સિંઘને હજી આજે પણ પંજાબના તેમના પિંડ (ગામ) ના ટ્રાવેલ એજન્ટના ડરામણાં સપનાં આવે છે.

સિંઘે (આ તેમનું સાચું નામ નથી) એજન્ટને ચૂકવણી કરવા માટે તેમના પરિવારની ખેતીની એક એકર જમીન વેચી દીધી હતી. બદલામાં એજન્ટ જતિન્દરે તેઓ સહીસલામત રીતે સર્બિયા થઈને પોર્ટુગલ જઈ શકે એ સુનિશ્ચિત કરવા “ઈક નંબર [કાનૂની કાગળો]” મેળવી આપવાનું વચન આપ્યું હતું.

ટૂંક સમયમાં જ સિંઘને સમજાયું કે જતિન્દરે તેમની સાથે છેતરપિંડી કરી હતી અને તેમને માનવ તસ્કરી દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરાવવામાં આવી હતી. આઘાત પામેલા અને નિરાશ થયેલા સિંઘ ગામમાં તેમના પરિવારને પોતાની દુર્દશા વિશે જાણ કરવા માટે પોતાની જાતને તૈયાર કરી શક્યા નહોતા.

એક દેશમાંથી બીજા દેશમાં જવા સરહદો ઓળંગતા હતા તે દરમિયાન, ગાઢ જંગલો પાર કરતી વખતે, ગટરમાંથી પસાર થતી વખતે અને આખા યુરોપમાં પર્વતો ચડતી વખતે, તેઓ અને બીજા સ્થળાંતરિતો માત્ર બ્રેડ ખાઈને અને વરસાદી ખાબોચિયાનું પાણી પીને એને આધારે ટકી રહ્યા હતા, બ્રેડ ખાઈ ખાઈને તેઓ એટલા તો કંટાળી ગયા હતા હવે બ્રેડનું નામ સુદ્ધાં તેમને ગમતું નહોતું.

25 વર્ષના સિંઘ પોર્ટુગલમાં બે-રૂમના ભાડાના રહેઠાણમાં પંજાબીમાં વાત કરતા કહે છે, “મેરે ફાધર સાબ હાર્ટ પેશન્ટ આ. ઇન્ના ટેન્શન ઓ લે ની સકતે. નલે, ઘર મૈં જા નહીં સકદા ક્યૂં કે મૈં સારા કુછ દાઓ તે લાકે આયા સી. [મારા પિતા હૃદયરોગના દર્દી છે; તેઓ આટલો માનસિક તણાવ સહન ન કરી શકે. હું ઘેર પાછો ફરી શકું તેમ નહોતું કારણ કે અહીં આવવા માટે બધું દાવ પર લગાવી દીધું હતું]." આ રહેઠાણમાં તેઓ બીજા પાંચ લોકોની સાથે રહે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી પોર્ટુગલ એ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાના દેશોના કામદારો માટે અનુકૂળ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.

Singh sold his family’s one-acre of farm land to buy 'legal papers' that would ensure his safe passage to Portugal via Serbia
PHOTO • Karan Dhiman

પોતે સહીસલામત રીતે સર્બિયા થઈને પોર્ટુગલ જઈ શકે એ સુનિશ્ચિત કરવા સિંઘે 'કાનૂની કાગળો' ખરીદવા માટે તેમના પરિવારની ખેતીની એક એકર જમીન વેચી દીધી હતી

એકવાર ભારતીય સૈન્યમાં જોડાવાની મહત્વકાંક્ષા રાખનાર સિંઘે કેટલાક અસફળ પ્રયાસો પછી પોતાનું ધ્યેય બદલી નાખીને દેશની બહાર સ્થળાંતર કરી જવાનું નક્કી કર્યું હતું અને પોર્ટુગલની ઇમિગ્રેશનની સરળ નીતિઓને કારણે તેમણે ત્યાં જવાનું પસંદ કર્યું હતું. જેઓ સફળતાપૂર્વક યુરોપના આ દેશમાં સ્થળાંતર કરી ગયા હોવાનું માનવામાં આવતું હતું એવા તેમના ગામના બીજા પુરુષોની વાર્તાઓ તેમની પ્રેરણા હતી. અને પછી એક દિવસ કોઈએ તેમને જતિન્દરની વાત કરી હતી, જે તેમના જ ગામનો હતો અને જેણે મદદ કરવાનું વચન આપ્યું હતું.

સિંઘ કહે છે, "જતિન્દરે મને કહ્યું હતું, 'હું 12 લાખ રુપિયા (અંદાજે 13000 યુરો) લઈશ અને તમને કાયદેસર રીતે પોર્ટુગલ મોકલી આપીશ.' હું પૂરેપૂરી રકમ ચૂકવવા માટે સંમત થયો હતો અને મેં કાયદેસરનો માર્ગ અપનાવવાનો આગ્રહ રાખ્યો હતો."

જો કે ચૂકવણી કરતી વખતે એજન્ટે તેમને બેંક મારફત જવાને બદલે "અલગ માર્ગ" અપનાવવામાં આવે એવો આગ્રહ રાખ્યો હતો. જ્યારે સિંઘે વિરોધ કર્યો ત્યારે જતિન્દરે તેમને જે કહેવામાં આવે તેમ જ કરવાનું ભારપૂર્વક કહ્યું હતું. જવા માટે ઉત્સુક સિંઘે તેમને જે કહેવામાં આવ્યું તેનું પાલન કર્યું હતું અને 4 લાખ (4,383 યુરો) નો પહેલો હપ્તો પંજાબના જલંધરમાં એક પેટ્રોલ પંપ પર ચૂકવ્યો હતો અને પછીથી 1 લાખ (1095 યુરો) એક દુકાન પર.

ઓક્ટોબર 2021માં સિંઘ દિલ્હી જવા રવાના થયા હતા અને તેઓ હવાઈ માર્ગે બેલગ્રેડ અને પછી પોર્ટુગલ જવાના હતા. આ તેમની જિંદગીની પહેલવહેલી ઉડાન હતી, પરંતુ એરલાઇન્સે તેમને વિમાનમાં ચડવા દેવાનો ઇનકાર કર્યો હતો કારણ કે કોવિડ -19 પ્રતિબંધોને કારણે ભારતથી સર્બિયાની ફ્લાઇટ્સ કાર્યરત ન હતી - તેમના એજન્ટે આ હકીકત તેમનાથી છુપાવી હતી. દુબઈ મારફતે જવા માટે તેમને ફરીથી બુકિંગ કરાવવું પડ્યું હતું, જ્યાંથી તેઓ બેલગ્રેડ ગયા હતા.

પોતાનો પાસપોર્ટ એજન્ટને સોંપી દેનાર સિંઘ કહે છે, “બેલગ્રેડ એરપોર્ટ પર અમને લેવા આવનાર એજન્ટે સર્બિયન પોલીસ સારી નથી, અને તેઓને ભારતીયો પસંદ નથી એવું કહીને અમારા પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા. અમે ડરી ગયા હતા."

સર્બિયાની રાજધાની બેલગ્રેડથી ગ્રીસના થિવા સુધીની તેમની સફર જેવા મુસાફરીના ગેરકાયદેસર માધ્યમોને સમજાવવા માટે સિંઘ અવારનવાર “દો નંબર” શબ્દનો પ્રયોગ કરે છે. તેમની સાથે રહેલા ડોન્કર્સ (માનવ દાણચોરો) એ સિંઘને ખાતરી આપી હતી કે તેઓ ગ્રીસ થઈને પોર્ટુગલ પહોંચી જશે.

થિવા પહોંચ્યા પછી એજન્ટ ફરી ગયો હતો અને તેણે કહ્યું હતું કે તે વચન મુજબ સિંઘને પોર્ટુગલ પહોંચાડી શકશે નહીં.

સિંઘ યાદ કરે છે, “જતિન્દરે મને કહ્યું હતું, ‘મને તમારી પાસેથી સાત લાખ રુપિયા મળી ગયા છે. મારું કામ થઈ ગયું છે. હું તમને ગ્રીસમાંથી બહાર નહીં લઈ જઈ શકું.” સિંઘ રડવા લાગ્યા હતા અને ઊંડો સંતાપ અનુભવતા હતા.

Many young men and women are promised safe passage by agents who pass them on to donkers (human smugglers)
PHOTO • Pari Saikia

ઘણા યુવકો અને યુવતીઓને એજન્ટો દ્વારા સહીસલામત રીતે વિદેશ પહોંચાડવાનું વચન આપવામાં આવે છે, આ એજન્ટો તેમને ડોન્કર્સ (માનવ દાણચોરો) ને હવાલે કરી દે છે

માર્ચ 2022 માં ગ્રીસ પહોંચ્યાના બે મહિના પછી સિંઘે સર્બિયન માનવ તસ્કર પાસેથી તેમનો પાસપોર્ટ પાછો મેળવવાની હિલચાલ શરુ કરી હતી. ડુંગળીના ખેતરમાં સિંઘના સહકાર્યકરોએ તેમને દેશ છોડી દેવાની સલાહ આપી હતી કારણ કે અહીં તેમને માટે કોઈ ભવિષ્ય નહોતું અને જો તેઓ પકડાઈ જાય તો તેમને દેશનિકાલ કરવામાં આવે તેમ હતું.

પરિણામે પંજાબના આ યુવકે ફરી એકવાર જીવ જોખમમાં મુકીને આ વખતે માનવ દાણચોરીનો રસ્તો અપનાવ્યો હતો. “મેં [માનસિક રીતે] ગ્રીસ છોડવાની તૈયારી કરી લીધી હતી. મેં વિચાર્યું હતું કે મારે આ છેલ્લી વાર મારો જીવ જોખમમાં મૂકવો પડશે.”

તેમણે ગ્રીસમાં એક નવો એજન્ટ શોધી કાઢ્યો હતો જેણે તેમને 800 યુરોમાં સર્બિયા લઈ જવાનું વચન આપ્યું હતું. ડુંગળીના ખેતરોમાં કામ કરીને ત્રણ મહિનાની તેમની બચતમાંથી તેમને આ પૈસા મળ્યા હતા.

આ વખતે સફર શરુ કરતા પહેલા સિંઘે પોતાનું થોડું સંશોધન પણ કર્યું હતું અને ગ્રીસથી પાછા સર્બિયા જઈને ત્યાંથી હંગેરી થઈને ઓસ્ટ્રિયા અને પછી પોર્ટુગલ જવાનું નક્કી કર્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે તે એક મુશ્કેલ માર્ગ હતો કારણ કે તેઓ કહે છે કે ગ્રીસથી સર્બિયા સુધીની મુસાફરી દરમિયાન, "જો તમે પકડાઈ જાઓ તો તમને દેશનિકાલ કરીને ફક્ત અન્ડરવેરભેર તુર્કી મોકલી દેવામાં આવે છે."

*****

જૂન 2022 માં છ દિવસ અને છ રાત ચાલ્યા પછી સિંઘ પાછા સર્બિયા પહોંચ્યા હતા. સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં તેમણે કેટલીક શરણાર્થીઓની વસાહતો શોધી કાઢી હતી - સર્બિયા-રોમાનિયા સરહદ નજીક કિકિંડા કેમ્પ અને સર્બિયા-હંગેરી સરહદ નજીક સુબોટિકા કેમ્પ. તેઓ કહે છે કે પુષ્કળ પૈસા કમાઈ આપે એવી માનવ દાણચોરીના ધંધામાં પડેલા માનવ તસ્કરો માટે આ કેમ્પ આશ્રયસ્થાન જેવા છે.

સિંઘ ઉમેરે છે, “ત્યાં [કિકિંડા કેમ્પમાં], દરેક બીજી વ્યક્તિ માનવ તસ્કર છે. તેઓ તમને કહેશે, 'હું તમને ત્યાં પહોંચાડી દઈશ, પરંતુ તેમાં આટલો ખર્ચ થશે." પોતાને ઓસ્ટ્રિયા પહોંચવામાં મદદ કરવા માટે સિંઘને એક માનવ તસ્કર મળી ગયો હતો.

કિકિંડા કેમ્પમાં આ (ભારતીય) માનવ તસ્કરે તેમને જલંધરમાં "ગેરેંટી રાખવા" કહ્યું હતું. સિંઘ સમજાવે છે, જ્યારે વચેટિયો બંને પક્ષો - સ્થળાંતરિત અને માનવ તસ્કર - વતી રોકડ રાખે અને એકવાર વ્યક્તિ ઇચ્છિત સ્થાન પર પહોંચ્યા પછી રોકડ મુક્ત કરે એને "ગેરેંટી" કહે છે.

Singh was willing to share his story as he wants the youth of Punjab to know the dangers of illegal migration
PHOTO • Karan Dhiman

સિંઘ તેમની વાર્તા અમને કહેવા તૈયાર થયા હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા પંજાબના યુવાનો ગેરકાયદેસર સ્થળાંતરના જોખમો વિષે જાણે

સિંઘે પરિવારના એક સભ્ય મારફત 3 લાખ (3302 યુરો) રુપિયાની ગેરેંટીની સગવડ કરી હતી અને માનવ તસ્કરની સૂચના મુજબ હંગેરિયન સરહદ તરફ જવા નીકળી પડ્યા હતા. અફઘાનિસ્તાનના કેટલાક ડોન્કર્સ ત્યાં તેમને લેવા આવ્યા હતા. તેઓએ મધરાતે 12 ફૂટ ઊંચી બે કાંટાળી વાડ ઓળંગી હતી. તેમની સાથે સરહદ ઓળંગનાર ડોન્કર્સમાંથી એકે તેમને ચાર કલાક સુધી જંગલમાં મુશ્કેલ મુસાફરી કરાવી હતી અને પછીથી સરહદ પોલીસે તેમની અટકાયત કરી હતી.

સિંઘ યાદ કરે છે, “તેઓએ [હંગેરિયન પોલીસે] અમને ઘૂંટણિયે પડવાનું કહ્યું હતું અને અમારી રાષ્ટ્રીયતા બાબતે પૂછપરછ કરી હતી. તેઓએ ડોન્કરને ઢોર માર માર્યો હતો. તે પછી અમને [સ્થળાંતરિતોને] પાછા સર્બિયા લઈ જવામાં આવ્યા હતા."

તસ્કરે સિંઘને સુબોટિકા કેમ્પ જવાનું સૂચન કર્યું હતું જ્યાં એક નવો ડોન્કર તેમની રાહ જોઈ રહ્યો હતો. બીજે દિવસે બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ હંગેરિયન સરહદ પર પાછા ફર્યા હતા, ત્યાં 22 લોકો પહેલાથી જ સરહદ ઓળંગવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અંતે સિંઘ સહિત માત્ર સાત જણા જ સરહદ પાર કરી શક્યા.

પછી શરુ થઈ એક ડોન્કર સાથે જંગલમાં ત્રણ કલાકની મુશ્કેલ મુસાફરી. “સાંજે 5 વાગ્યાની આસપાસ અમે એક મોટા સૂકા ખાડા પાસે આવ્યા. ડોન્કરે અમને તેમાં સૂઈ જઈને જંગલના સૂકા પાંદડાઓથી અમારી જાતને ઢાંકી દેવાનો હુકમ કર્યો." થોડા કલાકો પછી તેઓ ફરીથી ચાલવા લાગ્યા હતા. અંતે તેઓને એક વાનમાં લઈ જવામાં આવ્યા અને ઓસ્ટ્રિયાની સરહદ પાસે ઉતારી દેવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું, "'પવન ચક્કીઓ તરફ ચાલવા માંડો અને તમે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કરી શકશો."

તેઓ ચોક્કસ ક્યાં હતા તેની કશીય જાણ વિના અને ખોરાક કે પાણી વિના, સિંઘ અને બીજા સ્થળાંતરિતો રાતભર ચાલતા રહ્યા હતા. બીજે દિવસે સવારે તેમને ઓસ્ટ્રિયન સૈન્યની ચોકી નજરે ચડી હતી. ઓસ્ટ્રિયન સૈનિકોને જોયા કે તરત જ સિંઘ શરણાગતિ સ્વીકારવા દોડી ગયા હતા કારણ કે તેઓ કહે છે કે, "આ દેશ શરણાર્થીઓને આવકારે છે, અને ડોન્કર્સ આ વાતની પુષ્ટિ કરે છે."

સિંઘ ઉમેરે છે, “તેઓ કોવિડ -19 માટે અમારું પરીક્ષણ કરીને અમને ઓસ્ટ્રિયન શરણાર્થી શિબિરમાં લઈ ગયા હતા, ત્યાં તેઓએ અમારું નિવેદન લીધું હતું અને અમારી ફિંગરપ્રિન્ટ્સ રેકોર્ડ કરી હતી. એ પછી અમને છ મહિનાની માન્યતા સાથેના શરણાર્થી કાર્ડ આપવામાં આવ્યા હતા."

છ મહિના સુધી અખબારના ફેરિયા તરીકે કામ કરીને પંજાબના આ સ્થળાંતરિત લગભગ 1000 યુરો બચાવી શક્યા હતા. તેમના રોકાણની મુદત પૂરી થતાની સાથે જ તેમને શિબિર અધિકારીએ તેમને શિબિર છોડી જવા કહ્યું હતું.

Once in Portugal, Singh makes sure to call his mother in Punjab and reply to her messages and forwards
PHOTO • Karan Dhiman

એકવાર પોર્ટુગલ પહોંચી ગયા પછી સિંઘ ચોકસાઈપૂર્વક પંજાબ તેમની માતાને ફોન કરે છે અને તેમના સંદેશાઓ અને ફોરવર્ડ્સનો જવાબ આપે છે

“એ પછી મેં વેલેન્સિયા, સ્પેનની સીધી ફ્લાઇટ બુક કરી હતી (કેમ કે શેંગન વિસ્તારોમાં આંતરિક ફ્લાઇટ્સ ભાગ્યે જ તપાસવામાં આવે છે), અને ત્યાંથી બાર્સેલોના જવા માટેની ટ્રેન બુક કરી હતી, ત્યાં એક રાત મેં એક મિત્રને ઘેર વિતાવી હતી. મારા મિત્રએ મને પોર્ટુગલની બસ ટિકિટ બુક કરાવી આપી હતી કારણ કે મારી પાસે ન તો કોઈ દસ્તાવેજો હતા, ન તો મારો પાસપોર્ટ." આ વખતે તેમણે જાતે જ પોતાનો પાસપોર્ટ ગ્રીસમાં એક મિત્ર પાસે છોડીને જવાનું મુનાસિબ માન્યું હતું કારણ કે જો તેઓ પકડાઈ જાય તો તેમને દેશનિકાલ થઈને ભારત જવું નહોતું.

*****

15 મી ફેબ્રુઆરી, 2023 ના રોજ સિંઘ આખરે બસ મારફત પોતાની સ્વપ્ન નગરી - પોર્ટુગલ - પહોંચી ગયા હતા. અહીં પહોંચવામાં તેમને લગભગ 500 દિવસનો સમય લાગ્યો હતો.

પોર્ટુગલ સ્થિત ભારતીય દૂતાવાસ સ્વીકારે છે કે ઘણા સ્થળાંતરિતો પાસે "માન્ય રહેઠાણ દસ્તાવેજો હોતા નથી, આ અંગેના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી." તેઓ એ પણ ઉમેરે છે કે તાજેતરના વર્ષોમાં પોર્ટુગલના ઈમિગ્રેશન નિયમોમાં સરળતાને કારણે અહીં આવતા ભારતીયોની (ખાસ કરીને પંજાબ અને હરિયાણાથી આવતા સ્થળાંતરિતોની) સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

સિંઘ કહે છે, “યહાં ડોક્યુમેન્ટ્સ બન જાતે હૈ, આદમી પક્કા હો જાતા હૈ, ફિર અપની ફેમિલી બુલા સકતા હૈ, અપની વાઈફ બુલા સકતા હૈ [તમે અહીં તમારા દસ્તાવેજો મેળવી શકો છો. વ્યક્તિ કાયમી નિવાસી બની શકે છે. પછીથી તે તેના પરિવાર અથવા પત્નીને પોર્ટુગલ લઈ આવી શકે છે]."

ધ ફોરેનર્સ એન્ડ બોર્ડર્સ સર્વિસ (એસીઈએફ) ના આંકડા અનુસાર 2022 માં પોર્ટુગલમાં 35000 થી વધુ ભારતીયોને કાયમી દરજ્જો આપવામાં આવ્યો હતો. એ જ વર્ષે આશરે 229 ભારતીયોએ આશ્રય માંગ્યો હતો.

સિંઘ જેવા યુવાનો સ્થળાંતર કરવા તલપાપડ છે કારણ કે તેમને પોતાના દેશમાં કોઈ ભવિષ્ય દેખાતું નથી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 કહે છે, "વાજબી પ્રમાણમાં ઊંચી વૃદ્ધિ થતી હોવા છતાં ઉત્પાદક રોજગારની તકોમાં એને અનુરૂપ વિસ્તરણ થયું નથી."

વીડિયો જુઓ સિંઘ તેમના સ્થળાંતર વિશે વાત કરે છે

ખોરાક કે પાણી વિના સિંઘ રાતભર ચાલતા રહ્યા હતા. બીજે દિવસે સવારે તેમણે ઓસ્ટ્રિયન સૈન્યની ચોકી નજરે ચડી હતી... અને તરત જ તેઓ શરણાગતિ સ્વીકારવા દોડી ગયા હતા કારણ કે તેઓ કહે છે કે, 'આ દેશ શરણાર્થીઓને આવકારે છે'

સમગ્ર યુરોપમાં પોર્ટુગલ સૌથી ટૂંકો નેચરલાઈઝેશન સમયગાળો (કોઈ પરદેશીને દેશનો નાગરિક બનાવવા માટે લાગતો સમય) ધરાવે છે, અહીં નાગરિક બનવા માટે પાંચ વર્ષનો કાનૂની નિવાસ જરૂરી છે. આ સ્થળાંતર સફર સામાન્ય રીતે કૃષિ અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા ભારતના ગ્રામીણ લોકોનું, પ્રોફેસર ભાસ્વતી સરકારના કહેવા મુજબ ખાસ કરીને પંજાબના પુરુષોનું, લક્ષ્ય હોય છે. પ્રોફેસર ભાસ્વતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર યુરોપિયન સ્ટડીઝની જીન મોનેટ ચેર સંભાળે છે. તેઓ ઉમેરે છે, "અહીં સારી રીતે ગોઠવાઈ ગયેલા ગોવાના લોકો અને ગુજરાતી સમુદાય ઉપરાંત બાંધકામ અને કૃષિ ક્ષેત્રે વાવેતરમાં ઓછી કુશળતાવાળા કામોમાં ઘણા પંજાબીઓ રોકાયેલા છે."

પોર્ટુગલ રેસિડેન્સ પરમિટનો, જેને ટેમ્પરરી રેસિડેન્સી કાર્ડ (ટીઆરસી) તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો મોટો ફાયદો એ છે કે તે તમને વિઝા વિના 100 થી વધુ શેંગન દેશોમાં પ્રવેશવાની પરવાનગી આપે છે. જો કે, પરિસ્થિતિ બદલાઈ રહી છે - 3 જી જૂન, 2024 ના રોજ પોર્ટુગલમાં સેન્ટર-રાઈટ ડેમોક્રેટિક અલાયન્સ (એડી) ના લુઈસ મોન્ટેનેગ્રોએ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતરિતો માટે ઇમિગ્રેશન નિયમોને કડક બનાવવા એક હુકમનામું બહાર પાડ્યું છે.

આ નવા કાયદા અનુસાર પોર્ટુગલમાં સ્થાયી થવા માગતા કોઈપણ વિદેશી રહેવાસીએ હવે અહીં આવતા પહેલા વર્ક પરમિટ માટે અરજી કરવી પડશે. આ પગલાથી ભારતમાંથી, ખાસ કરીને પંજાબ અને હરિયાણાથી આવતા સ્થળાંતરિતો પર પ્રતિકૂળ અસર થવાની અપેક્ષા છે.

બીજા યુરોપિયન દેશો પણ સ્થળાંતર સંબંધે તેમનું વલણ સખત કરી રહ્યા છે. પરંતુ પ્રોફેસર સરકાર કહે છે કે આવા નિયમો ઊંચી આશાઓ સાથેના અનિયમિત સ્થળાંતરિતોને અટકાવી શકશે નહીં. તેઓ ઉમેરે છે, "સ્થળાંતરિતો જે દેશોમાંથી આવે છે એ દેશોમાં તકો ઊભી કરવાથી, સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાથી (લોકોને સ્થળાંતર કરતા અટકાવવામાં) મદદ મળશે."

પોર્ટુગલની એઆઈએમએ (એજન્સી ફોર ઈન્ટીગ્રેશન, માઈગ્રેશન્સ એન્ડ અસાયલમ) પાસે 410000 કેસ નિકાલની રાહ જોઈ રહ્યા છે. પરદેશી વસાહતી સમુદાયની લાંબા સમયની વિનંતીને સંબોધવા ઇમિગ્રન્ટ દસ્તાવેજો અને વિઝાને વધુ એક વર્ષ માટે - જૂન, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે.

2021 માં ભારત અને પોર્ટુગલે 'કાનૂની માર્ગો દ્વારા ભારતીય કામદારોને મોકલવા અને સ્વીકારવા' ને ઔપચારિક બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત સરકારે ઇટાલી, જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, ફિનલેન્ડ જેવા સંખ્યાબંધ યુરોપિયન દેશો સાથે સ્થળાંતર અને ગતિશીલતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ જ્યાંના લોકો આવા સ્થળાંતરના નિર્ણયો લઈ રહ્યા છે, ત્યાં શિક્ષણ અથવા માહિતી ઓછાં છે.

જ્યારે આ પત્રકારોએ ટિપ્પણીઓ માટે ભારત અને પોર્ટુગીઝ બંને સરકારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘણી પૂછપરછ છતાં બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો ન હતો.

Young people like Singh are desperate to migrate because they are unable to find jobs in India
PHOTO • Pari Saikia

સિંઘ જેવા યુવાનો સ્થળાંતર કરવા માટે ગમે તેવા ગંભીર જોખમો લઈને પણ સ્થળાંતર કરવા તૈયાર છે કારણ કે તેમને ભારતમાં નોકરીઓ મળતી નથી

*****

જ્યારે સિંઘ તેમની 'સ્વપ્ન' નગરી સુધી પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા એ વસ્તુ નોંધી હતી કે પોર્ટુગલમાં પણ નોકરીની તકોનો અભાવ હતો, રેસિડેન્સી પરમિટ મેળવવાના પડકારને કારણે નોકરી મેળવવી વધુ મુશ્કેલ બની હતી. પોતાની યુરોપ જવાની યોજના બનાવતી વખતે તેમને આમાંની કંઈપણ ખબર નહોતી.

તેમણે પારીને કહ્યું, “જ્યારે હું પહેલા પોર્ટુગલ આવ્યો ત્યારે મને ખૂબ સારું લાગ્યું હતું. પછીથી મને સમજાયું કે નોકરીની તકો ઓછી છે, અને કામની સંભાવના શૂન્ય છે કારણ કે અહીં ઘણા એશિયનો રહે છે. તેથી ભાગ્યે જ કોઈ નોકરીની તકો છે."

સિંઘ સ્થાનિકોની પરદેશી વસાહતીઓ વિરુદ્ધની લાગણી તરફ પણ ધ્યાન દોરે છે. "અહીં તેમને (સ્થાનિકોને) પરદેશી વસાહતીઓ ગમતા નથી, તેમ છતાં ખેતી અને બાંધકામના સ્થળોએ સખત મજૂરી કરવા અમારી જરૂર છે." ભારતીયો સૌથી અઘરી નોકરીઓમાં કામ કરે છે, જેને સરકાર "3 ડી નોકરીઓ - ડર્ટી, ડેન્જરસ, ડીમનિંગ (ગંદી, ભયજનક, અપમાનજનક), જે સ્થાનિકો કરવા માંગતા નથી" એવી નોકરીઓ કહે છે. પરદેશી વસાહતીઓની અનિશ્ચિત કાનૂની સ્થિતિને કારણે તેઓ નિર્ધારિત કાનૂની વેતન કરતાં ઘણા ઓછા વેતન પર કામ કરવા માટે તૈયાર થઈ જાય છે.

આવી નોકરીઓ શોધતી વ્યક્તિ તરીકે સિંઘ બીજી વસ્તુઓની પણ નોંધ લે છે. સ્ટીલ ફેક્ટરીની પાંચેય શાખાઓ પર, સૂચનાના પાટિયા પહેલા પોર્ટુગીઝ અને પછી પંજાબીમાં લખેલા છે. સિંઘ કહે છે, “(નોકરીનો) કરાર પત્ર પણ પંજાબી અનુવાદ સાથે આવે છે. આ બધું હોવા છતાં જો અમે તેમનો સીધો સંપર્ક કરીએ તો તેમનો જવાબ હોય છે, 'કોઈ કામ નથી.'

Despite the anti-immigrant sentiment in Portugal, Singh says he is fortunate to have found a kind and helpful landlord here
PHOTO • Karan Dhiman

સિંઘ કહે છે કે પોર્ટુગલમાં (સ્થાનિકોમાં) પરદેશી વસાહતીઓ વિરોધી લાગણી હોવા છતાં તેઓ અહીં એક દયાળુ અને મદદગાર મકાનમાલિક મેળવવા ભાગ્યશાળી રહ્યા છે

બિનદસ્તાવેજીકૃત સ્થળાંતરિત તરીકે તેમને બાંધકામના સ્થળે નોકરી મેળવવામાં સાત મહિના લાગ્યા હતા.

સિંઘ કહે છે, “કંપનીઓ કર્મચારીઓને કરાર પત્રો ઉપરાંત રાજીનામા પત્રો પર પણ અગાઉથી સહી કરાવી લે છે. જો કે તેઓ મહિને 920 યુરોનું લઘુત્તમ વેતન ચૂકવે છે તેમ છતાં કર્મચારીઓ ક્યારેય જાણતા નથી હોતા કે તેઓને ક્યારે છૂટા કરી દેવામાં આવશે." તેમણે પણ રાજીનામાના પત્ર પર સહી કરી આપેલી છે. તેમણે રેસિડેન્ટ વિઝા માટે અરજી કરી છે અને તેમને કાયદેસર (કાયમી નિવાસી) થઈ શકવાની આશા છે.

સિંઘે નવેમ્બર 2023 માં વાત કરતા કહ્યું હતું, “બસ હું તાં આહી સપના આહ કી, ઘર બાન જે, સિસ્ટર દા વ્યાહ હો જે, તે ફેર ઇથે અપણે ડોક્યુમેન્ટ્સ બણા કે ફેમિલી નુ વી બુલા લિયે [હવે મારું સપનું છે પંજાબમાં એક ઘર બનાવું, મારી બહેનના લગ્ન કરાવું અને કાયદેસર થઈ જાઉં જેથી હું મારા પરિવારને અહીં લાવી શકું]."

સિંઘે 2024 માં પૈસા મોકલવાનું શરૂ કર્યું છે, અને હાલમાં તેઓ તેમના માતાપિતાના સંપર્કમાં છે, જેઓ તેમનું ઘર બનાવી રહ્યા છે. પોર્ટુગલમાં તેમના કામે ઘરના બાંધકામની યોજનાનો પાકો નકશો બનાવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

વધારાનો અહેવાલ પોર્ટુગલથી કરણ ધીમાન દ્વારા

આ તપાસ ભારત અને પોર્ટુગલ વચ્ચે મોર્ડન સ્લેવરી ગ્રાન્ટ અનવીલ્ડ કાર્યક્રમ હેઠળ પત્રકારત્વ ફંડના સમર્થનથી હાથ ધરવામાં આવી હતી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Pari Saikia

Pari Saikia is an independent journalist and documents human trafficking from Southeast Asia and Europe. She is a Journalismfund Europe fellow for 2023, 2022, and 2021.

यांचे इतर लिखाण Pari Saikia
Sona Singh

Sona Singh is an independent journalist and researcher from India. She is a Journalismfund Europe fellow for 2022 and 2021.

यांचे इतर लिखाण Sona Singh
Ana Curic

Ana Curic is an independent investigative and data journalist from Serbia. She is currently a fellow of Journalismfund Europe.

यांचे इतर लिखाण Ana Curic
Photographs : Karan Dhiman

Karan Dhiman is a video journalist and social documentarian from Himachal Pradesh, India. He is interested in documenting social issues, environment and communities.

यांचे इतर लिखाण Karan Dhiman
Editor : Priti David

प्रीती डेव्हिड पारीची वार्ताहर व शिक्षण विभागाची संपादक आहे. ग्रामीण भागांचे प्रश्न शाळा आणि महाविद्यालयांच्या वर्गांमध्ये आणि अभ्यासक्रमांमध्ये यावेत यासाठी ती काम करते.

यांचे इतर लिखाण Priti David
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

यांचे इतर लिखाण Sarbajaya Bhattacharya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

यांचे इतर लिखाण Maitreyi Yajnik