નવેમ્બર મહિનાની એક અમાસની રાત છે અને ઘડિયાળમાં રાતના 9 વાગ્યા છે. તમિલનાડુના દરિયાકાંઠે આવેલા પઝાવેરકાડુમાં (જે પુલિકટ તરીકે પણ ઓળખાય છે) નદીનું મુખ એકદમ સૂમસામ છે. પાણીમાં એક વાદળી હોડી, દરિયાના પ્રવાહ સાથે હિલોળા લેતી ખુલ્લા સમુદ્ર તરફ આગળ વધી રહી છે.
હોડીમાં સરત કુમાર, અરુણ કુમાર અને સેવિથ કુમાર સવાર છે. તેમના પગ પાસે લાકડાના સાત વાંસ અને ગૂંચળા વળાયેલી નાયલોનની જાળ પડી છે. આ માછીમારો દરિયાકાંઠે આવેલા તોનિરેવુ ગામના છે, અને બાળપણથી જ માછીમારી કરતા આવ્યા છે.
મારો ઉછેર દરિયાકિનારાથી બહુ દૂર નથી થયો, અને હું હંમેશાં દરિયામાં જવાના સપના જોતી હતી, પણ મારા માતા, જેઓ એકલા હાથે અમને ઉછેરી રહ્યા હતા, તેઓ મારી અને મારી બહેનની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હતા. એટલે, પાણીમાં જવાની અમને સખત મનાઈ હતી.
જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે મેં પહેલી વાર પઝાવેરકાડુની મુલાકાત લીધી હતી. મેં ચેન્નઈ ક્લાઈમેટ એક્શન ગ્રુપ દ્વારા આયોજિત એક ફોટોગ્રાફી વર્કશોપમાં ભાગ લીધો હતો, અને ફોટોજર્નાલિસ્ટ પલાની કુમારના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. દરિયાકિનારાને જ પોતાનું ઘર માનતા લોકોના જીવન વિશે જાણવાની મને ખૂબ જિજ્ઞાસા હતી.



























