રવિવારની સવારના 10:30 થયા છે અને હની કામ માટે તૈયાર થઈ રહી છે. ડ્રેસિંગ ટેબલની સામે ઊભી રહીને તે કાળજીપૂર્વક લાલચટક લિપસ્ટિક લગાડે  છે. પોતાની સાત વર્ષની દીકરીને ઉતાવળે ખવડાવતા ખવડાવતા તે કહે છે, "આ રંગ મારા કપડાં  સાથે સારી રીતે મેળ ખાશે."  ડ્રેસિંગ ટેબલ પર કેટલાક માસ્ક અને એક જોડી ઈયરફોન પડ્યાં છે. ટેબલ પર કોસ્મેટિક્સ અને મેક-અપની વસ્તુઓ વેરવિખેર પડી છે, ઓરડાના એક ખૂણામાં લટકાવેલી દેવી-દેવતાઓની તસવીરો અને સંબંધીઓના ફોટાઓ અરીસામાં પ્રતિબિંબિત થાય છે.

હની (નામ બદલ્યું છે) તેના ઘરથી  લગભગ 7-8 કિલોમીટર દૂર આવેલી એક હોટલમાં ઘરાકને મળવા જવા  તૈયાર થઈ રહી છે.  નવી દિલ્હીના મંગોલપુરી વિસ્તારની  બસ્તીનો એક ઓરડો એ  તેનું ઘર. તે આશરે 32 વર્ષની છે અને દેહ વ્યાપારનો  વ્યવસાય કરે છે, રાજધાનીમાં ઘરની નજીકના નંગલોઈ  જાટ વિસ્તારમાં તે આ વ્યવસાય કરે છે. મૂળ તે હરિયાણાના ગ્રામીણ વિસ્તારની છે. “મને અહીં આવ્યે 10 વર્ષ થયા  અને હવે હું અહીંની જ થઈ ગઈ છું. પરંતુ દિલ્હી આવ્યા બાદ મારા જીવનમાં એક પછી એક કમનસીબીઓ આવતી રહી  છે. ”

કેવી કમનસીબીઓ?

હની થોડા અફસોસ સાથે કહે છે, “ચાર કસુવાવડ તો બહુત બડી બાત હૈ [બહુ મોટી વાત છે]!  મારે  માટે તો નક્કી, જ્યારે મને ખવડાવવા, મારી સંભાળ લેવા અને મને હોસ્પિટલમાં લઈ જવા મારી સાથે કોઈ નહોતું,." તેના બોલવા  પરથી લાગતું હતું કે તે કમનસીબીઓ સામે એકલે હાથે લડી  છે.

તે કહે છે, “આ કારણે  જ મારે આ વ્યવસાયમાં આવવું પડ્યું. મારી પાસે ખાવાના કે મારું  બાળક, જે હજી મારા ગર્ભમાં હતું તેને ખવડાવવાના પૈસા નહોતા. હું પાંચમી વખત ગર્ભવતી થઈ  હતી. મારે બીજો મહિનો જતો હતો ત્યારે મારા પતિએ મને છોડી દીધી. હું પ્લાસ્ટિકના ડબ્બા બનાવવાના કારખાનામાં કામ કરતી હતી પણ મારી બિમારીને કારણે એક પછી એક જે ઘટનાઓ બનતી ગઈ તેના પગલે મારા સાહેબે મને કારખાનામાંથી કાઢી મૂકી. ત્યાં હું મહિને 10000 રુપિયા કમાતી હતી."

હનીના માતાપિતાએ હરિયાણામાં 16 વર્ષની ઉંમરે તેને પરણાવી દીધી. તે અને તેનો પતિ થોડા વર્ષો ત્યાં રહ્યા, તેનો પતિ  ડ્રાઈવર તરીકે કામ કરતો.  તે લગભગ 22 વર્ષની  હતી ત્યારે તેઓ દિલ્હી આવ્યા. પરંતુ એકવાર ત્યાં આવ્યા પછી તેનો દારૂડિયા પતિ અવારનવાર ગાયબ થઈ જતો. તે ઉમેરે છે, “તે મહિનાઓ સુધી ચાલ્યો જતો. ક્યાં? મને ખબર નથી. તે હજી પણ એવું કરે છે અને ક્યારેય કહેતો નથી. બીજી કોઈ સ્ત્રી સાથે જતો રહે છે અને જ્યારે પૈસા ખલાસ થઈ જાય ત્યારે જ પાછો ફરે છે. તે ફૂડ સર્વિસ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે અને  જે પૈસા મળે છે તે મોટે ભાગે પોતાના પર જ ખર્ચ કરે છે. મને ચાર કસુવાવડ થઈ તેનું મુખ્ય કારણ પણ આ જ હતું. તે ન તો  મારે માટે જરૂરી દવાઓ લાવે કે ન પૌષ્ટિક ખોરાક. હું ખૂબ જ નબળાઈ અનુભવતી. ”.

'I was five months pregnant and around 25 when I began this [sex] work', says Honey
PHOTO • Jigyasa Mishra

હની કહે છે, 'મારે પાંચમો મહિનો જતો હતો ત્યારે મેં આ દેહ વ્યાપારનો વ્યવસાય શરૂ કર્યો. ત્યારે હું લગભગ 25 વર્ષની હતી .'

હાલ હની તેની દીકરી સાથે મંગોલપુરીમાં તેમના ઘેર રહે છે. તે દર મહિને 3500 રુપિયા ઘરના ભાડા પેટે ચૂકવે છે. તેનો પતિ તેની સાથે રહે છે, પરંતુ હજી પણ દર થોડા મહિને ગાયબ થઈ જાય છે. તે કહે છે, “નોકરી ગુમાવ્યા પછી મેં જેમતેમ કરીને અમારું ગાડું ગબડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંઈ ન વળ્યું . પછી ગીતા દીદીએ મને દેહ વ્યાપાર વિશે કહ્યું અને મને મારો પહેલો ઘરાક  મળ્યો. મેં આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે મારે પાંચમો મહિનો જતો હતો ને હું લગભગ 25 વર્ષની હતી.” અમારી સાથે વાત કરતી વખતે તે તેની દીકરીને ખવડાવવાનું ચાલુ રાખે છે. હનીનું બાળક ખાનગી અંગ્રેજી-માધ્યમની શાળાના બીજા ધોરણમાં ભણે છે. શાળાની ફી મહિને  600 રુપિયા છે. લોકડાઉનના કાળમાં બાળક હનીના ફોન પરથી તેના વર્ગોમાં ઓનલાઇન હાજર રહે છે. એ જ ફોન પર  તેના (હનીના) ઘરાકો પણ તેનો સંપર્ક કરે છે.

“દેહ વ્યાપારના વ્યવસાયમાંથી   મને ભાડું ચૂકવવાના, ખાધાખોરાકીના અને દવાઓ ખરીદવા પૂરતા પૈસા મળી રહેતા. શરૂઆતમાં તો હું મહિને આશરે 50000 રુપિયા કમાતી. તે સમયે હું યુવાન અને સુંદર હતી. હની હસતા હસતા કહે છે, "હવે મારું વજન વધી ગયું છે. મેં વિચાર્યું હતું કે સુવાવડ પછી હું આ કામ છોડી દઈશ અને કોઈ સરખું કામ શોધી લઈશ, પછી ભલેને કામવાળી (ઘર-નોકર) કે પછી સફાઈ કામદારનું કામ કેમ ન હોય . પરંતુ મારા નસીબમાં કંઈ જુદું જ લખ્યું હતું.

હની  કહે છે, “મારે મહિના જતા હતા ત્યારે પણ મને કમાવાની ખૂબ ઈચ્છા હતી  કારણ કે મારે પાંચમી કસુવાવડ નહોતી જોઈતી. હું મારા આવનાર બાળકને શક્ય તેટલી સારામાં સારી દવા અને પોષણ આપવા માગતી હતી અને તેથી જ નવમો મહિનો જતો હતો ત્યારે પણ હું ઘરાકો લેતી. તે ખૂબ દુ:ખદાયક હતું, પણ મારી પાસે બીજો  કોઈ રસ્તો નહોતો. આ બધાને કારણે મારી સુવાવડમાં  નવી ગૂંચવણો ઊભી થશે એની મને ક્યાં ખબર હતી.

લખનૌ સ્થિત સ્ત્રીરોગચિકિત્સક ડો. નીલમ સિંહે પારીને કહ્યું, "ગર્ભાવસ્થાના અંતિમ ત્રિમાસિક ગાળામાં જાતીય રીતે સક્રિય રહેવું એ ઘણી રીતે જોખમી પૂરવાર થઈ શકે છે. પાણીની કોથળી  ફાટી શકે  અને સ્ત્રી  જાતીય રોગનો ભોગ બની શકે. અકાળે સુવાવડ થઈ શકે  અને બાળકને પણ એસટીડી ( sexually transmitted disease- જાતીય રોગ) લાગુ પડી  શકે. જો સગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં વારંવાર જાતીય સંભોગ થાય  તો  કસુવાવડ થવાનું જોખમ રહેલું છે.  મોટેભાગે દેહ વ્યાપારનો વ્યવસાય કરતી મહિલાઓ ગર્ભ ધારણ કરવાનું ટાળે છે. પરંતુ જો તેઓ ગર્ભવતી થાય તે પછી પણ કામ કરવાનું ચાલુ રાખે તો ક્યારેક મોડો અને અસુરક્ષિત ગર્ભપાત પણ કરાવવો પડે પરિણામે તેમનું પ્રજનન સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. "

હની કહે છે, “એકવાર મને અસહ્ય ખંજવાળ અને દુ:ખાવો થવા લાગ્યો અને હું સોનોગ્રાફી માટે ગઈ ત્યારે મને ખબર પડી કે મને મારી જાંઘ પર અને પેટના નીચેના ભાગમાં અસામાન્ય એલર્જી છે અને યોનિમાર્ગમાં સોજો છે. આટલી બધી પીડા સહન કરવી પડશે અને ખરચના મોટા ખાડામાં ઉતરવું પડશે એ વિચારથી જ મને તો મરવાની ઈચ્છા થઈ આવી.” ડોક્ટરે તેને કહ્યું કે તે જાતીય રોગ છે. હની કહે છે, “પણ તે પછી મારા એક ઘરાકે  મને માનસિક ટેકો આપ્યો  તેમજ આર્થિક મદદ કરી. મેં ડોક્ટરને મારા વ્યવસાય વિશે ક્યારેય કશું કહ્યું નહીં. નહીં તો મુશ્કેલી વધી જાત . જો ડોકટર મારા પતિને મળવા માગતા હોત, તો હું મારા કોઈ એક ઘરાકને તેમની પાસે લઈ ગઈ હોત.

તે સારા માણસને કારણે આજે હું અને મારી પુત્રી  ઠીક છીએ. મારી સારવાર  દરમિયાન તેણે અડધા બીલ ચૂકવ્યા. તેથી મેં નક્કી કર્યું કે હું આ વ્યવસાય છોડીશ નહિ. ”

'I felt like killing myself with all that pain and the expenses I knew would follow,' says Honey, who had contracted an STD during her pregnancy
PHOTO • Jigyasa Mishra
'I felt like killing myself with all that pain and the expenses I knew would follow,' says Honey, who had contracted an STD during her pregnancy
PHOTO • Jigyasa Mishra

ગર્ભાવસ્થા દરમ્યાન STD નો શિકાર બનનાર હની કહે છે, "આટલી બધી પીડા સહન કરવી પડશે અને ખરચના મોટા ખાડામાં ઉતરવું પડશે એ વિચારથી જ મને તો મરવાની ઈચ્છા થઈ આવી.”

નેશનલ નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ (એનએનએસડબલ્યુ) ના સંયોજક કિરણ દેશમુખ કહે છે, "ઘણી સંસ્થાઓ તેમને કોન્ડોમનો ઉપયોગ કરવાના મહત્વ વિશે જણાવે છે. જોકે,  દેહ વ્યાપાર કરતી  મહિલાઓમાં કસુવાવડ કરતા ગર્ભપાત વધારે જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે, તેઓ સરકારી હોસ્પિટલમાં જાય છે અને ત્યાં એક વાર તેમના વ્યવસાય વિશે જાણ થતાં જ ડોકટરો પણ તેમની યોગ્ય કાળજી લેતા નથી.

"ડોકટરોને કેવી રીતે ખબર પડે?

મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થિત વેશ્યા  અન્યાય  મુક્તિ પરિષદ (વીએમપી) ના અધ્યક્ષ દેશમુખ જણાવે છે, "તેઓ સ્ત્રીરોગ તજજ્ઞ હોય છે. એકવાર તેઓ તેમનું સરનામું પૂછે અને મહિલાઓ કયા વિસ્તારની છે તે જાણે , પછી તેઓ અનુમાન કરી લે છે. ત્યારબાદ મહિલાઓને  [ગર્ભપાત માટે] તારીખો આપવામાં આવે છે, જે ઘણીવાર મુલતવી રાખવામાં આવે છે. અને ઘણી વખત છેવટે ડોક્ટર ‘તમારે  [ગર્ભાવસ્થાના] ચાર મહિના કરતાં વધુ થઈ ગયા છે અને હવે ગર્ભપાત કરવો ગેરકાયદેસર ગણાય' એમ જણાવી ગર્ભપાત શક્ય નથી એમ કહી દે છે."

ઘણી મહિલાઓ અમુક પ્રકારની તબીબી સહાય સરકારી હોસ્પિટલોમાં જવાનું ટાળે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ટ્રાફિકિંગ અને એચઆઈવી / એઈડ્સ પ્રોજેક્ટના 2007 ના અહેવાલ માં જણાવ્યા અનુસાર,  "[નવ રાજ્યોમાં સર્વેક્ષણ કરાયેલ દેહ વ્યાપાર કરનાર મહિલાઓમાંથી] લગભગ 50 % મહિલાઓએ સગર્ભાવસ્થામાં સંભાળ અને પ્રસુતિ  જેવી સેવાઓ જાહેર સરકારી દવાખાનામાં ન લીધી  હોવાનું જણાવ્યું  છે. ” પ્રસુતિના કિસ્સામાં સામાજિક કલંકનો ડર , લોકોની ધારણાઓ અને તાત્કાલિક સારવારની  જરૂરિયાત તે માટેના કેટલાક કારણો લાગે છે.

25 વર્ષથી વધુ સમયથી સેક્સ ટ્રાફિકિંગ/ દેહવ્યાપાર વિરુદ્ધ કામ કરતી  વારાણસી સ્થિત ગુડિયા સંસ્થાના સ્થાપક અને ડિરેક્ટર અજિતસિંઘ કહે છે કે, "આ વ્યવસાયનો  સીધો સંબંધ પ્રજનન સ્વાસ્થ્ય સાથે છે. " તેમણે દિલ્હીના  જીબી રોડ વિસ્તારની મહિલાઓને સહાયતા આપતી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે, તેમના અનુભવના આધારે તેઓ કહે છે, “દેહવ્યાપારનો વ્યવસાય કરતી મહિલાઓમાંથી   75-80 ટકા મહિલાઓને પ્રજનન સ્વાસ્થ્યને લગતી કોઈ ને કોઈ સમસ્યા હોય છે.”

હની કહે છે, “નાંગલોઈ જાટમાં અમારી પાસે તમામ પ્રકારના ઘરાકો  છે. એમબીબીએસ ડોકટરોથી માંડીને પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓથી માંડીને રિક્ષાચાલકો, બધા જ અમારી પાસે આવે છે. યુવાનીમાં  અમે ફક્ત તે લોકો સાથે જ જઈએ છીએ જેઓ સારા પૈસા આપે છે, પરંતુ જેમ જેમ  ઉંમર વધતી જાય છે, તેમ તેમ અમે પસંદગી કરવાનું છોડી દઈએ છીએ. હકીકતમાં અમારે આ ડોકટરો અને પોલીસકર્મીઓ સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે. ક્યારે તેમની મદદની જરૂર પડી શકે કંઈ કહેવાય નહિ. ”

હાલ એક મહિનામાં તે કેટલું કમાય છે?

હની કહે છે, "લોકડાઉનના સમયગાળાને બાકાત રાખીએ, તો હું દર મહિને આશરે 25000 રુપિયા કમાતી હતી. પરંતુ આ આશરા પડતી સંખ્યા છે. ઘરાકના વ્યવસાયના આધારે ઘરાકે ઘરાકે ચુકવણી અલગ હોય છે.  અમે (ઘરાકની સાથે) આખી રાત વિતાવીએ છીએ કે ફક્ત થોડા કલાકો પસાર કરીએ છીએ. એના પર પણ ચુકવણીનો આધાર હોય છે.  “જો અમને ઘરાક વિશે કોઈ શંકા હોય  તો અમે તેમની સાથેની હોટલોમાં જવાને બદલે ઘરાકને અમારે ત્યાં બોલાવીએ. પરંતુ મારા કિસ્સામાં, હું તેમને અહીં નાંગલોઈ  જાટમાં ગીતા દીદીના ઘેર લઈ આવું છું. હું દર મહિને કેટલીક રાત અને દિવસો અહીં  રોકાઉં છું. મને ઘરાક જે આપે છે તેમાંથી અડધો ભાગ તે (ગીતા દીદી) લે છે. તે તેમનું કમિશન છે. " આ રકમ વ્યાપક રૂપે બદલાય છે, પરંતુ હની કહે છે  કે આખી રાત માટે તેનો ઓછામાં ઓછો દર 1000 રુપિયા છે.

Geeta (in orange) is the overseer of sex workers in her area; she earns by offering her place for the women to meet clients
PHOTO • Jigyasa Mishra
Geeta (in orange) is the overseer of sex workers in her area; she earns by offering her place for the women to meet clients
PHOTO • Jigyasa Mishra

ગીતા (નારંગી રંગનાં કપડાંમાં) તેના વિસ્તારમાં દેહ વ્યાપાર કરતી મહિલાઓના કામની દેખરેખ રાખે છે. તે આ મહિલાઓને ઘરાકને મળવા માટે તેની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અને એ રીતે કમાય છે

40-45 વર્ષની ગીતા તેના વિસ્તારમાં દેહ વ્યાપાર કરતી મહિલાઓના કામની દેખરેખ રાખે છે. તે પોતે પણ દેહ વ્યાપારના વ્યવસાયમાં છે, પરંતુ મુખ્યત્વે અન્ય મહિલાઓને તેની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અને બદલામાં તેમની પાસેથી કમિશન લઈને  પોતાનું ગુજરાન ચલાવે છે. ગીતા કહે છે,  “હું જરૂરિયાતમંદ મહિલાઓને આ વ્યવસાયમાં લઈ આવું છું અને જ્યારે તેમની પાસે કામ કરવાની જગ્યા ન હોય ત્યારે હું તેમને મારી જગ્યા વાપરવા દઉં છું.  હું તેમની કમાણીના માત્ર 50 ટકા જ લઉં છું."

હની કહે છે, “મેં મારા જીવનમાં ઘણું જોયું છે. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરવાથી લઈને મારા પતિએ મને છોડી દેતાં મને કાઢી મૂકવામાં આવી અને હવે આ ફંગલ અને યોનિમાર્ગના ચેપ સાથે જીવું છું અને હજી પણ એની દવાઓ લઉં છું. મને લાગે છે હવે જીવતા સુધી આ મારી સાથે જ રહેવાનું છે. " હાલમાં તેનો પતિ પણ હની અને તેમની પુત્રી સાથે રહે છે.

શું તે (તેનો પતિ) તેના (હનીના) વ્યવસાય વિશે જાણે છે?

હની કહે છે, “તે બધું જાણે છે. હવે તેની પાસે આર્થિક રીતે મારા પર નિર્ભર રહેવાનું એક બહાનું છે. હકીકતમાં આજે તે મને હોટલ મૂકવા આવવાનો છે. પરંતુ મારા માતાપિતા [તેઓ એક ખેડૂત પરિવાર છે] મારા વ્યવસાય વિશે કંઈ જ જાણતા  નથી. અને હું ઈચ્છું છું કે તેઓને એની  ક્યારેય ખબર ન પડે. તેઓ ખૂબ વૃદ્ધ છે અને હરિયાણામાં રહે છે. ”

વીએએમપી અને એનએનએસડબ્લ્યુ બંનેના પૂના સ્થિત કાનૂની સલાહકાર આરતી પાઈ  કહે છે કે, "અનૈતિક વેશ્યાવૃત્તિ (નિષેધ) અધિનિયમ, 1956 હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે દેહ વ્યાપાર કરતી મહિલાની કમાણી પર નભવું એ ગુનો છે. તેમાં દેહ વ્યાપારનો વ્યવસાય કરતી મહિલા સાથે રહેતા અને તેની કમાણી પર નભતા પુખ્ત વયના બાળકો, જીવનસાથી / પતિ અને માતાપિતાનો પણ સમાવેશ થઈ શકે. આવી વ્યક્તિને સાત વર્ષની કેદની સજા થઈ શકે છે. ” પરંતુ હની તેના પતિ વિરુદ્ધ  આવી ફરિયાદ કરે  તેવી સંભાવના નથી.

તે કહે છે, “લોકડાઉન સમાપ્ત થયા પછી હું આ પહેલી વાર કોઈ ઘરાકને મળવા જઈ રહી છું. આજકાલ ઘરાક ઘણા ઓછા થઈ ગયા છે, લગભગ નહિવત." હની તેને હોટલ પાર મૂકી જવા માટે તેના પતિને  બોલાવી મોટરસાયકલ બહાર કાઢવાનું કહેતા કહે છે, "અને અત્યારે આ રોગચાળા દરમિયાન જે લોકો અમારી પાસે આવે તેમનો મોટા ભાગે વિશ્વાસ કરી શકાય નહિ. પહેલા અમારે  ફક્ત એચઆઈવી અને અન્ય [જાતીય સંક્રમિત] રોગોથી સંક્રમિત ન થઈએ એની કાળજી લેવી પડતી હતી. હવે, આ કોરોના પણ છે. આ આખું લોકડાઉન આપણા માટે એક શ્રાપ બની રહ્યો છે. કોઈ કમાણી નહીં - અને અમારી બધી બચત ખલાસ થઈ ગઈ છે. હું બે મહિના સુધી મારી દવાઓ [ફંગલ વિરોધી ક્રીમ અને લોશન] પણ ખરીદી શકી નહીં, કારણ જીવતા રહેવા માટે ખાવાનું ય માંડ પરવતું હતું, ત્યાં દવાની ક્યાં વાત? "

કવર ચિત્ર : અંતરા રમણ. તેઓ  તાજેતરમાં સૃષ્ટિ ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્ટ, ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, બેંગલોરથી વિઝ્યુઅલ કમ્યુનિકેશનની પદવી સાથે સ્નાતક થયેલ છે. કલ્પનાત્મક કળા અને કથાકથનના તમામ સ્વરૂપોનો તેમના ચિત્રણો અને રેખાંકનો પર  મોટો પ્રભાવ છે.

ગ્રામીણ ભારતના  કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે  [email protected] પર  લખો

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Jigyasa Mishra

جِگیاسا مشرا اترپردیش کے چترکوٹ میں مقیم ایک آزاد صحافی ہیں۔ وہ بنیادی طور سے دیہی امور، فن و ثقافت پر مبنی رپورٹنگ کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jigyasa Mishra
Illustration : Antara Raman

انترا رمن سماجی عمل اور اساطیری خیال آرائی میں دلچسپی رکھنے والی ایک خاکہ نگار اور ویب سائٹ ڈیزائنر ہیں۔ انہوں نے سرشٹی انسٹی ٹیوٹ آف آرٹ، ڈیزائن اینڈ ٹکنالوجی، بنگلورو سے گریجویشن کیا ہے اور ان کا ماننا ہے کہ کہانی اور خاکہ نگاری ایک دوسرے سے مربوط ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Antara Raman

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik