્ય માળખાની સ્ટોરીમાં નોંધવામાં આવ્યું હતું કે ૨૦૨૦માં દેશના દર ૧૦,૦૦૦ લોકો દીઠ ફક્ત ૫ હોસ્પિટલ બેડ્સ અને ૮.૬ ડોકટરો હતા. અને ગ્રામીણ ભારતમાં દેશની કુલ વસ્તીના ૭૦ ટકા લોકો રહેતા હોવા છતાં, ત્યાં કુલ હોસ્પિટલના બેડ્સના માત્ર ૪૦ ટકા જ હતા.
જયકર્ણના મૃત્યુ સાથે અનિતાની હોસ્પિટલની પથારી શોધવાની ઝુંબેશનો અંત આવ્યો. ૨૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ હાંફતા હાંફતા તેઓ મોતને ભેટી ગયા. બે દિવસ પછી તેમણે મતદાન ફરજ પર જવાનું હતું. મહામારી ચરમસીમાએ હતી તેમ છતાં રાજ્ય સરકારે પંચાયતની ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું.
યુપીની પંચાયત ચૂંટણી (એપ્રિલ ૧૫-૨૯, ૨૦૨૧) માં ફરજિયાત ડ્યુટી પર ગયેલા અન્ય લોકોએ પણ ભારે કિંમત ચૂકવી હતી. મે મહિનો અડધો થયો ત્યાં સુધીમાં, ઓછામાં ઓછા ૧,૬૨૧ શિક્ષકો કોવિડ-૧૯ અથવા ‘કોવિડ જેવા’ લક્ષણો ના કારણે મૃત્યુ પામ્યા હતા.
રાજ્ય સરકારે દરેક પરિવારને ૩૦ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. પરંતુ, અનિતાને તેમાંથી કંઈ મળ્યું નથી, કારણ કે ડ્યુટી પર જવાના બે દિવસ પહેલા જયકર્ણનું નિધન થયું હતું. તેઓ કહે છે, “આ યોગ્ય નથી.” આટલું કહીને તેઓ ભાંગી પડે છે. “તેઓ એક પ્રમાણિક સરકારી સેવક હતા. અને બદલામાં અમને આવું મળે છે. હું મારા બાળકોની સંભાળ કઈ રીતે રાખીશ? હું તેમના માટે સારું કરવાનું ઈચ્છું છું. પણ પૈસા વગર કંઈ કરી શકું તેમ નથી.”
જયકર્ણનો માસિક પગાર ૭૦,૦૦૦ રૂપિયા હતો. તેઓ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેમના મૃત્યુ પછી અનિતાને બુલંદશહરની એક પ્રાથમિક શાળામાં દયાના આધારે નોકરી મળી. “મારો પગાર ૨૦,૦૦૦ રૂપિયા છે. તેમની ૭ વર્ષની પુત્રી અંજલિ અને ૧૦ વર્ષનો પુત્ર ભાસ્કર હજુ શાળાએ જતા નથી. અનિતા કહે છે, “હું ઘર ચલાવવા માટે સંઘર્ષ કરી રહી છું.”
ઓક્સફેમ ઇન્ટરનેશનલ દ્વારા જાન્યુઆરી ૨૦૨૨માં બહાર પાડવામાં આવેલા ઇનઇક્વાલીટી કિલ્સ નામના એક અહેવાલ મુજબ, મહામારીની શરૂઆતમાં ભારતમાં ૮૪ ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો હતો. માર્ચ ૨૦૨૧માં અમેરિકા સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકાશિત એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું કે ભારતમાં મધ્યમ વર્ગમાં લગભગ ૩૨ મિલિયન જેટલા લોકોનો ઘટાડો થયો હતો. જ્યારે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યામાં (દિવસમાં $૨ કે તેના કરતા ઓછી આવક વાળા) ૭૫ મિલિયનનો વધારો થયો હતો.
માર્ચ ૨૦૨૦માં અચાનક લદાયેલા કોવિડ લોકડાઉનને કારણે સર્જાયેલી નોકરીની અછત અને નબળા આરોગ્ય માળખાના કારણે સમગ્ર દેશમાં ઘરોની ખરીદ શક્તિમાં ભારે ઘટાડો થયો. અને જ્યારે સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓ કોવિડ-૧૯ના કેસોથી ઓવરલોડ થઈ ગઈ હતી, ત્યારે ઘણા પરિવારોએ તેમને પોસાતું ન હોવા છતાંય ખાનગી હોસ્પિટલો તરફ વળવું પડ્યું હતું.
રેખા દેવીનો પરિવાર તેમાંનો એક હતો. એપ્રિલ ૨૦૨૧માં, તેમના ભાભી ૨૪ વર્ષીય સરિતાને વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેમને ત્યાં યોગ્ય સારવાર ન મળી, એટલે રેખાએ તેમને ત્યાંથી ખસેડી લીધા. ચંદૌલી જિલ્લાના તેંડુઆ ગામમાં તેમની ઝૂંપડીની બહાર બેસેલા ૩૬ વર્ષીય રેખા કહે છે, “અમારી આસપાસ લોકો મરી રહ્યા હતા. સરિતાને કોવિડ નહોતો. પરંતુ તેમના પેટનો દુઃખાવો ઓછો થતો ન હતો. હોસ્પિટલમાં દર્દીઓની વધારે સંખ્યાને કારણે કોઈ ડોક્ટર તેમના પર ધ્યાન આપતા ન હતા. શું થઈ રહ્યું છે તેના કોઈ ખ્યાલ વગર તેઓ પથારી પર પડ્યા રહ્યા.
બીએચયુ ખાતેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા એના એક અઠવાડિયા પહેલાંથી જ સરિતા બીમાર હતા. તેમના ૨૬ વર્ષના પતિ ગૌતમ તેમને સૌપ્રથમ સોનભદ્ર નગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેઓ રહે છે. તે ચંદૌલીના નૌગઢ બ્લોકમાં આવેલા તેમના ગામ તેંડુઆથી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે. રેખા કહે છે, “તે હોસ્પિટલે તેમને એક દિવસ માટે દાખલ કરીને ૧૨,૦૦૦ રૂપિયા પડાવી લીધા અને કહ્યું કે તેમને વધુ સારવાર માટે બીજે ક્યાંક ખસેડવાની જરૂર છે. ગૌતમે આવું કરવાની ના પાડી તો હોસ્પિટલે કહ્યું કે તેઓ ગમે ત્યારે મરી શકે છે. આથી તેઓ ડરી ગયા અને સરિતાને લઈને મારી પાસે આવ્યા. પછી અમે તરત જ બીએચયુ ગયા.”
વારાણસી હોસ્પિટલ તેંડુઆથી લગભગ ૯૦ કિલોમીટર દૂર છે. ગૌતમ અને રેખાએ ત્યાં જવા માટે ૬,૫૦૦ રૂપિયામાં એક વાહન ભાડે કર્યું હતું. સરિતાને બીએચયુ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી, તેઓ તેમને વારાણસી અને નૌગઢ બ્લોકની વચ્ચે આવતા ચાકિયા શહેરમાં લઈ ગયા. એ મુસાફરીમાં તેમને ૩,૫૦૦ રૂપિયા ખર્ચ થઈ ગયો. “ચાકિયાની એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરીને એક અઠવાડિયા સુધી તેમની સારવાર કરી, અને પછી તેઓ બિમારી માંથી સાજા થયા,” રેખા કહે છે, જેમને હજુ પણ ખબર નથી કે તે ‘પેટમાં દુઃખાવા’ સિવાય બીજું શું હતું. “પરંતુ તેમનો મેડિકલ ખર્ચ એક લાખ સુધી પહોંચી ગયો.”
રેખા અને તેમના સંબંધીઓ ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિમાં આવતા જાટવ સમુદાયના છે. તેઓ ખેતમજૂર તરીકે કામ કરીને દૈનિક ૨૦૦ રૂપિયા કમાય છે. ગૌતમ સોનભદ્રમાં પથ્થરની ખાણોમાં કામ કરીને દૈનિક ૨૫૦ રૂપિયા કમાય છે. રેખા કહે છે, “લોકડાઉન [માર્ચ ૨૦૨૦] પછી તેમને ભાગ્યે જ કામ મળે છે. મહિનાઓ સુધી અમારી કોઈ આવક નહોતી.” તેઓ કહે છે કે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેમણે લોકડાઉન દરમિયાન ખાણોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને છૂપી રીતે કામ કરવું પડ્યું હતું. “અમે મુખ્યત્વે સરકાર અને સ્થાનિક એનજીઓ દ્વારા આપવામાં આવતા મફત રેશન પર ગુજારો કર્યો હતો. સરિતાની બિમારીમાં આટલો બધો ખર્ચ થશે એવું તેમણે વિચાર્યું નહોતું.”
ઓક્સ્ફેમ ઇન્ડિયા દ્વારા નવેમ્બર ૨૦૨૧માં બહાર પાડવામાં આવેલ સર્વેક્ષણ અહેવાલ - ભારતમાં દર્દીઓના અધિકારોની સુરક્ષામાં નોંધવામાં આવ્યું હતું કે યુપીના ૪૭૨ ઉત્તરદાતાઓમાંથી ૬૧.૪૭% ને સારવારમાં થનારા અંદાજિત ખર્ચ વિષે જાણ કરવામાં નહોતી આવી. દેશભરમાં ૩,૮૯૦ ઉત્તરદાતાઓમાંથી ૫૮ ટકા લોકોએ આવી જ પરિસ્થતિનો સામનો કર્યો હતો, જે દર્દીઓના અધિકારોનું ઉલ્લંઘન છે. રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશન દ્વારા તૈયાર કરાયેલા ૧૭-મુદ્દાઓ વાળા ચાર્ટર ઓફ પેશન્ટ્સ રાઈટ્સ અનુસાર, દર્દી અને તેમની સંભાળ રાખનારાઓને “દરેક પ્રકારની સેવા માટે હોસ્પિટલ દ્વારા વસૂલવામાં આવતા દરો અંગે માહિતી મેળવવાનો અધિકાર છે.”
સરિતાના હોસ્પિટલ ખર્ચની ચુકવણી કરવા માટે રેખાએ તેમની બે એકર જમીનનો ત્રીજો ભાગ અને કેટલાક દાગીના ગિરવે મુકવા પડ્યા હતા. તેઓ કહે છે, “શાહુકાર અમારી પાસેથી મહિને ૧૦ ટકાના દરે વ્યાજ વસૂલ કરે છે, તેથી અમે માત્ર વ્યાજની જ ચુકવણી કરી રહ્યા છીએ, જ્યારે મૂડી [૫૦,૦૦૦ રૂપિયા] બાકી છે. હું વિચારું છું કે આ દેવામાંથી અમે ક્યારે છુટકારો મેળવશું.”
યુપીના ઘણા ગામડાઓમાં મહામારીના પ્રથમ ત્રણ મહિનામાં (એપ્રિલથી જૂન ૨૦૨૦) લોકોનું દેવું ૮૩ ટકા વધ્યું છે. જમીન પર કામ કરતી સંસ્થાઓના સમૂહ COLLECT દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં નવ જિલ્લાઓમાંથી માહિતી એકઠી કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે જુલાઈ-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦માં દેવાદારીમાં અનુક્રમે ૮૭% અને ૮૦% નો વધારો થયો હતો.
૬૫ વર્ષીય મુસ્તકીમ શેખ વધારે કમનસીબ હતા.
ગાઝીપુર જિલ્લાના જલાલાબાદ ગામમાં એક એકરથી ઓછી જમીન ધરાવતા નાના ખેડૂત, મુસ્તકીમને માર્ચ ૨૦૨૦માં કોવિડ-૧૯ ફાટી નીકળ્યાના દિવસો પહેલા લકવો થયો હતો. તેનાથી તેમની ડાબી બાજુ નબળી પડી ગઈ હતી, જેના કારણે તેઓ લંગડાતા ચાલવા માટે મજબૂર થઈ ગયા હતા. તેઓ કહે છે, “મારે ચાલવા માટે લાકડીની જરૂર છે. પરંતુ હું તેને મારા ડાબા હાથ વડે બરાબર પકડી શકતો નથી.”
તેઓ પોતાના ખેતરમાં કામ કરવા માટે અક્ષમ છે અને મજૂરી કામ કરવાની આશા સેવી શકે તેમ પણ નથી. મુસ્તકીમ કહે છે, “તેના કારણે મને રાજ્યમાંથી સિનિયર સિટીઝન તરીકે મળતા હજાર રુપિયાના પેન્શન પર હું સંપૂર્ણપણે નિર્ભર બની ગયો છું. મારી આવી સ્થિતિ જોઇને, કોઈ મને ઊછીના પૈસા આપતું નથી કારણ કે બધાને ખબર છે કે હું તેમના પૈસા પાછા આપવા માટે કંઈ પણ કમાણી કરી શકું તેમ નથી.” તેમની પાસે તેઓ આધાર રાખી શકે તેવી બીજી કોઈ બચત પણ નહોતી. નેશનલ હેલ્થ પ્રોફાઈલ ૨૦૨૦ મુજબ, ગ્રામીણ યુપીમાં ૯૯.૫% લોકો પાસે કોઈપણ પ્રકારનો સ્વાસ્થ્ય વીમો નથી કે ન તો તેમને સ્વાસ્થ્ય ખર્ચ માટે મદદ કરે એવી યોજના મળે છે.
આથી જ્યારે મુસ્તકીમની ૫૫ વર્ષીય પત્ની સૈરુનને પણ સ્ટ્રોક આવ્યો ત્યારે તેમને શંકા ગઈ કે તે મગજનો સ્ટ્રોક જ હશે, પણ તેઓ તેમની સારવાર કરાવવા માટે વધુ કંઈ કરી શક્યા નહીં. તેઓ કહે છે, “તેમને સ્ટ્રોક આવ્યો અને તેઓ નીચે પડી ગયા. એનાથી તેમની કરોડરજ્જુને નુકસાન થયું હતું.” આ એપ્રિલ ૨૦૨૦માં થયું હતું જ્યારે દેશમાં મહામારીનો ચેપ ફેલાવાની શરૂઆત થઈ હતી. “હું તેમને આઝમગઢની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ તે કોવિડ સેન્ટરમાં ફેરવાઈ ગયું હતું.”
આઝમગઢ હોસ્પિટલ ૩૦ કિલોમીટર દૂર હતી. ખાનગી વાહનમાં ત્યાં જવા માટે તેમને ૩,૦૦૦ રૂપિયા ખર્ચ થયો. તેઓ કહે છે, “અમારે વારાણસી જવું પડ્યું હોત કારણ કે ગાઝીપુરની સરકારી હોસ્પિટલમાં કોઈ સુવિધા નથી. [વારાણસી જવા માટે] અમારે મુસાફરીમાં વધારે ખર્ચ થયો હોત. મારી પાસે તેટલા પૈસા નહોતા. મેં મારા મિત્રોને ખાનગી હોસ્પિટલો વિષે પૂછ્યું, પરંતુ મને સમજાયું કે હું હોસ્પિટલના ખર્ચ માટે વ્યવસ્થા કરી શકીશ નહીં.”
મુસ્તકીમ સૈરુનને જખાનિયા બ્લોકમાં આવેલા તેમના ગામમાં ઘેર પાછા લાવ્યા અને સ્થાનિક રીતે તેમની સારવાર કરાવવાનું નક્કી કર્યું. તેઓ ઉમેરે છે, “તેણીએ પણ એમ જ કહ્યું કે એવું કરવું જ સારું છે. ગામના ઝોળા છાપ ડોકટરે (ઊંટવૈદે) તેને દવાઓ આપી.”
લોકો કહે છે કે તેઓ સરકારી ડોકટરો કરતા આવા ઝોળા છાપ ‘ડોકટરો’ પાસે વધારે જાય છે. મુસ્તકીમ કહે છે, “ઝોળા છાપ ડોકટરો અમારી સાથે આદરપૂર્વક વર્તન કરે છે અને અમારા પ્રશ્નોના જવાબ આપે છે. જ્યારે અન્ય ડોકટરો અમારી પાસે આવતા ડરતા હતા ત્યારે તેઓ અમારા પડખે ઊભા હતા.” પરંતુ ઝોળા છાપ તાલીમ પામ્યા વગરના તબીબી પ્રેક્ટિશનર્સ છે.
ઓક્ટોબર ૨૦૨૦માં, તેમને સ્ટ્રોકના આવ્યાના લગભગ છ મહિના પછી, સૈરુનનું યોગ્ય સારવાર ન મળવાના કારણે તેમની એક ઓરડાની ઝૂંપડીમાં નિધન થયું. મુસ્તકીમે હવે તે સ્વીકારી લીધું છે. તેઓ કહે છે, “જેઓ હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા તેઓ અરાજકતા વચ્ચે મૃત્યુ પામ્યા. જ્યારે મારી પત્નીનું મૃત્યુ તેના કરતાં ઘણું શાંતિપૂર્ણ હતું.”
પાર્થ એમ.એન. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ