હળવો ગુસ્સો બતાવવા માટે, આંખો થોડી ઊંચી કરવાની હોય છે […] તીવ્ર ગુસ્સા માટે, આંખો મોટી ને ભમર ચડાવેલી હોય છે. આનંદ માટે, ગાલ પર સ્મિત દર્શાવવામાં આવે છે.
નાની નાની વિગતો પરનું આ ધ્યાન જ દિલીપ પટનાયકને ઝારખંડના સરાઈકેલા છાઉ નૃત્યોમાં ઉપયોગમાં લેવાતા માસ્કના કારીગર તરીકે અલગ પાડે છે. તેઓ કહે છે, “માસ્ક પાત્રને પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ.” સરાઈકેલા માસ્ક અનન્ય છે, કારણ કે તેઓ નવરસ એટલે કે નવ લાગણીઓ ધરાવે છે. આ અન્ય કોઈ છાઉ શૈલીમાં જોવા મળતું નથી.
ઉત્પાદનના વિવિધ તબક્કે પહોંચેલા માસ્ક તેમના કાર્યસ્થળ પર પથરાયેલા છે, જેમની અનન્ય લાક્ષણિકતાઓમાં દૃષ્ટિગોચર થાય છેઃ બહાર નીકળેલી આંખો, પેન્સિલ જેવી પાતળી ભમર, ચમકતો રંગ, આ બધા જુદા જુદા મૂડને કેપ્ચર કરે છે.
આ કલા નૃત્ય અને માર્શલ આર્ટનું મિશ્રણ કરે છે, અને રામાયણ, મહાભારત અને સ્થાનિક લોકકથાઓની વાર્તાઓ રજૂ કરતી વખતે નર્તકો આ માસ્ક પહેરે છે. દિલીપ તમામ પ્રકારના માસ્ક બનાવે છે, પરંતુ તેમનો પ્રિય માસ્ક કૃષ્ણ માસ્ક છે, કારણ કે, “મોટી આંખો અને ભમર ચડાવીએ એટલે ગુસ્સાનું નિરુપણ તો થઈ જાય, પરંતુ તોફાન બતાવવું એટલું સરળ નથી.”
દિલીપ પોતે પણ આનું પ્રદર્શન કરે છે, જે તેમને તેમના કામમાં પણ મદદ કરે છે. જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ છાઉ નૃત્ય મંડળીનો ભાગ હતા અને છાઉ ઉત્સવ દરમિયાન સ્થાનિક શિવ મંદિરમાં પ્રદર્શન જોઈને મોટાભાગની વસ્તુઓ શીખ્યા હતા. પરંતુ કૃષ્ણનું નૃત્ય તેમનું પ્રિય રહ્યું છે. હાલના સમયમાં તેઓ ઢોલ વગાડે છે અને સરાઈકેલા છાઉ મંડળીનો ભાગ છે.
દિલીપ તેમનાં પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરા સાથે ઝારખંડના સરાઈકેલા જિલ્લાના ટેન્ટોપોસી ગામમાં રહે છે, જ્યાં એક હજારથી વધુ લોકો વસે છે. તેમનું બે ઓરડાનું ઈંટનું ઘર અને ખેતરની વચ્ચે આવેલું તેનું પરિસર પણ તેમના કાર્યસ્થળની ગરજ સારે છે. આગળના દરવાજાની નજીક માટીનો ઢગલો પડેલો છે અને ઘરની સામે એક વિશાળ લીમડાનું ઝાડ છે, જેની નીચે તે સારા હવામાનમાં કામ કરે છે.
ત્રીજી પેઢીના કલાકાર દિલીપ કહે છે, “હું બાળપણથી જ મારા પિતા (કેશવ આચાર્ય) ને માસ્ક બનાવતા જોતો આવ્યો છું. તેઓ માટીમાંથી કોઈપણ પાત્રને કોતરી કાઢતા.” તેઓ નિર્દેશ કરે છે કે સરાઈકેલાના અગાઉના શાહી પરિવારે આ કળાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને દરેક ગામમાં માસ્ક બનાવવાનું શીખવવા માટે તાલીમ કેન્દ્રો હતા; તેમના પિતા પણ આના શિક્ષક હતા.
સદીઓ જૂની આ પરંપરાને જાળવી રાખનારા છેલ્લા કારીગરોમાંના એક એવા 65 વર્ષીય દિલીપ કહે છે, “હું 40 વર્ષથી આવા માસ્ક બનાવી રહ્યો છું. લોકો મારી પાસેથી શીખવા માટે દૂર દૂરથી આવે છે. તેઓ અમેરિકા, જર્મની, ફ્રાન્સથી આવે છે.”
ઓડિશા સાથેની રાજ્યની સરહદ પર આવેલું સરાઈકેલા સંગીત અને નૃત્ય પ્રેમીઓનું કેન્દ્ર રહ્યું છે. સરાઈકેલા છાઉ કેન્દ્રના ભૂતપૂર્વ નિર્દેશક, 62 વર્ષીય ગુરુ તપન પટનાયક કહે છે, “સરાઈકેલા એ તમામ છાઉ નૃત્યોની જનની છે, અને અહીંથી તે મયુરભંજ [ઓરિસ્સા] અને મનભૂમ [પુરુલિયા] સુધી ફેલાયું છે.” તેઓ નિર્દેશ કરે છે કે સરાઈકેલા શાહી છાઉ મંડળીએ 1938માં સમગ્ર યુરોપમાં પ્રદર્શન કર્યું હતું અને તે ભારતની બહાર આનું પ્રદર્શન કરનારી પ્રથમ મંડળી હતી. ત્યારથી, આ શૈલી વિશ્વના ઘણા ખૂણાઓમાં પ્રસરી છે.
જોકે, છાઉને વૈશ્વિક માન્યતા મળી હોવા છતાં, આ પ્રતિષ્ઠિત માસ્ક બનાવતા કારીગરોની સંખ્યામાં ઘટાડો થયો છે. દિલીપ કહે છે, “સ્થાનિક લોકો હવે આને શીખવા નથી માંગતા.” તેમના અવાજમાં આ કળા માટે દુઃખ છે જે હવે લુપ્તતાના આરે છે.
*****
આંગણામાં બેસીને દિલીપ કાળજીપૂર્વક તેમનાં સાધનોને ગોઠવે છે અને પછી માટીને લાકડાની ફ્રેમ પર મૂકે છે. તેઓ સમજાવે છે, “અમે માસ્કને માપવા અને ત્રણ ભાગોમાં વહેંચવા માટે અમારી આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ − એક ભાગ આંખો માટે, એક નાક માટે અને એક મોં માટે હોય છે.”
‘સરાઈકેલા બધા છાઉ નૃત્યોની જનની છે. [...] આ મારી પરંપરા છે. જ્યાં સુધી હું જીવતો રહીશ, ત્યાં સુધી આ પરંપરાને જીવંત રાખીશ’
પોતાના હાથ પાણીથી ભીના કરીને, તેઓ નવરસ (નવ લાગણીઓ) અનુસાર માસ્કને આકાર આપવાનું શરૂ કરે છે − શૃંગાર (પ્રેમ/સુંદરતા), હાસ્ય (હાસ્ય), કરુણા (દુઃખ), રૌદ્ર (ગુસ્સો), વીર (બહાદુરી/હિંમત), ભયાનક (આતંક/ભય), દ્વેષ (અણગમો), અદ્ભુત (આશ્ચર્ય/નવાઈ) અને શાંત (શાંતિ/સ્થિરતા).
છાઉની તમામ શૈલીઓમાંથી માત્ર સરાઈકેલા અને પુરુલિયા શૈલી જ છાઉ માસ્કનો ઉપયોગ કરે છે. માટીને આકાર આપવા માટે તેમના હાથ ઝડપથી આગળ ધપાવતાં દિલીપ કહે છે, “સરાઈકેલા છાઉની આત્મા તેના માસ્કમાં વસે છે; તેના વિના છાઉનું અસ્તિત્વ જ નહીં હોય.”
જ્યારે માટીના માસ્કને આકાર આપવામાં આવે છે, ત્યારે દિલીપ તેના પર રાખ (ગાયના છાણની રાખ)નો છંટકાવ કરે છે, જેથી મોલ્ડને સરળતાથી માસ્કથી અલગ કરી શકાય. પછી તેઓ લેઈ (લોટ આધારિત ગુંદર) સાથે કાગળના છ સ્તરોને ચોંટાડે છે. પછી માસ્કને બે-ત્રણ દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવે છે અને પછી બ્લેડમાંથી કાળજીપૂર્વક દૂર કરવામાં આવે છે અને રંગવામાં આવે છે. દિલીપ ગર્વથી કહે છે, “સરાઈકેલા માસ્ક જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.” તેઓ આ વિસ્તારનાં લગભગ 50 ગામડાંને માસ્ક પૂરા પાડે છે.
પહેલાંના સમયમાં, નદીના પટમાં જોવા મળતા ફૂલો, પાંદડાં અને પથ્થરોથી બનેલા કુદરતી રંગોનો ઉપયોગ માસ્કને રંગવા માટે થતો હતો, પરંતુ હવે કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
*****
50 વર્ષથી વધુ સમયથી છાઉનું પ્રદર્શન કરતા તપન કહે છે, “એક વાર કલાકાર માસ્ક પહેરે, એટલે તે પાત્રમાં પ્રવેશ કરે છે. જો તમે રાધાની ભૂમિકા ભજવી રહ્યા છો, તો તમારે રાધાની ઉંમર અને રંગને ધ્યાનમાં રાખવો જોઈએ. શાસ્ત્રો અનુસાર, તે અત્યંત સુંદર હતી. તેથી, અમે તેમનો માસ્ક બનાવતી વખતે હોઠ અને ગાલની વિશિષ્ટતાનું ધ્યાન રાખીએ છીએ, જેથી ખાતરી કરી શકાય કે માસ્ક તેમની જેમ જ સુંદર દેખાય.”
તેઓ કહે છે, “જ્યારે તમે માસ્ક પહેરો છો, ત્યારે તમારે તમારા શરીર અને ગરદનની હિલચાલ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી પડે છે.” નર્તકનું શરીર બે ભાગમાં વહેંચાયેલું છેઃ ‘અંગ’ (ગરદનનો નીચેનો ભાગ) અને ‘ઉપાંગ’ (માથું). ‘ઉપાંગ’માં આંખો, નાક, કાન અને મોંનો સમાવેશ થાય છે, જે માસ્કથી ઢંકાયેલા હોય છે. કલાકાર શરીરના ઉપલા અને નીચલા બંને ભાગો વડે લાગણીઓ વ્યક્ત કરે છે.
તેથી જ્યારે નૃત્યાંગના માસ્ક પહેરે છે અને રડવાનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે, ત્યારે માસ્કને કારણે ચહેરાના હાવભાવ દેખાતા નથી. આનો અર્થ શું છે તે પારીને સમજાવવા માટે, તપન તેમની ગરદનને ડાબી તરફ વાળે છે, પછી બંને મુઠ્ઠીઓને તેમના ચહેરાની નજીક લાવે છે અને તેમનું માથું અને શરીરના ઉપલા ભાગને ડાબી તરફ વાળે છે, જાણે કે કોઈને ઈજા થઈ હોય અને દુઃખી નજરે જોઈ રહ્યું હોય.
લોકકથાઓ અનુસાર, કલાકારો પ્રદર્શન કરતી વખતે લોકોની સામે નૃત્ય કરવામાં શરમ અનુભવતા હતા અને તેમના ચહેરાને ઢાંકવા માટે આ માસ્ક પહેરતા હતા. તપન કહે છે, “આ રીતે માસ્ક પરીકંદ [માર્શલ આર્ટ્સ] માં આવ્યું.” અગાઉ, માસ્ક તરીકે વાંસની ટોપલીનો ઉપયોગ થતો હતો, જેમાં આંખો માટે છિદ્રો બનાવવામાં આવતા હતા. દિલીપ સમજાવે છે કે, હવે આ પરંપરા નોંધપાત્ર રીતે વિકસિત થઈ છે, જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેઓ કોળામાંથી માસ્ક બનાવતા હતા.
અન્ય મૂળ વાર્તા છાઉના લશ્કરી છાવણીઓ સાથેના સંબંધોને લગતી છે, જેનાથી તેમાં સામેલ માર્શલ આર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ છતી થાય છે. પરંતુ તપન તેનાથી અસંમત છેઃ “છાવની ઉત્પત્તિ છાયા [પડછાયો] માંથી થઈ છે.” તેઓ સમજાવે છે કે અભિનેતાઓ તેઓ જે પાત્રો ભજવે છે તેના પડછાયા જેવા હોય છે.
આ નૃત્ય પરંપરાગત રીતે પુરુષો દ્વારા કરવામાં આવે છે. જોકે, તાજેતરનાં વર્ષોમાં, કેટલીક મહિલાઓ છાઉ મંડળીમાં જોડાઈ છે, પરંતુ સરાઈકેલામાં આ પ્રદર્શનમાં હજુ પણ પુરુષોનું જ પ્રભુત્વ છે.
માસ્ક બનાવવાની બાબતમાં પણ એવું જ છે. દિલીપ કહે છે, “છાઉ મે મહિલા નહીં… યહી પરંપરા ચલા આ રહા હૌ, માસ્ક મેકિંગ કા સારા કામ હમ ખુદ કરતે હૈ [છાઉમાં મહિલાઓની ભાગીદારી નથી… આ જ પરંપરા રહી છે, અને માસ્ક બનાવવાની બધી ક્રિયાઓ અમારી જાતે જ કરીએ છીએ].”
તેમના પુત્ર દીપકે તેમના પિતા પાસેથી માસ્ક બનાવવાનું શીખ્યું હતું. પરંતુ 25 વર્ષીય દીપક હવે ધનબાદ જતો રહ્યો છે, જ્યાં તે એક આઈટી કંપનીમાં કામ કરે છે અને માસ્ક બનાવવા કરતાં ઘણી વધારે કમાણી કરે છે.
જોકે, જ્યારે મૂર્તિઓ બનાવવાની વાત આવે છે, ત્યારે આખો પરિવાર તેમાં ફાળો આપે છે. દિલીપનાં પત્ની સંયુક્તા સમજાવે છે કે જ્યારે મૂર્તિ બનાવવાની વાત આવે છે, ત્યારે તેઓ બધાં કામ કરે છે. “સાંચે બનાતે હૈ, મિટ્ટી તૈયાર કરતે હૈ, પેઈન્ટિંગ ભી કરતે હૈ. લેકીન મુખૌટા મે લેડિઝ કુછ નહીં કરતી હૈ [અમે મોલ્ડ બનાવીએ છીએ, માટી તૈયાર કરીએ છીએ, અને પેઈન્ટિંગ પણ કરીએ છીએ. પણ જ્યારે માસ્ક બનાવવાની વાત આવે છે, ત્યારે મહિલાઓ કશું કામ નથી કરતી].”
વર્ષ 2023માં, દિલીપે 500-700 માસ્ક બનાવ્યા, જેનાથી તેમને લગભગ એક લાખ રૂપિયાની કમાણી થઈ હતી અને તેમણે આખા વર્ષ દરમિયાન રંગ, બ્રશ અને કપડાં પર 3,000 થી 4,000 રૂપિયા ખર્ચ કર્યા હતા. તેઓ તેને પોતાની “પાર્ટ-ટાઈમ જોબ” કહે છે અને હવે તેમનું મુખ્ય કામ મૂર્તિઓ બનાવવાનું છે, જેમાંથી તે વર્ષમાં ત્રણથી ચાર લાખ કમાય છે.
તેઓ વિવિધ છાઉ નૃત્ય કેન્દ્રો માટે કમિશન પર માસ્ક બનાવે છે અને તેમને ચૈત્ર મેળામાં પણ વેચે છે, જે દર વર્ષે એપ્રિલમાં ચૈત્ર પર્વ અથવા વસંત ઉત્સવના ભાગ રૂપે થાય છે. તેને સરાઈકેલા છાઉ કેલેન્ડરમાં એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે, અને તેમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી મુલાકાતીઓ આવે છે. મોટા માસ્ક 250-300 રૂપિયામાં વેચાય છે, જ્યારે નાના માસ્ક લગભગ સો રૂપિયામાં વેચાય છે.
દિલીપ આ કામ પૈસાને કારણે ચાલુ નથી રાખી રહ્યા. “આ મારી પરંપરા છે. જ્યાં સુધી હું જીવતો રહીશ, ત્યાં સુધી આ પરંપરાને જીવંત રાખીશ.”
આ સ્ટોરી મૃનાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ