તેઓ 104 વર્ષના હતા જ્યારે અમે તેમને મળ્યાં હતાં. હાથમાં ઝાલેલી એક માત્ર લાકડી પર ઝૂકેલું શરીર લઇ રૂમમાંથી બહાર આવી રહેલા તેઓ મદદ કરવા આગળ વધતા તમામ તત્પર હાથને અધીરાઈથી પાછા ધકેલી રહ્યા હતા. મહતોએ જીવનના છેલ્લા શ્વાસ સુધી ન તો કોઈની મદદ માંગી કે ન સ્વીકારી. તે ઉંમરે પણ તેઓ પોતાના બળે ચાલતા, ઊઠતા, બેસતા હતા. ઉલટાનું, પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના ચેપુઆ ગામમાં તેમના વિશાળ સંયુક્ત પરિવારની પેઢીઓ ઘણુંખરું તેમના જીવન અને ભવિષ્યના  કેન્દ્રસ્થાને રહેલી આ ખેડૂત ગૃહિણી પર નિર્ભર હતી.

સ્વાતંત્ર્ય સેનાની ભવાની માહાતો 30 ઓગસ્ટ, 2024 ની વહેલી સવારે પરોઢિયું થાય એ પહેલાં જ તેમની ઊંઘમાં શાંતિથી મૃત્યુ પામ્યા. તેઓ 106 વર્ષના હતા. તેમના અવસાન સાથે, મારા પુસ્તક ધ લાસ્ટ હીરોઝ: ફુટ સોલ્જર્સ ઓફ ઈન્ડિયન ફ્રીડમ (પેંગ્વિન નવેમ્બર 2022)ના 16 સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના  માત્ર ચાર જ જીવંત રહે છે. એક અર્થમાં ભવાની માહાતો જેમનાં ઇન્ટરવ્યુ PARIની ફ્રીડમ ફાઈટર્સ ગેલેરીમાં નોંધાયેલા છે  એ ઘણાં અસાધારણ સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક વિશિષ્ટ વ્યક્તિ હતાં. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ હતાં જેમણે કલાકો સુધી અમારી વાતચીતમાં, તે મહાસંઘર્ષમાં કોઈ પ્રકારની ભૂમિકા ભજવી હોવાનો ભારપૂર્વક ઈન્કાર કર્યો હતો. "મારે તેની સાથે અથવા એના જીવી બીજી કોઈ લડત સાથે શું લેવા દેવા?"  માર્ચ 2022 માં જયારે અમે એમને પહેલવહેલી વાર મળ્યાં ત્યારે એમણે પૂછેલું. વાંચોઃ ભવાની માહાતોએ પોષેલી ક્રાંતિ

1940ના દાયકામાં, બંગાળમાં મહાદુષ્કાળના વર્ષો દરમિયાન તેમના માથે સૌથી વધારે બોજો હતો. તે સમયગાળામાં તેમણે જે મુશ્કેલીઓ સહન કરી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે

વિડિઓ જુઓ: ભવાની માહાતો – પુરુલિયાના આઝાદીના લડવૈયા

જો કે લડત સાથે એમને લેવા દેવા તો ઘણાં હતા, તેમના સ્વાતંત્ર્ય સેનાની તરીકે માન્યતા પ્રાપ્ત અને અતિ પ્રખ્યાત બૈદ્યનાથ મહતો કરતાં પણ વધુ. માનબજાર બ્લોકમાં ભવાની દીદી સાથે તેમના ઘરે અમારી મુલાકાત થઇ એના 20 વર્ષ પહેલાં જ એમના પતિ મૃત્યુ પામ્યા હતા. મારા સહકર્મી સ્મિતા ખટોર અને હું હતાશ થઇ ગયા હતા જયારે ભવાની માહાતોએ પોતાના સ્વાતંત્ર્ય સેનાની હોવાનો ભારપૂર્વક ઇનકાર કરી દીધો હતો. અને શા માટે તેઓ એમ કરી રહ્યા હતા એ શોધવામાં અમારા કલાકો નીકળી ગયેલા.

એક રીતે જોવા જઈએ તો તેમની સમજ 1980ની સ્વતંત્ર સૈનિક સન્માન યોજનામાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ 'સ્વતંત્ર સેનાની'ની સમજ સાથે બિલકુલ મેળ ખાતી હતી. મોટાભાગે જેલમાં ગાળેલા સમયની આસપાસ કેન્દ્રિત એ યોજનામાં કરાયેલી વ્યાખ્યામાંથી જે રીતે ક્રાંતિકારી ભૂગર્ભ પ્રતિકારના વિશાળ યોગદાનને બાદ કરાયેલ એમ જ અંગ્રેજ સલ્તનત વિરોધી લડતોમાં મહિલાઓને અને તેમનાં કામોના પ્રદાનને  પણ  મોટાભાગે બાકાત રાખવામાં આવ્યું હતું. બાકાત રાખવા કરતાં ય ખરાબ કંઈ હોય તો એ કે, ભૂગર્ભ ક્રાંતિમાં જોડાયેલા લોકોની પાસે એમના અપરાધી જાહેર કરાયાની  'સાબિતી' માંગતી આ યોજના એક રીતે બ્રિટિશ રાજ પાસેથી જ ભારતના આઝાદીના નેતાઓનું પ્રમાણપત્ર માંગી રહી હતી!

જ્યારે અમે એક જુદા રસ્તે થઈને આ વિષે ચર્ચા કરતા ત્યાં પહોંચ્યા તો અમે તો ભવાની માહાતોના અદભૂત બલિદાનની ભવ્યતા જોઈને દંગ જ રહી ગયા. પુરુલિયાના જંગલોમાં છુપાયેલા ભાગેડુ ક્રાંતિકારીઓને પોતાના હાથે રાંધી ખવડાવવામાં એમણે કંઈ કેટલું જોખમ વહોરેલું એ તો જુઓ!  અને 20થી વધારે લોકો માટે રસોઈ કરવા ઉપરાંત એમણે એમના પોતાના કુટુંબના 25 થી વધુને પણ રાંધી જમાડવાના હતા. એમાં વળી 1942-43માં બંગાળના મહાદુકાળના દિવસોની પરાકાષ્ઠાના સમયે આ ધાન ઉગાડવાની વ્યવસ્થા પણ કરવાની. ભારતની આઝાદીની લડાઈમાં આ તે કેટલું અદ્ભુત અને જોખમી યોગદાન!

તમારા વ્યક્તિત્વની મોહિનીમાંથી અમે ક્યારેય મુક્ત નહીં થઈએ ભાવની દી.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

2022 માં જ્યારે પી. સાંઈનાથ તેમને મળ્યા ત્યારે ભવાની માહાતોની ઉંમર 101 અને 104 ની વચ્ચે હશે. ડાબે તેમના પુત્ર શ્યામ સુંદર માહાતો જેઓ લગભગ 70 વર્ષના છે

PHOTO • Courtesy: the Mahato family

ભવાની માહાતો (વચમાં) તેમના પતિ બૈદ્યનાથ અને બહેન ઉર્મિલા સાથે 1980માં. આ અગાઉના સમયગાળાના કોઈ ફોટા પરિવાર સાથે નથી

PHOTO • Pranab Kumar Mahato

2024માં મતદાન કરતા સ્વતંત્રતા સેનાની ભવાની માહાતો

PHOTO • P. Sainath

ભવાની માહાતો તેમના હાલના કુટુંબના અન્ય 13 સભ્યો સાથે (નીચે જમણે) તેમના પૌત્ર પાર્થ સારથી મહતો સહિત. આ ફોટો  લેવામાં આવ્યો ત્યારે પરિવારના કેટલાક સભ્યો હાજર ન હતા

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya