ઝમીલ ભરતકામના કુશળ કારીગર છે જેઓ બારીક જરી (સોનાના દોરા) નો ઉપયોગ કરે છે. હાવડા જિલ્લાના આ 27 વર્ષીય કામદાર કલાકો સુધી જમીન પર પલાંઠી વાળીને બેસે છે અને મોંઘા વસ્ત્રોમાં ચમક અને ઝગમગાટ ઉમેરે છે. પરંતુ, વીસ વર્ષની ઉંમરે તેમને હાડકાના ક્ષય રોગ (ટીબી) નો ચેપ લાગ્યો તે પછી તરત જ તેમણે આ સોય અને દોરીને નેવે મૂકી દેવી પડી હતી. આ રોગે તેમનાં હાડકાંને એટલાં નબળાં બનાવી દીધાં હતાં કે લાંબા સમય સુધી પલાંઠી વાળીને બેસવું તેમના માટે હવે શક્ય જ ન હતું.
હાવડા જિલ્લાના ચેંગેલ વિસ્તારમાં રહેતા અને સારવાર માટે કોલકાતા જતા આ યુવાન કહે છે, “આ મારી કામ કરવાની ઉંમર છે, અને [મારા] માતા–પિતાએ આરામ કરવાની. પરંતુ થઈ રહ્યું તેનાથી બરાબર ઉલટું. મારી તબીબી સારવારને ટેકો આપવા માટે તેમને કામ કર્યા વગર છૂટકો નથી.”
આ જ જિલ્લામાં, પિંટુ સરદાર અને તેમનો પરિવાર હાવડાની પિલખાના ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને પિંટુને પણ હાડકાની ટીબી છે. તેમણે 2022ના મધ્યમાં શાળા છોડવી પડી હતી અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા હોવા છતાં, તેઓ હજુ પણ શાળાએ જવા માટે અસમર્થ છે.
જ્યારે મેં 2022માં આ વાર્તા વિષે સંશોધન શરૂ કર્યું ત્યારે હું પહેલી વાર ઝમીલ, પિંટુ અને અન્ય લોકોને મળ્યો હતો. હું ઘણીવાર પિલખાનાની ઝૂંપડપટ્ટીમાં તેમના ઘરોમાં તેમને મળવા જતો અને તેમના રોજિંદા જીવનને કેમેરામાં કેદ કરતો.
ખાનગી દવાખાનાઓ પરવડી શકે તેમ ન હોવાથી, ઝમીલ અને પિંટુ શરૂઆતમાં દક્ષિણ 24 પરગણા અને હાવડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓને મદદ કરવા માટે કામ કરતી બિન–સરકારી સંસ્થા દ્વારા સંચાલિત મોબાઈલ ટીબી ક્લિનિકમાં તપાસ માટે આવ્યા હતા.






















