નાનપણમાં, રજિતા બારીઓમાંથી ડોકિયું કરીને તેમના પિતા અને દાદાને યુવાનોને તાલીમ આપતા જોતાં ને વિચારતાં કે તેઓ શા માટે તેમની સાથે જોડાઈ શકતાં નથી. ખાસ કરીને કઠપૂતળીઓએ આ યુવતીનું ધ્યાન ખેંચ્યું હતું. છંદોની અદ્ભૂત લયબદ્ધતા તેમના કાનોને ખૂબ જ મધૂર લાગતી હતી.
33 વર્ષીય રજિતા સમજાવે છે, “કઠપૂતળીઓ પ્રત્યેના મારા આકર્ષણની નોંધ સૌથી પહેલાં મારા દાદાએ લીધી હતી અને તેમણે મને તે પંક્તિઓ શીખવવાનું નક્કી કર્યું હતું.”
રજિતા પુલાવર શોરનુરમાં તેમના પારિવારિક સ્ટુડિયોમાં લાકડાની પાટલી પર બેસીને તોલ્પાવકૂતુ કઠપૂતળીના ચહેરાના લક્ષણો બનાવી રહી છે. તેમની સામેના ડેસ્ક પર લોખંડના વિવિધ સાધનો જેવા કે આરી, છીણી અને હથોડીઓ છે.
બપોરનો સમય છે અને સ્ટુડિયોમાં સન્નાટો છવાયેલો છે. અહીં એકમાત્ર અવાજ આવે છે તે છે જ્યાં કઠપૂતળીઓ બનાવવામાં આવે છે તે શેડમાં બેસેલાં રજિતાની બાજુમાં મૂકવામાં આવેલા પંખાનો. બહાર ખુલ્લી છત પર, ગરમીમાં સૂકવવા માટે પ્રાણીઓની ચામડીઓ નાખવામાં આવી છે. જ્યારે આ ચામડી સારી રીતે સૂકાઈ જશે, ત્યારે તેમાંથી કઠપૂતળીઓ બનાવવામાં આવશે.
તેઓ અત્યારે જે કઠપૂતળીઓ પર કામ કરી રહ્યાં છે તેના વિશે વાત કરતાં રજિતા કહે છે, “આ તે કઠપૂતળીઓ છે જેનો અમે આધુનિક વિષયો પર આધારિત શો માટે ઉપયોગ કરવા જઈ રહ્યાં છીએ.” તોલ્પાવકૂતુ એ ભારતના મલબાર ક્ષેત્રનું પરંપરાગત કઠપૂતળીનું કલા સ્વરૂપ છે, જે મૂળરૂપે દેવી ભદ્રકાલીના વાર્ષિક તહેવાર દરમિયાન મંદિર પરિસરમાં રજૂ કરવામાં આવે છે.
રજિતાના દાદા કૃષ્ણકુટ્ટી પુલવારે આ કળાના આધુનિકીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે આ કળાને મંદિરની સીમાઓમાંથી બહાર કાઢી હતી અને તેની કથાને રામાયણની વાર્તાઓથી આગળ વધારી હતી, જે તેનો મૂળભૂત સ્રોત હતો. (વાંચોઃ તેમની કલાને મંદિરથી મોહલ્લા સુધી લઇ આવતા કેરળના કઠપૂતળી કલાકારો )
તેમની પૌત્રી તેમના પગલે ચાલી છે, અને તે એક કલાકાર તરીકે કઠપૂતળી મંડળમાં જોડાનારી પ્રથમ મહિલા છે. તેમણે 2021માં પોતાની એક અલગ મહિલા મંડળીની પણ સ્થાપના કરી હતી. તોલ્પાવકૂતુ કળાની દુનિયામાં આ સૌપ્રથમ મહિલા−મંડળ છે.
અહીં સુધીનો પ્રવાસ ઘણો લાંબો રહ્યો છે.
લયબદ્ધ છંદો પર નિપુણતા મેળવવી પડકારજનક હતી કારણ કે તે તમિલ ભાષામાં હતા, એ ભાષા કે જે મલયાલમ બોલતાં રજિતા જાણતાં ન હતાં. પરંતુ તેમના પિતા અને દાદાએ ધીરજ રાખી અને પંક્તિઓનો અર્થ અને ઉચ્ચારણ સમજવામાં રજિતાને ટેકો આપ્યો: “મારા દાદાએ તમિલ મૂળાક્ષરો શીખવવાની શરૂઆત કરી હતી અને પછી ધીમે ધીમે પંક્તિઓ શીખવવાનું શરૂ કર્યું હતું.”
રજિતા ઉમેરે છે, “તેમણે એવી પંક્તિઓ પસંદ કરી જે અમારાં બાળકો માટે ખૂબ જ રસપ્રદ હતી.” તેમણે તેમના દાદા પાસેથી જે પ્રથમ શ્લોક શીખ્યો તે રામાયણના એક દૃશ્ય સાથે સંબંધિત હતો, જ્યારે હનુમાન રાવણને પડકાર આપે છેઃ
“
અડ તડાતુ ચેયતા ની
અંત નાદન દેવિએ
વિદા તડાત
પોમેડા
જલતિ ચૂલિ લંગએ
વીનદાતુ પોકુમો
ઈડા પોડા ઈ
રાવણા”
હે રાવણ,
તું કે જે બધા
દુષ્કૃત્યો કરે છે
અને પૃથ્વીની
પુત્રીને બંદી બનાવી છે,
હું મારી
પૂંછડીથી તારી આખી લંકાનો નાશ કરીશ.
જતો રહે,
રાવણ!
પરિવારના છોકરાઓએ રજિતાનું ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કર્યું. ખાસ કરીને તેમના ભાઈ રાજીવે તેમને ખૂબ પ્રેરણા આપી હતી. રજિતા કહે છે, “તેમણે જ મને એક એવી મંડળી શરૂ કરવા માટે પ્રેરી હતી જેમાં ફક્ત મહિલાઓ જ હોય.”
મંદિરોમાં તેમની કળાઓનું પ્રદર્શન કરવું મહિલાઓ માટે વર્જિત હતું અને અમુક અંશે હજુ પણ તેવું જ છે, તેથી જ્યારે રજિતા તૈયાર થઈ ગયાં, ત્યારે તેમણે સૌપ્રથમ તેમના પરિવારના જૂથ સાથે આધુનિક થિયેટર માટે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ શરૂઆતમાં તેમણે પડદા પાછળ જ રહેવાનું પસંદ કર્યું.
તેઓ કહે છે, “હું સીતા [રામાયણના આધુનિક રૂપાંતરણમાં] જેવા સ્ત્રી પાત્રો માટે સંવાદો આપતી હતી, પરંતુ મને કઠપૂતળીઓ ચલાવવા અથવા પ્રેક્ષકોને સંબોધવા માટે પૂરતો આત્મવિશ્વાસ નહોતો.” પરંતુ બાળકો માટેની તેમના પિતા દ્વારા સંચાલિત કાર્યશાળાઓમાં ભાગ લેવાથી તેમને આત્મવિશ્વાસ મેળવવામાં મદદ મળી. “કાર્યશાળાઓમાં મારે ઘણા લોકો સાથે વાતચીત કરવાની થતી. આનાથી, હું ભીડનો સામનો કરવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવવા લાગી.”
રજિતાએ કઠપૂતળી બનાવવાની કળામાં પણ નિપુણતા મેળવી લીધી હતી. તેઓ કહે છે, “મેં કાગળની કઠપૂતળીઓ બનાવવાથી શરૂઆત કરી હતી. મારાં માતા-પિતા અને મારા ભાઈએ મને આ કળા શીખવી હતી. ધીમે ધીમે, હું ચામડા પર આકૃતિઓ દોરવાનું અને તેમાં રંગ ઉમેરવાનું શીખી, જે કઠપૂતળીઓને જીવંત બનાવે છે.” રામાયણની કઠપૂતળીઓમાં ચહેરાના લક્ષણો અતિશયોક્તિભર્યા છે, ત્યારે સમકાલીન શો માટેની કઠપૂતળીઓ વધુ વાસ્તવિક છે. રજિતા સમજાવે છે, “સ્ત્રી પાત્રની ઉંમરના આધારે વેશભૂષા પણ બદલાય છે — જો તે પુખ્ત વયની હોય, તો કઠપૂતળીનો પોશાક સાડી હોય છે, અને જો તે યુવાન હોય, તો તેને ટોપ અને જીન્સ પણ પહેરાવી શકાય છે.”
એવું નથી કે રજિતાને માત્ર પરિવારના પુરુષોએ જ ટેકો અને પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ તેમનાં મા રાજલક્ષ્મીએ પણ આ પ્રયાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તોલ્પાવકૂતુની દુનિયામાંથી લૈંગિક ભેદભાવ દૂર કરવાની દિશામાં પ્રથમ પગલું ભરતાં રાજલક્ષ્મીએ રજિતા તેમના દાદાના વર્ગમાં પ્રવેશ પામ્યાં તેના વર્ષ પહેલાં તેમાં પ્રવેશ પામ્યો હતો.
રાજલક્ષ્મીએ 1986માં રજિતાના પિતા રામચંદ્ર સાથે લગ્ન કર્યા પછી કઠપૂતળી બનાવવામાં પરિવારને મદદ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમને ક્યારેય પ્રદર્શન અથવા ગાયન કાર્યમાં ભાગ લેવાની તક મળી ન હતી. રાજલક્ષ્મી કહે છે, “જ્યારે હું રજિતાની આ સફર જોઉં છું, ત્યારે હું પરિપૂર્ણતા અનુભવું છું. મારી યુવાનીમાં હું જે કરવા માંગતી હતી અને નહોતી કરી શકી તે બધું જ તેણે કર્યું.”
*****
રજિતાએ પોતાની મંડળી — પેન પાવકૂતુ —ની સ્થાપના કર્યા પછી સૌપ્રથમ જે કરવાનું નક્કી કર્યું તે હતું તેમનાં માતા અને સાળી અશ્વતીને મંડળીમાં જોડાવાનું આમંત્રણ.
શરૂઆતમાં, અશ્વતીને આ કલામાં કોઈ રસ નહોતો અને તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેઓ ક્યારેય કઠપૂતળી કલાકાર બનશે. પરંતુ કઠપૂતળી કલાકારોના પરિવારમાં લગ્ન કર્યા પછી, તેઓ સમજાવે છે, “મને ધીમે ધીમે આ કલામાં રસ પડ્યો.” પરંતુ ધાર્મિક પ્રસંગ માટેનું કઠપૂતળી પ્રદર્શન થોડું ધીમું છે, અને પંક્તિઓના પઠનમાં ભાગ્યે જ કઠપૂતળીઓની કોઈ હિલચાલ થતી હોય છે, તેથી તેમણે આ કળા શીખવામાં કોઈ રસ લીધો ન હતો. પરંતુ તેમના પતિ રાજીવ અને તેમની ટુકડીનું આધુનિક કઠપૂતળી પ્રદર્શન જોયા પછી, તેમણે કલામાં રસ વિકસાવ્યો અને રજિતાની ટુકડીમાં જોડાઈને તેને શીખી લીધું.
વર્ષો જતાં, રામચંદ્રએ તેમની મંડળીમાં કેટલીક અન્ય મહિલાઓને પણ સામેલ કરી છે, અને તેનાથી રજિતાને પડોશની મહિલાઓ સાથે એક સ્વતંત્ર મંડળી શરૂ કરવાની પ્રેરણા મળી હતી. પ્રથમ મંડળીમાં આઠ સભ્યો હતા — નિવેદિતા, નિત્યા, સંધ્યા, શ્રીનંદા, દીપા, રાજલક્ષ્મી અને અશ્વતી.
રજિતા સમજાવે છે, “અમે મારા પિતાના માર્ગદર્શન હેઠળ તાલીમ સત્રો શરૂ કર્યા. તેમાંની મોટાભાગની છોકરીઓ શાળાએ જતી હોવાથી, અમે તેમની રજાઓ અથવા વધારાના સમય દરમિયાન તાલીમ સત્રોનો સમય નક્કી કર્યો. જોકે પરંપરાઓ તો એમ સૂચવે છે કે સ્ત્રીઓ કઠપૂતળી કલાકારી ન કરી શકે, પરંતુ પરિવારોએ અમારી ખૂબ જ મદદ કરી હતી.”
મહિલાઓ અને છોકરીઓના સાથે મળીને પ્રદર્શન કરવાથી તેમની વચ્ચે ગાઠ સંબંધ વિકસ્યો. રજિતા કહે છે, “અમે એક પરિવારની જેમ છીએ. અમે જન્મદિવસ અને અન્ય પારિવારિક ઉજવણીઓ પણ સાથે મળીને ઉજવીએ છીએ.”
તેમનું પ્રથમ પ્રદર્શન 25 ડિસેમ્બર, 2021ના રોજ થયું હતું. રજિતા કહે છે, “અમે સખત મહેનત કરી હતી અને તૈયારીમાં ઘણો સમય પસાર કર્યો હતો.” આ પહેલી વાર હતું જ્યારે એક સંપૂર્ણ મહિલા મંડળી તોલ્પાવકૂતુ કઠપૂતળીનું પ્રદર્શન કરવા જઈ રહી હતી. કેરળ સરકારના ‘સમામ’ કાર્યક્રમ હેઠળ પલક્કડમાં એક સભાગૃહમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
તે વખતે શિયાળો હતો તેમ છતાં, તેલથી સળગતા દીવાઓની ગરમીએ કલાકારો માટે પ્રદર્શન કરાવાને ખૂબ જ મુશ્કેલ બનાવી દીધું હતું. રજિતા કહે છે, “અમારામાંના કેટલાકના શરીર પર ફોલ્લા પડી ગયા હતા. પડદા પાછળ ખૂબ જ ગરમી હતી.” પરંતુ તેઓ કહે છે કે તેમની ઇચ્છાશક્તિ પ્રબળ હતી, “અને અમારો શો સફળ બન્યો.”
સમામ કાર્યક્રમ, જેનો મલયાલમમાં અર્થ ‘સમાન’ થાય છે, તે મહત્વાકાંક્ષી મહિલા કલાકારોને માટે એક મંચ પૂરો પાડે છે, અને તેનું આયોજન પલક્કડના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. રજિતાની ટુકડી દ્વારા પ્રસ્તુતિમાં શિક્ષણ, રોજગાર અને પારિવારિક જીવનમાં મહિલાઓના સંઘર્ષો તેમજ તેમના અધિકારોને મજબૂત કરવાના પગલાં પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
રજિતા કહે છે, “અમે આ અસમાનતાઓ સામે લડવા માટે અમારી કળાને હથિયાર બનાવીએ છીએ. કઠપૂતળીઓના પડછાયાઓ અમારા સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે. અમે ભવિષ્યમાં પણ સમાજની સમસ્યાઓનું સમાધાન કરવા માટે નવા વિચારો અને વિષયો રજૂ કરવા માંગીએ છીએ. અમે રામાયણની કથાને પણ મહિલાઓના દૃષ્ટિકોણથી રજૂ કરવા માંગીએ છીએ.”
પોતાની મંડળી શરૂ કર્યા પછી, રજિતાએ કઠપૂતળી સિવાય અન્ય કુશળતાઓ પણ શીખવાનું શરૂ કર્યું. તેઓ પ્રદર્શન સાથે સંકળાયેલી તમામ જવાબદારીઓ ઉઠાવે છે, જેમ કે પટકથા પર કામ કરવું, ધ્વનિ અને સંગીતનું રેકોર્ડિંગ કરવું, કઠપૂતળીઓ બનાવવી, કઠપૂતળીનું પ્રદર્શન કરવું અને મંડળીના સભ્યોને તાલીમ આપવી. તેઓ કહે છે, “અમારે તમામ પ્રદર્શન પહેલાં સખત મહેનત કરવી પડી હતી. દાખલા તરીકે, મહિલા સશક્તિકરણ સંબંધિત વિષય પર પ્રસ્તુતિ આપવા માટે મેં મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં મહિલાઓ માટે ઉપલબ્ધ તકો અને યોજનાઓ સંબંધિત ડેટા એકત્રિત કર્યો હતો. તે પછી મેં પટકથા અને સંગીત પર કામ કર્યું. એક વાર રેકોર્ડિંગ પૂર્ણ થઈ ગયા પછી, અમે કઠપૂતળીઓ બનાવવાનું અને પ્રદર્શનનું રિહર્સલ કરવાનું શરૂ કર્યું. અહીં, મંડળીના દરેક સભ્યને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો, કઠપૂતળીઓને આકાર આપવાનો અને મંચની પ્રવૃત્તિઓ પર કામ કરવાનો અધિકાર છે.”
તેમની મંડળીએ અત્યાર સુધીમાં 40થી વધુ પ્રસ્તુતિઓ કરી છે. આ મંડળીમાં હવે 15 સભ્યો છે, જેઓ તેમની મૂળ સંસ્થા કૃષ્ણકુટ્ટી મેમોરિયલ તોલ્પાવકૂતુ કલાકેન્દ્રમ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. 2020માં, રજિતાને કેરળ ફોકલોર એકેડમી દ્વારા યંગ ટેલેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
રજિતા કહે છે કે જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારે આ સર્વ-મહિલા મંડળીને પુરૂષ સમકક્ષો જેટલી રકમ ચૂકવવામાં આવતી ન હતી. પરંતુ ધીમે ધીમે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેઓ ઉમેરે છે, “ઘણી સંસ્થાઓ, ખાસ કરીને સરકારી સંસ્થાઓ, અમારી સાથે સમાન વ્યવહાર રાખે છે અને પુરૂષ કલાકારોની સમકક્ષ વેતન ચૂકવે છે.”
તેમના માટે એક નિર્ણાયક ક્ષણ એ હતી જ્યારે તેમને મંદિરમાં પ્રદર્શન કરવા માટે આમંત્રણ મળ્યું હતું. રજિતા કહે છે, “તે એક ધાર્મિક પ્રદર્શન ન હોવા છતાં, અમે ખુશ છીએ કે એક મંદિરે અમને આમંત્રણ આપ્યું છે.” હાલમાં તેઓ રામાયણના તમિલ સંસ્કરણ કમ્બા રામાયણની પંક્તિઓ શીખવામાં વ્યસ્ત છે, જેમાં આ પંક્તિઓનું પઠન તોલ્પાવકૂતુની પરંપરાગત શૈલીમાં કરાય છે. આને તેઓ જાતે શીખી લે પછી, તેઓ આ પંક્તિઓ તેમની મંડળીના અન્ય સભ્યોને શીખવશે. રજિતા ભવિષ્ય વિશે આશાવાદી છે. તેઓ કહે છે, “મને ખાતરી છે કે એક એવો સમય જરૂર આવશે જ્યારે મહિલા કઠપૂતળી કલાકારો મંદિરના ગર્ભગૃહમાં કમ્બા રામાયણની પંક્તિઓનું પઠન કરશે. હું છોકરીઓને તેના માટે તૈયાર કરી રહી છું.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે
અનુવાદક: ફૈઝ મોહંમદ