બુધા નેપાળથી અહીં સ્થળાંતરિત થયેલ છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી બિહારશરીફ શહેરના મદરેસા અઝીઝિયામાં નોકરી કરતા હતા. તેઓ કહે છે, “જ્યારે મેં તેમને આવું બધું ન કરવા વિનંતી કરી ત્યારે તેઓ મને મારવા માંડ્યા. તેઓએ મને મુક્કો માર્યો અને કહ્યું, 'સાલા નેપાલી, ભાગો યહાં સે, નહીં તો માર દેંગે [સાલા નેપાળી, ભાગ અહીંથી નહીં તો મારી નાખીશું']."
તેઓ 31 મી માર્ચ, 2023 ની ઘટનાઓની વાત કરી રહ્યા છે, એ દિવસે શહેરમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કોમી રમખાણો ફેલાવનાર તોફાની તત્વોએ મદરેસાને (ઈસ્લામિક શિક્ષણ આપતી શાળા અને લાઈબ્રેરીને) આગ ચાંપી દીધી હતી.
બુધા કહે છે, “લાઈબ્રેરીમાં કંઈ બચ્યું જ નથી. હવે અહીં સુરક્ષા કર્મીની ક્યાં જરૂર જ છે? હું તો સાવ બેકાર થઈ ગયો.”
બિહારના નાલંદા જિલ્લાના મુખ્ય મથક બિહારશરીફ શહેરમાં કોમી દંગાખોરોએ માત્ર આ એક મદરેસા પર જ નહીં પરંતુ શહેરના બીજા ધાર્મિક સ્થળો પર પણ હુમલા કર્યા તેના એક અઠવાડિયા પછી એપ્રિલ 2023 ની શરૂઆતમાં પારીએ મદરેસા અઝીઝિયાની મુલાકાત લીધી હતી. શરૂઆતમાં સત્તાવાળાઓએ શહેરમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) 1973 ની કલમ 144 લાગુ કરી દીધી હતી અને ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું, પરંતુ એક અઠવાડિયા પછી બંને પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા હતા.
અમે મદરેસા અઝીઝિયાની મુલાકાત લીધી ત્યારે આ જ મદરેસાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સૈયદ જમાલ હસન સાવ હતાશ મને ત્યાં ચાલી રહ્યા હતા, તેઓ કહે છે, "લાઈબ્રેરીમાં કેટલા બધા પુસ્તકો હતા, પરંતુ હું તે બધા વાંચી શક્યો નહીં." તેમણે 1970 માં ધોરણ 3 માં એક નાના છોકરા તરીકે આ શાળામાં ભણવાની શરૂઆત કરી હતી અને અહીંથી જ આલીમ (સ્નાતક કક્ષા) સુધીનો અભ્યાસ કર્યો હતો.
હસન કહે છે, “હું જોવા આવ્યો છું, કદાચ કંઈક બચી ગયું હોય તો."