હાઈ ફેશન, ફાસ્ટ ફેશન અને સેક્સ.
વૈભવી મુસાફરી, મર્યાદિત ખર્ચમાં થઈ શકતી મુસાફરી અથવા રખડપટ્ટી!
મીમ્સ, ટ્રેન્ડિંગ ડાન્સ સ્ટેપ્સ, ક્યારેક મજેદાર અને ક્યારેક તો ડરામણા ફિલ્ટર્સ.
આ એવી સામગ્રી છે જે ઓનલાઈન ધ્યાન ખેંચે છે. પારી ખાતે અમારી પાસે આમાંનું કંઈ આપવા માટે નથી, તેમ છતાં અમે સોશિયલ મીડિયાની ગૂંચવાયેલી દુનિયામાં ચોક્કસ સંખ્યામ પ્રેક્ષકોને શોધવામાં અને જાળવી રાખવામાં સફળ થયા છીએ. કેવી રીતે? એક એકદમ સ્પષ્ટ પરંતુ બહુ ઓછી ઉપયોગમાં લેવાતી તકનીક દ્વારા: માહિતીપ્રદ,અને શક્તિશાળી વાર્તા દ્વારા.
વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે વિવિધ પ્રેક્ષકોએ અમારા કામને કેવો પ્રતિસાદ આપ્યો છે એ અમે જણાવવા માગીએ છીએ (આ ટૂંકી ક્લિપ પણ જુઓ).
લાખો ફોલોઅર્સે ધ ટેમ્પરરી 'ચેરવુમન'ઓફ બાંસવારા પરની અમારી પોસ્ટની પ્રશંસા કરી. નીલાંજના નાંદીની આ વાર્તા રાજસ્થાનની એવી મહિલાઓ વિશે છે જે પુરુષો કે વડીલોની હાજરીમાં ક્યારેય ખુરશીઓ કે બીજા ઊંચા આસનો પર બેઠી નથી. ઇન્સ્ટાગ્રામ પરની આ રીલ ને લગભગ સાત લાખ વ્યુઝ મળ્યા અને તેના પર સેંકડો લોકોએ ટિપ્પણી કરી, આ જ પ્રકારના અનુભવમાંથી પસાર થનાર મહિલાઓએ, તેમજ કેટલાક લોકો જેનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી એવી આ દેખીતી રીતે સાવ નાની-અમથી જણાતી વાતને સાવ સહજ ગણી લેતા બીજા લોકોએ પણ. "આવી બાબતોને ધ્યાનમાં લેવા માટે સૂક્ષ્મ નજર જોઈએ," વાચક મોલિકા કુમારની આ ટિપ્પણી એ કદાચ આપણા રોજિંદા સામાન્ય અનુભવોની વાત બહાર લઈ આવતા પત્રકારત્વની સૌથી મોટી પ્રશંસા છે.
પ્રશંસા અમને આગળ વધવામાં મદદ કરે છે, અને વાચકો અલગ અલગ રીતે પ્રશંસા કરે છે: તેઓ આ વાર્તાઓમાંથી કેટલું શીખે છે એ અમને જણાવીને અને પારીને તેના કામ માટે આર્થિક યોગદાન આપીને જેથી અમે એક સ્વતંત્ર તપાસ પત્રકારત્વ મંચ તરીકે કાર્યરત રહી શકીએ.
અપર્ણા કાર્તિકેયનના મદુરાઈના મોગરાના ફૂલોના રંગબેરંગી અને હંમેશ વ્યસ્ત બજારો વિશેનો વીડિયો જોઈ વિશ્વભરના વાચકોએ આ વાર્તાથી કંઈ કેટલીય યાદો તાજી થઈ ગઈ હોવાની વાત કરી. નમ્રતા કિલપડી કહે છે, "કેટલું સુંદર લખ્યું છે. લગભગ આખું દ્રશ્ય આંખ સામે ખડું થઈ ગયું અને મલ્લી [મોગરા] ની મીઠી સુગંધ અનુભવી શકી." અમે જે સ્થાન કે જગ્યા પર જઈને અમારા અહેવાલ તૈયાર કરીએ છીએ એ સ્થાનો અને જગ્યાઓ પર લોકોને પહોંચાડી દેવાનો આનંદ કેવો અનોખો છે. અમે જેમની સાથે વાતચીત કરી એ લોકોએ જો અમારી સાથે તેમના રોજિંદા અનુભવોની વાત કરી ન હોત તો આમાંનું કંઈ પણ શક્ય નહોતું.
ઇન્સ્ટાગ્રામ પરનો અમારો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય વીડિયો છે 30-સેકન્ડની એક ક્લિપ, જેમાં સુમન મોરે, પુણેના કચરો વીણનાર મહિલાનો, જેઓ કડવાશ ઊભી કરી શકવાની શબ્દોની શક્તિ વિશે વાત કરે છે. તેઓ સવાલ ઉઠાવે છે કે તેમના જેવી મહિલાઓને "કચરેવાલી" (કચરાવાળી) કેમ કહેવામાં આવે છે જ્યારે હકીકતમાં તો તેઓ નાગરિકોએ પેદા કરેલો કચરો સાફ કરે છે. 12 લાખ વ્યુઝ સાથેની આ ક્લિપમાં સામાજિક અજ્ઞાનતા અને ઉદાસીનતા બાબતે અવાજ ઉઠાવવા માટે લોકોએ તેમની પ્રશંસા કરી. એક વાચકે તો એમ પણ કહ્યું કે, "હું કબૂલ કરું છું કે હું પણ આ જ શબ્દ [ કચરેવાલી] નો ઉપયોગ કરું છું. હું ફરી ક્યારેય આ શબ્દનો ઉપયોગ નહિ કરું." આ ટિપ્પણી એ વાતનો પુરાવો છે કે છેવાડાના સમુદાયો અને તેમના અનુભવોને આવરી લેતું પત્રકારત્વ વધુ વિચારશીલ સમાજનું નિર્માણ કરી શકે છે.
અમારા એજ્યુકેશન પ્રોગ્રામમાં દ્રષ્ટિકોણ બદલવા માટે આ વાર્તાઓનો અમે વર્ગખંડોમાં ઉપયોગ કરીએ છીએ, એના પ્રતિભાવમાં ટ્વિટર વપરાશકર્તા @Vishnusayswhat એ કહ્યું, “જ્યારે તમને ખ્યાલ આવે છે કે એક વ્યક્તિ પાસે બીજા કરતા ઓછું શા માટે છે, અને એ વ્યક્તિ કેટલી મહેનત કરે છે તેની સાથે આ કારણોને કશી જ લેવાદેવા નથી, ત્યારે જ તમે ભારતને થોડી વધુ સારી રીતે સમજવાનું શરૂ કરો છો.
અને આ સંદેશો દૂર-દૂર સુધી ફેલાય છે — બોલિવૂડ આઇકન ઝીનત અમાને તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પારીના કામને હાઇલાઇટ કરતાં કહ્યું, “મુખ્ય પ્રવાહના (પ્રસાર માધ્યમો પરના) સમાચારોમાંથી હું અધિકૃત ગ્રામીણ વાર્તાઓ અદ્રશ્ય થઈ જતી જોઉં છું, અને હું એ પણ જાણું છું કે સેલિબ્રિટીના સાવ સામાન્ય અપડેટ્સ પણ સમાચારોમાં કેટલી મોટી જગ્યા રોકી લેતા હોય છે." જો કે, યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સેલિબ્રિટી (પ્રખ્યાત હસ્તીઓ) ની તાકાતને નકારી શકાય નહીં. તેમની આ પોસ્ટના માત્ર 24 કલાકની અંદર જ અમને હજારો ઉત્સુક ફોલોઅર્સ મળ્યા. હોલીવુડ અભિનેતા અને મનોરંજનકર્તા જ્હોન સીના એ ટ્વિટર પર અમને ફોલો કર્યા એ એક બીજું આવકાદાયક આશ્ચર્ય હતું!
પરંતુ જ્યારે સમાજ અમારી વાર્તાઓમાંના લોકોની પડખે ઊભો રહે છે, તેમને સહાય કરે છે ત્યારે એ સૌથી વધુ હ્રદયસ્પર્શી પ્રતિસાદ હોય છે. મદદના પ્રસ્તાવોના અવિરત પ્રવાહને જોઈ અમે અભિભૂત થઈ જઈએ છીએ. વૃદ્ધ ખેડૂતો સુબૈયા અને દેવમ્મા વધતા જતા તબીબી ખર્ચ નીચે શી રીતે કચડાઈ રહ્યા છે તે વિશેની આ વાર્તા ના પ્રતિસાદમાં વાચકોએ જે દાન આપ્યું તેમાંથી બિલના મોટા ભાગના પૈસા ચૂકવી શકાયા અને એ ઉપરાંત તેમની દીકરીના લગ્ન માટે પણ સહાય કરી શકાઈ. વર્ષા કદમ એક આશાસ્પદ કિશોર રમતવીર છે. તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિએ અને સરકારી સહાયના અભાવે તેમને માટે તેમની પૂરેપૂરી ક્ષમતા મુજબનો સારામાં સારો દેખાવ કરવાનું મુશ્કેલ બનાવ્યું. વાચકો એ પૈસા, દોડતી વખતે પહેરવા માટેના ખાસ બુટ અને તાલીમ દ્વારા પણ મદદ કરવાની તૈયારી દર્શાવી.
ઇન્ટરનેટની દુનિયા તેની ક્રૂરતા અને નિર્દયતા માટે જાણીતી હોવા છતાં અમારા વાચકો અમને યાદ અપાવતા રહે છે કે હજી આ દુનિયામાંથી દયા મરી પરવારી નથી.
જો હજી સુધી તમે અમને સોશિયલ મીડિયા પર ફોલો નથી કરી રહ્યા તો નીચેના હેન્ડલ્સ પર તમે અમને ફોલો કરી શકો છો, જ્યાં અમે હિન્દી, તમિળ અને ઉર્દૂમાં પણ અસ્તિત્વમાં છીએ.
ઈન્સ્ટાગ્રામ
ટ્વિટર
ફેસબુક
લિન્ક્ડઈન
પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે કામ કરવા માટે [email protected]પર લખો
અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને [email protected] પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
પારી એ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે અને અમે (અમારા કામ માટે) અમારી બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની પ્રશંસા કરતા લોકોના દાન પર આધાર રાખીએ છીએ. જો તમે પારીમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક