22 વર્ષીય હૈરુનિશા ગંભીર અવાજે કહે છે, “AC રૂમમાં થતાં આ પ્રદર્શનો ભલે હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતાં હોય, પરંતુ તે ખરેખર એ જ લોકોને નથી આવકારતાં જે સૌ તેમની કલાનો વિષય છે. હું એક વાર મારા કોર્સના ભાગરૂપે દિલ્હીમાં એક કલા પ્રદર્શનમાં ગઈ હતી. એ હૉલમાં વંચિત લોકો વિષેના ફોટોગ્રાફ્સ, શિલ્પો અને ચિત્રો હતાં, પણ આખી જગ્યાનો માહોલ ઉચ્ચ વર્ગીય જ હતો કે મને ત્યાં પારકા જેવું લાગ્યું.”
“તમે જ વિચારો, જે સમુદાય પહેલેથી જ સમાજથી વિખૂટો પડી ગયો હોય, તેમાંથી કોઈ વ્યક્તિ જો ત્યાં પહોંચી જાય તો તેને કેવું લાગશે? મને નથી લાગતું કે તેમને એ જગ્યા પોતાની લાગશે. જો હું ક્યારેય કોઈ પ્રદર્શન યોજીશ, તો હું તેને સાવ અલગ રીતે કરીશ. એવું નહીં કે માત્ર દીવાલો પર ફોટા લગાવી દીધા અને કોઈ તેના વિષે ભાષણ આપી દે. હું એ લોકોને ત્યાં લાવીશ જેથી તેઓ બીજા લોકો સાથે સીધી વાતચીત કરી શકે. અને પ્રદર્શનની જગ્યાને ફોટામાં દેખાતા વાસ્તવિક પરિવેશ સાથે જોડીશ.” તેમના વિચારો ખૂબ ઝડપથી દોડી રહ્યા છે. હૈરુનિશા કે. પાસે ફક્ત 20 મિનિટનો સમય છે, કારણ કે તેમણે કેમ્પસના એક કાર્યક્રમમાં સંચાલન માટે પાછા ફરવાનું છે.
નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરી રહેલાં હૈરુનિશા, ઉત્તર ચેન્નાઈના એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને તેમના પરિવારનામાંથી ભણતર મેળવનાર પ્રથમ પેઢીનાં વિદ્યાર્થી છે. તેઓ કહે છે, “અમારા વિસ્તારમાંથી ભણવા માટે આટલે દૂર સુધી આવનાર હું પ્રથમ વ્યક્તિ છું. અમારા સમુદાયમાં મહિલાઓને ઘરમાં જ રહેવા અને સ્નાતક કક્ષાનો અભ્યાસ ન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હું 18 વર્ષની થઈ એટલે તરત જ મારા પર લગ્ન કરવાનું દબાણ શરૂ થઈ ગયું હતું. પણ હું ત્યાંથી ભાગી નીકળી હતી. ફોટોગ્રાફીએ મને બતાવ્યું છે કે બહારની દુનિયા કેટલી વિશાળ છે.”
















