મોગરો બહુ ઘોંઘાટ કરે છે. ધબ્બ! - મોતી જેવી સફેદ કળીઓ ભરેલા કોથળેકોથળા દરરોજ વહેલી સવારે આવી પહોંચે છે મદુરાઈના મટ્ટુતવાની બજારમાં. "વળી, વળી [ચલો, ખસો, ખસો]," પુરુષો બૂમો પાડે છે અને સ્વૂશશશશ! - કોથળામાંથી ફૂલો ઠલવાય છે પ્લાસ્ટિકની શીટ પર, ખટાંગ ખટાંગ! - વેચનારાઓ નાજુક ફૂલો એકઠા કરીને તેનો ઢગલો કરે છે લોખંડના વજન કાંટા પર અને પલ્લું નમાવી એક કિલોગ્રામ મોગરા ઠાલવે છે ઘરાકની પ્લાસ્ટિક બેગમાં. એક બાજુ કોઈ ભાવ પૂછે છે, બીજી બાજુ કોઈ મોટેથી ઘાંટો પાડીને ભાવ કહે છે; કચડ કચડ...પગ નીચે તાડપત્રી કચડાતી રહે છે, પચ પચ...પગ નીચે વાસી ફૂલો ચગદાતા રહે છે; દલાલો લે-વેચ પર બરોબર નજર રાખે છે, કશું જ તેમની ચકોર નજરની બહાર જતું નથી, તેઓ નોટબુક પર ઝડપથી કંઈક ટપકાવે છે, "પાંચ કિલો, પાંચ કિલો, મારે પાંચ કિલો જોઈએ છે..." કોઈ બૂમ પાડે છે.
મહિલાઓ સારામાં સારા ફૂલો ખરીદવા બજારમાં ફરી ચાર જગ્યાએ તપાસ કરે છે. તેઓ મુઠ્ઠીભર ફૂલો લઈને તેને તેમની આંગળીઓ વચ્ચેથી સરવા દઈ ફૂલોની ગુણવત્તા તપાસે છે. મોગરાના ફૂલો વરસાદનાં ટીપાંની જેમ આંગળીઓ વચ્ચેથી સરતા રહે છે. એક ફૂલ વેચનાર મહિલા કાળજીપૂર્વક ગુલાબ અને ગલગોટાને એકસાથે પકડે છે, પોતાના દાંત વડે માથામાં નાખવાની પીન પહોળી કરે છે. અને ઘડીકમાં પોતાના વાળમાં ખોસી દે છે. પછી તેઓ – મોગરા, ગુલાબ, ગલગોટાના રંગબેરંગી ફૂલોથી ભરેલો – પોતાનો ટોપલો માથે ઉપાડી લે છે અને ધાંધલ-ધમાલવાળા બજારમાંથી બહાર નીકળી જાય છે.
રસ્તાના કિનારે છત્રીની છાયામાં બેસીને તેઓ ફૂલોને (દોરામાં) પરોવી માળા બનાવે છે અને એ માળા નંગના ભાવે વેચે છે. માળામાં લીલા સુતરાઉ દોરાની બંને બાજુએ બહારની તરફ મ્હોં રાખીને પાંખડીઓની અંદર સુગંધ સંઘરીને મોગરાની ડાહીડમરી કળીઓ ગોઠવાઈ ગઈ હોય છે. જ્યારે એ કળીઓ - કોઈના વાળમાં, કોઈની ગાડીમાં કે કોઈ ભગવાનના ફોટાની ફ્રેમ પરની લોખંડની ખીલી પર - ખીલે છે ત્યારે એની સુગંધ પોતાનું નામ જાહેર કરી દે છે: મદુરાઈ મલ્લી.
પારીએ ત્રણ વર્ષમાં ત્રણ વખત મટ્ટુતવાની બજારની મુલાકાત લીધી. સપ્ટેમ્બર 2021માં ભગવાન ગણેશના જન્મદિવસ વિનાયક ચતુર્થીના ચાર દિવસ પહેલા લીધેલી પહેલી મુલાકાત એ ફૂલના વેપારમાં ક્રેશ કોર્સ જેવી હતી - ખૂબ ઓછા સમયમાં અમને ઘણી બધી માહિતી મળી હતી. એ મુલાકાત યોજાઈ હતી મટ્ટુતવાની બસ-સ્ટેન્ડની પાછળના ભાગમાં, તે સમયે પ્રવર્તમાન કોવિડ પ્રતિબંધોને કારણે બજાર અસ્થાયી રૂપે ત્યાં કાર્યરત હતું. આમ કરવા પાછળનો વિચાર સામાજિક અંતર લાદવાનો હતો. પરંતુ તેમ છતાં ત્યાં નાની જગ્યામાં થોડીઘણી ભીડ હતી જ.
મારો ‘તાલીમ વર્ગ’ શરૂ કરતા પહેલા મદુરાઈ ફ્લાવર માર્કેટ એસોસિએશનના પ્રમુખ પોતાનું નામ જણાવે છે: “હું છું પૂકડાઈ રામચંદ્રન. અને આ છે મારી યુનિવર્સિટી." તેઓ ફૂલબજાર તરફ હાથ લંબાવી કહે છે.
63 વર્ષના રામચંદ્રન પાંચ દાયકાથી વધુ સમયથી મોગરાના વેપારમાં છે. કિશોર વયના માંડ હતા ત્યારે તેમણે આ ધંધો કરવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, "મારા પરિવારની ત્રણ પેઢીઓ આ ધંધામાં છે." તેથી જ તેઓ પોતાને પૂકડાઈ રામચંદ્રન તરીકે ઓળખાવે છે, તમિળમાં પૂકડાઈનો અર્થ છે ફૂલ બજાર, તેઓ મને હસતા હસતા કહે છે. “મને મારું કામ ગમે છે અને હું મારા કામનો આદર કરું છું, હું એની પૂજા કરું છું. મારી પાસે જે કંઈ છે તે બધું જ, આ પહેરેલા કપડાં સુદ્ધાં, મારા એ કામની જ દેણ છે. અને હું ઈચ્છું છું કે ખેડૂતો અને વેપારીઓ - બધાની જ ચડતી થાય.”
જોકે એ એટલું સરળ નથી. મોગરાનો વેપારમાં ભાવ અને ઉપજની વધઘટ થતી રહે છે, અને આ અસ્થિરતા બેહદ અને મારી નાખે એવી હોય છે. એટલું જ નહીં: સિંચાઈ, ઉત્પાદન ખર્ચ અને વધુને વધુ અવિશ્વસનીય વરસાદની કાયમી સમસ્યાઓ ઉપરાંત શ્રમિકોની અછત પણ ખેડૂતોનું જીવવું હરામ કરી દે છે.
કોવિડ -19 લોકડાઉન વિનાશક સાબિત થયું હતું. બિન-આવશ્યક ઉત્પાદનની શ્રેણીમાં આવતા મોગરાના વેપારને ફટકો પડ્યો હતો, પરિણામે ખેડૂતો અને દલાલોને ખૂબ જ નુકસાન સહન કરવું પડ્યું હતું. ઘણા ખેડૂતો ફૂલોની ખેતી છોડી શાકભાજી અને કઠોળની ખેતી તરફ વળ્યા હતા.
પરંતુ રામચંદ્રન ભારપૂર્વક જણાવે છે કે આ સમસ્યાના સમાધાનો છે. એકસાથે એકથી વધુ કામ કરવાની ક્ષમતા ધરાવનાર રામચંદ્રન ખેડૂતો પર અને તેમની ઉપજ પર, ગ્રાહકો પર અને હાર બનાવનારાઓ પર નજર રાખે છે અને જ્યારે જ્યારે કોઈ પોતાના કામમાં ઢીલ કરતુ હોય એવું લાગે ત્યારે "દેઈ [હેઈ]" કરીને તેને સચેત કરે છે. તેઓ મોગરા (જાસ્મિનમ સમ્બક) ના ઉત્પાદન અને છૂટક અને જથ્થાબંધ વેપાર બંનેને સુધારવા સ્પષ્ટ ઉકેલો સૂચવે છે. તેમાં મદુરાઈમાં સરકાર દ્વારા સંચાલિત સેન્ટ ફેક્ટરી શરુ કરવાના અને દખલ વિનાની નિકાસ સુનિશ્ચિત કરવાના સૂચનનો પણ સમાવેશ થાય છે.
તેઓ ઉત્સાહપૂર્વક કહે છે, "જો આપણે આટલું કરીશું તો મદુરાઈ મલ્લી મંગધા માલિયા ઇરુકુમ" [મદુરાઈ મલ્લી તેની ચમક-દમક ક્યારેય ફિક્કી નહિ પડે]." એ ચમક-દમકમાં માત્ર ફૂલની ચમકની વાત નથી, એ સમૃદ્ધિ સૂચવે છે. રામચંદ્રન આ વાક્ય ઘણી વખત ફરી ફરી કહે છે, જાણે પોતાના પ્રિય ફૂલ માટેનું સોનેરી ભવિષ્ય ભાખી રહ્યા ન હોય!
*****
સવારના દસેક વાગ્યા સુધીમાં મોગરાનો વેપારમાં તેજી આવે છે. અને બજારમાં શોરબકોર થવા લાગે છે. ઊંચા, એકધારા અને મોગરાના ફૂલોની સુગંધની જેમ જ અમને ઘેરી લેતા અવાજોથી ઉપર ઊઠીને અમારો અવાજ સામેવાળાને સંભળાય એ માટે અમે ઘાંટા પાડીને બોલીએ છીએ.
રામચંદ્રન અમારે માટે ચા મંગાવે છે. અમે પરસેવે નાહી જવાય એવી ગરમીવાળી સવારે ગરમાગરમ, મીઠી ચા પીએ છીએ ત્યારે તેઓ અમને કહે છે કે કેટલાક ખેડૂતો થોડા હજાર રુપિયાનો વેપાર કરે છે અને કેટલાકનો વેપાર તો 50000 રુપિયા સુધી પહોંચે છે. "આ એવા ખેડૂતો છે જેમણે ઘણા એકરમાં (મોગરાનું) વાવેતર કર્યું હોય છે. થોડા દિવસો પહેલા જ્યારે ફૂલો 1000 રુપિયે કિલોના ભાવે વેચાયા હતા ત્યારે એક ખેડૂત 50 કિલો ફૂલો લઈને બજારમાં આવ્યો હતો." એ દિવસે તો જાણે એને લોટરી લાગી ગઈ હતી – એક જ દિવસમાં 50000 રુપિયાની કમાણી!”
બજારનું શું, રોજનો ધંધો કેટલાકનો થાય? રામચંદ્રનના અંદાજ પ્રમાણે 50 લાખથી એક કરોડ રુપિયાની વચ્ચેનો ધંધો થતો હશે. તેઓ કહે છે, "આ એક ખાનગી બજાર છે. અહીં લગભગ 100 દુકાનો છે, અને દરેકમાં દરરોજ 50000 થી એક લાખ રુપિયા સુધીનું વેચાણ થાય છે. હવે તમે જ ગણતરી કરી લો."
રામચંદ્રન સમજાવે છે કે વેપારીઓને વેચાણ પર 10 ટકા કમિશન મળે છે. તેઓ કહે છે, "દાયકાઓથી આ આંકડો બદલાયો નથી. અને આ એક જોખમી ધંધો છે." જ્યારે ખેડૂત પૈસા ચૂકવી શકે તેમ ન હોય ત્યારે વેપારીને એ નુકસાન વેઠવું પડે છે. તેઓ કહે છે કે કોવિડ -19 લોકડાઉન દરમિયાન આવું અનેક વાર બન્યું હતું.
વિનાયક ચતુર્થીની બરાબર પહેલાં ઓગસ્ટ 2022 માં ફરી એકવાર અમે ત્યાં પહોંચ્યા. આ મુલાકાત હતી ફૂલોના વેપાર માટે જ ખાસ બાંધવામાં આવેલા ફૂલ બજારની. ફૂલ બજારમાં બે પહોળા રસ્તાઓની બંને બાજુએ (ફૂલો વેચવાની) દુકાનો હતી. નિયમિત ખરીદદારો ધંધાથી વાકેફ છે. અહીં સોદા ઝડપથી થાય છે. ફૂલોની બોરીઓ જોતજોતાંમાં આવે છે અને જાય છે. દુકાનો વચ્ચેના રસ્તા પર વાસી ફૂલોના ઊંચા ઢગલા છે. એ ઢગલામાંના ફૂલો પગ નીચે કચડાય છે અને વાસી ફૂલોની અણગમતી વાસ અને નવા ફાલની તીવ્ર સુગંધ વચ્ચે ધ્યાન ખેંચવા માટેની જાણે લડાઈ જામે છે. મેં પાછળથી જાણ્યું કે આપણે જેને સુગંધ અને દુર્ગંધ કહીએ છીએ તેનો આધાર ચોક્કસ રાસાયણિક સંયોજનોની સાંદ્રતા પર છે. આ કિસ્સામાં એ રાસાયણિક સંયોજન છે ઈન્ડોલ, જે કુદરતી રીતે મોગરામાં તેમજ મળમાં, તમાકુના ધુમાડામાં અને ડામરમાં હાજર હોય છે.
સાંદ્રતા ઓછી હોય ત્યારે ઈન્ડોલ ફૂલો જેવી સુવાસ ફેલાવે છે, જ્યારે સાંદ્રતા વધુ હોય ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે.
*****
રામચંદ્ર ફૂલોના ભાવ નક્કી કરવામાં ભાગ ભજવતા મુખ્ય પરિબળો સમજાવે છે. મોગરાના ફૂલો આવવાની શરૂઆત ફેબ્રુઆરી મહિનાની અધવચ્ચેથી થાય છે. "એપ્રિલ સુધી ઉપજ સારી હોય છે, પરંતુ દર ઓછો હોય છે. કિલોના 100 થી 300 રુપિયાની વચ્ચે. મે મહિનો અડધો થાય એ પછી હવામાન બદલાય છે, પવન ફૂંકાય છે અને ફૂલોની પુષ્કળ ઉપજ થાય છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અડધી સીઝન પૂરી થઈ ગઈ હોય છે. ઉત્પાદન અડધું થઈ જાય છે અને ભાવ બમણા થઈ જાય છે. આ વખતે કિલોના ભાવ 1000 રુપિયા સુધી પહોંચી જાય છે. વર્ષના પાછલા ભાગમાં - નવેમ્બર, ડિસેમ્બરમાં - તમને સરેરાશ ઉપજના માત્ર 25 ટકા જ મળે છે. ત્યારે ભાવો ખૂબ વધારે હોય છે. “કિલોના ત્રણ, ચાર કે પાંચ હજાર રુપિયા હોય તોય નવાઈ નહીં. થાઈ માસમ [15 મી જાન્યુઆરી થી 15 મી ફેબ્રુઆરી] લગ્નની પણ મોસમ છે, ત્યારે માંગ પુષ્કળ હોય છે અને પુરવઠો ખૂબ જ ઓછો."
રામચંદ્રનના અંદાજ મુજબ મટ્ટુતવાનીના પ્રાથમિક બજારમાં - જ્યાં ખેડૂતો જાતે જ તેમની પેદાશ લાવે છે ત્યાં - સરેરાશ લગભગ 20 ટન એટલે કે 20000 કિલો જેટલા મોગરા અને 100 ટન જેટલા બીજા ફૂલો લાવવામાં આવતા હશે. અહીંથી ફૂલો પછી તમિળનાડુના પડોશી જિલ્લાઓ - ડિંડીગુલ, તેની, વિરુધુનગર, શિવગંગાઈ, પુદુક્કોટ્ટાઈના બીજા બજારોમાં જાય છે.
તેઓ કહે છે કે ફૂલોનું ઉત્પાદન સામાન્ય સંભાવના વિતરણ માટેના બેલ કર્વને અનુસરતું નથી. "ઉપજ પાણી પર, વરસાદ પર આધાર રાખે છે." એક એકર જમીન ધરાવતો ખેડૂત તેના એક તૃતીયાંશ ભાગના ખેતરને આ અઠવાડિયે પાણી આપશે, પછીના અઠવાડિયે બીજા એક તૃતીયાંશ ભાગને, એમ ચાલ્યા કરે, જેથી તેને [પ્રમાણમાં] સ્થિર ઉપજ મળી રહે. પરંતુ જ્યારે વરસાદ પડે છે, ત્યારે દરેકના ખેતરો પાણીથી તર-બતર હોય છે, બધા છોડ પર એક સાથે ફૂલ આવે છે." તે વખતે દરો તૂટે (ખૂબ ઓછા થઈ જાય) છે."
રામચંદ્રન પાસે 100 ખેડૂતો છે જેઓ તેમને મોગરા પહોંચાડે છે. તેઓ કહે છે, "હું બહુ મોગરા રોપતો નથી. એ ઘણી મહેનત માગી લે છે." માત્ર ચૂંટીને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ જ કિલો દીઠ લગભગ 100 રુપિયા જેટલો આવે છે. એના બે તૃતીયાંશ જેટલો ખર્ચ મજૂરીનો થાય છે. જો મોગરાનો ભાવ કિલોના 100 રુપિયાથી નીચે જાય તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે.
ખેડૂત અને વેપારી વચ્ચેનો સંબંધ જટિલ છે. તિરુમંગલમ તાલુકાના મેલાઉપિલીકુંડ કસ્બાના મોગરાના ખેડૂત 51 વર્ષના પી. ગણપતિ રામચંદ્રનને ફૂલો પહોંચાડે છે. તેઓ કહે છે કે તેઓ મોટા વેપારીઓનું “અડઈકલમ”, શરણું લે છે. “સૌથી વધારે ફૂલો ઊતરતા હોય તે સમયગાળા (પીક ફ્લાવરિંગ) દરમિયાન હું અનેક વાર બજારમાં જાઉં - સવારે, બપોરે, સાંજે - ફૂલોની બોરીઓ લઈ-લઈને. મને મારી પેદાશો વેચવામાં મદદ કરવા માટે વેપારીઓની જરૂર પડે." વાંચો: તમિળનાડુમાં: મોગરાની સુગંધ પાછળનો સંઘર્ષ
પાંચ વર્ષ પહેલાં ગણપતિએ રામચંદ્રન પાસેથી થોડા લાખ રુપિયા ઉછીના લીધા હતા અને તેમને ફૂલો વેચીને દેવાની પતાવટ કરી હતી. આવા વ્યવહારમાં આ કમિશન થોડું વધારે હોય છે - 10 ટકા થી વધીને એ 12.5 ટકા થઈ જાય છે.મોગરાના ભાવ કોણ નક્કી કરે? રામચંદ્રન મને એ સમજાવે છે. તેઓ કહે છે, " લોકો જ બજાર ચલાવે છે. લોકો જ પૈસાની હેરફેર કરે છે. બજાર ખૂબ જ ધમધમતું હોય છે. ફૂલોના દર 500 રુપિયે કિલોથી શરૂ થઈ શકે. જો એ ભાવે ફૂલો ઝડપથી વેચાવા માંડે તો અમે તરત જ ભાવ વધારીને 600 રુપિયા સુધી લઈ જઈએ. જો અમને તેની માંગ દેખાય તો અમે 800 રુપિયા ભાવ કહીએ."
તેઓ નાના હતા ત્યારે, "100 ફૂલોના 2 આના, 4 આના, 8 આના એવા ભાવ રહેતા."
ફૂલોને ઘોડાગાડીઓમાં અને ડીંડીગુલ સ્ટેશનથી બે પેસેન્જર ટ્રેનોમાં લાવવા-લઈ જવામાં આવતા. તેઓ કહે છે, “ફૂલોને વાંસ અને તાડના પાનના કરંડિયામાં મોકલવામાં આવતા જેથી હવાની અવરજવર થતી રહે અને ફૂલોને નુકસાન ન થાય, તેમને સાચવીને રાખી શકાય. મોગરા ઉગાડનારા ખેડૂતો આજના કરતા ઘણા ઓછા હતા. મહિલા ખેડૂતો તો ખૂબ જ ઓછા."
રામચંદ્રન તેમના બાળપણની એ સુગંધિત ગુલાબના ફૂલોની યાદોમાં ખોવાઈ જાય છે, જેને તેઓ “પનીર રોઝ [ખૂબ જ સુગંધિત ગુલાબ]” કહે છે. "હવે તમને એ જોવા મળતા નથી! દરેક ફૂલની આસપાસ એટલી બધી મધમાખીઓ મંડરાયેલી રહેતી, મને ઘણીય વાર ડંખ માર્યા છે!” આવું કહેતા તેમના અવાજમાં ગુસ્સાને બદલે આશ્ચર્ય છે.
ઊંડા આદરભાવ સાથે તેઓ મને તેમણે મંદિરના વિવિધ તહેવારોમાં રથ, પાલખી, દેવતાઓને શણગારવા દાનમાં આપેલા ફૂલોના ફોટા તેમના ફોન પર બતાવે છે. તેઓ એક પછી એક ફોટોગ્રાફ સરકાવે છે, વધુ ને વધુ ભવ્ય અને વધુ ને વધુ ઝીણવટભભર્યા શણગારના ફોટા એકએકથી ચડિયાતા છે.
પરંતુ તેઓ ભૂતકાળની યાદોમાં જ જીવે છે એવું નથી, તેઓ ભવિષ્ય વિશે સ્પષ્ટ છે. "નવીનતા લાવવા માટે અને નફો મેળવવા માટે ઔપચારિક રીતે શિક્ષિત યુવાનોએ આ ધંધામાં આવવાની જરૂર છે." રામચંદ્રન પાસે કદાચ નથી કોઈ વિશિષ્ટ કોલેજ કે યુનિવર્સિટીની ડીગ્રીઓ કે નથી તેઓ ‘યુવા’. પરંતુ બંને માટે શ્રેષ્ઠ વિચારો તેમની પાસેથી મળી રહે છે.
*****
પહેલી નજરે જોતાં ફૂલોની માળા, હાર, અને સેન્ટ એ કોઈ બહુ પરિવર્તનકારી, મહત્ત્વાકાંક્ષી વ્યવસાયિક વિચારો લાગતા નથી. પરંતુ એ વિચારો સાવ મામૂલી તો નથી જ. જોતજોતાંમાં છૂટાછવાયા સ્થાનિક ફૂલોને, જેને આમથી તેમ મોકલી શકાય, જેને પહેરી શકાય, જેના સૌંદર્યને વખાણી શકાય અને છેવટે જેમાંથી ખાતર પણ બનાવી શકાય એવા કોઈ મનોહર હારમાં ગૂંથી લેવા એ જ છે સર્જનાત્મકતા, એ જ છે કારીગરી.
38 વર્ષના એસ. જયરાજ કામ કરવા માટે દરરોજ શિવગંગાઈથી મદુરાઈની બસ લે છે. તેઓ હાર બનાવવામાં માહેર છે, હાર બનાવવા માટે જરૂરી અથથી ઈતિ બધું જ જાણે છે. તેઓ લગભગ 16 વર્ષથી સારામાં સારા હાર બનાવી રહ્યા છે. થોડાક ગર્વ સાથે તેઓ કહે છે કે તેઓ કોઈપણ ફોટામાંથી કોઈપણ ડિઝાઈનની નકલ કરી શકે છે. એ ઉપરાંત તેઓ પોતે પોતાની મેળે મૌલિક ડિઝાઈન બનાવે એ તો અલગ. ગુલાબ-પાંખડીના હારની જોડી માટે મજૂરી રુપે તેઓ 1200 થી 1500 રુપિયા કમાય છે. મોગરાના એક સાદા હારની મજૂરી 200 થી 250 રુપિયાની વચ્ચે હોય છે.
રામચંદ્રન સમજાવે છે કે અમારી મુલાકાતના બે દિવસ પહેલા હાર બનાવનારાઓ અને ફૂલ પરોવનારા કારીગરોની તીવ્ર અછત હતી. તેઓ ભારપૂર્વક કહે છે, "એ કામ કરવા માટે તમારે યોગ્ય તાલીમ લેવી પડે. એમાંથી તમારે પૈસા ઊભા થવાના છે. એક મહિલા થોડા પૈસાનું રોકાણ કરી બે કિલો મોગરા ખરીદી શકે છે અને તેને દોરામાં પરોવીને માળા બનાવીને વેચીને 500 રુપિયાનો નફો કમાઈ શકે છે." આમાં તેણે ફાળવેલા સમયનું અને તેણે કરેલા શ્રમનું, બંનેનું મૂલ્ય સામેલ છે, મદુરાઈ મલ્લીની એક કિલો, આશરે 4000 - 5000 કળીઓ પરોવવાની મજૂરી છે 150 રુપિયા. ઉપરાંત, 'કુરુ' અથવા 100 ફૂલોના ઢગલા તરીકે ફૂલોના છૂટક વેચાણમાં થોડીઘણી આવક થવાની શક્યતા પણ હોય છે.
ફૂલો પરોવવા માટે ઝડપ અને કુશળતાની સાથેસાથે ઝડપ પણ જોઈએ. રામચંદ્રન અમને (આખી પ્રક્રિયા વિધિવત સમજાવવા) લેક-ડેમ (લેક્ચર-ડેમોન્સ્ટ્રેશન) આપે છે. કેળાના રેસાના દોરાને પોતાના ડાબા હાથમાં પકડીને તેઓ જમણા હાથથી ઝડપથી મોગરાની કળીઓ ઉઠાવે છે, એકબીજાની બાજુમાં કળીઓ બહારની તરફ રહે એ રીતે ગોઠવે છે, અને તેમને એ સ્થાને બરોબર પકડી રાખવા માટે એક દોરો કળીઓની ઉપરથી પલટાવીને લે છે. આગલી હાર માટે તેઓ ફરી એમ જ કરે છે. પછી વળી આગલી હાર માટે. મોગરાનો હાર ગૂંથાતો રહે છે …
તેઓ પૂછે છે કે ફૂલોને પરોવીને માળા અને હાર બનાવવાનું યુનિર્વિસટીમાં શા માટે શીખવી ન શકાય. “એ એક વ્યાવસાયિક અને આજીવિકા રળી આપતું કૌશલ્ય છે. હું પણ શીખવી શકું. હું એનું માધ્યમ બની શકું ...કારણ મારી પાસે એ આવડત છે. "
રામચંદ્રન જણાવે છે કે, કન્યાકુમારી જિલ્લાના તોવલઈ ફૂલ બજારમાં કળીઓ પરોવવી એ એક ધીકતો કુટિર ઉદ્યોગ છે. તેઓ કહે છે, "દોરામાં પરોવેલા ફૂલો ત્યાંથી બીજા નગરો અને શહેરોમાં, ખાસ કરીને કેરળના નજીકના વિસ્તારોમાં, ખાસ કરીને તિરુવનંતપુરમ, કોલ્લમ અને કોચીનમાં જાય છે. આ મોડલને બીજે પણ કેમ ન વિકસાવી શકાય? જો વધુ મહિલાઓને પ્રશિક્ષિત કરવામાં આવે, તો તે ચોક્કસ આવક માટેનું સારું મોડેલ હશે. મોગરા જ્યાં ઊગે છે ત્યાં, ઘરઆંગણે પણ આવું મોડેલ અપનાવવું ન જોઈએ?"
ફેબ્રુઆરી 2023માં પારીએ એ નગરના અર્થશાસ્ત્રને સમજવા માટે તોવલાઈ બજારની મુલાકાત લીધી. નાગેરકોઈલની નજીક આવેલું તોવલાઈ નગર ટેકરીઓ અને ખેતરોથી ઘેરાયેલું છે, નગરની ચોતરફ ઊંચી પવનચક્કીઓ છે. લીમડાના વિશાળ ઝાડની નીચે અને તેની આસપાસ આ બજાર ચાલે છે. મોગરાની માળાઓ કમળના પાંદડાઓમાં વીંટવામાં આવે છે અને તેને તાડના પાનના કરંડિયાઓમાં મૂકવામાં આવે છે. વેપારીઓ સમજાવે છે કે અહીં તમિળનાડુના નજીકના તિરુનેલવેલી જિલ્લામાંથી અને કન્યાકુમારીમાંથી મોગરા આવે છે, અહીં બધા વેપારીઓ પુરુષો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં મોગરાનો દર કિલોના 1000 રુપિયા છે. પરંતુ અહીંનો મોટો ધંધો છે મહિલાઓ દ્વારા ફૂલો પરોવવાનો. જોકે બજારમાં કોઈ મહિલા જોવા મળતી નહોતી. મેં પૂછ્યું તેઓ ક્યાં છે. પાછળની શેરી તરફ ઈશારો કરીને પુરુષો કહે છે, " પોતપોતાના ઘરોમાં."
ત્યાં જ અમે મળીએ છીએ ઝડપથી (પિચી અથવા જાતી મલ્લી પ્રકારના) મોગરા ઉઠાવી તેમને એકસાથે દોરામાં પરોવતા 80 વર્ષના આર. મીનાને. તેમણે ચશ્મા પહેર્યા નથી. મેં નવાઈથી પૂછેલો સવાલ સાંભળી તેઓ થોડી વાર સુધી હસતા રહે છે. ને પછી કહે છે, "ફૂલોને તો હું અડકીને ઓળખી લઉં છું, પરંતુ લોકો જ્યાં સુધી નજીક ન આવે ત્યાં સુધી તેમને જોઈ શકતી નથી." તેમની આંગળીઓ અનુભવને આધારે સહજતાથી કામ કરતી રહે છે.
જોકે મીનાને તેની કુશળતાના પ્રમાણમાં સાવ નજીવું વળતર મળે છે. તેમને પિચી પ્રકારની 200 ગ્રામ કળીઓ પરોવવાના 30 રુપિયા ચૂકવાય છે. 200 ગ્રામ એટલે લગભગ 2000 કળીઓ થાય, એ પરોવતા તેમને કલાક લાગે. એક કિલો મદુરાઈ મલ્લી (આશરે 4000 - 5000 કળીઓ) પરોવવાના તેઓ 75 રુપિયા કમાય છે. જો તેઓ મદુરાઈમાં કામ કરતા હોત તો તેમને બમણા દર મળતા હોત. મોગરાની માળાને ગોળ ગોળ વીંટી તેઓ સુંદર, સુંવાળો, સુગંધિત દડો તૈયાર કરે છે. તેઓ સમજાવે છે કે ક્યારેક દિવસ સારો ઉગ્યો હોય તો એ દિવસે તોવલઈમાં તેમને 100 રુપિયા મળે.
તેથી ઊલટું હાર ખૂબ મોંઘા ભાવે વેચાય છે. મોટે ભાગે પુરુષો હાર બનાવે છે.
રામચંદ્રનના અંદાજ મુજબ મદુરાઈમાં દરરોજ લગભગ 1000 કિલો મોગરાની માળા અને હાર બને છે. પરંતુ હાલ તેમાં ઘણી અસુવિધાઓ છે. ફૂલોને ઝડપથી પરોવવા પડે છે, એનું કારણ આપતા એકેએક શબ્દ પર ભાર મૂકતા તેઓ કહે છે કે બપોરના તાપમાં કળીઓ ખૂલી જાય છે ("મોટ્ટુ વેડીચિડમ"), એ પછી તેની કોઈ કિંમત રહેતી નથી. "મહિલાઓના જૂથો માટે સિપકોટ [ધ સ્ટેટ ઈન્ડસ્ટ્રીઝ પ્રોમોશન કોર્પોરેશન ઓફ તમિળનાડુ] માં થોડી જગ્યા કેમ ન ફાળવી શકાય? તે જગ્યા એર-કન્ડિશન્ડ હોવી જોઈએ, જેથી ફૂલો તાજા રહી શકે અને મહિલાઓ એ ઝડપથી પરોવી શકે." આ કામમાં ઝડપ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે એ વિદેશ મોકલાય ત્યારે એ કળીઓની માળાના રૂપમાં પહોંચવા જોઈએ.
"મેં કેનેડા અને દુબઈ સુધી મોગરાની નિકાસ કરી છે. કેનેડા સુધી પહોંચવામાં 36 કલાકનો સમય લાગે છે. ત્યાં સુધી મોગરા તાજા રહેવા જોઈએ ને?"
આ સવાલ હવે તેમને ફૂલોના પરિવહનના મુદ્દા પર લાવે છે. એમાં ઓછી મુશ્કેલીઓ નથી. ફૂલોને વિમાન દ્વારા લઈ જવામાં આવે તે પહેલા ફૂલો કેટલીય વાર ચડાવવા-ઉતારવા પડે છે અથવા ચેન્નાઈ કે કોચી કે તિરુવનંતપુરમ - ખૂબ દૂર સુધી લઈ જવા પડે છે. તેઓ ભારપૂર્વક કહે છે મદુરાઈને મોગરાની નિકાસ માટેનું કેન્દ્ર બનવું જોઈએ.
તેમનો દીકરો પ્રસન્ના વાતમાં જોડાય છે. તેઓ ભારપૂરક કહે છે, “અમારે નિકાસ કોરિડોર અને માર્ગદર્શનની જરૂર છે. ખેડૂતોને માર્કેટિંગ માટે મદદની જરૂર છે. ઉપરાંત અહીં નિકાસ માટે પૂરતા પેકર્સ નથી. અમારે કન્યાકુમારીના તોવલઈ અથવા ચેન્નાઈ જવું પડે છે. દરેક દેશમાં નિકાસ માટે જે તે દેશના પોતાના ચોક્કસ ધોરણો અને જરૂરી પ્રમાણપત્રો હોય છે - જો ખેડૂતોને એ અંગે માર્ગદર્શન આપવામાં આવે તો તે મદદરૂપ થશે."
તદુપરાંત, મદુરાઈ મલ્લીને 2013 થી જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઈ ટેગ - ભૌગોલિક સંકેત) મળેલ છે. પરંતુ તેનાથી પ્રાથમિક ઉત્પાદકો અને વેપારીઓને કોઈ ફાયદો થયો હોય એવું પ્રસન્નાને લાગતું નથી.
"બીજા પ્રદેશોના મોગરા ગેરકાયદેસર રીતે મદુરાઈ મલ્લીના નામે વેચવામાં આવે છે એ અંગે ફરિયાદ કરતી ઘણી રજૂઆતો મેં કરી છે."
દરેક ખેડૂત અને વેપારી જે મુદ્દાનો ઉલ્લેખ કરે છે એ વાત સાથે રામચંદ્રન પોતાની વાતનું સમાપન કરે છે: મદુરાઈને તેની પોતાની સેન્ટ ફેક્ટરીની જરૂર છે. રામચંદ્રન ભારપૂર્વક કહે છે કે તે સરકાર સંચાલિત હોવી જોઈએ. મોગરાના આ દેશમાં મારી મુસાફરી દરમિયાન મેં આ વાત એટલી બધી વાર સાંભળી છે કે એવું લાગે છે જાણે પાણીની વરાળની મદદથી ફૂલોમાંથી સુગંધિત અર્ક મેળવવાથી આ વિસ્તારની બધી જ સમસ્યાઓ આપોઆપ હલ થઈ જશે. શું એ ખરેખર બધા આશા રાખે છે એવી કોઈ જાદુઈ છડી છે?
અમે રામચંદ્રાનની સાથે પહેલી વખત વાત કર્યાના લગભગ એક વર્ષ પછી 2022 માં રામચંદ્રન અમેરિકા સ્થળાંતરિત થઈ ગયા છે, તેઓ હવે ત્યાં તેમની દીકરી સાથે રહે છે. જોકે મોગરાને લગતી બાબતો પર તેમણે પોતાની પકડ લેશમાત્ર ઢીલી કરી નથી. તેમને મોગરા પહોંચાડતા ખેડૂતો અને તેમનો સ્ટાફ કહે છે કે તેઓ નિકાસને સરળ બનાવવા સખત મહેનત કરી રહ્યા છે. ઉપરાંત તેઓ ત્યાં રહે રહે પોતાના ધંધા પર અને બજાર પર નજર રાખે છે.
*****
સ્વતંત્ર ભારતમાં આર્થિક નીતિના ઘડતરના ઈતિહાસ પર કામ કરતા જીનીવા ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરલ રિસર્ચર રઘુનાથ નાગેશ્વરન સમજાવે છે કે, એક સંસ્થા તરીકે બજાર સદીઓથી વ્યાપારી વિનિમયની સુવિધા આપવાનું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. તેઓ કહે છે, “પરંતુ લગભગ છેલ્લી એકાદ સદીમાં બજારને એક તટસ્થ અને સ્વ-નિયમન કરતી સંસ્થા તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં તેને બીજી સંસ્થાઓ કરતા વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે.
"આવી દેખીતી રીતે કાર્યક્ષમ સંસ્થાને મુક્ત રીતે કાર્ય કરવા દેવું જોઈએ એ વિચાર હવે સામાન્ય થતો જાય છે. અને બજારના કોઈપણ બિનકાર્યક્ષમ પરિણામ માટે બિનજરૂરી અથવા વસ્તુસ્થિતિને બરોબર સમજ્યા વિના કરાયેલા સરકારી હસ્તક્ષેપને જવાબદાર લેખવામાં આવે છે. બજારનું આવું નિરૂપણ ઐતિહાસિક રીતે ભૂલભરેલું છે.”
રઘુનાથ સમજાવે છે કે "કહેવાતું મુક્ત બજાર" એટલે જ્યાં "વિવિધ નિયંત્રક પરિબળો અલગ અલગ સ્તરની સ્વતંત્રતા માણે છે." તેઓ કહે છે કે, જો તમે બજારના વ્યવહારોમાં સક્રિયપણે ભાગ લેતા હશો તો તેમને ખ્યાલ આવશે કે "ત્યાં કહેવાતા અદ્રશ્ય હાથ છે, પરંતુ હા, ત્યાં ખૂબ જ સ્પષ્ટપણે દેખાતી મુઠ્ઠીઓની સંખ્યા પણ ઓછી નથી જે બજાર પર તેમની પકડ ઠોકી બેસાડે છે. બજારોની કામગીરીમાં વેપારીઓ કેન્દ્રસ્થાને છે, પરંતુ એ હકીકત સ્વીકારવી જરૂરી છે કે તેઓ શક્તિશાળી પરિબળ છે કારણ કે તેમની પાસે ખૂબ મહત્ત્વની પુષ્કળ માહિતી પણ હોય છે.”
રઘુનાથ કહે છે કે એ સમજવા માટે તમારે કોઈ શૈક્ષણિક પેપર વાંચવાની જરૂર નથી કે, "એક વ્યક્તિનું બીજી વ્યક્તિ પરનું વર્ચસ્વ છેવટે તો માહિતીની અસમપ્રમાણ પહોંચને કારણે છે. જાતિ, વર્ગ અને લિંગના ભેદભાવને સજડ કરનારા પરિબળોના મૂળમાં પણ આ માહિતીની અસમપ્રમાણ પહોંચ જ છે." તેઓ પૂછે છે, "આપણે ખેતરોમાંથી અને ફેક્ટરીમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે કે આપણા સ્માર્ટફોન પર એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે કે પછી તબીબી સેવાઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે માહિતીની આ અસમપ્રમાણતાનો સીધો અનુભવ કરીએ છીએ, ખરું ને?"
" વસ્તુઓનું ઉત્પાદન કરનારા અને સેવાઓ પૂરી પાડનારા પણ બજારને નિયંત્રિત કરે છે કારણ કે તેમના ઉત્પાદનોની કિંમત તેઓ નક્કી કરે છે. જોકે એવા ઉત્પાદકો પણ છે કે જેઓ તેમના ઉત્પાદનના ભાવ પર ઝાઝું નિયંત્રણ ધરાવતા નથી કારણ કે અનિયમિત ચોમાસાના જોખમ અને બજારના જોખમની તેમને અસર પહોંચે છે.
રઘુનાથ કહે છે., “ખેડૂતોના અલગ અલગ વર્ગો છે. તેથી આપણે વિગતવાર સમજવાની જરૂર છે. આ સંદર્ભમાં આપણે આ મોગરાની વાર્તાનું જ ઉદાહરણ લઈએ. સરકારે પરફ્યુમરીમાં સીધી રીતે સામેલ થવું જોઈએ? કે પછી માર્કેટિંગ સુવિધાઓ ઊભી કરીને અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો માટે નિકાસ કેન્દ્ર સ્થાપીને દરમિયાનગીરી કરવી જોઈએ જેથી એ ક્ષેત્રના નાના ધંધાદારીઓને જરૂરી સુવિધા મળી રહે?"
*****
મોગરો એ કિંમતી ફૂલ છે. ઐતિહાસિક રીતે, સુગંધિત પદાર્થો - કળીઓ અને મ્હોર, લાકડું અને મૂળ, જડીબુટ્ટીઓ અને તેલ - પ્રાર્થનાના સ્થળોમાં, ભક્તિ પૂર્ણ વાતાવરણ ઊભું કરવા માટે; રસોડામાં, સ્વાદ વધારવા માટે; બેડરૂમમાં, કામેચ્છા તીવ્ર કરવા માટે - વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. બીજી ઘણી સુગંધની સાથે સાથે ચંદન, કપૂર, ઈલાયચી, કેસર, ગુલાબ અને મોગરો એ જાણીતી ચિરપરિચિત સુગંધ છે. તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે અને સરળતાથી ઉપલબ્ધ છે તેથી તે ખાસ છે એવું લાગતું નથી. પરંતુ પરફ્યુમ ઉદ્યોગ કંઈક જુદી જ વાત કરે છે.
સેન્ટ ઉદ્યોગની કામગીરી બાબતે અમારું શિક્ષણ હજી શરૂ જ થાય છે.
પહેલો અને પ્રારંભિક તબક્કો છે 'કોંક્રિટ', જ્યાં ફૂડ ગ્રેડ દ્રાવકનો ઉપયોગ કરીને ફૂલોમાંથી તેમનો અર્ક કાઢવામાં આવે છે. આ પ્રક્રિયાને પરિણામે મળતો અર્ક અર્ધ ઘન અને મીણયુક્ત હોય છે. એકવાર તમામ મીણ દૂર થઈ જાય પછી એ પ્રવાહી 'એબ્સોલ્યુટ' બની જાય છે, તે આલ્કોહોલમાં દ્રાવ્ય હોવાથી એ ઘટકનું વાપરવા માટેનું સૌથી વધુ અનુકૂળ સ્વરૂપ છે.
મોગરાનું એક કિલો ‘એબ્સોલ્યુટ’ આશરે 326000 રુપિયામાં વેચાય છે.
રાજા પલનીસ્વામી જાસ્મીન સી. ઈ. પ્રા. લિ. (જેસીઈપીએલ) ના સંચાલક છે. આ કંપની વિશ્વમાં જાસ્મીન સમ્બક કોંક્રીટ અને એબ્સોલ્યુટ સહિત વિવિધ ફૂલોના અર્ક માટેની એકમાત્ર સૌથી મોટી ઉત્પાદક છે. તેઓ અમને સમજાવે છે કે એક કિલો જાસ્મીન સમ્બક એબ્સોલ્યુટ મેળવવા માટે તમારે એક ટન ગુંડુ મલ્લી (અથવા મદુરાઈ મલ્લી) ફૂલોની જરૂર પડે. તેમની ચેન્નાઈ ઓફિસમાં બેઠા બેઠા તેઓ મને વૈગ્લોબલ ફ્રેગ્રન્સ ઈન્ડસ્ટ્રી વિશે સમજ આપે છે.
સૌથી પહેલા તેઓ કહે છે, “અમે પરફ્યુમ નથી બનાવતા. અમે કુદરતી ઘટકોનું ઉત્પાદન કરીએ છીએ, જે સુગંધ અથવા પરફ્યુમ બનાવવામાં વપરાતા અનેક ઘટકોમાંથી એક છે.”
તેઓ જે ચાર પ્રકારના મોગરા પર પ્રક્રિયા કરે છે તેમાં બે મુખ્ય છે: જાસ્મીન ગ્રાન્ડિફ્લોરમ (જાતી મલ્લી) અને જાસ્મીન સમ્બક (ગુંડુ મલ્લી). આમાંથી જાતી મલ્લી એબ્સોલ્યુટની કિંમત પ્રતિ કિલોગ્રામ દીઠ લગભગ 3000 અમેરિકન ડોલર છે. ગુન્ડુ મલ્લી એબ્સોલ્યુટની કિંમત પ્રતિ કિલો લગભગ 4000 અમેરિકન ડોલર છે.
રાજા પલાનીસ્વામી કહે છે, “જુદા જુદા પ્રકારના કોંક્રિટ અને એબ્સોલ્યુટના ભાવ સંપૂર્ણપણે ફૂલોના ભાવ પર આધારિત છે. ઐતિહાસિક રીતે ફૂલોના ભાવ હંમેશા વધતા જ રહ્યા છે. વર્ષોવર્ષ ભાવ થોડાઘણા ઉપરનીચે થઈ શકે છે, પરંતુ લાંબા ગાળાનું વલણમાં જોવા જઈએ તો ભાવ વધ્યા જ છે." રાજા કહે છે કે તેમની કંપની વર્ષે 1000 થી 1200 ટન મદુરાઈ મલ્લી, જે ગુંડુ મલ્લી તરીકે પણ ઓળખાય છે તેના પર પ્રક્રિયા કરે છે. તેમાંથી લગભગ 1 થી 1.2 ટન જાસ્મીન સમ્બક એબ્સોલ્યુટ મળી રહે છે જે જાસ્મીન સમ્બક એબ્સોલ્યુટની લગભગ 3.5 ટનની વૈશ્વિક માંગના ત્રીજા ભાગને પહોંચી વળે છે. ભારતનો સુગંધ ઉદ્યોગ - જેમાં રાજાની તમિળનાડુસ્થિત બે મોટી ફેક્ટરીઓ ઉપરાંત બીજા કેટલાક ઉત્પાદકોનો સમાવેશ થાય છે - એકંદરે "કુલ સમ્બક ફૂલોના ઉત્પાદનના 5 ટકા કરતા ઓછા"નો ઉપયોગ કરે છે.
દરેક ખેડૂતે, દરેક દલાલે "સુગંધના કારખાનાઓ" વિશે અને આ ધંધા માટે એ કારખાના કેટલા મહત્વપૂર્ણ હતા એ વિશે જે વાત કરી હતી એ જોતા એ આંકડો આશ્ચર્યજનક હતો. પણ રાજા માત્ર હસે છે. “ઉદ્યોગ તરીકે અમે ફૂલોના ખૂબ જ નાના ઉપભોક્તા છીએ, પરંતુ ખેડૂતોને નફો થાય એ સુનિશ્ચિત કરવા માટે લઘુત્તમ ભાવ જાળવવામાં અમે મુખ્ય ભૂમિકા ભજવીએ છીએ. અલબત્ત, ખેડૂતો અને વેપારીઓ વર્ષ દરમિયાન હંમેશા ઊંચા ભાવે વેચાણ કરવાનું પસંદ કરશે. આ એક આકર્ષક ઉદ્યોગ છે - સુંદરતા અને સુગંધ. તેઓ માને છે કે અહીં નફાનું પ્રમાણ ખૂબ મોટું હોય છે, પરંતુ હકીકત એ છે કે આ કોમોડિટી માર્કેટ છે.”
ઘણી જગ્યાએ આ ચર્ચા થાય છે: ભારતથી માંડીને ફ્રાન્સ સુધી, અને મદુરાઈ જિલ્લાના મોગરાના બજારોથી લઈને તેના ગ્રાહકો સુધી - જેમાં ડીઓર, ગર્લાં, લશ અને બુલ્ગારી જેવા વિશ્વના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત પરફ્યુમ હાઉસનો પણ સમાવેશ થાય છે. હું બંને વિશ્વો વિશે થોડું થોડું શીખું છું જે એકમેકથી ખૂબ દૂર હોવા છતાં કોઈક રીતે સંકળાયેલા છે.
ફ્રાન્સ પરફ્યુમની વૈશ્વિક રાજધાની છે. તેઓએ છેલ્લા પાંચ દાયકાથી મોગરાનો અર્ક ભારતમાંથી મેળવવાનું શરૂ કર્યું છે. રાજા સમજાવે છે કે તેઓ જાસ્મિનમ ગ્રાન્ડિફ્લોરમ અથવા સ્થાનિક ભાષામાં કહીએ તો જાતી મલ્લીની શોધમાં આવ્યા હતા. "અને અહીં તો તેમને ઘણાં વિવિધ ફૂલો, અને દરેક ફૂલમાં વિવિધ જાતોનો મોટો ખજાનો મળ્યો."
1999 માં ડીઓર બ્રાન્ડના વિશિષ્ટ ફ્રેન્ચ પરફ્યુમ જે’ અડોરના લોન્ચિંગની સાથે મોટું પરિવર્તન આવ્યું. ડીઓરની વેબસાઇટ પર પરફ્યુમરની નોંધ કહે છે, આ સેન્ટ દ્વારા "એક એવા ફૂલની શોધ થઈ છે, જે અસ્તિત્વમાં જ નથી, એક આદર્શ ફૂલ." રાજા સમજાવે છે કે આ આદર્શ ફૂલમાં તેની "તાજી અને લીલી માદક સુગંધ" સાથેના ઈન્ડિયન જાસ્મિન સમ્બકનો સમાવેશ થાય છે, તેઓ કહે છે, "હવે તો ફેશનની દુનિયામાં તેનું નામ થઈ ગયું છે." મદુરાઈ મલ્લી – અથવા ડીઓ તેને કહે છે તેમ “ઓપ્યુલન્ટ જાસ્મીન સમ્બક” – સોનાની રિંગવાળી નાની શીશીમાં ભરાઈને હવે તો ફ્રાન્સ અને ત્યાંથી આગળ વધીને દુનિયાના બીજા કંઈ કેટલાય દેશોમાં પહોંચી ચૂક્યું છે.
પરંતુ તેના ઘણા સમય પહેલા મદુરાઈ અને તેની આસપાસના ફૂલ બજારોમાંથી ફૂલો મેળવવામાં આવે છે. પરંતુ રોજેરોજ નહીં. વર્ષના મોટા ભાગ દરમિયાન જાસ્મિન સમ્બકના ભાવ એટલા વધારે હોય છે કે તેમાંથી અર્ક કાઢવાનું મોંઘું પડી જાય.
રાજા કહે છે, "આ ફૂલ બજારોમાં ફૂલોની માંગ અને પુરવઠાને અસર કરતા તમામ પરિબળોની viસ્પષ્ટ સમજ હોવી જરૂરી છે. અમારી પાસે બજારોમાં ખરીદનાર/સંયોજક તૈનાત હોય છે. તેઓ ત્યાં ભાવ પર ખૂબ જ કાળજીપૂર્વક નજર રાખે છે. અમારો એક ભાવ હોય જે વેપાર માટે યોગ્ય હોય અને એ ભાવ, ધારો કે 120 રુપિયા, નક્કી કર્યા પછી અમે રાહ જોઈએ. ભાવ નક્કી કરવામાં અમારી કોઈ ભૂમિકા નથી." તેઓ ઉમેરે છે કે ભાવ બજાર પરથી નક્કી થાય છે.
“અમે ફક્ત બજાર પર નજર રાખીએ અને રાહ જોઈએ. અમારી કંપની 1991 માં શરૂ થઈ હતી. આટલા મોટા જથ્થામાં ફૂલો ખરીદવાનો અમારી પાસે 15 થી વધુ વર્ષનો અનુભવ છે એટલે એ અનુભવને આધારે અમે સિઝન દરમિયાન ભાવ કેવો રહેશે એનું અનુમાન કરી શકીએ છીએ. જ્યારે પુષ્કળ ફૂલો ઊતર્યા હોય ત્યારે અમે ફૂલો ખરીદીએ એટલું જ નહિ એ સમયે અમે અમારી ખરીદી અને ઉત્પાદનને મહત્તમ કરવાનો પ્રયાસ કરીએ."
રાજા કહે છે કે આ મોડેલને કારણે જ તેમની ક્ષમતાનો નિયમિત ઉપયોગ થઈ શકતો નથી. “તમને દરરોજ ફૂલોનો નક્કી ચોક્કસ જથ્થો મળતો નથી, આ કંઈ સ્ટીલના કારખાના જેવું નથી કે તમારી પાસે પર્યાપ્ત માત્રામાં આયર્ન ઓર હોય અને તમારું મશીન આખુંય વર્ષ કાર્યક્ષમ રીતે ચાલતું હોય. અહીં તો અમે ફક્ત ફૂલોની રાહ જ જોયા કરીએ છીએ. તેથી અમારી ક્ષમતા એટલી બધી વધારે રાખવામાં આવી છે જેથી પુષ્કળ પ્રમાણમાં ફૂલો આવે એવા છૂટાછવાયા દિવસોને પહોંચી વળવું શક્ય બને.”
વર્ષમાં એવા લગભગ 20 થી 25 મોટા દિવસો હોય. રાજા કહે છે, “તે દિવસોમાં અમે દરરોજ લગભગ 12 થી 15 ટન ફૂલો ઉપર પ્રક્રિયા કરીએ છીએ. બાકીના સમયે અમને 1 થી 3 ટન સુધીની ઓછી માત્રામાં ફૂલો મળે, અથવા ક્યારેક તો કશું જ ન મળે."
ખેડૂતોએ સ્થિર ભાવ માટે રહે તે માટે સરકારને ફેક્ટરી શરૂ કરવાની વિનંતી કરી છે એ અંગેના મારા સવાલનો જવાબ આપતા રાજા કહે છે, “માંગમાં અનિશ્ચિતતા અને અસ્થિરતાને કારણે સરકારને આ ઘટકોના વ્યવસાયમાં આવતા રોકતા હોય એમ બની શકે છે. ખેડૂતો અને વેપારીઓને એમાં વાણિજ્યિક શક્યતાઓ દેખાતી હોય પણ સરકારને વ્યવસાયિક દ્રષ્ટિએ આ નફાનો ધંધો ન લાગતો હોય એમ બને." રાજા દલીલ કરે છે, “જ્યાં સુધી સરકાર બીજા બધાને ઘટકોનું-ફૂલોનું ઉત્પાદન કરતા અટકાવે નહીં અને ઘટકોના-ફૂલોના ઉત્પાદન પર એકાધિકાર સ્થાપિત ન કરે ત્યાં સુધી તે આ ધંધામાં માત્ર એક વધુ ખેલાડી બની રહે, સરકારે પણ એ જ ખેડૂતો પાસેથી ફૂલોની ખરીદી કરવી પડે જેમની પાસેથી બીજા ઉત્પાદકો ખરીદે છે અને પછી ખરીદદારોના એ જ સમૂહને અર્ક વેચવો પડે જેને બીજા ઉત્પાદકો વેચે છે."
સારામાં સારી સુગંધ મેળવવા માટે મોગરા ખીલે કે તરત જ તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે. રાજા કહે છે, “જ્યારે ફૂલ ખીલે છે ત્યારે તેની જે સુગંધ આવે છે તે સતત ચાલતી રહેતી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે છે; એ જ ફૂલ જ્યારે સડી જાય ત્યારે દુર્ગંધ આવે છે.”
આ પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે રાજા મને આ વર્ષના ફેબ્રુઆરીની શરૂઆતમાં મદુરાઈ પાસેની તેમની પરફ્યુમ ફેક્ટરીમાં આવવાનું આમંત્રણ આપે છે.
*****
ફેબ્રુઆરી 2023 માં મદુરાઈ શહેરમાં મટ્ટુતવાની બજારની ઝડપી મુલાકાત સાથે અમારો દિવસ શરૂ થાય છે. આ મારી ત્રીજી મુલાકાત છે, આશ્ચર્યજનક રીતે બજારમાં ભીડ નથી, બજાર શાંત છે. મોગરા બહુ ઓછા છે; પરંતુ બીજા રંગબેરંગી ફૂલો પુષ્કળ છે: ગુલાબની ટોપલીઓ, રજનીગંધા અને ગલગોટાની બોરીઓ; ધવનમ (સ્વીટ માર્જોરમ) ના ઢગલા. નબળો પુરવઠો હોવા છતાં મોગરા માત્ર 1000 રુપિયામાં વેચાય છે. વેપારીઓ કંઈક ગુસ્સાથી ફરિયાદ કરતા (ઓછા ભાવનું કારણ આપતા) કહે છે કે આજે કોઈ શુભ દિવસ નથીને એટલે.
અમે મદુરાઈ શહેરથી નીકળીને ગાડીમાં બેસીને જઈએ છીએ નજીકના ડિંડીગુલ જિલ્લાના નીલકોટ્ટઈ તાલુકા તરફ, રાજાની કંપનીને મોગરાની બે જાતો - ગ્રાન્ડિફ્લોરમ અને સમ્બક પૂરી પાડતા ખેડૂતોને મળવા. અહીં મને સૌથી વધુ આશ્ચર્યજનક વાત સાંભળવા મળે છે.
મલ્લી ઉછેરના લગભગ બે દાયકાના અનુભવવાળા એક પ્રગતિશીલ ખેડૂત મારિયા વેલંકન્ની મને સારી ઉપજનું રહસ્ય જણાવતા કહે છે કે જૂના પાંદડા ચાવી જવા બકરીઓ લઈ આવો તો ઉપજ સારી મળે છે.
એકરના છઠ્ઠા ભાગમાં ઉગાડેલા છોડ સાથેનો તેમનો લીલાછમ પેચ બતાવીને તેઓ કહે છે, "આ ઉપાય ફક્ત મદુરાઈ મલ્લી માટે જ કામ કરે છે." તેઓ સમજાવે છે, " આ ઉપાયથી ઉપજ બમણી થાય છે, ક્યારેક ત્રણ ગણી થાય છે." આ આખી પ્રક્રિયા વિશ્વાસ ન બેસે એટલી સરળ છે - મોગરાના ખેતરમાં થોડી બકરીઓ લઈ આવો, તેમને આમતેમ ફરવા અને પાંદડા ખાવા છોડી દો. પછીના દસ દિવસ સુધી ખેતરને સૂકું છોડી દીધા પછી તેને ખાતર નાખી ફળદ્રુપ કરો, પંદરમા દિવસે શાખાઓ પર નવી કૂંપળો ફૂટે છે. પચીસમા દિવસ સુધીમાં તો ઢગલેઢગલા ફૂલો સાથેના છોડ ખેતરમાં લહેરાતા થઈ જાય છે.
તેઓ હસીને અમને વિશ્વાસ અપાવે છે કે એ ઉપાય આ વિસ્તારમાં સામાન્ય છે. "બકરીઓ છોડ (ના પાન) ચાવી જાય એ પુષ્કળ ફૂલો ઊગે તે માટેનો પરંપરાગત ઉપાય છે. આ અનોખી ‘સારવાર’ વર્ષમાં ત્રણ વખત કરવામાં આવે છે. આ વિસ્તારમાં બકરીઓ ગરમીના મહિનામાં મોગરાના પાન ખાય છે. બકરીઓ ખેતરોમાં એક પાન અહીંથી અને બીજું ત્યાંથી ખેંચતી ફરતી રહે છે, તેમની હરફરથી ખેતર ખેડાય છે, આમતેમ પડેલા પાંદડાથી અને બકરીઓની લીંડીથી ખેતરને ખાતર મળતું રહે છે. ભરવાડો કોઈ મહેનતાણું માગતા નથી - માત્ર ચા અને વડાઈમાં તેઓ ખુશ થઈ જાય છે. જો તેમને રાત્રે ખેતરોમાં રાખવા હોય તો એ માટે પૈસા ચૂકવવા પડે, અમુક સો બકરીઓ માટે 500 રુપિયા જેવું કંઈક. પરંતુ એમાં પણ મોગરાના ખેડૂતને તો ફાયદો જ થવાનો છે.”
જેસીઈપીએલની ડિંડીગુલ સ્થિત ફેક્ટરીની મુલાકતમાં અમને બીજી વધુ આશ્ચર્યજનક વાતો જાણવા મળવાની છે. અમને ઈન્ડસ્ટ્રિયલ-સ્કેલ પ્રોસેસિંગ યુનિટની આસપાસ લઈ જવામાં આવે છે, જ્યાં ક્રેન્સ, પુલી, ડિસ્ટિલર્સ અને કુલરની મદદથી 'કોંક્રિટ' અને 'એબ્સોલ્યુટ'ના બેચ બનાવવામાં આવે છે. અમારી મુલાકાત વખતે ત્યાં કોઈ મોગરા નથી. ફેબ્રુઆરીની શરૂઆતમાં આ ફૂલો ખૂબ ઓછા અને પુષ્કળ મોંઘા હોય છે; (તેથી) બીજા ફૂલોના અર્ક કાઢવામાં આવે છે, ચમકતા સ્ટેનલેસ સ્ટીલના મશીનો આવાજો કરતા રહે છે - હીસસસ, હમમમમ અને ક્લેન્ક, અને એવી દૈવી સુગંધ ફેલાવે છે કે અમે બધા ખૂબ ઊંડા શ્વાસ લઈને એ સુગંધને શ્વાસમાં ભરી લઈએ છીએ. અમારા સૌના મ્હોં પર સ્મિત ફરકી રહે છે.
જેસીઈપીએલના આર એન્ડ ડી મેનેજર 51 વર્ષના વી. કતિરોલી હસીને અમને સુંઘવા માટે 'એબ્સોલ્યુટ' ના નમૂનાઓ આપે છે. તેઓ ફૂલોથી ભરેલી વાંસની ટોપલીઓ, સુગંધ વિશેના લેમિનેટેડ માહિતી પત્રકો અને 'એબ્સોલ્યુટ્સ' ની નાની શીશીઓથી ભરેલા લાંબા ટેબલની પાછળ ઊભા છે. ટેસ્ટર સ્ટ્રીપ્સને જુદી જુદી નાની શીશીઓમાં ડૂબાડીને તેઓ આતુરતાથી દરેક નમૂનાઓ અમને આપે છે અને અમારા પ્રતિભાવ નોંધે છે.
તેમાં એક છે ચંપાની મીઠી અને માદક સુગંધ અને બીજી છે રજનીગંધાની તીવ્ર સુગંધ. પછી તેઓ ગુલાબની બે જાતોના એબ્સોલ્યુટ લાવે છે - એકની સુગંધ નાજુક અને તાજી છે, અને બીજાની સુગંધ મનને શાંત કરતી સૂકા ઘાસ જેવી છે. પછી છે ગુલાબી અને સફેદ કમળ, બંનેની સુગંધ સૌમ્ય અને સુગંધિત ફૂલ જેવી છે; અને પછી છે સેવંતી, કાગળની ટોચ પરથી એની સુગંધ લેતાં કોઈ ભારતીય લગ્નસ્થળે આવતી સુગંધ યાદ આવી જાય છે.
ત્યાં સાવ અલગ પ્રકારના અને પરિચિત મસાલા અને જડીબુટ્ટીઓ પણ છે, મેથીની સુગંધ ગરમાગરમ વઘાર જેવી છે, લીમડાની સુગંધ મારા દાદીની રસોઈ જેવી છે. સૌથી સરસ સુગંધ છે મોગરાની. તેની સુગંધનું વર્ણન કરવા માટે મને શબ્દો જડતા નથી. કતિરોલી મારી મદદ કરે છે: તેઓ અટક્યા વિના કહે છે, “ફૂલો જેવી, મીઠી, એનિમલિક, લીલોતરીની, ફળોની, થોડી ચામડા જેવી." હું તેમને પૂછું છું તમારી મનપસંદ સુગંધ કઈ છે? મને લાગે છે કે તેઓ કોઈ ફૂલનું નામ આપશે.
તેઓ હસીને કહે છે, "વેનીલા". તેમણે અને તેમની ટીમે સંશોધન કરીને કંપની માટે ખાસ વિશિષ્ટ વેનીલા એસેન્સ વિકસાવ્યું છે. જો તેમને પોતાનું કોઈ ખાસ વિશિષ્ટ પરફ્યુમ બનાવવાનું હોત તો તેમણે મદુરાઈ મલ્લીનો જ ઉપયોગ કર્યો હોત. તેઓ પરફ્યુમરી અને કોસ્મેટિક્સ માટે શ્રેષ્ઠ ગુણવત્તાના ઘટકો વિકસાવવામાં અગ્રેસર થવા માંગે છે.
ફેક્ટરીની નજીક મદુરાઈ શહેરની બહાર લીલાછમ ખેતરોમાં ખેડૂતો તેમના મોગરાના છોડનું ધ્યાન રાખી રહ્યા છે. છોડ પર ખીલ્યા પછી એ ફૂલો ક્યાં પહોંચશે એનો આધાર છે એમના નસીબ પર - ફ્રોસ્ટેડ ગ્લાસ બોટલમાં, પૂજાના સ્થળે ભગવાનના ચરણોમાં, કોઈ લગ્ન સમારંભમાં, નેતરની નાજુક ટોપલીમાં, ફૂટપાથ પર કે પછી (મૃતદેહને સમર્પિત કરાતા) સફેદ પુષ્પચક્રમાં, પણ એ ફૂલો જ્યાં જશે ત્યાં તે માત્ર મોગરા જ પ્રસરાવી શકે એવી પોતાની અદ્દભૂત દૈવી સુગંધ પ્રસરાવતા રહેશે.
આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક