મીનાનું લગ્ન હવે ટૂંક સમયમાં જ થઇ જશે. આનું કારણ જણાવતા તે કહે છે, “થોડાક મહિનાઓ પહેલા હું બધા માટે ‘મુશ્કેલી’ બની ગઈ હતી.” એના થોડા મહિનાઓ પછી એની પિત્રાઈ બહેન સોનું બધા માટે ‘મુશ્કેલી’ બની ગઈ. અને એના પણ ટૂંક સમયમાં લગ્ન થઇ જશે. અહિં જ્યારે કોઈ છોકરીને માસિક સ્રાવ ચાલુ થાય એટલે તે ‘મુશ્કેલી’ બની જાય છે.

૧૪ વર્ષીય મીના અને ૧૩ વર્ષીય સોનું ખાટલા પર અડીને બેઠા છે. જ્યારે તેઓ વાત કરે છે તો અમુકવાર એકબીજાને જુએ છે અને અમુક વાર મીનાના ઘરની માટીની લાદીને તાકે છે, કારણ કે તેઓ એક અજાણ્યા માણસને માસિક સ્રાવ વિષે જણાવતા ખચકાટ અનુભવે છે. તેમની પાછળના ઓરડામાં એક બકરી જમીન પર નાનકડા ખૂંટ સાથે બાંધેલી છે. ઉત્તર પ્રદેશના કોરાવો બ્લોકના બૈઠકવા વિસ્તારમાં જંગલી જાનવરો ફરતા હોય છે એટલે બકરીને એમ બહાર છોડી શકાય નહીં. તેઓ અમને કહે છે કે આ કારણથી તેઓ અને અન્ય લોકો પણ બકરીઓને પોતાના નાનકડા ઘરમાં બાંધી રાખે છે.

આ છોકરીઓ માસિક સ્રાવ વિષે હમણાં હમણાં જ શીખી છે, અને તે પણ એવું કે આ શરમાવવા જેવી વાત છે. અને ડરની – આ તેમણે તેમના માતા-પિતા પાસેથી શીખ્યું છે.  એકવાર છોકરી પુખ્તવયની બની જાય પછી તેની સુરક્ષા અને લગ્ન પહેલા ગર્ભવતી બની જવાના ડરથી પ્રયાગરાજ (ભૂતપૂર્વ અલ્લાહાબાદ) ના આ વિસ્તારના વસાહતી પરિવારો એમની બાળકીઓના નાની ઉંમરમાં લગ્ન કરી દે છે, અમુક વાર તો ૧૨ વર્ષની ઉંમરે પણ.

મીનાની ૨૭ વર્ષીય માતા રાનીના લગ્ન પણ નાની ઉંમરે થઇ ગયા હતા અને તેઓ ૧૫ વર્ષની ઉંમરે મા બની ગયા હતા. “જ્યારે તેઓ ગર્ભવતી થઇ શકે તે ઉંમરે પહોંચી જાય તે પછી અમે એમને સુરક્ષિત કઈ રીતે રાખી શકીએ?” તેઓ પૂછે છે. સોનુંના માતા ચંપાની ઉંમર ૨૭ વર્ષ છે, તેઓ પણ કહે છે કે એમના લગ્ન પણ એમની દીકરીની અત્યારે ઉંમર છે એ વખતે જ થઇ ગયા હતા, એટલે કે ૧૩ વર્ષની ઉંમરે. અમારી આસપાસ એકઠી થયેલી સ્ત્રીઓના કહેવા પ્રમાણે અહિં છોકરીઓના ૧૩-૧૪ વર્ષની ઉંમરે લગ્ન કરવા અપવાદ નહીં બલકે એક પ્રથા જેવું છે. રાની કહે છે, “અમારું ગામ કોઈ બીજા જ જમાનામાં જીવી રહ્યું છે. અમારી પાસે કોઈ રસ્તો નથી. અમે લાચાર છીએ.”

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, અને છત્તીસગઢ ના ઘણા જિલ્લાઓમાં બાળ-લગ્ન એક સામાન્ય વસ્તુ છે. ૨૦૧૫માં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન વુમન અને યુનિસેફ દ્વારા જિલ્લા સ્તરે થયેલા એક સહિયારા સંશોધન મુજબ, “આ રાજ્યોના લગભગ બે તૃતીયાંશ જિલ્લાઓમાં ૫૦% થી પણ વધારે સ્ત્રીઓના લગ્ન કાયદાકીય રીતે માન્ય ઉંમર પહેલા જ કરી દેવામાં આવે છે.”

બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬ મુજબ જો છોકરી ૧૮ વર્ષથી નાની હોય અને છોકરો ૨૧ વર્ષથી નાનો હોય તો લગ્નને માન્ય ગણાતું નથી. આવા લગ્નને માન્યતા આપવા અને એનો પ્રચાર કરવા બદલ બે વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

PHOTO • Priti David

મીના અને સોનું માસિક સ્રાવ વિષે હમણાં હમણાં જ શીખ્યા છે , અને તે પણ એવું કે આ કોઈ શરમાવવા જેવી વસ્તુ છે

એ ગામના આંગણવાડી કાર્યકર્તા ૪૭ વર્ષીય નિર્મલા દેવી કહે છે, “કોઈ ગેરકાનૂની કામ માટે પકડાઈ જવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો, કેમ કે અહિં સંદર્ભ માટે જન્મનો દાખલો જ નથી હોતો.” તેઓ સાચું કહી રહ્યા છે – કેમ કે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-૪, ૨૦૧૫-૧૬) મુજબ, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ ૪૨% બાળકોના જન્મની નોંધણી કરવામાં આવતી નથી. પ્રયાગરાજ જિલ્લામાં આ આંકડો હજુ પણ વધારે એટલે કે ૫૭% નો છે.

નિર્મલા દેવી આગળ કહે છે, “લોકો હોસ્પિટલ જઈ શકતા નથી. આ પહેલા અમે ફક્ત એક ફોન કરતા હતા અને અહિંથી ૩૦ કિલોમીટર દૂર આવેલા કોરાવોના સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર [સીએચસી] માંથી એક એમ્બ્યુલન્સ બોલાવી લેતા હતા. પણ હવે અમારે ૧૦૮ નામની એક મોબાઈલ એપ નો ઉપયોગ કરવો પડે છે, જેના માટે 4G ઇન્ટરનેટ પણ જોઈએ છે. પણ અહિં નેટવર્ક જ નથી હોતું, અને તમે ડિલિવરી માટે સીએચસીનો સંપર્ક પણ નથી કરી શકતા.” બીજા શબ્દોમાં કહીએ તો, એપના ઉપયોગની ફરજ પાડવાથી પરિસ્થિતિ વધારે વણસી છે.

એવો દેશ જ્યાં સોનું અને મીના જેવી ૧૫ વર્ષની છોકરીઓ નવવધુ બનતી હોય, ત્યાં ફક્ત કાયદાકીય રીતે તમે પરિવારોને આ પ્રથા થી રોકી શકતા નથી. એનએફએચએસ-૪ મુજબ, ઉત્તર પ્રદેશમાં દર પાંચમાંથી એક સ્ત્રીનું બાળ લગ્ન થાય છે.

૩૦ વર્ષીય સુનીતા દેવી પટેલ, બૈઠકવા અને એની આસપાસના વિસ્તારોમાં કાર્યરત આશા કાર્યકર્તા છે. તેઓ કહે છે કે જ્યારે આ વિસ્તારોમાં રહેતાં પરિવારો સાથે તેઓ વાત કરવાની કોશિશ કરે છે, તો લોકો તેમને “ભગાડી મુકે છે.” તેઓ કહે છે, “હું એમને છોકરીઓને મોટી થવા દેવાની વાત કહું છું. હું એમને કહું છું કે આટલી નાની ઉંમરમાં ગર્ભવતી થવું ખતરનાક વસ્તુ છે. તે લોકો મારી એકેય વાત માનતા નથી અને મને જતા રહેવાનું કહે છે. એક મહિના પછી હું ફરીથી જાઉં છું, તો તે છોકરીના લગ્ન થઇ ગયા હોય છે.”

પરંતુ માતા-પિતા પાસે પણ ચિંતા કરવાના કારણો મોજૂદ છે. મીનાની માતા રાની કહે છે, “ઘરમાં એક પણ શૌચાલય નથી. કુદરતી હાજત માટે તેઓ ૫૦-૧૦૦ મીટર દૂર ખેતરોમાં જાય અથવા તો તેઓ પશુઓને ચરાવવા જાય ત્યારે પણ અમને ચિંતા થાય છે કે તેમની સાથે કોઈ ખરાબ ઘટના ઘટી જશે.” તેઓ ગયા વર્ષે હાથરસમાં ઊંચી જાતિના પુરુષો દ્વારા ૧૯ વર્ષની દલિત છોકરી પર કરવામાં આવેલા બળાત્કાર અને હત્યાને યાદ કરીને કહે છે, “અમને હાથરસની બીક હંમેશા સતાવે છે.”

જિલ્લાના પાટનગર કોરાવોથી બૈઠકવા તરફ જતો ૩૦ કિલોમીટર લાંબો સૂમસામ રસ્તો ખુલ્લા જંગલો અને ખેતરોમાંથી પસાર થાય છે. વચ્ચે પાંચ કિલોમીટરનો પટ્ટો ખાસ કરીને જંગલો અને પહાડોમાંથી પસાર થતો હોવાથી, ખતરનાક છે. સ્થાનિક લોકો કહે છે કે એમણે ઘણીવાર ત્યાંની ઝાડીઓમાં ગોળીઓથી ઘાયલ લાશો પડેલી જોઈ છે. લોકોનું કહેવું છે કે ત્યાં એક પોલીસ ચોકી હોય તો સારું, અને સાથે-સાથે સારો રસ્તો પણ. ચોમાસા દરમિયાન બૈઠકવા સમેત આજુબાજુના ૩૦ ગામ પૂરી રીતે ડૂબી જાય છે, અને ઘણીવાર તો ત્યાં અઠવાડિયાંઓ સુધી પાણી ભરાયેલું રહે છે.

PHOTO • Priti David
PHOTO • Priti David

બૈઠકવા કંપો: એકઠી થયેલી સ્ત્રીઓના કહેવા પ્રમાણે અહિં છોકરીઓના ૧૩-૧૪ વર્ષની ઉંમરે લગ્ન કરવા અપવાદ નહીં બલકે એક પ્રથા જેવું છે

કંપાની ચારે બાજુ વિધ્યાન્ચલની નાની અને કથ્થાઈ રંગની પહાડીઓ છે, જેની આસપાસ કાંટાવાળી ઝાડીઓ છે, અને જે મધ્યપ્રદેશની સરહદ સૂચિત કરે છે. કાચા રસ્તાઓની બંને બાજુઓએ કોળ સમુદાયની ઝુંપડીઓ આવેલી છે અને આજુબાજુના ખેતરોમાં ઓબીસી પરિવારો (જેમાંથી થોડાક પ્લોટ દલિતોના પણ છે) આવેલા છે.

આ ગામમાં કોળ સમુદાયના લગભગ ૫૦૦ દલિત પરિવારો અને ઓબીસી સમુદાયના ૨૦ પરિવારો રહે છે, જે બધાને આ ચિંતા સતાવી રહી છે. રાની ચિંતિત અવાજમાં કહે છે, “થોડાક જ મહિનાઓ પહેલા, અમારી એક છોકરી ગામમાંથી જઈ રહી હતી અને કેટલાક [ઉંચી જાતિના] છોકરાઓએ એને જબરદસ્તી એમની બાઈક પર બેસાડી દીધી. એણે ચાલુ બાઈકે કૂદકો માર્યો અને ઉઠીને તરત જ ઘરે દોડતી આવી ગઈ.”

૧૨ જૂન, ૨૦૨૧ના રોજ ૧૪ વર્ષની કોળ છોકરી ગાયબ થઇ ગઈ હતી, અને હજુ પણ તેની કોઈ ભાળ નથી મળી. એના પરિવાર વાળાનું કહેવું છે કે, એમણે એફઆઈઆર (FIR) દાખલ કરાવી હતી, પણ તેઓ અમને એની કોપી બતાવતા ખચકાતા હતા. તેઓ તેમની તરફ ધ્યાન ખેંચીને પોલીસને નારાજ કરવા નહોતા માંગતા, જે લોકોના કહેવા મુજબ આ ઘટના બની એના બે અઠવાડિયા પછી ઘટના સ્થળે પહોંચી હતી.

નિર્મલા દેવી ધીમા અવાજે કહે છે, “અમે તો હેસિયત વગરના ગરીબ લોકો [અનુસૂચિત જાતિ] છીએ. તમે અમને કહો કે, શું પોલીસને અમારી કંઈ પડી છે? શું કોઈને અમારી કંઈ પડી છે? અમે [બળાત્કાર અને અપહરણના] ડર અને શરમ હેઠળ રહીએ છીએ.”

નિર્મલા, કે જેઓ પોતે પણ કોળ સમુદાયના છે, તેઓ ગામમાં સ્નાતકની પદવી ધરાવતા ગણ્યાં ગાંઠ્યા લોકોમાંથી એક છે. તેમણે મુરારીલાલ નામના એક ખેડૂત સાથે લગ્ન કર્યા પછી આ પદવી મેળવી હતી. તે ચાર ભણેલાં-ગણેલાં છોકરાઓની માતા છે, અને તેમણે તેમના દીકરાઓને મિરઝાપુર જિલ્લાના દ્રામંદગંજ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં ભણાવ્યા છે. તેઓ હસીને કહે છે, “હું ત્રીજા બાળકના જન્મ પછી જ ઘરની બહાર નીકળી શકી. હું મારા બાળકોને ભણાવવા માંગતી હતી; આ જ મારું લક્ષ્ય હતું.” નિર્મલા હવે એમની વહુ શ્રીદેવીની સહાયક દાયણ નર્સ (એએનએમ) ના અભ્યાસ અને ટ્રેનિંગ માં મદદ કરી રહ્યા છે. શ્રીદેવી જ્યારે ૧૮ વર્ષની હતી, ત્યારે તેનું લગ્ન નિર્મલાના દીકરા સાથે થયું હતું.

પણ ગામના અન્ય માતા-પિતા વધારે ડરેલા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ, ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૧૯માં સ્ત્રીઓ વિરોધ થયેલા ગુનાના કૂલ ૫૯,૮૫૩ કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ સરેરાશ ૧૬૪ ગુના. જેમાં સગીર બાળકો, અને વયસ્ક સ્ત્રીઓ સાથેના બળાત્કાર, અપહરણ, અને માનવ હેરાફેરીનો સમાવેશ થાય છે.

PHOTO • Priti David
PHOTO • Priti David

આંગણવાડી (ડાબે) કાર્યકર્તા, નિર્મલા દેવી (જમણે), કહે છે , અહિં ખૂબ જ ઓછા લોકો પાસે જન્મનો દાખલો છે. એટલે બાળ લગ્નમાં પકડાઈ  જવાનો તો પ્રશ્ન જ નથી આવતો

સોનું અને મીનાના પિત્રાઈ ભાઈ મીથીલેશ કહે છે, “જ્યારે છોકરીઓ પર [પુરુષો દ્વારા] નજર રાખવામાં આવે, એટલે એમનું રક્ષણ કરવું અઘરું થઇ પડે છે. અહિંના દલિતોની બસ એક જ ઈચ્છા છે: પોતાનું નામ અને ઈજ્જત બચાવીને રાખવી. અમારી છોકરીઓના વહેલા લગ્ન કરવાથી આવું કરી શકાય છે.”

મીથીલેશ જ્યારે ઇંટોના ભઠ્ઠામાં કે પછી ખાણોમાં કામ કરવા માટે જાય છે ત્યારે તેઓ તેમના ૯ વર્ષના દીકરા અને ૮ વર્ષની દીકરીને ગામમાં મૂકીને જાય છે. એમની સુરક્ષાને લઈને તેઓ હંમેશા ચિંતિત રહે છે.

તેમની માસિક કમાણી ૫,૦૦૦ રૂપિયા છે, જે તેમના પત્નીની બળતણના લાકડા વેચીને અને પાકની લણણીના સમયે બીજા લોકોના ખેતરોમાં કામ કરીને થતી  કમાણીમાં સહયોગ આપે છે. એમની વસાહતમાં  ખેતી કરવી શક્ય નથી. મીથીલેશ કહે છે, “અમે અહિં ખેતી નથી કરી શકતા, કેમ કે જંગલી જાનવરો બધું જ ખાઈ જાય છે. એટલે સુધી કે જંગલી સૂવર અમારા ઘરોના આંગણમાં પેસી જાય છે, કારણ કે અમે જંગલની પાસે જ રહીએ છીએ.”

૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, બૈઠકવાની વસાહત જે ગામમાં આવેલો છે એવા દેવઘાટની ૬૧% વસ્તી ખેતમજૂરી, ગૃહ ઉદ્યોગ, અને અન્ય કામોમાં લાગેલી છે. મીથીલેશ કહે છે, “દરેક ઘરનો એકથી વધારે વ્યક્તિ કામની શોધમાં બીજા શહેરમાં સ્થળાંતર કરે છે.” તેઓ આગળ કહે છે કે તેઓ દૈનિક મજૂરીની તલાશમાં અલ્લાહાબાદ, સુરત, અને મુંબઈ જેવા શહેરોમાં ઇંટોના ભઠ્ઠામાં કે પછી બીજા ક્ષેત્રોમાં મજુરી કરીને દિવસના ૨૦૦ રૂપિયા કમાય છે.

ડૉ.  યોગેશ ચંદ્ર શ્રીવાસ્તવ કહે છે કે, “કોરાવો, પ્રયાગરાજના ૨૧ એ ૨૧ બ્લોકમાં સૌથી વધારે ઉપેક્ષિત વિસ્તાર છે.” ડૉ. યોગેશ પ્રયાગરાજમાં સેમ હિગીનબોથમ કૃષિ, ટેકનોલોજી, અને વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં એક વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે અને આ ક્ષેત્રમાં છેલ્લા ૨૫ વર્ષોથી કાર્યરત છે. તેઓ કહે છે, “જિલ્લાના કૂલ આંકડા અહિંનો સાચો હાલ નથી દેખાડતા. તમે કોઈ પણ પરિમાણ ઉઠાવીને જોઈ લો – પાક ઉત્પાદનથી લઈને શાળા છોડવાની વાત હોય, કે પછી ઓછા પગાર વાળી નોકરીઓ કરવાની વાત હોય, કે પછી બાળ લગ્ન અને શિશુ મૃત્યુ દર હોય, આ બધામાં કોરાવો ખાસ કરીને પાછળ છે.”

સોનું અને મીનાના એક વાર લગ્ન થઇ જાય એટલે તેઓ એમના પતિના ઘરે જતા રહેશે, જે અહિંથી ૧૦ કિલોમીટર દૂર એક ગામમાં રહે છે. સોનું કહે છે, “હું હજુ એને [ભાવિ પતિને] મળી નથી. પણ એકવાર મારા કાકાના મોબાઇલમાં એની છબી જોઈ હતી. હું તેની સાથે ઘણીવાર વાત કરું છું. તે મારા કરતા થોડોક મોટો છે, અને તેની ઉંમર ૧૫ વર્ષ છે, અને સુરતમાં એક રસોડામાં સહાયક તરીકે કામ કરે છે.”

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબે: મીથીલેશ કહે છે , 'જ્યારે છોકરીઓ પર [પુરુષો દ્વારા] નજર રાખવામાં આવે છે , ત્યારે તેમની સુરક્ષા રાખવી અઘરું થઇ પડે છે.' જમણે: ડૉ. યોગેશ ચંદ્ર શ્રીવાસ્તવ કહે છે , 'તમે કોઈ પણ પરિમાણ ઉઠાવીને જોઈ લો, કોરાવો તેમાં ખાસ કરીને પાછળ છે'

આ જાન્યુઆરીમાં બૈઠકવા સરકારી માધ્યમિક શાળામાં, છોકરીઓને સેનીટરી પેડ સાથે સાબુ અને રૂમાલ મફતમાં આપવામાં આવ્યા હતા, અને આ ઉપરાંત તેમને એક એનજીઓ દ્વારા શાળામાં છોકરીઓને માસિક ધર્મ દરમિયાન સાફ-સફાઈ કઈ કરવી તેના વિષે એક વિડીઓ પણ બતાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની કિશોરી સુરક્ષા યોજના અંતર્ગત ૬થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીઓને મફતમાં સેનીટરી નેપકીન આપવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં એ વખતના મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત ૨૦૧૫માં કરવામાં આવી હતી.

પણ હવે સોનું કે મીના એકેય શાળાએ જતા નથી. સોનું કહે છે, “અમે શાળાએ નથી જતા, આથી અમને આ બધા વિષે કંઈ જાણકારી નથી.” અત્યારે તેઓ જે કપડું વાપરે છે એના બદલે એમને મફતમાં સેનીટરી પેડ આપવામાં આવતું તો એમને એ સારું લાગતું.

ટૂંક સમયમાં એમના લગ્ન થવાના છે તેમ છતાં, આ બંને છોકરીઓને સંભોગ, ગર્ભ, કે પછી માસિક ધર્મ દરમિયાન જરૂરી સ્વચ્છતા વિષે ખૂબજ ઓછી જાણકારી છે. સોનું ધીમા અવાજે કહે છે, “મારી મમ્મીએ મને આ વિષે મારા ભાભીને પૂછવાનું કહ્યું હતું. મારા ભાભીએ મને કહ્યું કે હવેથી  [પરિવારના] કોઈ પુરુષ પાસે ન સુવું, નહીં તો મોટી સમસ્યા સર્જાશે.” ત્રણ દીકરીઓમાં સૌથી મોટી દીકરી, સોનું બીજા ધોરણ સુધી જ ભણી શકી છે. અને તે જ્યારે ફક્ત ૭ વર્ષની હતી ત્યારે નાની બહેનોને ઉછેરવા માટે શાળા છોડવી પડી હતી.

આટલું કહીને તે તેની મમ્મી ચંપા સાથે ખેતરમાં મજૂરી કરવા માટે જાય છે, અને પછી એમના ઘરના પાછળ આવેલી જંગલની ટેકરીઓ પર એમના પોતાના ઉપયોગ માટે અને વેચાણ માટે બળતણની લાકડીઓ લેવા માટે એની મમ્મી સાથે જાય છે. બે દિવસ મહેનત કરીને અહિંની સ્ત્રીઓ ૨૦૦ રૂપિયા નું લાકડું જમા કરી શકે છે. મીનાની માતા રાની કહે છે, “આ પૈસાથી અમે થોડાક દિવસો માટે તેલ અને મીઠું ખરીદી શકીએ છીએ.” સોનું એમના પરિવારની ૮-૧૦ બકરીઓ સાચવવામાં પણ મદદ કરે છે. આ કામો સિવાય તે એની મમ્મીને ખાવાનું બનાવવા અને ઘરના બીજા કામ કરવામાં મદદ કરે છે.

સોનું અને મીના બંનેના માતા-પિતા ખેતમજૂર તરીકે કામ કરે છે. સ્ત્રીઓને દૈનિક મજૂરી પેટે ૧૫૦ રૂપિયા અને પુરૂષોને ૨૦૦ રૂપિયા મળે છે. આ તો, તેમને કામ મળે ત્યારની વાત છે, જે તેમને બહુ-બહુ તો મહિનામાં ૧૦-૧૨ દિવસ જ મળે છે. એમને આટલું કામ દર વખતે નથી મળતું. સોનુંના પિતા રામસ્વરૂપ પ્રયાગરાજ સહીત આજુબાજુના નગરો અને શહેરોમાં કામ શોધવા માટે ફરતા હતા, પણ ૨૦૨૦માં તેમને ક્ષયરોગ થયો અને એમનું નિધન થઇ ગયું.

ચંપા કહે છે, “અમે એમના ઈલાજ પાછળ લગભગ ૨૦,૦૦૦ રૂપિયા ખર્ચી દીધા હતા, મારે આ માટે પરિવારના અન્ય સભ્યો પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા હતા.” તેઓ રૂમમાં તેમની પાછળ બાંધેલા લવારા તરફ ઈશારો કરતા કહે છે, “એમની તબિયત લથડતી ગઈ અને એમના ઈલાજ માટે વધારે પૈસાની જરૂરિયાત થઇ હોવાથી, મેં આ બકરીઓને એક બકરી દીઠ ૨,૦૦૦-૨,૫૦૦માં વેચી દીધી. અમે આ એક જ બકરી બાકી રાખી છે.”

સોનું તેના હાથમાં ઝાંખી થતી જતી મહેદી તરફ જોઇને ધીમા અવાજે કહે છે, “મારા પિતાના મૃત્યુ પછી મારી મમ્મીએ મારા લગ્ન વિષે વિચારવાનું શરૂ કર્યું.”

PHOTO • Priti David
PHOTO • Priti David

મીના અને સોનુંના સંયુક્ત પરિવારનું ઘર. સોનું તેના હાથમાં ઝાંખી થતી જતી મહેદી તરફ જોઇને ધીમા અવાજે કહે છે , ' મારા પિતાના મૃત્યુ પછી મારી મમ્મીએ મારા લગ્ન વિષે વિચારવાનું શરૂ કર્યું'

સોનું અને મીનાની માતાઓ, ચંપા અને રાની બહેનો છે, અને તેમના પતિ પણ એકબીજાના ભાઈઓ છે. એમના સંયુક્ત પરિવારમાં  ૨૫ સભ્યો છે, અને તેઓ ૨૦૧૭માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા બે રૂમ વાળા ઘરમાં રહે છે. આ ઘરની દિવાલો કાચી છે અને છત સિમેન્ટની બનેલી છે. આની પાછળ જ લેપ અને ઘાસનું બનેલું તેમનું જૂનું ઘર આવેલું છે, જ્યાં તેઓ ખાવાનું બનાવે છે અને અમુક સભ્યો હજુ પણ ત્યાં જ સૂઈ રહે છે.

બંને પિત્રાઈ બહેનોમાં પહેલા મીનાને માસિક સ્રાવની શરૂઆત થઇ હતી, આથી તેમણે એના માટે એવો છોકરો શોધ્યો જેનો એક ભાઈ પણ છે. મીના સાથે-સાથે સોનુંનો પણ સંબંધ એ જ ઘરમાં નક્કી કરી દેવામાં આવ્યો, જે એમની માતાઓ માટે રાહતના સમાચાર છે.

મીના એના પરિવારમાં સૌથી મોટી છે, અને તેને બે બહેનો અને એક ભાઈ છે. એકાદ વર્ષ પહેલા જ્યારે એ સાતમાં ધોરણમાં હતી, ત્યારથી એનું ભણવાનું છૂટી ગયું હતું. તે મને કહે છે, “મને પેટમાં દુખતું હતું. હું આખો દિવસ સૂતેલી રહેતી હતી. મારી માતા ખેતરે જતી હતી અને મારા પિતા મજૂરી કરવા માટે કોરાવો જતા રહેતાં હતા. કોઈ મને શાળાને જવાનું નહોતું કહેતું, એટલે હું ન ગઈ.” પછી જાણવા મળ્યું કે એને પથરીની બિમારી છે, પણ એનો ઈલાજ મોંઘો હતો, અને તે માટે ૩૦ કિલોમીટર દૂર આવેલા જિલ્લા પાટનગરમાં ઘણી વાર જવું પડે એમ હોવાથી આ વિચાર માંડી વાળ્યો. અને આ સાથે જ તેનું ભણતર પણ બંધ થઇ ગયું.

તેને હજુ પણ અમુક વાર પેટમાં દુઃખે છે.

પોતાની નજીવી કમાણીથી મોટાભાગના કોળ પરિવારો પોતાની દીકરીઓના લગ્ન માટે બચત કરવામાં તકલીફ અનુભવે છે. રાની કહે છે, “અમે એના લગ્ન માટે લગભગ ૧૦,૦૦૦ રૂપિયાની બચત કરી છે. અમારે ઓછામાં ઓછા ૧૦૦-૧૫૦ લોકોને પૂરી, શાક, અને મીઠાઈનું જમણ ખવડાવવું પડશે.” એમણે વિચાર્યું છે કે એક જ દિવસે બંને બહેનોના બે ભાઈઓ સાથે લગ્ન કરી દેવામાં આવે.

એમના ઘરવાળાઓને વિશ્વાસ છે કે આનાથી તેઓ પોતાની જવાબદારીઓથી મુક્ત થઇ જશે અને છોકરીઓ પણ બાળપણમાંથી બહાર આવી જશે. પરિસ્થિતિ અને સામાજિક પ્રભાવો પરથી સોનું અને મીના ને લગ્નમાંથી કંઈ અલગ જ આશાઓ છે, “ખાવાનું ઓછું બનાવવું પડશે. અમે તો એક સમસ્યા છીએ હવે.”

PHOTO • Priti David

બંને પિત્રાઈ બહેનોમાં પહેલા મીનાને માસિક સ્રાવની શરૂઆત થઇ હતી, આથી તેમણે એના માટે એવો છોકરો શોધ્યો જેનો એક ભાઈ પણ છે. મીના સાથે-સાથે સોનુંનો પણ સંબંધ એ જ ઘરમાં નક્કી કરી દેવામાં આવ્યો

યુનિસેફના કહેવા મુજબ, બાળ લગ્નના લીધે કિશોરીઓને ગર્ભાવસ્થા અને પ્રસુતિ દરમિયાન થતી સમસ્યાઓથી ખતરો છે. છોકરીને આટલી નાની ઉંમરે પરણાવી દેવાથી, આશા કાર્યકર્તા સુનીતા દેવી માં બનવાવાળી સ્ત્રીઓ માટેના માનક પ્રોટોકોલ તરફ ઈશારો કરતા કહે છે, “તેમનું લોહતત્ત્વ તપાસવાનો કે પછી તેમને ફોલિક એસીડની ગોળીઓ આપવાનો સમય જ નથી રહેતો.” હકીકત તો એવી છે કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં નાની ઉંમરે માં બનનારી ફક્ત ૨૨% છોકરીઓ પ્રસુતિ પૂર્વે ડોક્ટરની મુલાકાત લે છે, જે આખા દેશમાં સૌથી ઓછું છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના એક અહેવાલમાં આ આંકડાઓ સામે આવે છે. આ અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશની ૧૫થી ૪૯ વય વર્ગની અડધાથી વધારે સ્ત્રીઓ એનીમિયાનો શિકાર છે, જેના લીધે ગર્ભાવસ્થા દરમિયાન એમને અને એમના બાળકના સ્વાસ્થ્યને જોખમ રહે છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ વર્ષથી નાના ૪૯% બાળકો કુપોષણનો શિકાર છે જ્યારે ૬૨% બાળકોને એનીમિયાની બિમારી છે, જેના લીધે એમનું ખરાબ સ્વાસ્થ્ય અને બીમારીનું ચક્ર શરૂ થાય છે.

સુનીતા કહે છે, “છોકરીઓનું પોષણ એ પ્રાથમિકતા નથી. મેં જોયું છે કે છોકરીનું લગ્ન નક્કી થઇ ગયા પછી તેને દૂધ આપવાનું બંધ કરી દેવામાં આવે છે, કેમ કે એમને લાગે છે કે તે હવે જતી જ રહેવાની છે. તેમની મજબૂરી એવી છે કે જેટલી પણ બચત થાય એ કામની છે.”

જોકે, રાની અને ચંપાનું મગજ અત્યારે ક્યાંક બીજે ખોવાયેલું છે.

રાની કહે છે, “અમને ચિંતા છે કે અમે જે પૈસાની બચત કરી છે એ લગ્ન પહેલા ચોરાઈ ન જાય. લોકોને ખબર છે કે અમારી પાસે પૈસા પડ્યા છે. આ સિવાય, મારે લગભગ ૫૦,૦૦૦ રૂપિયાની લોન પણ લેવી પડશે.” આનાથી તેમને લાગે છે કે તેમની “સમસ્યા પૂરી થઇ જશે.”

આભારઃસ્વીકૃતિ: પત્રકાર અલ્લાહાબાદના SHUAT માં એક્સ્ટેન્શન સર્વિસના ડિરેક્ટર પ્રો. આરીફ એ. બ્રોડવેની અમૂલ્ય મદદ અને ઇનપુટ બદલ આભાર માને છે.

આ લેખમાં લોકોની ગોપનિયતા જાળવી રાખવા માટે એમના નામ બદલી દેવામાં આવ્યા છે.

ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો ? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો

અનુવાદક: ફૈઝ મોહંમદ

Priti David

ପ୍ରୀତି ଡେଭିଡ୍‌ ପରୀର କାର୍ଯ୍ୟନିର୍ବାହୀ ସମ୍ପାଦିକା। ସେ ଜଣେ ସାମ୍ବାଦିକା ଓ ଶିକ୍ଷୟିତ୍ରୀ, ସେ ପରୀର ଶିକ୍ଷା ବିଭାଗର ମୁଖ୍ୟ ଅଛନ୍ତି ଏବଂ ଗ୍ରାମୀଣ ପ୍ରସଙ୍ଗଗୁଡ଼ିକୁ ପାଠ୍ୟକ୍ରମ ଓ ଶ୍ରେଣୀଗୃହକୁ ଆଣିବା ଲାଗି ସ୍କୁଲ ଓ କଲେଜ ସହିତ କାର୍ଯ୍ୟ କରିଥାନ୍ତି ତଥା ଆମ ସମୟର ପ୍ରସଙ୍ଗଗୁଡ଼ିକର ଦସ୍ତାବିଜ ପ୍ରସ୍ତୁତ କରିବା ଲାଗି ଯୁବପିଢ଼ିଙ୍କ ସହ ମିଶି କାମ କରୁଛନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Priti David
Illustration : Priyanka Borar

ପ୍ରିୟଙ୍କା ବୋରାର ହେଉଛନ୍ତି ଜଣେ ନ୍ୟୁ ମିଡିଆ କଳାକାର ଯିଏ ନୂତନ ଅର୍ଥ ଓ ଅଭିବ୍ୟକ୍ତି ଆବିଷ୍କାର କରିବା ପାଇଁ ବିଭିନ୍ନ ଟେକ୍ନୋଲୋଜି ପ୍ରୟୋଗ ସମ୍ବନ୍ଧିତ ପ୍ରୟୋଗ କରନ୍ତି। ସେ ଶିକ୍ଷାଲାଭ ଓ ଖେଳ ପାଇଁ ବିଭିନ୍ନ ଅନୁଭୂତି ଡିଜାଇନ୍‌ କରିବାକୁ ଭଲ ପାଆନ୍ତି। ସେ ଇଣ୍ଟରଆକ୍ଟିଭ୍‌ ମିଡିଆରେ କାମ କରିବାକୁ ଯେତେ ଭଲ ପାଆନ୍ତି ପାରମ୍ପରିକ କଲମ ଓ କାଗଜରେ ମଧ୍ୟ ସେତିକି ସହଜତା ସହିତ କାମ କରିପାରନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Priyanka Borar
Editor : P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Series Editor : Sharmila Joshi

ଶର୍ମିଳା ଯୋଶୀ ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍‌ ଅଫ୍‌ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପୂର୍ବତନ କାର୍ଯ୍ୟନିର୍ବାହୀ ସମ୍ପାଦିକା ଏବଂ ଜଣେ ଲେଖିକା ଓ ସାମୟିକ ଶିକ୍ଷୟିତ୍ରୀ

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ଶର୍ମିଲା ଯୋଶୀ
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Faiz Mohammad