નાંદેડના માહુર તાલુકામાં આવેલા સાવરખેડ ગામમાં મોટાભાગના લોકો મોં ખોલીને હસતા નથી કે સ્મિત પણ નથી કરતા. કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતી વખતે તેઓ તેમના મોંનું બરાબર ધ્યાન રાખે છે. રામેશ્વર જાધવ કહે છે, “આ શરમજનક છે.” તેઓ જ્યારે બોલે છે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમના બધા દાંત સડી ગયા છે અને બેડોળ થઈ ગયા છે, તેમાંના કેટલાક પીળા તો કેટલાક ઘેરા બદામી રંગના થઈ ગયા છે.
આશરે 500 લોકોની વસ્તી ધરાવતા ગામ સાવરખેડમાં ખેતમજૂર 22 વર્ષીય રામેશ્વર આ સમસ્યાથી પીડાતા એકલા માણસ નથી. અહીં લગભગ દરેક પુખ્ત વ્યક્તિના દાંત અલગ-અલગ અંશે સડેલા છે. અહીં એવા ઘણા લોકો પણ છે જેઓ સાંકડી ગલીઓ અને લીલાછમ ખેતરોમાંથી પસાર થતાં લંગડાઈને અથવા સંપૂર્ણપણે ઝૂકીને ચાલે છે. જે લોકો ચાલી શકે છે તેમણે થોભીને શ્વાસ લેવો પડે છે. આખું ગામ ધીમી ગતિએ એક અલગ જ યુગમાં આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે.
આ પરિસ્થિતિ જમીનની અંદર, ગ્રામજનોના પગ તળે જે છે તેના કારણે સર્જાઈ છેઃ અને તે છે ભૂગર્ભજળમાં ફ્લોરાઇડનું વધુ પ્રમાણ. તે એક એવું રસાયણ છે જે કુદરતી રીતે માટી, ખડકો અને ભૂગર્ભજળમાં હાજર હોય જ છે. પરંતુ જ્યારે તેને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, જો એક લિટર પાણીમાં 1.5 મિલીગ્રામથી વધુ ફ્લોરાઇડ હોય, તો તે પાણી પીવા માટે હાનિકારક છે. સાવરખેડમાં, જ્યારે 2012-13ની આસપાસ ગ્રાઉન્ડવોટર સર્વે અને ડેવલપમેન્ટ એજન્સી (જી.એસ.ડી.એ.) એ ફ્લોરાઈડનું સ્તર તપાસ્યું ત્યારે તે 9.5 મિલિગ્રામ હતું.
નાંદેડ શહેરમાં સ્થિત એક ચિકિત્સક ડૉ. આશિષ અર્ધાપુરકર કહે છે, “ફ્લોરોસિસની રચના પાણીમાં ફ્લોરાઇડની માત્રા પર આધાર રાખે છે, અને તેથી તેની પ્રગતિ પરિસ્થિતિ પ્રમાણે બદલાતી રહે છે.” તેઓ કહે છે કે, એક વાર પાણીમાં ફ્લોરાઇડનું દુષણ આવી ગયું, પછી તેને ઉલટાવી શકાતું નથી. “પરંતુ બાળકો તેનાથી સુરક્ષિત છે. તેઓ ડહાપણના દાંત વિકસાવ્યા પછી જ દાંતના ફ્લોરોસિસ માટે સંવેદનશીલ બને છે અને હાડકાની વૃદ્ધિ પછી જ હાડપિંજરના ફ્લોરોસિસ માટે સંવેદનશીલ બને છે, જે મોટે ભાગે છ વર્ષની ઉંમર પછી થાય છે.”






