યો ન્હાન તમાસો મત સમજો, પુર્ખા કી અમર નિસાની સે!
આ ન્હાનને
ખાલી મજાકમસ્તી ન સમજતા; આ તો અમારા પૂર્વજોનો અમર વારસો છે
આ શબ્દો સાથે, કોટાના સાંગોડ ગામના સ્વર્ગસ્થ કવિ સૂરજમલ વિજય, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના હડોતી પ્રદેશમાં ઉજવવામાં આવતા ન્હાન તહેવારનું વર્ણન કરે છે.
એક ઝવેરી અને ગામના રહેવાસી રામબાબુ સોની કહે છે, “કોઈ પણ સરકાર કરોડો રૂપિયા ખર્ચીને પણ આવા કાર્યક્રમનું આયોજન કરી શકતી નથી. અને એમાં પણ અમારા ગામના લોકો પોતાની મરજીથી, પોતાની સંસ્કૃતિ માટે જે રીતે આયોજન કરે છે તે રીતે તો નહીં જ.” 15મી સદીમાં અહીં રહેતા હોવાનું માનવામાં આવતા લોકનાયક સાંગા ગુર્જરના સન્માનમાં હોળી પછી ગામ પાંચ દિવસ સુધી આ તહેવાર ઉજવે છે.
‘ન્હાન’ શબ્દનો અર્થ થાય છે ‘સ્નાન કરવું’. આ સામૂહિક સફાઈનું પ્રતીક છે અને તે આ તહેવારને હોળી સાથે જોડે છે. આનું સંચાલન સંપૂર્ણપણે સાંગોડના લોકો દ્વારા જ થાય છે, જેઓ તેમની રોજિંદી દિનચર્યાઓ છોડીને અસાધારણ ભૂમિકાઓ કરે છે, અને જાતે મેકઅપ લગાવીને અને તહેવારનાં વિશિષ્ટ કપડાં પહેરીને અલગ જ રૂપ ધારણ કરે છે.
રામબાબુ સોની કહે છે, “લગભગ 1 વર્ષ પહેલાં, મુઘલ સમ્રાટ શાહજહાંના શાસન દરમિયાન, સાંગોડમાં વિજયવર્ગીય ‘મહાજન’ હતા. તેઓ શાહજહાં માટે કામ કરતા હતા. જ્યારે તેઓ નિવૃત્ત થયા, ત્યારે તેમણે અહીં ન્હાનનું આયોજન કરવા માટે સમ્રાટની પરવાનગી માંગી. તે વખતે સાંગોડમાં આ તહેવારની શરૂઆત થઈ હતી.
નજીકનાં ગામોમાંથી હજારો લોકો પણ કલાકારોનાં નૃત્ય પ્રદર્શન, જાદુઈ યુક્તિઓ અને કલાબાજી નિહાળવા માટે સાંગોડની મુસાફરી કરે છે. આ ઉજવણીની શરૂઆત દેવી બ્રાહ્મણીની પૂજા સાથે થાય છે, ત્યારબાદ પ્રસાદ તરીકે ઘોગરી (બાફેલા અનાજ)નું વિતરણ થાય છે.
કલાકારોમાંના એક, સત્યનારાયણ માલી કહે છે, “જાદુઈ કુશળતાનું પ્રદર્શન કરાશે, તલવારો ગળી જવામાં આવશે, અને આવી ઘણી ક્રિયાઓ અહીં કરવામાં આવશે. એક માણસ કાગળના ટુકડા ખાઈને તેના મોંમાંથી 50 ફૂટ લાંબું દોરડું બહાર કાઢશે.”
કેટલાક દિવસોની ઉજવણી પછી આખરે બાદશાહની સવારી આવે છે, જેમાં એક સામાન્ય માણસને એક દિવસ માટે રાજાનો તાજ પહેરાવવામાં આવે છે, અને તેની શાહી શોભાયાત્રા ગામની શેરીઓમાંથી કાઢવામાં આવે છે. છેલ્લાં 60 વર્ષથી રામબાબુના પરિવારે રાજાની ભૂમિકા નિભાવી છે. તેઓ કહે છે, “મારા પિતાએ 25 વર્ષ સુધી આ ભૂમિકા નિભાવી હતી અને મેં છેલ્લાં 35 વર્ષથી આ વારસો જાળવી રાખ્યો છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા મુખ્ય આકર્ષણ હોય છે તેમ અહીં પણ રાજાનું પદ મહત્ત્વનું છે. આ પણ એક ફિલ્મ જ છે.”
તે દિવસે, જેને જે પણ ભૂમિકા મળે તેને તેની સાથે મળતું સન્માન પણ આપવામાં આવે છે.
એક સહભાગી કહે છે, “હા, દર વર્ષે માત્ર એક જ દિવસ માટે. હા, આજે તે રાજા છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ