જ્યારે જ્યારે અનારુલ ઇસ્લામ તેમની જમીન પર કામ કરવા જાય છે ત્યારે તેમણે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવી પડે છે. આવું કરતા પહેલાં તેમણે વિસ્તૃત પ્રોટોકોલ (શિષ્ટાચાર) અનુસરવા પડે છે અને સુરક્ષા તપાસ કરાવવી પડે છે. તેમણે ઓળખનો પુરાવો જમા કરાવવો પડે છે (તેઓ તેમનું મતદારનું કાર્ડ તેમની સાથે રાખે છે), નોંધણીપત્રકમાં સહી કરવી પડે છે અને જડતી લેવડાવવી પડે છે. તેઓ જે કોઈ ખેતઓજારો સાથે લઈ જાય છે તે તમામની તપાસ કરાય છે. અને જે તે દિવસે તેમની સાથે જો તેમની ગાયો લઈ જતા હોય તો ગાયોના ફોટાની પ્રિન્ટ પણ જમા કરાવવી પડે છે.
અનારુલ કહે છે, “[એક સમયે] બે કરતા વધારે ગાયો લઈ જવાની મંજૂરી નથી. પાછા ફરતી વખતે મારે ફરીથી સહી કરવી પડે અને ત્યારબાદ મને મારા દસ્તાવેજો પાછા આપવામાં આવે. જો કોઈની પાસે ઓળખનો પુરાવો ન હોય તો, તેમને ત્યાંથી પસાર થવાની મંજૂરી અપાતી નથી.”
અનારુલ ઇસ્લામ - અહીં બધા તેને બાબુલ તરીકે ઓળખે છે - મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના બગીચા ગામમાં તેમના પરિવાર સાથે રહે છે. વિશ્વની પાંચમી લાંબી ભૂમિ સરહદ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 4140 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદમાંથી - મેઘાલય રાજ્યની સરહદનો લગભગ 443 કિલોમીટર ભાગ બાંગલાદેશની સાથે જોડાયેલ છે. મેઘાલયની સરહદનો આ વિસ્તાર કાંટાળા તાર અને કોંક્રિટથી સજ્જ છે./ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4140 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે અને તે વિશ્વની પાંચમી લાંબી ભૂમિ સરહદ છે. તેમાંથી 443 કિલોમીટર મેઘાલય રાજ્યની સરહદનો ભાગ છે. મેઘાલયની સરહદનો આ વિસ્તાર કાંટાળા તાર અને કોંક્રિટથી સજ્જ છે.
1980 ના દાયકાની આસપાસ વાડ ઊભી કરવાની શરૂઆત થઈ - જોકે સદીઓથી સ્થળાંતર એ આ પ્રદેશની અર્થવ્યવસ્થા અને ગ્રામીણ આજીવિકાનું અભિન્ન અંગ રહ્યું હતું. ઉપખંડના ભાગલા અને પાછળથી બાંગ્લાદેશની રચનાએ આ પ્રવૃત્તિઓ અટકાવી દીધી. બંને દેશો વચ્ચેના કરારના ભાગરૂપે વાડની આસપાસનું 150 યાર્ડનું અંતર એક પ્રકારના ‘બફર ઝોન’ તરીકે જાળવવામાં આવે છે.
47 વર્ષના અનારુલ ઇસ્લામને આ જમીન વારસામાં મળી છે. જ્યારે તેઓ સાત વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતાને ખેડાણમાં મદદ કરવા શાળા અધવચ્ચેથી છોડી દીધી હતી. તેમના ત્રણ ભાઈઓને પણ જમીનનો કેટલોક ભાગ વારસામાં મળ્યો છે, જેના પર તેઓ કાં તો જાતે ખેતી કરે છે અથવા ગણોતપટે આપે છે (અને તેમની ચારે ય બહેનો ગૃહિણીઓ છે).
આજીવિકા રળવા માટે અનારુલ ખેતી ઉપરાંત વચ્ચે વચ્ચે ધીરધારનું અને બાંધકામ સ્થળે શ્રમિક તરીકેનું છૂટક કામ કરે છે. પરંતુ જમીન સાથે તેમને ભાવનાત્મક લગાવ છે. તેઓ કહે છે, 'આ મારા પિતાની ભૂમિ છે, હું નાનો હતો ત્યારથી અહીં આવતો હતો. તે મારા માટે ખાસ છે. આજે એ જમીન ખેડવાનું મને ગમે છે."
વાડ પાર કરતા જ બરાબર સરહદ પર અનારુલની સાત વીઘા (લગભગ 2.5 એકર) જમીન છે. પરંતુ સરહદ સુરક્ષા વ્યવસ્થાએ ‘બફર ઝોન’ વિસ્તારોમાં પ્રવેશવામાં અવરોધ ઊભો કર્યો છે પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાય ખેડૂતોને ખેતી છોડી દેવાની ફરજ પડી છે. અનારુલે ખેતી કરવાનું ચાલુ રાખ્યું છે કારણ કે તેમનું ખેતર સરહદના પ્રવેશદ્વારથી દૂર નથી અને તેમને લાગે છે કે તેમની નાળ આ જમીન સાથે જોડાયેલ છે. તેઓ કહે છે કે, "મારા પૂર્વજો અહીં રહેતા હતા, જે હવે આંતરરાષ્ટ્રીય સરહદ છે."
એક સમય હતો જયારે તેમનો પરિવાર એક મોભાદાર પરિવાર ગણાતો, તેની શાખાઓ ‘દફાદર્સ ભીતા’ (જમીનદારોના મૂળ વતન) તરીકે ઓળખાતા વિશાળ રહેણાંક વિસ્તારમાં ફેલાયેલી હતી. તેઓ કહે છે કે 1970 ના દાયકાથી યુદ્ધના અંત પછી સરહદ-વિસ્તારના ડાકુઓ દ્વારા કરાતા હુમલા સામે સુરક્ષા વ્યવસ્થાના અભાવે તેમાંથી ઘણાને અન્ય ગામોમાં અથવા મહેન્દ્રગંજની સીમમાં સ્થળાંતર કરવાની ફરજ પડી. મહેન્દ્રગંજ ઝિકઝાક બ્લોકમાં આવેલ મોટી નગરપાલિકા છે, લગભગ 600 લોકોની વસ્તી ધરાવતું તેમનું ગામ બગીચા આ બ્લોકનો જ એક ભાગ છે. અનારુલ ઉમેરે છે કે વાડ ઊભી કરવાને કારણે થયેલા નુકસાન માટે સરકારે લોકોને વળતરની વિવિધ રકમની ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું, પણ તેમાંના ઘણાને આપેલા વચન મુજબની પૂરેપૂરી ચૂકવણી હજી બાકી છે.
સરહદના પ્રવેશદ્વાર સવારે 8 વાગ્યે ખુલે છે અને સાંજે 4 વાગ્યે બંધ થાય છે. આ સિવાયના સમયગાળામાં તે બંધ રહે છે. કામ પર જતા ખેડૂતોએ માન્ય ઓળખ પુરાવા અને હસ્તાક્ષર અથવા અંગૂઠાની છાપ સાથે તેમના નામ નોંધાવવા પડે છે અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) નોંધપત્રકમાં દરેક આવાગમનની નોંધ કરે છે. અનારુલ કહે છે, “તેઓ કડક છે. ઓળખના પુરાવા વિના કોઈ જ પ્રવેશ નહીં. ઓળખનો પુરાવો લાવવાનું ભૂલી જાઓ તો તમારો આખો દિવસ નકામો ગયો સમજો."
તેઓ કામ પર જાય ત્યારે જમવાનું સાથે લઈ જાય છે, “ભાત અથવા રોટલી, દાળ, શાક, માછલી, બીફ…” તેઓ બધું એલ્યુમિનિયમના વાસણમાં મૂકી દે, તેને પ્લેટથી ઢાંકી દે અને પછી તેને ગમછા, સુતરાઉ ટુવાલથી બાંધીને સાથે લઈ જાય છે. તેઓ સરહદના પ્રવેશદ્વાર પર મઝાર, એક ધાર્મિક સ્થળની નજીકના કૂવામાંથી પાણી ભરે છે. પાણી ખલાસ થઈ જાય તો તેમણે 4 વાગ્યા સુધી તરસ્યા રહેવું પડે અથવા ફરી એકવાર આવાગમનના પ્રોટોકોલ અનુસરવા પડે, જો કે તેઓ કહે છે કે ઘણી વખત બીએસએફના જવાન આમાં મદદ કરે છે. અનારુલ કહે છે, "જો મારે પાણી પીવું હોય તો મારે આટલે દૂર સુધી આવવું પડે, ફરીથી આ બધી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડે અને પ્રવેશદ્વાર ખોલવા માટે ઘણી વાર લાંબો સમય રાહ જોવી પડે. મારા જેવો ખેડૂત આ બધું શી રીતે કરે?"
સવારે 8 થી સાંજના 4 સુધીની નિયત કડક સમયમર્યાદા પણ અવરોધો ઊભા કરે છે. મહેન્દ્રગંજના ખેડૂતો પરંપરાગત રીતે વહેલી સવારથી સૂર્યોદય પહેલા જ ખેતર ખેડે છે. અનારુલ કહે છે, “વાસી ભાત કે રાતના ભોજનમાંથી વધ્યુંઘટ્યું ખાઈને સવારે 4 વાગ્યે અમે અમારા ખેતરમાં કામ શરૂ કરીએ અને સૂરજ ચડતા સુધીમાં તો અમે અમારું કામ પૂરું કરી દઈએ. પરંતુ અહીં તો પ્રવેશદ્વાર જ સવારે 8 વાગ્યે ખુલે છે અને હું ભર તડકામાં કામ કરું છું. આનાથી મારા સ્વાસ્થ્યને અસર પહોંચે છે.”
તેઓ આખું વર્ષ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે. પ્રવેશની મંજૂરી આપવામાં આવે તે પહેલાં બીએસએફ એકેએક વસ્તુની જડતી લે છે. મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. તેમણે પોતાનો મોબાઇલ ફોન પ્રવેશદ્વાર પર જમા કરાવવો પડે અને વળતા પાછો લઈ જવો પડે છે. દરેક ખેતઓજાર અને સાથે લઈ જવાતી બીજી તમામ વસ્તુઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પાવર ટિલર્સની જેમ ટ્રેકટરોને પણ મંજૂરી આપવામાં આવી છે, અને અનારુલ કેટલીકવાર આખા દિવસ પૂરતું તે ભાડે લે છે, પરંતુ જો કોઈ ઉચ્ચ અધિકારી સરહદની મુલાકાત લેવાના હોય તો તેઓને અટકાવી શકાય. અમુક સમયે ગાયોને પણ અટકાવવામાં આવે છે, અને અનારુલ કહે છે કે આવી સ્થિતિમાં ગાયોને દિવસ દરમિયાન બીજે ક્યાંક રાખીને અને ખેતરમાં કામ કરવું મુશ્કેલ બને છે. તેમણે ગયા વર્ષે તેમની ત્રણ ગાયો વેચી દીધી હતી, અને એક ગાય અને એક વાછરડાને લીઝ પર આપી દીધા છે, તેથી જો જરૂરી હોય તો હવે ગાય ભાડે લે છે અને તેને પોતાની સાથે ખેતરમાં લઈ જાય છે.
સરહદના પ્રવેશદ્વાર પર બીજ પણ તપાસવામાં આવે છે, અને શણ અને શેરડીનાં બીજ લઈ જવાની મંજૂરી નથી - જે કંઈ પણ ત્રણ-ફુટથી વધુ ઊંચું ઉગે છે તેને મંજૂરી નથી જેથી દ્રષ્ટિ અવરોધાય નહીં.
તેથી અનારુલ શિયાળામાં કઠોળ, ચોમાસામાં ડાંગર અને વર્ષ દરમિયાન પપૈયા જેવા ફળો અને મૂળા, રીંગણ, મરચાં, દૂધી, સરગવો જેવા શાકભાજી અને લીલા પાંદડાવાળા શાકભાજીનું વાવેતર કરે છે. જુલાઈથી નવેમ્બર દરમિયાન ડાંગરની સિઝન દરમિયાન, અનારુલ કેટલીકવાર તેની કેટલીક જમીન ગણોતપટે આપે છે અને બાકીનો સમય તે જાતે ખેડે છે.
આ ઉપજ અહીંથી પાછી ઘેર લઈ જવી એ એક બીજો પડકાર છે - થોડા અઠવાડિયાની લણણી પછી ડાંગરની ઉપજ આશરે 25 ક્વિન્ટલ, બટાકાની બીજા 25-30 ક્વિન્ટલ જેટલી થઈ શકે. અનારુલ કહે છે, "હું એ બધું માથે ઊંચકીને લઈ જઉં અને તે માટે 2-5 ખેપ કરવી પડે." પહેલા તેઓ ઉપજને પ્રવેશદ્વાર સુધી લાવે પછી તેને બીજી બાજુ ખેંચી જાય ને પછી ફરી ત્યાંથી રસ્તાની બાજુમાં લઈ જાય અને તેને ઘેર અથવા મહેન્દ્રગંજના બજારમાં લઈ જવા સ્થાનિક પરિવહનની રાહ જુએ છે.
ક્યારેક પશુઓ સરહદ પાર કરીને રખડતા હોય અથવા ગંજીમાં ખડકેલું ઘાસ ચોરાઇ જાય ત્યારે લડાઈ શરુ થાય. ક્યારેક સરહદના સીમાંકનને લઈને અથડામણો થાય. અનારુલ કહે છે કે, "લગભગ 10 વર્ષ પહેલાં હું મારા ખેતરમાં કામ કરતો હતો અને મારા જ ખેતરમાં એક નાના ઉપસેલા વિસ્તારને સમથળ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે મારી અને કેટલાક બાંગ્લાદેશીઓ વચ્ચે મોટી લડાઈ થઈ હતી. બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડના જવાનો તરત જ ત્યાં દોડી આવ્યા અને જમીન બાંગ્લાદેશની છે એમ કહી મને ખોદકામ બંધ કરવાનું કહ્યું." અનારુલે ભારતીય બીએસએફને ફરિયાદ કરી. સ્થાનિકોનું કહેવું છે કે ભારત અને બાંગ્લાદેશના સુરક્ષા દળો વચ્ચે 'શાંતિ વાટાઘાટો' અને દલીલોના અનેક દોર બાદ આખરે વાંસથી સરહદ ખેંચવામાં આવી. ટૂંક સમયમાં જ આ વાંસ ગાયબ થઈ ગયો. અનારુલ કહે છે કે તેણે લગભગ બે વીઘા જમીન ગુમાવી અને તે જમીનની પુન :પ્રાપ્તિ હજી બાકી છે. તેથી વારસામાં મળેલા સાત વીઘામાંથી તે માત્ર પાંચ વીઘામાં જ ખેતી કરે છે.
જો કે ભારતીય અને બાંગ્લાદેશી ખેડૂતો એકબીજાથી થોડાક જ મીટર દૂર આવેલા માત્ર એક સરહદથી જ અલગ પડેલા ખેતરોમાં સાથે કામ કરે છે, તેમ છતાં અનારુલ કહે છે, “હું તેમની સાથે વાત કરવાનું ટાળું છું કારણ કે સુરક્ષા દળોને તે પસંદ નથી. તેમને જરા સરખી પણ શંકા જાય તો મારે ખેતરે પહોંચવું અઘરું બની જાય. હું ખાસ કંઈ બોલતો નથી. તેઓ કંઈ સવાલો પૂછે તો પણ હું ચૂપ રહેવાનો ડોળ કરું છું. ”
તેઓ આરોપ મૂકે છે, ‘ચોર મારા શાકભાજી ચોરી જાય છે. પરંતુ મને કોઈ ફરિયાદ નથી. તેમને ઇમાન [અખંડિતતા] જેવું કંઈ નથી, પરંતુ મારા પર અલ્લાહના આશીર્વાદ છે." સરહદી વિસ્તારો પશુઓની દાણચોરી માટે કુખ્યાત છે અને મહેન્દ્રગંજના રહેવાસીઓનું કહેવું છે કે ડ્રગ્સ (માદક દ્રવ્યો) ની દાણચોરી પણ વધી છે. 2018 માં અનારુલે 28 વર્ષના એક યુવાનને 70000 રુપિયા ઉધાર આપ્યા હતા. તેઓ વ્યાજ રૂપે વધારાના 20000 રુપિયા મેળવવાની આશા રાખતા હતા. ડ્રગ્સ લેવાને કારણે તે યુવાન તરત જ મૃત્યુ પામ્યો હતો. અહીંના લોકો કહે છે કે સરહદ પારથી આ ‘ગોળીઓ’ની દાણચોરી કરવામાં આવી હતી. અનારુલ કહે છે, “ડ્રગ્સ મેળવવા સરળ છે. કોઈએ ફક્ત તે વાડની બીજી બાજુથી ફેંકી દેવાના જ હોય છે. જો તમને બરોબર ફેંકતા આવડે તો તમે સરળતાથી ડ્રગ્સની હેરફેર કરી શકો." બાકી લેણી નીકળતી લોનથી ચિંતિત અનારુલે યુવકના પરિવાર સાથે વાત કરી, જેઓ અંતે 50000 રુપિયા પાછા આપવા સંમત થયા.
પોતાના ધીરધારના કામ વિશે વાત કરતા તેઓ ઉમેરે છે, “હું મારા મોટા પરિવારનું ગુજરાન ચલાવી શકતો નહોતો. તેથી જ્યારે મારી પાસે થોડાઘણા પૈસા હોય ત્યારે હું તે બીજા લોકોને વ્યાજે ધીરું છું. મારે પૈસાની જરૂર છે એટલા માટે."
વાડને કારણે સિંચાઈ અને ગટર માટે પણ અવરોધો સર્જાયા છે. જુલાઇ-ઓગસ્ટમાં ભારે વરસાદ પડે તો અનારુલની વરસાદી જમીન પાણીમાં ગરકાવ થઈ જાય છે, અને પાણી બહાર કાઢવાનો કોઈ રસ્તો નથી. કડક નિયમો અને ચોરોના ડરને કારણે પ્લોટમાં પંપ રાખવો અશક્ય છે. અને એ ભારે મશીનને રોજેરોજ લાવવું-લઈ જવું મુશ્કેલ છે. જમીનને સમથળ બનાવવા માટે જેસીબી જેવા મોટા મશીનો લઈ જવાની મંજૂરી નથી. તેથી તેઓ એક-બે દિવસમાં પાણી નીકળી જાય ત્યાં સુધી રાહ જુએ છે અને ભારે પૂર દરમિયાન પાણી નીકળતા બે અઠવાડિયા પણ લાગી જાય. આનાથી તેમનો પાક બરબાદ થઈ જાય છે અને આ નુકસાન વેઠવા સિવાય અનારુલ પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
ખેતમજૂરોને દાડીએ રાખવામાં પણ ઘણી સમસ્યાઓ છે, કારણ કે જેમની પાસે ઓળખનો માન્ય પૂરાવો હોય તે જ લોકોને અનારુલ દાડીએ રાખી શકે. તેઓ કહે છે કે દરેક માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બને છે, અને ખેતરમાં એવું કોઈ મોટું વૃક્ષ પણ નથી જેની છાયામાં આરામ કરી શકાય. તેઓ કહે છે, “શ્રમિકોને આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ લાગે છે." અને એક વખત તેઓ તેમની જમીનની ક્યાં આવેલી છે તેનો ઉલ્લેખ કરે તે પછી શ્રમિકો ખચકાય છે. પરિણામે અનારુલને એકલા જ કામ કરવાની ફરજ પડે છે, જોકે કેટલીકવાર તેઓ તેમની પત્ની અથવા કુટુંબના કોઈ સભ્યને મદદ માટે લઇ જાય છે.
પરંતુ મહિલાઓ માટે સરહદના ખેતરોમાં શૌચાલયોનો અભાવ જેવી વધારાની સમસ્યાઓ છે. બાળકોને બફર ઝોનમાં લઈ જવાની મંજૂરી નથી, અને તેઓ કહે છે કે જે મહિલા શ્રમિકોને તેઓ દાડીએ રાખે તેઓ કેટલીકવાર બાળકો સાથે આવી પહોંચે છે.
અનારુલ કહે છે કે તેમના ત્રીજા કામ - બાંધકામ સ્થળ પરના કામ - માં તેઓ સ્થિર આવક મેળવી શકે છે. આ વિસ્તારમાં, સામાન્ય રીતે 15-20 કિલોમીટરની ત્રિજ્યામાં વિવિધ જાહેર અને ખાનગી વિકાસ યોજનાઓમાં નિયમિત બાંધકામ ચાલતું હોય છે. ક્યારેક તેઓ લગભગ 80 કિલોમીટર દુર તુરા જાય છે. (જો કે લોકડાઉન અને કોવિડ -19 ના ગયા વર્ષ દરમિયાન તે બંધ થઈ ગયું છે). અનારુલ કહે છે કે આશરે ત્રણ વર્ષ પહેલાં તેઓ 3 લાખ રુપિયા કમાયા હતા અને તેમણે સેકન્ડ હેન્ડ મોટરબાઈક અને પોતાની પુત્રીના લગ્ન માટે સોનું ખરીદ્યું હતું. જો કે સામાન્ય રીતે તેઓ દિવસના 700 રુપિયા કમાય છે અને બાંધકામ સ્થળોએ શ્રમિક તરીકે કામ કરી વર્ષેદહાડે 1 લાખ રુપિયા કમાઈ લે છે. તેઓ સમજાવે છે, "તે મને તાત્કાલિક આવક આપે છે જ્યારે મારા ડાંગરના ખેતરમાંથી કમાણી કરવા મારે ઓછામાં ઓછા ત્રણ મહિના રાહ જોવી પડે છે."
અનારુલ શિક્ષણને ઘણું મહત્વ આપે છે. તેમના મોટા ભાઈ ભૂતપૂર્વ શાળા-શિક્ષક છે. તેમની 15 વર્ષની દીકરી શોભા બેગમ 8 મા ધોરણમાં છે, તેમનો 11 વર્ષનો દીકરો સદ્દામ ઇસ્લામ 4 થા ધોરણમાં અભ્યાસ કરે છે, અને છ વર્ષની સીમા બેગમ 3 જા ધોરણમાં છે. તેમની 21 થી લઇને 25 વર્ષની ઉંમરની ત્રણ મોટી દીકરીઓના લગ્ન થઈ ગયેલા છે. અનારુલને બે પત્નીઓ છે, જીપ્સીલા ટી. સંગમા અને જકીદા બેગમ, બંનેની ઉંમર લગભગ 40 વર્ષ છે.
તેઓ કહે છે કે તેમની ઈચ્છા હતી કે તેમની મોટી દીકરીઓ સ્નાતક કક્ષા સુધી અભ્યાસ કરે, પરંતુ “સિનેમા, ટીવી, મોબાઈલ ફોનોની અસર હેઠળ તેઓ કોઈના પ્રેમમાં પડ્યાં અને પછી લગ્ન કરી લીધાં. મારા બાળકો મહત્વાકાંક્ષી નથી અને તેનું મને દુ:ખ છે. તેઓ ન તો સખત મહેનત કરે છે અને ન તો અભ્યાસ કરે છે પરંતુ મને નસીબ પર વિશ્વાસ છે અને હું આશા રાખું કે તેઓને તેમના જીવનમાં ખુશી મળશે.”
2020 માં અનારુલ કાજુના વ્યવસાયમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચારી રહ્યા હતા પરંતુ બીએસએફએ જાહેરાત કરી કે કોવિડને કાબૂમાં રાખવા સરહદના પ્રવેશદ્વાર બંધ રહેશે અને ખેડૂતોને તેમની જમીન પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અનારુલ કહે છે કે પરિણામે તેમણે તેમની કેટલીક પેદાશ ગુમાવી દીધી. જો કે સોપારીના રોપાઓ પર તેમને થોડોઘણો નફો થયો હતો.
ગયા વર્ષે, સરહદના પ્રવેશદ્વાર 29 મી એપ્રિલ સુધી સંપૂર્ણપણે બંધ હતા, ત્યારબાદ ધીરે ધીરે આખરે નિયમિત કલાકો પુન:સ્થાપિત ન થાય ત્યાં સુધી ખેડૂતોને 3-4 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવી હતી .
ઘણા વર્ષોથી અનારુલે બીએસએફના કેટલાક જવાનો સાથે મિત્રતા કરી છે. તેઓ કહે છે, “કેટલીક વાર મને તેમના માટે ખરાબ લાગે છે. તેઓ તેમના પરિવારથી ખૂબ દૂર રહે છે અને અમારી રક્ષા કરવા માટે અહીં આવ્યા છે." તેઓ (અનારુલ) કહે છે કે કેટલીક વાર ઇદના તહેવારો દરમિયાન તેઓએ તેમને (બીએસએફના જવાનોને) ઘેર જમવા બોલાવ્યા છે, અથવા પ્રસંગોપાત તેઓ તેમના માટે ભાત અને માંસની ગ્રેવી લઈ જાય છે. અને કેટલીકવાર તેઓ (બીએસએફના જવાનો) પણ તેમને (અનારુલને) સરહદની બંને તરફ આવ-જા કરતી વખતે ચા આપે છે.
આ પત્રકારનો પરિવાર મહેન્દ્રગંજનો છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક