"મિર્ચી મેં આગ લગ ગઈ [મરચાં બળી રહ્યાં છે]."
એ 2 જી ડિસેમ્બર, 1984 ની રાત હતી જ્યારે ભોપાલ નિવાસી નુસરત જહાં જાગી ગયા હતા, તેઓ શ્વાસ લઈ શકતા નહોતા, તેમની આંખોમાં તીવ્ર વેદના થઈ રહી હતી અને આંખોમાંથી પાણી નીકળી રહ્યા હતા. થોડી વારમાં તેમનો છ વર્ષનો દીકરો રડવા લાગ્યો હતો. દીકરાના રડવાના અવાજથી નુસરતના પતિ મોહમ્મ્દ શફીક જાગી ગયા હતા.
નવાબ કોલોનીમાં પોતાના ઘરમાં બેઠેલા હવે 70 વર્ષના શફીક મધ્યપ્રદેશની રાજધાનીના શહેરમાં આજથી 40 વર્ષ પહેલા બનેલી ભોપાલ ગેસ ડિસાસ્ટર (બીજીડી - ભોપાલ ગેસ દુર્ઘટના) તરીકે ઓળખાતી એ ઘટનાઓને યાદ કરતાં કહે છે, “કયામત કા મંઝર થા” [તે એક ખતરનાક દૃશ્ય હતું]."
કાગળની મિલમાં દાડિયા મજૂર તરીકે કામ કરતા શફીકને પોતાના પરિવારના સ્વાસ્થ્ય પર થયેલી ઝેરી વાયુઓની અસર માટે કોઈપણ ભોગે સારવાર મેળવવા હજી થોડા વર્ષો ઝઝૂમવું પડશે, છેલ્લા 18 વર્ષથી પાણીના એકમાત્ર સ્ત્રોત - ઝેરી વાયુ ભળવાથી દૂષિત થયેલ કૂવાનું પાણી વાપરવાને કારણે તેમના પરિવારનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું છે. તેઓ કહે છે કે એ પાણીથી તેમની આંખોમાં બળતરા થાય છે પરંતુ પાણીનો બીજો કોઈ સ્ત્રોત જ નથી. છેક 2012 માં સમભાવના ટ્રસ્ટ ક્લિનિકે પાણીનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં ઝેરી તત્વો મળી આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના બોરવેલ બંધ કરવામાં આવ્યા હતા.
1984 માં તે રાત્રે શફીકના પરિવારમાં તકલીફ ઊભી કરનાર ઝેરી ગેસ તે વખતે બહુરાષ્ટ્રીય યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન (યુસીસી) ની માલિકીની યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડ (યુસીઆઈએલ) ની ફેક્ટરીમાંથી આવ્યો હતો. આ લીકેજ 2 જી ડિસેમ્બરની રાત્રે થયું હતું - યુસીઆઈએલ ફેક્ટરીમાંથી અત્યંત ઝેરી મિથાઈલ આઇસોસાયનેટ લીક થયો હતો અને તેને પરિણામે વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક હોનારત સર્જાઈ હતી.
ધ લીફલેટ નો આ અહેવાલ કહે છે, "સત્તાવાર સ્ત્રોતોએ તાત્કાલિક માનવ મૃત્યુની સંખ્યા આશરે 2500 હોવાનો અંદાજ માંડ્યો હતો પરંતુ બીજા સ્ત્રોતો (દિલ્હી સાયન્સ ફોરમનો અહેવાલ) કહે છે કે આ આંકડો ઓછામાં ઓછો અંદાજિત આંકડા કરતા બમણો હોઈ શકે છે."
ભોપાલ શહેરમાં ઝેરી ગેસ ફેલાયો હતો, અને ફેક્ટરીની નજીક રહેતા શફીકના પરિવાર જેવા લોકોને સૌથી વધુ અસર પહોંચી હતી. ભોપાલ શહેરના 36 વોર્ડના લગભગ છ લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા.
પોતાના બાળકને સારવાર અપાવવા માટે ચિંતિત શફીકે સૌથી પહેલા તેમને ઘેરથી લગભગ એક કિલોમીટર દૂર હમીદિયા હોસ્પિટલનો રસ્તો પકડ્યો હતો.
તેઓ યાદ કરે છે, "લાશેં પડી હુઈ થી વહાં પે [બધે લાશો પડી હતી]." સેંકડો લોકો સારવાર માટે પહોંચ્યા હતા, અને તબીબી કર્મચારીઓ કામના બોજ હેઠળ દબાઈ ગયા હતા, તેઓ શું કરવું તે સમજી શકતા નહોતા.
મૃતદેહોના ઢગલા થવા લાગ્યા હતા તેનો ઉલ્લેખ કરીને તેઓ યાદ કરે છે, "માથે પે નામ લિખ દેતે થે [તેઓ મૃતકોનું નામ કપાળ પર લખી નાખતા]”
હોસ્પિટલથી ઈમામી ગેટ પાસેના રસ્તા પર જમવા માટે શફીક બહાર નીકળ્યા ત્યારે એક વિચિત્ર દૃશ્ય તેમની નજરે ચડ્યું હતું: તેમની દાળનો ઓર્ડર આવ્યો હતો, પરંતુ તે ભૂરા રંગની હતી. "રાત કી દાળ હૈ, ભૈયા [કાલ રાતની છે, ભાઈ]." ઝેરી ગેસે તેનો રંગ બદલી નાખ્યો હતો અને તે સ્વાદમાં ખાટી હતી.
ધ લીફલેટ માં લખતા એન.ડી. જયપ્રકાશ કહે છે, "યુસીઆઈએલ ખાતે અતિ-જોખમી ઝેરી રસાયણોના મોટા પાયે સંગ્રહને કારણે ભોપાલમાં સંભવિત આપત્તિ વિશેની અગાઉની ચેતવણીઓને યુસીસી [યુનિયન કાર્બાઈડ કંપની] ના અધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓએ સંપૂર્ણપણે અવગણી હતી તે આઘાતજનક છે. જયપ્રકાશ દિલ્હી સાયન્સ ફોરમના જોઈન્ટ સેક્રેટરી છે અને તેઓ શરૂઆતથી જ કેસને અનુસરી રહ્યા છે.
ભોપાલ ગેસ દુર્ઘટના પછી દાયકાઓ સુધી કાનૂની લડાઈઓ ચાલુ રહી છે, મુખ્યત્વે આપત્તિનો ભોગ બનેલા લોકોના પરિવારો માટે વળતર મેળવવા માટેની અને અસરગ્રસ્ત લોકોના તબીબી રેકોર્ડને ડિજિટાઇઝ કરવા માટેની. બે ફોજદારી કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે: 1992 માં ડાઉ કેમિકલ કંપની જે હવે યુસીસીની સંપૂર્ણ માલિકીની ધરાવે છે તેની વિરુદ્ધ, અને 2010 માં યુસીઆઈએલ અને તેના અધિકારીઓ વિરુદ્ધ. જયપ્રકાશ કહે છે કે બંને કેસ ભોપાલ જિલ્લા અદાલત (ડિસ્ટ્રિક્ટ કોર્ટ) માં નિકાલ કે નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
2010 માં શફીકે આપત્તિમાં બચી ગયેલા લોકો દ્વારા કરાયેલ દિલ્લી ચલો આંદોલનમાં ભાગ લીધો હતો, આંદોલનકારીઓ ભોપાલથી દિલ્હી સુધી પગપાળા ગયા હતા. તેઓ કહે છે, “(આ આંદોલન) ઈલાજ [સારવાર], મુઆફ્ઝા [વળતર] ઔર સાફ પાણી [સ્વચ્છ પાણી] કે લિયે થા." તેઓ રાજધાનીના જંતર-મંતર પર 38 દિવસ સુધી બેઠા હતા અને વડા પ્રધાનના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હતો જ્યાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ભોપાલ ગેસ પીડિત સંઘર્ષ સહયોગ સમિતિ (ભોપાલ ગેસ પીડિતોની લડતને સમર્થન આપવા માટેનું ગઠબંધન) ના સહ-સંયોજક એન. ડી. જયપ્રકાશ પુષ્ટિ કરે છે, “પીડિતો અને તેમના પરિવારો દ્વારા મુખ્યત્વે બે કેસ લડવામાં આવી રહ્યા છે. એક કેસ ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા - એસસી) સમક્ષ અને બીજો જબલપુરની મધ્યપ્રદેશ ઉચ્ચ અદાલત (હાઈકોર્ટ) સમક્ષ."
*****
શહેર કેવી રીતે કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું હતું એ યાદ કરતા તાહિરા બેગમ કહે છે, “પેડ કાલે હો ગયે થે, પત્તે જો હરે થે, નીલે હો ગયે, ધૂઆં થા હર તરફ [વૃક્ષો કાળા થઈ ગયા હતા, લીલાં પાંદડાં ભૂરાં થઈ ગયાં હતાં, ચારે બાજુ ધુમાડો હતો]."
તાહિરા એ રાતની વાત યાદ કરે છે, "તેઓ [મારા પિતા] અમારા ઘરના ઓટલા પર સૂતા હતા, ખરાબ હવા ફૂંકાવા લાગી ત્યારે તેઓ ઉધરસ ખાતા ખાતા જાગી ગયા હતા, અને તેમને હમીદિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા." જોકે ત્રણ દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ તાહિરા ઉમેરે છે, "તેમની શ્વાસની તકલીફ ખરેખર ક્યારેય દૂર થઈ નહોતી અને ત્રણ મહિનામાં તેમનું મૃત્યુ થયું હતું." આ પરિવારને વળતરરૂપે 50000 રુપિયા મળ્યા હતા, અને કોર્ટમાં ચાલતા કેસો/ચાલતી લડાઈ વિશે આ પરિવાર અજાણ છે.
દુર્ઘટના પછી શહેરના રહેવાસીઓએ મૃતકોને દફનાવવા માટે સામૂહિક કબરો ખોદી હતી. આવી જ એક કબરમાંથી તાહિરાના કાકી જીવિત મળી આવ્યા હતા. તેઓ યાદ કરે છે, "અમારા એક સંબંધીએ તેમને ઓળખી કાઢ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા."
તાહિરા લગભગ 40 વર્ષથી યુસીઆઈએલ ફેક્ટરીથી થોડે દૂર શક્તિ નગરની એક આંગણવાડીમાં કામ કરે છે. જે હોનારતમાં તેમણે પોતાના પિતા ગુમાવ્યા હતા તે હોનારતના એક વર્ષ પછી તેઓ અહીં જોડાયા હતા.
તાહિરાના પિતાના અંતિમ સંસ્કાર બાદ તેમનો પરિવાર ઝાંસી જવા રવાના થઈ ગયો હતો. તાહિરા કહે છે કે તેઓ 25 દિવસ પછી પાછા આવ્યા ત્યારે, "સિર્ફ મુર્ગિયાં બચી થી, બાકી જાનવર સબ માર ગયે થે [માત્ર મરઘીઓ જ બચી હતી, બાકીના બધા પ્રાણીઓ મરી ગયા હતા]."
કવર ફીચર સ્મિતા ખટોરે તૈયાર કરેલ છે.
પારી આ લેખ તૈયાર કરવામાં મદદ કરવા બદલ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, ભોપાલના પ્રોફેસર સીમા શર્મા અને પ્રોફેસર મોહિત ગાંધીનો આભાર માને છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક