એજાઝ, ઈમરાન, યાસિર અને શમીમાની ઉંમર માંડ 10 વર્ષની જ છે અને તેમ છતાં તેમણે ઘણા વર્ષોનો અભ્યાસ ગુમાવી દીધો છે. દર વર્ષે, જ્યારે તેઓ તેમના માતાપિતા સાથે સ્થળાંતર કરે છે, ત્યારે તેઓ ચાર મહિના સુધી વર્ગો ચૂકી જાય છે, અને નિર્ણાયક પ્રાથમિક શિક્ષણ એટલે કે મૂળભૂત ગણિત, વિજ્ઞાન અને સામાજિક અભ્યાસના પાઠ, શબ્દભંડોળ અને લેખન કૌશલ્યમાં પાછળ રહી જાય છે.
બાળકો 10 વર્ષનાં થાય ત્યાં સુધીમાં, તેઓ વર્ગખંડની બહાર એટલો સમય રહેશે કે તે સમયનો સરવાળો કરવામાં આવે તો એક આખું વર્ષ થઈ જાય. સૌથી મહેનતું વિદ્યાર્થીઓ માટે પણ તે એક ખૂબ મોટું નુકસાન છે, જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે.
પણ હવે આવું નહીં થાય. જ્યારે તેઓ શાળાથી દૂરના વિસ્તારોમાં સ્થળાંતર કરે છે, ત્યારે તેમની સાથે ખંતીલા પ્રવાસી શિક્ષક અલી મોહમ્મદ પણ પ્રવાસ કરે છે. આ ત્રીજું વર્ષ છે, કે જ્યારે 25 વર્ષીય અલી કાશ્મીરની લિદ્દર ઘાટીમાં એક ગુર્જર વસાહત એવી ખલાનમાં પર્વતો પર આવ્યા છે, અને ઉનાળાના આગામી ચાર મહિના (જૂનથી સપ્ટેમ્બર) માટે તેઓ અહીં ગુજ્જર પરિવારોનાં નાનાં બાળકોને ભણાવશે, કે જેઓ ઉનાળાના ચરાઈના મેદાનોની શોધમાં તેમના પ્રાણીઓ સાથે અહીં સ્થળાંતર કરીને આવ્યાં છે.
તેમની સામે ખુલ્લી પડેલી સરકારી વર્કબુકમાં વ્યસ્ત થતા પહેલાં શરમાળ શમીના કહે છે, “હું વિચારું છું કે હું શિક્ષક બનીશ.” અલી કેટલીકવાર બાળકોને તાત્કાલિક જરૂરી હોય તેવો ભણતરનો સામાન પૂરો પાડવા માટે પોતાના ભંડોળનો ઉપયોગ કરે છે.
એક પશુપાલક સમુદાય એવા ગુજ્જર લોકો સામાન્ય રીતે ઢોર અને ક્યારેક બકરી અને ઘેટાં પણ રાખે છે. દર વર્ષે તેઓ તેમના પશુધન માટે વધુ સારા ચરાઈના મેદાનની શોધમાં ઉનાળા દરમિયાન હિમાલયના ઉપરના મેદાનો પર ચઢાણ કરે છે. પહેલાંના સમયમાં આ વાર્ષિક સ્થળાંતરથી બાળકોનું ભણતર બગડતું હતું, જેનાથી તેમનો અભ્યાસનો પાયો કાચો રહી જતો હતો.
પરંતુ અલી જેવા શિક્ષકો કે જેઓ તેમની સાથે મુસાફરી કરે છે, તેઓ ખાતરી કરી રહ્યા છે કે આવું ન થાય અને તમામ રજાઓની ભરપાઈ કરવામાં આવે. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના ગુજ્જર પિતા સાથે પોતે આ રીતની મુસાફરીએ જતા આ યુવાન શિક્ષક કહે છે, “કેટલાક વર્ષો પહેલા, અમારા સમુદાયનો સાક્ષરતા દર ખૂબ ઓછો હતો. બહુ ઓછા લોકો શાળાએ જતા, કારણ કે અમે અહીં ઊંચા પર્વતો પર આવીએ છીએ, જ્યાંથી શાળાએ જવું શક્ય જ ન હતું.”
તેઓ ઉમેરે છે, “પણ હવે આ યોજનાથી આ બાળકોને શિક્ષક મળી રહયા છે. તેઓ ભણતાં રહેશે ને અમારો સમુદાય સમૃદ્ધ થશે. જો આ યોજના ન હોત, તો આ બાળકો જે અહીં ચાર મહિના સુધી રહે છે, તેઓ ગામની શાળામાં તેમની સાથે ભણતાં બાળકો કરતાં પાછળ રહી જાત.”
અલી કેન્દ્ર સરકારની 2018-19 માં શરૂ કરાયેલી સમગ્ર શિક્ષાનો ઉલ્લેખ કરી રહ્યા છે, જે "સર્વ શિક્ષા અભિયાન (SSA), રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષક શિક્ષણ (TE) ની ત્રણ યોજનાઓને આવરી લે છે". તેનો હેતુ "શાળાકીય શિક્ષણ સમાન તકો અને શિક્ષણના સમાન પરિણામોના સંદર્ભમાં માપવામાં આવતી શાળાની અસરકારકતા" સુધારવાનો હતો.
તેથી આ શાળા અનંતનાગ જિલ્લાના પહલગામ તાલુકામાં વહેતી લિદ્દર નદીના કિનારે એક લીલા તંબૂમાં ચાલે છે. પરંતુ આવા હૂંફાળા દિવસે, વિશાળ ખુલ્લા ઘાસના મેદાનો આ શાળાના શિક્ષક માટે વર્ગખંડનું કામ કરે છે. અલી પાસે જીવવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી છે, અને તેમને આ નોકરી માટે ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવી હતી. “અમારે શિક્ષણમાં કયા પરિણામો પર લક્ષ્ય રાખવું જોઈએ, કેવી રીતે શીખવવું જોઈએ અને વિદ્યાર્થીઓ શું શીખે છે તેના વાસ્તવિક જીવનના ઉપયોગો બતાવવામાં આવ્યા હતા.”
જૂન મહીનાની આ ગરમ સવારે વર્ગ ચાલુ છે − અલી ઘાસ પર બેઠા છે, જેમની આસપાસ 5-10 વર્ષની વયનાં બાળકો છે. એક કલાકમાં બપોરના 12 વાગશે અને તેઓ અહીં ત્રણ ગુજ્જર પરિવારોના ગામ ખલાનમાં વર્ગ સમાપ્ત કરશે. લીંપણ કરેલાં ઘરો નદીથી થોડા અંતરે થોડી ઊંચાઈ પર આવેલા છે. અહીંના મુઠ્ઠીભર રહેવાસીઓમાંથી મોટાભાગના બહાર હોય છે, હવામાનનો આનંદ માણે છે, અને પસાર થતા લોકોને મળે છે. બાળકોએ પારીને કહે છે કે, અહીંના પરિવારોમાં કુલ 20 ગાયો-ભેંસો અને 50 ઘેટાંબકરાં છે.
તેઓ કહે છે, “આ સ્થળ પર બરફ પડ્યો હોવાથી શાળાનો કાર્યકાળ મોડો શરૂ થયો હતો. હું 10 દિવસ પહેલાં 12 જૂન, 2023ના રોજ અહીં આવ્યો હતો.”
ખલાન લિદ્દર હિમનદીના માર્ગ પર આવેલું છે, જે વધુ 15 કિલોમીટર ઊંચાઇ પર, આશરે 4,000 મીટરની ઊંચાઈએ આવેલું છે. અલીએ આ સ્થળની વસાહતના યુવાનો સાથે મુલાકાત લીધી છે. આસપાસનો વિસ્તાર પ્રાણીઓ માટે પુષ્કળ ચરાઈ સાથે હરિયાળો છે અને ગુજ્જર અને બકરવાલ બન્ને પરિવારો પહેલેથી જ નદીકાંઠાની જગ્યાઓ પર સ્થાયી થયા છે.
નદીની પેલે પાર ચાર ગુજ્જર પરિવારોના ગામ સાલાર તરફ ઈશારો કરતાં તેઓ કહે છે, “હું બપોરે તે બાળકોને ભણાવવા જાઉં છું.” અલીએ બીજી બાજુ જવા માટે લાકડાના પુલ પરથી પૂરજોરે વહેતા પાણીને ઓળંગીને જવું પડે છે.
સ્થાનિકો કહે છે કે શરૂઆતમાં બન્ને ગામડાં વચ્ચે ફક્ત એક જ શાળા હતી, પરંતુ થોડા વર્ષો પહેલાં એક મહિલા પુલ પરથી લપસીને પાણીમાં પડી ગઈ હતી અને તેનું મોત થયું હતું. તે પછી, સરકારે નિયમો બદલ્યા અને પ્રાથમિક શાળાનાં બાળકોના બદલે શિક્ષકને પુલ પાર કરીને બાળકોને ભણાવવા આવવાની ફરજ પાડવામાં આવી હતી. અલી સમજાવતાં કહે છે, “તો હવે હું છેલ્લા બે ઉનાળાથી બે પાળીમાં ભણાવું છું.”
અગાઉનો પુલ પાણીમાં વહી ગયો હોવાથી, અલીએ હવે પાણીમાં આવેલા નીચલા પુલમાં લગભગ એક કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. આજે બીજી બાજુના તેમના વિદ્યાર્થીઓ પહેલેથી જ તેમને એસ્કોર્ટ કરવા માટે રાહ જોઈ રહ્યા છે!
અલી જેવા દરેક પ્રવાસી શિક્ષક પાસે ચાર મહિનાનો કરાર હોય છે અને તેમને તે સમયગાળા માટે 50,000 રૂપિયા વેતન આપવામાં આવે છે. તેઓ આખું અઠવાડિયું સાલારમાં રહે છે. તેઓ કહે છે, “મારા રોકાણનું અને ખાવાપીવાની વ્યવસ્થા મારે જાતે જ કરવી પડે છે, તેથી હું અહીં સંબંધીઓ સાથે રહું છું.” હું ગુજ્જર સમુદાયનો જ છું, અને આ મારાં સંબંધીઓ છે. મારો પિતરાઇ ભાઈ અહીં રહે છે અને હું તેના પરિવાર સાથે રહું છું.
અલીનું ઘર અનંતનાગ જિલ્લાના હિલાન ગામમાં છે, જે અહીંથી લગભગ 40 કિલોમીટર દૂર છે. જ્યારે તેઓ નીચે જાય છે, ત્યારે તેઓ સપ્તાહના અંતે તેમનાં પત્ની નૂરજહાં અને તેમનાં બાળકને મળે છે. તેમનાં પત્ની પણ શિક્ષિકા છે, અને તેઓ તેમના ઘરમાં અને તેની આસપાસ ટ્યુશન લે છે. “મને નાનપણથી જ ભણાવવામાં દિલચસ્પી રહી છે.”
તેઓ નદી પરના લાકડાના પુલ તરફ આગળ વધતા કહે છે, “સરકારે એક સારું કામ કર્યું છે અને હું આનો ભાગ બનીને ખુશ છું; આનાથી હું મારા સમુદાયનાં બાળકોને શિક્ષિત કરવામાં મદદ કરી રહ્યો છું.”
યુવાન વિદ્યાર્થી એજાઝના 50 વર્ષીય પિતા અજીબા અમન પણ ખુશ છે, “મારો દીકરો, મારા ભત્રીજાઓ, બધા હવે અભ્યાસ કરે છે. તે સારું છે કે અમારા બાળકોને તક મળી રહી છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ