આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.

ગાયો ઘેર પાછી ફરે ત્યાં સુધી

બિહારમાં ઈંધણના (ગાયના છાણના) ગોળા વાળતી આ મહિલા રાષ્ટ્રીય અર્થતંત્રમાં અદ્દભૂત યોગદાન આપી રહી છે. અલબત્ત એક એવું યોગદાન જે જેની આપણા જીડીપીમાં ક્યાંય નોંધ સરખીય નહિ લેવાય. ગાયના છાણનો બળતણ તરીકે ઉપયોગ કરતા લાખો પરિવારો જો અશ્મિભૂત ઈંધણ તરફ વળે/નો ઉપયોગ કરવાનું શરૂ કરી દે તો ભારે આપત્તિ સર્જાય. ભારત પેટ્રોલિયમ અને તેના ઉત્પાદનોની આયાત પર બીજી કોઈપણ વસ્તુઓ કરતાં વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચે છે. 1999-2000માં એ રકમ 47421 કરોડ રુપિયા હતી.

આ રકમ ખોરાક, ખાદ્ય તેલ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, રસાયણો, આયર્ન અને સ્ટીલની આયાત પર બધું મળીને આપણે જે કુલ વિદેશી હૂંડિયામણ ખર્ચ કરીએ છીએ તેના ત્રણ ગણા કરતાંય વધુ છે.  પેટ્રોલિયમ અને તેના ઉત્પાદનો પર આપણે જે ખર્ચ કરીએ છીએ તે આપણા કુલ આયાત બિલનો લગભગ ચોથો ભાગ છે.

એ રકમ આપણે ખાતરની આયાત પર જે વિદેશી હૂંડિયામણ ખર્ચ કરીએ છીએ  - $1.4 બિલિયન - તેના કરતાં પણ લગભગ આઠ ગણી છે. છાણ એ એક મહત્વનું  કુદરતી ખાતર છે જેનો ઉપયોગ લાખો લોકો દ્વારા પાક ઉછેરવા માટે કરવામાં આવે છે. તેથી આ મોરચે પણ છાણ આપણા ઘણા પૈસા બચાવે છે. તે જીવજંતુઓને દૂર રાખવાનું કામ પણ કરે છે અને તેના બીજા પણ ઘણા ઉપયોગો છે. તમે ઈચ્છો તે રીતે તેનો ઉપયોગ કરી શકો છો. છાણ ભેગું કરવાનું કામ એ  'મહિલાઓનું કામ' છે -  અને  દેશમાં છાણ ભેગું કરતી આ મહિલાઓ દર વર્ષે ભારતના લાખો, કદાચ અબજો ડોલર બચાવે છે. પરંતુ છાણ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ નથી, અને કદાચ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓ છાણ ભેગું કરતી મહિલાઓની જિંદગી વિશે ઝાઝું જાણતા નથી અથવા તેઓને એની ખાસ પરવા નથી તેથી તેઓ આ આંકડાઓને ક્યારેય તેમના વિશ્લેષણમાં લેતા નથી. તેઓ આવા શ્રમને માન આપવાની વાત તો દૂર રહી તેઓ તેને ધ્યાનમાં પણ લેતા નથી કે માન આપતા નથી.

વિડીયો જુઓ: 'તેઓ જે રીતે બેવડા વળીને સફાઈ કરી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે તેમણે આખીય છત પોતાની પીઠના બળે ટકાવી રાખી છે'

મહિલાઓ ગાય અને ભેંસ માટે જરૂરી ઘાસચારો ભેગો કરે છે. સૂકી ડાળખીઓ અને પાક લણ્યા પછી જે કંઈ બચ્યું હોય તે છાણ સાથે ભેળવી છાણાં થાપી તેઓ રસોઈ માટેનું ઈંધણ તૈયાર કરે છે. તેમના પોતાના ખર્ચે અને ખરું પૂછો તો નાઈલાજે. છાણ ભેગું કરવું કંટાળાજનક છે અને ઉપયોગમાં લેવું મુશ્કેલ છે.

ભારતને વિશ્વનો અગ્રણી  દૂધ ઉત્પાદક બનાવવામાં પણ લાખો મહિલાઓ મહત્ત્વનું યોગદાન આપે છે. અને તે માત્ર એટલા માટે નહીં કે ભારતની 100 મિલિયન ગાયો અને ભેંસોને દોહવા માટે મુખ્યત્વે મહિલાઓ જવાબદાર છે. આંધ્રપ્રદેશના વિઝિયાનગરમની આ મહિલા માટે ગાયને દોહવી એ તેમના કામનો એક નાનો ભાગ છે. તેઓ ગાય માટે ઘાસચારો ભેગો કરશે, તેને ખવડાવશે, નવડાવશે, ગમાણ સાફ કરશે અને છાણ ભેગું કરશે. તેમના પાડોશી મહિલા પહેલેથી જ તેમની ગાયનું દૂધ લઈને  દૂધ મંડળી પહોંચી ગયા છે અને ત્યાંના તમામ વ્યવહારો તેઓ સંભાળશે. ડેરી ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલા કામદારોની સંખ્યા 69 થી 93 ટકા ની વચ્ચે હોવાનો અંદાજ છે.  દૂધના ઉત્પાદનોની મોટાભાગની પ્રક્રિયા પણ તેઓ જ કરે છે. ખરેખર મહિલાઓ તમામ પશુધનના ઉછેર, વ્યવસ્થાપન અને ઉત્પાદનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

PHOTO • P. Sainath

બીજા પડોશી મહિલા ખેતરમાંથી ભેંસ (ચરાવી)ને પાછી લાવી રહ્યા છે (કવર ફોટો). પ્રમાણમાં નાનું પણ શક્તિશાળી હુમલાખોર પ્રાણી જોયું હોવાથી ભેંસ થોડી ગભરાયેલી છે: એક નાનો કૂતરો ભેંસને પગે કરડવાની રાહ જોઈને જ ઊભો છે. મહિલાને આ બંને બાબતોનો ખ્યાલ આવી ગયો છે પરંતુ પરિસ્થતિ તેમના નિયંત્રણમાં છે. તેઓ ભેંસની સંભાળ રાખશે અને તેને સુરક્ષિત રીતે ઘેર પહોંચાડશે. આ તો તેમના રોજિંદા જીવનનો ભાગ છે.

પશુધનનું મૂલ્ય માત્ર તેમના દૂધ કે માંસ વેચીને મળતા પૈસા પૂરતું નથી. લાખો ગરીબ ભારતીયો માટે તેઓ નિર્ણાયક વીમા કવચ સમાન છે. ગંભીર સંકટના સમય દરમિયાન આવકના તમામ સ્ત્રોતો બંધ થઈ જાય ત્યારે ગરીબ લોકો જીવન ટકાવી રાખવા માટે એકાદ-બે ગાય-બળદ અથવા બીજા પશુઓ વેચી દે છે. તેથી ઘણા ગરીબ ભારતીયોની સુખાકારી દેશના પશુધન સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. અને પશુધનનું સ્વાસ્થ્ય મહિલાઓના હાથમાં છે. તેમ છતાં ઘણી પછી મહિલાઓ પાસે પોતાની માલિકીના પશુઓ છે અને તેઓ તેમનું નિયંત્રણ સંભાળે છે. ભારતની ગ્રામ્ય-સ્તરની 70000 ડેરી સહકારી મંડળીઓમાંથી મોટાભાગની મંડળીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે. મંડળીઓના કુલ સભ્યોમાંથી માત્ર 18 ટકા મહિલાઓ છે. ડીસી બોર્ડ (ડેરી સહકારી વ્યવસ્થાપન સમિતિ) ના સભ્યોમાં મહિલાઓની ટકાવારી ત્રણ ટકા કરતા પણ  ઓછી છે.

PHOTO • P. Sainath

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik