જ્યારે કારચુંગ મોન્પાનાં લગ્નોમાં ગાય છે, ત્યારે તેમને તેમની સેવાઓના બદલામાં રાંધેલું ઘેટાનું માંસ મળે છે. એવું કહેવામાં આવે છે કે તેમનું સંગીતમય પ્રદર્શન લગ્ન સમારંભમાં મૂલ્યવર્ધન કરે છે, અને કન્યાના પરિવાર તરફથી તેમને આમંત્રણ પાઠવવામાં આપે છે.
જ્યારે મોન્પા સમુદાયના બે સભ્યો લગ્ન કરવા માટે સંમત થાય છે, ત્યારે બે દિવસની વિધિ કરવામાં આવે છે, જેની શરૂઆત વરરાજા છોકરીના ઘરે જાય એટલે થાય છે. ત્યાં સ્થાનિક દારૂ આરા પીરસવામાં આવે છે, અને મોટી ઉજવણીઓ યોજવામાં આવે છે જેમાં પરિવારના સભ્યો જોડાય છે અને નૃત્ય કરે છે. આ પ્રસંગે, કારચુંગ લોકો કોઈ પણ સંગીતનાં સાધનની મદદ વગર પ્રદર્શન કરે છે. બીજા દિવસે વરરાજા તેની કન્યા સાથે ઘરે પરત ફરે છે.
કારચુંગનું મૂળ નામ રિંચિન તાશી હતું, પરંતુ ટૂંક સમયમાં ‘કારચુંગ’ તેમનું ઉપનામ બની ગયું. તેઓ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ચાંગપા રોડ પર એક નાની કરિયાણાની દુકાન ચલાવે છે. સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ રેડિયો પર વગાડવામાં આવતા સંગીતમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ કામ કરતી વેળાએ છે લોકપ્રિય ગીતો પૃષ્ઠભૂમિમાં વગાડતા રહે છે. કારચુંગ આરા વિશે એક ગીત પણ ગાય છે. તેઓ કહે છે, “હું તેને વાવણીના સમયે અથવા મિત્રો સાથેની વાતચીત દરમિયાન ગાઉં છું.”
લગભગ 53 વર્ષીય કારચુંગ તેમનાં પત્ની પેમ ઝોમ્બા સાથે રહે છે, જેમને તે પરિવારનાં “બૉસ” કહે છે. આ ફળદ્રુપ ખીણમાં તેમની પાસે લગભગ એક એકર જમીન છે, જેના પર તેઓ ખેતી કરે છે. તેઓ કહે છે, “અમે ડાંગર (ચોખા), મકાઈ, રીંગણ, કાકડી, લાઈ સાગ (સરસવ), ડુંગળી અને કોબીજ ઉગાડીએ છીએ.” તેમનો પરિવાર ખેતરમાં ચોખા, મિલેટ્સ અને શાકભાજી પોતાના ઉપયોગ માટે વાવે છે અને કેટલીક વાર વધારાની ઉપજને દિરાંગ બ્લોકના રામા કેમ્પ ખાતેના સાપ્તાહિક બજારમાં વેચે છે.
આ દંપતીને પાંચ બાળકો છે − બે દીકરીઓ અને ત્રણ દીકરા. બંને દીકરીઓ − રિંચિન વાંગમુ અને સાંગ દ્રેમા − પરિણીત છે અને ઘણી વાર એમને મળવા આવતી રહે છે. મોટો દીકરો પેમ ડોંગડુપ મુંબઈમાં રહે છે અને એક હોટલમાં રસોઈયા તરીકે કામ કરે છે. તેઓ બે વર્ષમાં માત્ર એક જ વાર ઘરે આવી શકે છે. મંઝાલાનો પુત્ર લૈઇકી ખાંડુ એક સંગીતકાર છે અને ખીણમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાની પહેલ સાથે સંલળાયેલા છે. તેમનો નાનો પુત્ર નિમ તાશી દિરાંગ શહેરમાં કામ કરે છે.
મોન્પા સમુદાયના જણાવ્યા અનુસાર, તેમનું વતન તિબેટમાં છે અને તેમાંના ઘણા બૌદ્ધ ધર્મ પાળે છે, અને લાકડાકામ, વણાટ અને ચિત્રકામમાં નિષ્ણાત છે. 2013ના આ સરકારી અહેવાલ અનુસાર, તેમની સંખ્યા 43,709ની છે.
કારચુંગ માત્ર સંગીતકાર જ નથી, પરંતુ તેમના ફાજલ સમયમાં તાલવાદ્યો પણ બનાવે છે. તેઓ પારીને કહે છે, “બજારમાં એક ડ્રમ [સ્થાનિક લોકો દ્વારા ચિલિંગ તરીકે ઓળખાતા] ની કિંમત આશરે 10,000 રૂપિયા છે. મારા ફાજલ સમયમાં, હું મારા માટે ડ્રમ બનાવું છું.”
તેઓ તેમની દુકાનના પાછળના ભાગમાં તેઓ જે શાકભાજી અને મકાઈ વાવે છે તેની વચ્ચે બેસેલા છે ને અમે તમને ગાવા માટે વિનંતી કરીએ છીએ, તો તેઓ ગાવા લાગે છે. મૌખિક પરંપરાનાં આ ગીતો એક પેઢીથી બીજી પેઢીને શીખવાડવામાં આવ્યાં છે, અને કેટલાકમાં તિબેટીયન મૂળના શબ્દો પણ છે, જેને સમજાવવા માટે તેઓ ખૂબ જ મહેનત કરે છે.
મોન્પા લગ્ન ગીત:
સુંદર માની સુંદર
દીકરી
આ છોકરીની આંખો છે
સોનેરી
છોકરીએ પહેર્યાં
કપડાં એવાં
દરેકને પસંદ પડે
તેવાં
છોકરીએ પહેર્યાં
છે દદર* [પારંપારિક બાણ]
જેનાથી લાગે એ ખૂબ
સુંદર
દદર પર જે છે ધાતુ
જાણે મઢ્યું
લોહદેવતાએ જાતે
દદરનું વાંસ
ક્યાંથી આવ્યું
લ્હાસા (તિબેટ)થી
એ આવ્યું
દદર પર લાગેલો
પથ્થર
દૂર યેશી
ખંડ્રોમાથી આવેલું
તીર પર લાગી છે જે
પાંખ
થુંગ થુંગ કરમોનું
છે એ પીંછું**
* દદર એ ધાર્મિક વિધિઓમાં વપરાતું તીર છે. જે જીવન, દીર્ધાયુષ્ય, સૌભાગ્ય અને સમૃદ્ધિ જીવવાની શક્તિનું પ્રતીક છે. તેમાં બાંધેલી રંગબેરંગી રિબન પાંચ તત્ત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક વિધિઓ અને બૌદ્ધ મંદિરોમાં, દદર ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે છે.
**થુંગ થુંગ કર્મો અથવા કાળા ગળાવાળું સારસ, એક હિમાલયનું પક્ષી છે જે ઊંચાઈ પર ઉડવા માટે જાણીતું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ