હું છું એસ. કીર્તિ, તેન્કાસી જિલ્લાની ગવર્મેન્ટ મોડેલ સ્કૂલની 12 મા ધોરણની વિદ્યાર્થીની. મારી શાળા મારફત મને ફોટોગ્રાફીની એક વર્ષ લાંબી વર્કશોપમાં ભાગ લેવાની તક મળી હતી. અને તમે મારું માનશો નહીં, પણ ત્યાં સુધી હું માનતી હતી કે ફોટોગ્રાફ્સ ફક્ત લગ્ન અને મોટા કાર્યક્રમો દરમિયાન જ લેવામાં આવે છે. પહેલી વાર મને સમજાયું કે ફોટા દ્વારા અમારા જેવા શ્રમજીવી વર્ગના લોકોના જીવનનું અને અમારા સંઘર્ષોનું દસ્તાવેજીકરણ કરી શકાય છે. અને તેઓ અમને ગૌરવપૂર્ણ રીતે ચિત્રિત કરી શકે છે.
એક દિવસની વર્કશોપનું આયોજન કરનારે મને શ્રમજીવી લોકોના જીવન પરના એક ફોટો પ્રદર્શન વિશે કહ્યું અને મારા હાથમાં એક કેમેરો મૂક્યો. આગામી ત્રણ દિવસ દરમિયાન મારે જીવનનું દસ્તાવેજીકરણ કરવાનો પ્રયાસ કરવાનો હતો. હું મૂંઝાઈ ગઈ હતી, મને કંઈ જ ખબર નહોતી પડતી. પહેલે દિવસે મને કંઈ ખબર જ નહોતી કે કેવી રીતે શૂટ કરવું, અથવા ફોટો દસ્તાવેજીનો વિષય શું હોવો જોઈએ. મને મારા પ્રશિક્ષકના શબ્દો યાદ આવ્યા, "બીજે ક્યાંક, દૂર, વાર્તા શોધશો નહીં. તે હંમેશા તમારી સામે બનતી હોય છે."
મને વર્કશોપમાં મેં વાંચેલી વાર્તા યાદ આવી, મારી માનું જીવન - દીવાબત્તીના થાંભલાના અજવાળે. અને મેં મારી માના સંઘર્ષને સમજવા તે જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જવાનું અને તેના જીવનનું દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન વહેલી સવારથી મોડી રાત સુધી મારી માને કામ કરતી જોતાં જોતાં મેં તેની સાથે ઘણી વાતો કરી. આ દસ્તાવેજી દ્વારા મને સમજાયું કે મારી મા કેટલું મુશ્કેલ જીવન જીવતી હતી. તેનું નામ એસ. મુત્તુલક્ષ્મી છે, અને તે 42 વર્ષની છે. તે ખૂબ નીડર અને હિંમતવાન મહિલા છે.
તેણે અમારે માટે પોતાના સપનાનું બલિદાન આપ્યું છે. પહેલા મારા પિતા ગામમાં એક નાની દુકાન ચલાવતા હતા. મારા પિતા યુવાન હતા ત્યારે તેઓ કામની શોધમાં બહાર જતા હતા. પછી મારા દાદીએ તેઓની પોતાની જગ્યાએ દુકાન શરૂ કરવા માટે 2000 રુપિયા ઉછીના લઈને તેમને આપ્યા. મારા પિતા પોતાની સાયકલ લઈને નજીકના ગામમાં જતા અને થોડો માલ સાયકલ પર લાદીને લઈ આવતા અને કામ શરૂ કરતા. આ 1997 ની વાત છે.
પરંતુ 2016માં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો. માએ નજીકના ગામમાં એમ.એસ.ઓફિસ શીખવાનું શરૂ કર્યું તેને બે મહિના થયા હતા. તે કોલેજમાં પણ જવા માંગતી હતી અને બી.એ (તમિળ) કરવા માંગતી હતી. પણ ત્યારે જ મારા પિતા, ભાઈ અને હું એક અકસ્માતમાં ઘાયલ થયા. મારા પિતાને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને ઓપરેશનની જરૂર હતી. મારો ભાઈ અને હું બચી ગયા, અમને બંનેને પગમાં થોડા ઉઝરડા પડ્યા હતા. ત્યારે મા પાસે પિતાનું ઓપરેશન કરાવવા માટે પૂરતા પૈસા નહોતા. પણ તેમણે કોઈક રીતે સગાસંબંધીઓ પાસેથી લોન લઈને અને પોતાના કેટલાક ઘરેણાં ગીરવે મૂકીને પૈસા ભેગા કર્યા. તેણે (ઓપરેશન માટે) જરૂરી ત્રણ લાખ રુ પિયા ભેગા કર્યા. પણ આ બધાને કારણે તેના માથે વધુ જવાબદારીઓ આવી.
આનાથી તેના પોતાના સપનાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. આ બધાથી તેને કેવું લાગ્યું તે વિશે તે ક્યારેય કશું બોલી નહોતી. તે હંમેશા એવું માનતી હતી કે તેના પરિવારને પ્રેમ કરવો એ તેની ફરજ છે. તેણે પોતાની જાતને ઘસી નાખી હતી. આ જ કારણે મેં તેના જીવનનું દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું. મેં શાળામાં ફોટો દસ્તાવેજી રજૂ કરી અને તે ચેન્નાઈમાં પ્રદર્શન માટે પસંદ થઈ ત્યારે મારા માતાપિતાને મારા પર ખૂબ ગર્વ થયો. મારા પિતા હંમેશા ફોટોગ્રાફી શીખવા માંગતા હતા. તેઓ હવે મારી સફર વિશે ઉત્સાહિત હતા.
જ્યારે હું પ્રદર્શન હોલમાં ગઈ ત્યારે સૌથી પહેલા મેં જે વસ્તુ જોઈ તે હતી, બેનર પર મારી માનો ફોટો. હું લાગણીવશ થઈ ગઈ. ઘણા કલાકારો, પત્રકારો અને ફોટોગ્રાફરો, કેટલાક વિદેશીઓએ પણ, પ્રદર્શનની મુલાકાત લીધી. તેમાંથી કેટલાકે પોસ્ટકાર્ડ પર મારા ઓટોગ્રાફ લીધા. બીજા લોકોએ મારા કામ વિશે ઉત્સાહપ્રેરક વાતો કહી. પરંતુ જે બે લોકો મારું પ્રદર્શન જોવા ન આવી શક્યા તે હતા મારા માતાપિતા. હું જાણતી હતી કે જ્યારે અમે અમારું પ્રદર્શન આટોપી રહ્યા હતા ત્યારે મારી મા હિસાબ કરવામાં અને તેના જીવનના સંઘર્ષોમાંથી પસાર થવામાં વ્યસ્ત હતી.
મને હજી પણ યાદ છે કે તે કેમેરા હાથમાં લઈને જ્યારે મેં મારી માનો મારો પહેલો ફોટો લીધો હતો તે ક્ષણ અને મારી માના ચહેરા પરનો એ આનંદ અને એ લાગણીઓ જ્યારે તેણે એ ફોટોગ્રાફ જોયો હતો.
























