તેમના માટીના ઘરની બહાર બેઠેલા નંદરામ જામુનકર કહે છે , “તમે અજવાળા સાથે જન્મ્યા છો અને અમે અંધારા સાથે.” અમે અમરાવતી જિલ્લાના ખાદિમલ ગામમાં છીએ, જ્યાં 26 એપ્રિલ, 2024ના રોજ સામાન્ય ચૂંટણીમાં મતદાન થવાનું છે. નંદરામ જે અંધારા વિશે બોલે છે તે શાબ્દિક અર્થમાં છે; મહારાષ્ટ્રના આ આદિવાસી ગામમાં ક્યારેય વીજળી સુલભ નથી થઈ.

48 વર્ષીય નંદરામ કહે છે, “દર પાંચ વર્ષે, કોઈક આવે છે અને વીજળી લાવવાનું વચન આપે છે. પરંતુ વીજળી તો જવા જ દો, તે પણ ક્યારેય પાછો ફરકીને અહીં નથી આવતો.” વર્તમાન સાંસદ અને અપક્ષનાં ઉમેદવાર નવનીત કૌર રાણા 2019માં શિવસેનાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદરાવ અડસુલને હરાવીને સત્તામાં આવ્યાં હતાં. આ વર્ષે તેઓ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

ચિખલદરા તાલુકાના આ ગામના 198 પરિવારો (2011ની વસ્તી ગણતરી અનુસાર) મુખ્યત્વે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) પર નિર્ભર છે અને જમીન ધરાવતા કેટલાક લોકો વરસાદ આધારિત ખેતી કરે છે, મોટે ભાગે મકાઈની ખેતી કરે છે. ખાદિમલમાં મોટાભાગે અનુસૂચિત જનજાતિઓ (ST) નો સમાવેશ થાય છે જેઓ હંમેશાં પાણી અને વીજળી વિના જીવતા આવ્યા છે. નંદરામ કોર્કૂ જનજાતિના છે. તેઓ 2019માં આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા લુપ્તપ્રાય ભાષા તરીકે ઓળખવામાં આવેલી કોર્કૂ ભાષા બોલે છે.

'અમે અમારા ગામમાં કોઈ પણ રાજકારણીને આવવાની મંજૂરી નહીં આપીએ. વર્ષોથી તેઓએ અમને મૂર્ખ બનાવ્યા છે, પરંતુ હવે બહુ થયું'

નંદરામની બાજુમાં બેસીને તેમને સાંત્વના આપતા દિનેશ બેલકર કહે છે, “આપણે 50 વર્ષથી પરિવર્તનની આશામાં મતદાન કર્યું છે, પરંતુ આપણને મૂર્ખ બનાવવામાં આવ્યા છે.” તેમણે તેમના આઠ વર્ષના પુત્રને 100 કિલોમીટર દૂર એક બોર્ડિંગ સ્કૂલમાં મોકલવો પડ્યો હતો. ગામમાં એક પ્રાથમિક શાળા તો છે, પરંતુ યોગ્ય રસ્તાઓ અને પરિવહનના અભાવના કારણે અહીં શિક્ષકો નિયમિત નથી આવતા. 35 વર્ષીય દિનેશ કહે છે, “તેઓ અઠવાડિયામાં બે જ વાર અહીં આવે છે.”

રાહુલ ઉમેરે છે, “ઘણા [રાજકારણીઓ] અહીં રાજ્ય પરિવહનની બસો આવશે એવાં વચનો આપે છે. પરંતુ તેઓ ચૂંટણી પછી ગાયબ જ થઈ જાય છે.” આ 24 વર્ષીય મનરેગા કાર્યકરને પરિવહનના અભાવને કારણે સમયસર તેમના દસ્તાવેજો જમા કરવામાં અસમર્થ હોવાને કારણે કોલેજ છોડવી પડી હતી. તેઓ ઉમેરે છે, “અમને શિક્ષણની હવે જરાય આશા નથી.”

નંદરામ લાગણીસભર અને મોટા અવાજે કહે છે , “શિક્ષણની વાત પછી, પહેલા અમને પાણી જોઈએ છે.” ઉપલા મેલઘાટ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની તીવ્ર અછત છે.

PHOTO • Swara Garge ,  Prakhar Dobhal
PHOTO • Swara Garge ,  Prakhar Dobhal

ડાબેઃ નંદરામ જામુનકર (પીળાં કપડાંમાં) અને દિનેશ બેલકર (નારંગી ખેસમાં) મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ખાદિમલ ગામના રહેવાસી છે. આ ગામમાં ક્યારેય વહેતું પાણી કે વીજળી જોવા મળી નથી. જમણેઃ ગામથી લગભગ 15 કિલોમીટર દૂર એક ઝરણું લગભગ સુકાઈ ગયું છે. જો કે, ચોમાસામાં, આ પ્રદેશના જળાશયો ઓવરફ્લો થાય છે, રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ તેનું સમારકામ ભાગ્યે જ કરવામાં આવે છે

ગામના લોકોએ પાણી લાવવા માટે દરરોજ 10-15 કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને આ કામનો બોજો મોટાભાગે મહિલાઓના શીરે હોય છે. ગામમાં કોઈના ઘેર નળ નથી. રાજ્ય સરકારે ત્રણ કિલોમીટર દૂર નવલગાંવથી પાણી પૂરું પાડવા માટે આ વિસ્તારમાં પાઈપ બિછાવી હતી. પરંતુ ઉનાળાના લાંબા મહિનાઓમાં આ પાઈપોમાં એક ટીપુય પાણી નથી. તેમને કૂવાઓમાંથી જે પાણી મળે છે તે પીવાલાયક નથી. દિનેશ કહે છે, “મોટાભાગે અમારે અશુદ્ધ પાણી પીવું પડે છે.” તેનાથી ભૂતકાળમાં ઝાડા અને ટાઈફોઈડ જેવા રોગોનો ફેલાવો પણ થયો છે, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને બાળકોમાં.

ખાદિમલની મહિલાઓ માટે દિવસની શરૂઆત સવારે ત્રણ કે ચાર વાગ્યે પાણી લાવવા માટે પગપાળા લાંબું અંતર કાપવા સાથે થાય છે. 34 વર્ષીય નામ્યા ધિકર કહે છે, “અમે ક્યારે પહોંચીએ તેના આધારે અમારે ત્રણથી ચાર કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે.” અહીંથી સૌથી નજીકનો હેન્ડ પંપ છ કિમી દૂર છે. નદીઓ સૂકાઈ જતાં, આ સ્થળ રીંછ જેવા તરસ્યા જંગલી પ્રાણીઓ અને કેટલીકવાર ઉપલા મેલઘાટમાં સેમાડોહ ટાઇગર રિઝર્વમાંથી વાઘ માટે પણ એક આશ્રયસ્થાન બની ગયું છે.

પાણી લાવવું એ દિવસનું ફક્ત પહેલું કામ છે. નામ્યા જેવી મહિલાઓએ સવારે 8 વાગ્યાની આસપાસ (મનરેગા) સ્થળ પર કામ કરવા જતા પહેલાં ઘરના તમામ કામ કરવાં પડે છે. આખા દિવસ દરમિયાન ખેતીકામ અને બાંધકામ સ્થળોએ ભાર વહન કરવાના સખત કામ પછી, તેઓએ સાંજે 7 વાગ્યે ફરીથી પાણી લાવવું પડે છે. નામ્યા કહે છે, “અમને જરાય આરામ નથી મળતો. અમે બીમાર હોઈએ ત્યારે પણ પાણી લાવીએ છીએ, અને ગર્ભવતી હોઈએ ત્યારે પણ. પ્રસુતિ પછી પણ અમને ફક્ત બે કે ત્રણ જ દિવસ આરામ મળે છે.”

PHOTO • Swara Garge ,  Prakhar Dobhal
PHOTO • Prakhar Dobhal

ડાબેઃ ઉપલા મેલઘાટનો આ વિસ્તાર ઘણા વર્ષોથી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે અને દિવસમાં બે વાર પાણી લાવવાનો બોજો મહિલાઓને શીરે છે. નામ્યા રામા ધિકર કહે છે, ‘અમે ત્યાં ક્યારે પહોંચીએ છીએ તેના આધારે અમારે ત્રણથી ચાર કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે’  જમણેઃ સૌથી નજીકનો હેન્ડ પંપ ગામથી છ કિલોમીટર દૂર છે

PHOTO • Prakhar Dobhal
PHOTO • Swara Garge ,  Prakhar Dobhal

ડાબેઃ અહીંના મોટાભાગના ગ્રામજનો મનરેગા સ્થળો પર કામ કરે છે. ગામમાં કોઈ પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્ર નથી અને માત્ર એક પ્રાથમિક શાળા છે જ્યાં વર્ગો અનિયમિત ધોરણે ચાલે છે જમણેઃ નામ્યા રામા ધિકર (ગુલાબી સાડીમાં) કહે છે કે સ્ત્રીઓને કામમાંથી આરામ મળતો નથી, બાળકને જન્મ આપ્યા પછી પણ નહીં

આ વર્ષે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ નામ્યાનું વલણ સ્પષ્ટ છે. “જ્યાં સુધી ગામમાં નળ નહીં આવે, ત્યાં સુધી હું મત નહીં આપું.”

તેમના વલણ સાથે ગામના અન્ય લોકો પણ ભારપૂર્વક સહમત થાય છે.

ખાદિમલના 70 વર્ષીય માજી સરપંચ બબ્નુ જામુનકર કહે છે, “જ્યાં સુધી અમને રસ્તાઓ, વીજળી અને પાણી નહીં મળે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ. અમે અમારા ગામમાં કોઈ પણ રાજકારણીને આવવાની મંજૂરી નહીં આપીએ. વર્ષોથી તેઓએ અમને મૂર્ખ બનાવ્યા છે, પરંતુ હવે બહુ થયું.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Student Reporter : Swara Garge

स्वरा गर्गे एसआयएमसी, पुणे येथे एमएच्या दुसऱ्या वर्षात शिक्षण घेत असून ती २०२३ साली पारीमध्ये इंटर्न होती. गावाकडच्या गोष्टी, संस्कृती आणि अर्थकारणामध्ये तिला रस असून दृश्यांमधून आपला विषय मांडण्याची तिला आवड आहे.

यांचे इतर लिखाण Swara Garge
Student Reporter : Prakhar Dobhal

प्रखर दोभाल एसआयएमसी, पुणे येथे एमए करत आहे. प्रखरला छायाचित्रण आणि बोधपट तयार करण्याची आवड असून ग्रामीण भागातील समस्या, राजकारण आणि संस्कृती या विषयांमध्ये त्याला रस आहे. तो २०२३ साली पारीसोबत इंटर्न म्हणून काम करत होता.

यांचे इतर लिखाण Prakhar Dobhal
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

यांचे इतर लिखाण Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

यांचे इतर लिखाण Faiz Mohammad