અમારા ફેસિસ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશની ચહેરાની અને વ્યવસાયિક વિવિધતાનો નકશો બનાવવાનો છે. તે લોકોના ચહેરા અને આજીવિકાનો ઝીણવટપૂર્વક એકત્રિત અને જાળવવામાં આવેલો જિલ્લા અને ગ્રામ-સ્તરનો ડેટાબેઝ છે, જેણે હવે હજારો લોકોને આવરી લીધા છે.
આ વર્ષે ફેસિસ પ્રોજેક્ટમાં 53 નવા બ્લોકનો ઉમેરો થયો છે. દાખલા તરીકે, પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના દુબરાજપુર બ્લોકમાં, જ્યાં અમે ફેસિસ પ્રોજેક્ટમાં તેમના ચહેરાની છબીનો ફાળો આપનારા નિવૃત્ત ટપાલી સમીર પાઠકને મળ્યા હતા. અમે નીચેના આદિવાસી સમુદાયોના લોકોને પણ આમાં ઉમેર્યા હતાઃ કનિકર, મલ્હાર, કોલી, પનીયાન, કટ્ટુનાયકન, મલાઈ અરાયન, આદિયન અને બોડો.
શરૂઆતમાં ઘણા વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટને છબીઓ દ્વારા ગ્રામીણ ભારત સાથે જોડાવા અને તેમનું દસ્તાવેજીકરણ કરવાના એક રસ્તા તરીકે આગળ ધપાવ્યો હતો. વર્ષોથી, આમાં ફાળો આપનારાં − જેમાંથી મોટાભાગના હજુ પણ વિદ્યાર્થીઓ છે − તેમણે દેશભરના વિવિધ જિલ્લાઓના વિવિધ બ્લોકના લોકોની તસવીરો લીધી છે.
ફેસિસ પ્રોજેક્ટનો ઉદ્દેશ રાજ્યના દરેક જિલ્લાના દરેક બ્લોકમાંથી ઓછામાં ઓછા એક પુખ્ત પુરુષ, એક પુખ્ત સ્ત્રી અને એક બાળક અથવા કિશોરની તસવીરનું દસ્તાવેજીકરણ કરવાનો છે. ગ્રામીણ ભારત ઉપરાંત, આ પ્રોજેક્ટ શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરનારા મજૂરોના ચહેરાનું પણ દસ્તાવેજીકરણ કરે છે.
કેરળના અલાપ્પુળા જિલ્લાના હરિપદ બ્લોકમાં કાથીના દોરડા બનાવતાં ચાર કામદારોમાંથી એક સુમંગલાને મળો − જેઓ આ વર્ષે ફેસિસમાં દર્શાવવામાં આવેલા નવા વ્યવસાયોમાંથી એક છે. તેમના વિશેની વિગતો આપણને જણાવે છે કે ગ્રામીણ ભારતમાં મહિલાઓ માત્ર ગૃહિણીઓ જ નથી − તેઓ ખેતરોમાં કામ કરે છે, માછલી અને શાકભાજી વેચે છે, સીવણ, વણાટ અને ગૂંથણકામ કરે છે. ટૂંકમાં, તેઓ એક સાથે કેટલાંય કામ સંભાળે છે.
આમાં મોટાભાગનો ફાળો વિદ્યાર્થીઓ જ આપતા હોઈ, તેમાં કોઈ નવાઈ નથી કે આ વર્ષે ફેસિસ પ્રોજેક્ટમાં સૌથી વધુ તસવીરો વિદ્યાર્થીઓની જ છે.
મેઘાલયના પૂર્વ ખાસી ટેકરીઓમાં માવફલાંગ બ્લોક, કે જ્યાં અમે પહેલી વાર ગયાં, ત્યાં અમે ધોરણ 9નાં વિદ્યાર્થીની અને પરંપરાગત ખાસી નૃત્યાંગના નોબિકા ખસૈનને મળીએ છીએ. નોબિકા કહે છે, “મને અમારા પરંપરાગત વસ્ત્રો પહેરવાં ગમે છે. ભલેને પછી દરેક નૃત્ય [પ્રદર્શન] પહેલાં તૈયાર થવામાં સમય લાગે.”
જો અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને [email protected] પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
પારી એ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે અને અમે (અમારા કામ માટે) અમારી બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની પ્રશંસા કરતા લોકોના દાન પર આધાર રાખીએ છીએ. જો તમે પારીમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.
અનુવાદક: ફૈઝ મોહંમદ