મનીષા કહે છે, “મને સ્વીકારવામાં ફક્ત મારો પરિવાર જ અચકાતો હતો, માછીમારો અચકાયા નહોતા. હોડીના માલિકો મને કૈરાસી (નસીબદાર) તરીકે જોતા હતા.” માછલીની હરાજી કરનાર એક રૂપાંતરિત નારી એવાં મનીષા ખુશીથી ઉમેરે છે, “તેઓએ મારો તીરસ્કાર નથી કર્યો. હું કોણ છું તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેઓ માત્ર ઈચ્છે છે કે હું તેમની માછલી વેચી દઉં.”
આ 37 વર્ષીય કડ્ડલુર ઓલ્ડ ટાઉન બંદર પર કામ કરતી લગભગ 30 મહિલા હરાજીકારોમાંનાં એક છે. ખરીદદારોને આકર્ષવા માટે તેઓ પોતાનો અવાજ અન્ય વિક્રેતાઓથી ઉપર ઉઠાવતાં કહે છે, “હું વધુ કિંમત મેળવી શકું છું કારણ કે હું ઊંચા અવાજે સાદ પાડી છું. ઘણા લોકો મારી પાસેથી માછલી ખરીદવા માંગે છે.”
મનીષાએ લિંગપરિવર્તન શસ્ત્રક્રિયા (જેન્ડર અફર્મિંગ સર્જરી) કરાવી તે પહેલાં પણ તેઓ લાંબા સમયથી માછલીની હરાજી કરવાના અને સૂકી માછલીઓ વેચવાના કામમાં કાર્યરત હતાં. આ ધંધામાં તેમણે દરરોજ હોડીના માલિકો અને માછીમારો સાથે વાતચીત કરવી પડે છે. “તેમને કોઈ સમસ્યા નથી લાગતી. હું બીજાં બધાં કરતાં વધુ સારી રીતે માછલીની હરાજી કરું છું.”
તેઓ કહે છે કે હોડી માલિકોના નૈતિક પીઠબળ વિના, તેઓ 2012માં લિંગપરિવર્તન શસ્ત્રક્રિયા કરાવી શક્યાં ન હોત. તેમાં તેમના ગાઢ મિત્ર અને વિશ્વાસું પણ છે, જેમના સાથે તેમણે આ શસ્ત્રક્રિયા કરાવ્યા પછી તરત જ સ્થાનિક મંદિરમાં લગ્ન કર્યા હતા.
17 વર્ષની ઉંમરે, મનીષાએ સૂકી માછલીનો એક સમૃદ્ધ વ્યવસાય ધરાવતા એક વેપારી હેઠળ કામ કરવાનું શરૂ કર્યું, અને આ કારીગરી શીખી લીધા પછી, આગામી દાયકામાં પોતાનો આગવો વેપારધંધો શરૂ કર્યો. “આ વ્યવસાય થકી, મેં ઘણા ઉપયોગી લોકોની ઓળખાણ કરી છે. તેમાંના કેટલાકે મને સખત તડકામાં માછલી સૂકવવાને બદલે હરાજી શરૂ કરવાનું પણ સૂચન આપ્યું હતું. ધીમે ધીમે હું તે કામમાં જોડાઈ ગઈ.”
માછલીની હરાજી કરવાનો અધિકાર મેળવવા માટે, હરાજી કરનારાઓ, જેમાંથી લગભગ 90 ટકા મહિલાઓ છે, તેમણે હોડીના માલિકોને અગાઉથી ચૂકવણી કરવી પડે છે. મનીષા કહે છે, “હું ચાર હોડીઓ માટે હરાજી કરી રહી છું, જે બધી રિંગ સીન જાળીનો ઉપયોગ કરે છે. મેં તેમને દરેકને ત્રણ-ચાર લાખ રૂપિયા એડવાન્સ આપીને આ કામની શરૂઆત કરી હતી. મારી પાસે થોડી બચત હતી, પણ મારે મારા મિત્રો પાસેથી ઉધાર પણ લેવું પડ્યું હતું. મેં લોન ચૂકવવા માટે સૂકી માછલીના વ્યવસાય અને હરાજી બંનેમાંથી મળેલા નફાનો ઉપયોગ કર્યો છે.”
રિંગ સીન જાળી (સુરુક્કવલઈ, અથવા નાના કદની પર્સ સીન જાળી)નો ઉપયોગ કરતી મોટી હોડીઓ દ્વારા પકડાયેલી માછલીઓ જ્યારે બંદર પર આવે છે ત્યારે મનીષા જેવા હરાજી કરનારાઓના કામની શરૂઆત થાય છે. કેટલીકવાર મુખ્યત્વે પારિવારિક એકમો દ્વારા સંચાલિત નાની ફાઇબરની હોડીના જૂથો પણ માછલીઓ પકડી લાવે છે.
તેઓ સમજાવે છે, “જો માછલી બગડી જતી, તો હું તેને મરઘાંના ખોરાક માટે સૂકવી નાખતી, નહીંતર તો હું તેને સૂકવીને ખાવાલાયક બનાવતી.” પોતાના નફામાં ફરી રોકાણ કરીને, મનીષાએ પોતાનો વ્યવસાય નોંધપાત્ર રીતે વધતો જોયો છે.
પરિસ્થિતિમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે પાંચ વર્ષ પહેલાં મનીષા જે જગ્યાએ માછલીઓ સૂકવતાં હતાં તે જમીન એક આગામી બંદરમાં હોડીઘરના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. અગાઉના બદલાવોથી તેમનો વ્યવસાય કોઈ રીતે બચી ગયો હતો, જેમાં કેટલાક લોકો દ્વારા તેમના ઘરોની નજીક ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોવાનો દાવો કરતી અરજીનો સમાવેશ થાય છે. હવે વેપાર કરવા માટે જગ્યા ન હોવાથી અને માછલી મેળવવામાં મુશ્કેલીઓ પડતી હોવાને કારણે, તેમણે તેને બંધ કરી દીધું.
*****
2020માં, કોવિડ-19ના કારણે પરિવહન અને પુરવઠા સાંકળમાં વિક્ષેપોના કારણે ઓછી હોડીઓ બહાર જઈ રહી હતી અને બંદર પર ઉતરાણ કરી રહી હતી. તમિલનાડુ મરીન ફિશરીઝ રેગ્યુલેશન નિયમોમાં સુધારાને પગલે 2021માં પર્સ સીન જાળી પર પ્રતિબંધ મૂકાવાથી તેમને બીજો મોટો ફટકો પડ્યો હતો. આ પણ વાંચોઃ સૂકાતી માછલી ને ઘટતો જતો નફો
મનીષાએ 2019માં જ પોતાના પતિની સ્ટીલ બોટમાં રોકાણ કર્યું હતું. તેઓ કહે છે, “ઘણા લોકોએ અમને આ બોટમાં રોકાણ કરવા માટે લોન આપી છે. અમારી પાસે હોડીઓ તો છે, મેં ચાર હોડીઓમાં 20 લાખનું રોકાણ કર્યું છે, પરંતુ સરકારના પ્રતિબંધના લીધે, કોઈ અમારી પાસેથી ખરીદી કરતું નથી. અને જ્યારે હોડીઓ માછલી પકડવા માટે નહીં જાય, તો અમે કંઈ કમાઈશું નહીં. તો અમે પૈસા કેવી રીતે ચૂકવીશું?
જો કે, જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટે તમિલનાડુના પ્રાદેશિક જળક્ષેત્રની બહાર, શરતો સાથે વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની અંદર પર્સ સીન માછીમારીની મંજૂરી આપી હતી. કડ્ડુલુરમાં રિંગ સીન તકનીકને લઈને માછીમારોના સંઘર્ષને કારણે, મનીષા જે હોડીની હરાજી કરે છે, તે હવે પુદુચ્ચેરીમાં ઉતરવા માટે મજબૂર છે. તેમણે તેમનાં ઘરેણાં (105 સોવરિન) વેચ્યાં, તેમનું ત્રણ ઓરડાનું પાકું ઘર બેંકમાં ગીરવે મૂકવા છતાં હજુ 25 લાખ રૂપિયાની બાકી લોન ચૂકવવાની બાકી છે.
કડ્ડુલુર ઓલ્ડ ટાઉન વોર્ડમાં 20 સ્વ-સહાય જૂથો (એસ.એચ.જી.) હોવા છતાં તેમનું તમામ રોકાણ ખાનગી લોનમાંથી જ છે અને તેઓ તેમને તમામ જરૂરી દસ્તાવેજો આપવા તૈયાર છે. તેઓ કહે છે, “તેઓ બધાં મને સ્વીકારવાનો ઇન્કાર કરે છે. કોઈ બેન્કે મને લોન આપી નથી કારણ કે હું ટ્રાન્સજેન્ડર છું; તેઓ મારા પર વિશ્વાસ નથી કરતાં.”
તેમને લાગે છે કે બેંકના ધિરાણ અને થોડીક સરકારી મદદથી ચોક્કસ ટેકો થયો હોત. “સરકારે તિરુમણીકોઈમાં આશરે 70 રૂપાંતરિત લોકોને એક ઓરડાનાં ઘર આપ્યાં હતાં, પરંતુ તે જંગલની વચ્ચોવચ હતાં, જ્યાં પાણી કે પરિવહનની કોઈ સુવિધા નહોતી. ત્યાં કોણ જશે? ઘરો નાનાં અને અલગ-થલગ હતાં, અમને ત્યાં કોઈ મારી નાખે તો પણ કોઈને ખબર સુધ્ધા ન પડે; કે ન તો કોઈને અમારી ચીસો સંભળાય. અમે ઘરના પટ્ટા સરકારને પરત કરી દીધા હતા.”
*****
જન્મ સમયે પુરુષ તરીકે નિયુક્ત, પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનાં મનીષાએ 15 વર્ષની ઉંમરથી જ કમાવાની શરૂઆત કરી દીધી હતી. તેમના પિતા કસ્ટમ્સના અધિકારી હતા, જેઓ મૂળ પુદ્દુચેરી નજીકના પિલ્લઈચાવડી ગામના હતા, પરંતુ તેઓ કડ્ડુલુર ઓલ્ડ ટાઉન બંદર પર તૈનાત હતા. તેમનાં માતા તેમના પિતાની બીજી પત્ની હતાં. તેઓ અનુસૂચિત જાતિ સમુદાયનાં હતાં અને નજીકમાં ચાની દુકાન ચલાવતાં હતાં.
મનીષાના પિતાનાં પહેલી પત્ની અને બાળકો તેમના ગામમાં રહેતા હતા. તેમાન પિતા એક શરાબી હતા, તેઓ ક્યારેય તેમની સારસંભાળ લેવા માટે હાજર નહોતા રહેતા અને અહીં કડ્ડુલુરમાં તેમના બીજા પરિવારની જાળવણી માટે ભાગ્યે જ કોઈ પૈસા આપતા હતા. મનીષાના મોટા ભાઈ, 50 વર્ષીય સૌંદરરાજને તેમનાં માતા અને ભાઈ-બહેનોને ટેકો આપવા માટે 15 વર્ષની ઉંમરે માછીમારી શરૂ કરી દીધી હતી. તેમને ત્રણ બહેનો છે, 45 વર્ષીય શકુંતલા, 43 વર્ષીય શકીલા અને 40 વર્ષીય આનંદી; શકીલા એક માછલી વિક્રેતા છે, જ્યારે બાકીની બહેનો પરિણીત છે અને પોતાનું ઘર ચલાવે છે.
તમામ ભાઈ-બહેનોએ 15 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. મનીષાનાં માતા અને બહેન બંદર પર નાસ્તો અને ચા વેચતાં હતાં. ઉંમરમાં સૌથી નાનાં હોવાથી મનીષા તેમનાં માતા તેમને જે કામ સોંપે એ કરતાં હતાં. 2002 માં, જ્યારે તેઓ 16 વર્ષનાં થયાં, ત્યારે તેઓ કડ્ડુલુરમાં ભારતીય તકનીકી સંસ્થા (ITI) માં જોડાયાં અને વેલ્ડીંગનો એક વર્ષનો અભ્યાસક્રમ કર્યો. તેમણે એક મહિના સુધી વેલ્ડીંગ વર્કશોપમાં પણ કામ કર્યું હતું, પરંતુ તેમને તે ગમ્યું ન હતું.
જ્યારે તેમણે સૂકી માછલીના વ્યવસાયમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ એક દિવસમાં માછલીને માટે ઊંચકીને, તેને સાફ કરીને, મીઠું નાખીને અને સૂકવીને 75 રૂપિયા કમાતાં હતાં.
સૂકી માછલીનો વ્યવસાય ચલાવવા માટે જરૂરી કુશળતા શીખ્યા પછી, 2006ની આસપાસ, 20 વર્ષની ઉંમરે તેમણે ખુલ્લા વન-વગડાના પ્લોટ પર જાતે જ માછલીઓ સૂકવવાનું શરૂ કર્યું હતું, જેને તેમણે આ હેતુ માટે સાફ કર્યું હતું. તેમની બંને બહેનોના લગ્ન પછી દેવું વધી ગયું હતું. ત્યારે મનીષાએ બે ગાયો ખરીદી અને માછલીના વ્યવસાયની સાથે તેમનું દૂધ વેચવાનું શરૂ કર્યું. હવે તેમની પાસે માછલીની હરાજી અને વેચાણની નોકરી ઉપરાંત પાંચ ગાયો, સાત બકરા અને 30 મરઘાં છે.
*****
10 વર્ષની ઉંમરથી જ તેમના નિર્ધારિત લિંગ સાથે અસ્વસ્થતા હોવા છતાં, મનીષાએ કિશોર વયે કમાણી કરવાની શરૂઆત કર્યા પછી જ તેના વિશે બોલવાનું શરૂ કર્યું હતું. તેઓ તેમનાં માતા અને બહેનો માટે ઘરેણાં અને સાડીઓ ખરીદતાં અને તેમાંથી કેટલીક પોતાના માટે રાખી લેતાં. 20 વર્ષની વયે પહોંચતા સુધીમાં, તેમણે લિંગપરિવર્તન શસ્ત્રક્રિયા (જેન્ડર અફર્મિંગ સર્જરી) કરાવવાનું નક્કી કર્યું હતું.
તેમણે અન્ય રૂપાંતરિત લોકો સાથે ભળવાનું શરૂ કર્યું. તેમની એક સહેલી તેનું ઓપરેશન કરાવવા માટે મુંબઈ ગઈ હતી. કડ્ડુલુર પાછા ફરતા પહેલાં તેઓ ત્યાં 15 વર્ષ સુધી રહ્યાં હતાં. તેણે મદદ કરવાનું કહ્યું હતું પરંતુ મનીષા તેના પરિવારને છોડીને મુંબઈ જવા માંગતી ન હતી.
તેના બદલે તેઓ કડ્ડુલુરની એક ખાનગી હોસ્પિટલમાં ગયાં હતાં જ્યાં તેમણે મનોચિકિત્સક અને વકીલ પાસેથી પ્રમાણપત્રો રજૂ કરવાં પડ્યાં હતાં, ઉપરાંત આ શસ્ત્રક્રિયામાંથી પસાર થવાની ઇચ્છા હોવાના કારણો પણ અધિકારીઓને સમજાવવા પડ્યાં હતાં. તેમણે તેમના વ્યવસાયોમાંથી મેળવેલા નાણાંથી શસ્ત્રક્રિયા માટે ચૂકવણી કરી અને આ પ્રક્રિયા દરમિયાન પોતાને ટેકો આપ્યો હતો.
તેમના પરિવર્તનના વર્ષો દરમિયાન મનીષાનો તેમના પરિવાર સાથેનો સંબંધ વણસેલો હતો. શસ્ત્રક્રિયા પછી ઘણા વર્ષો સુધી તેમનાં માતા અને બહેનોએ તે,ની સાથે વાત પણ નહોતી કરી, જો કે તેઓ તેમના ઘરની બાજુમાં જ પોતાનું ઘર બનાવીને રહેતાં હતાં. તેમનાં માતા ખૂબ જ અસ્વસ્થ હતાં અને તેમણે સારી રીતે ખાવાનું પણ બંધ કરી દીધું હતું. તેમણે મનીષાને દૃઢપણે જણાવી દીધું હતું કે તે ક્યારેય શેરીઓમાં ભીખ નહીં માંગે, જે રીતે અન્ય કેટલાક રૂપાંતરિત લોકો કરતા હોય છે.
થોડા વર્ષો પહેલાં મનીષાનાં માતાને આંતરડાના કેન્સરનું નિદાન થયું હતું. તેમણે તેમની શસ્ત્રક્રિયા અને સારવાર માટે 3 લાખ રૂપિયાની મદદ કરી હતી, અને તે પછી જ તેઓએ સમાધાન કર્યું હતું. તેમનાં માતાનું તો એક વર્ષ પછી અવસાન થઈ ગયું હતું, પરંતુ તેમનાં માતાની સંભાળ રાખવાથી તેમના ભાઈ-બહેનો સાથેના તેમના સંબંધોને પહેલા જેવા કરવામાં મદદ મળી હતી.
મનીષા ભારપૂર્વક જણાવે છે કે મોટાભાગના રૂપાંતરિત લોકો બધા લોકોની જેમ જ સખત મહેનત કરવા તૈયાર હોય છે, પણ સરકારી સમર્થનનો અભાવ ઘણીવાર તેમને દુર્વ્યવહાર માટે સંવેદનશીલ બનાવી દે છે. તેઓ કહે છે, “જ્યારે હું આ ઘરમાં એકલી હોઉં છું ત્યારે ક્યારેક મને દરવાજો ખોલતાં પણ બીક લાગે છે. મારી બહેનો અલગ રહે છે, પણ તેઓ નજીક જ છે. જો હું તેમને બોલાવીશ, તો તેઓ તરત જ આવી જશે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ