હું કે. મુકેશ છું, હું વેલ્લોર જિલ્લાની સરકારી મોડેલ સ્કૂલનો 11 મા ધોરણનો વિદ્યાર્થી છું, શાળામાં વૈકલ્પિક વિષય તરીકે હું ફોટોગ્રાફીનો અભ્યાસ કરું છું. હું કેમેરા કેવી રીતે વાપરવો અને તેના દ્વારા શેનું દસ્તાવેજીકરણ કરવું તે શીખ્યો છું. હું મારા 51 વર્ષના પિતા, કાદિરવેળ કે. જેવા પથ્થરની ખાણમાં ડ્રિલર (મશીનથી કાણાં પાડનાર) તરીકે કામ કરતા લોકોના સંઘર્ષોને આવરી લઉં છું.
જ્યારે પિતા કામ પર બહાર હોય ત્યારે મારી માતા વસંતી કે. ઘર સંભાળે છે અને મારી 12 વર્ષની બહેન દર્શિકાની અને મારી સંભાળ રાખે છે. અમે 15 દિવસમાં એકવાર જ્યારે અમારા પિતા એક કે બે દિવસ માટે ઘેર પાછા ફરે છે ત્યારે તેમનું મોઢું જોવા પામીએ છીએ. તેઓ ઘણી વખત થાકીને લોથપોથ થઈ ગયેલા અને સુસ્તીમાં હોય છે. મને તેમની સાથે વિતાવવા માટે આ જ સમય મળે છે.
જ્યારે તેઓ ઘેર હોય છે ત્યારે તેમના કામ વિશે વધુ જાણવા માટે હું તેમને ઘણા પ્રશ્નો પૂછું છું, અને તેઓ હંમેશા ખૂબ જ ધીરજથી જવાબ આપે છે. અને છતાં મને તેમના કામનું સ્વરૂપ ક્યારેય બરાબર સમજાયું નહોતું. આખરે એક દિવસ અમારા ફોટોગ્રાફી ક્લાસના પ્રશિક્ષક શ્રીપતિએ પ્રોત્સાહિત કર્યા પછી મેં તેમની સાથે તેમના કામના સ્થળે જવાનું નક્કી કર્યું હતું. મારી પાસે મારો કેમેરા હતો.
મેં જે જોયું તે લખ્યું - મારા પિતાના જીવનની વાર્તા થોડા શબ્દો અને ઝાઝા ફોટોગ્રાફ્સમાં.























