સંદિપન વાળવે માટે આ વિનંતી અજુગતી નહોતી. મૃતક મહિલાના સંબંધીઓએ ચમકતી લીલી સાડી આપીને તેમને કહ્યું, “મહેરબાની કરીને મૃતદેહને અગ્નિદાહ દેતા પહેલા શરીર ઉપર આ ઓઢાડો" તેમને કહેવામાં આવ્યું એ પ્રમાણે તેમણે કર્યું.
મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ શહેરના સ્મશાનગૃહમાં કતારમાં રાખેલા 15 મૃતદેહોમાંથી વાળવેએ તેમને જે મૃતદેહ પર સાડી ઓઢાડવાનું કહેવામાં આવ્યું હતું તે તેમણે શોધી કાઢ્યો. પોતાની પીપીઇ કીટ પહેરીને, ગ્લવ્ઝ પહેરી રાખીને સફેદ હવાચુસ્ત બોડી-બેગ ઉપર શક્ય તેટલી વ્યવસ્થિત રીતે તેમણે સાડી ઓઢાડી. તેમણે કહ્યું, "તેમના સંબંધીઓને ડર હતો કે ક્યાંક એ લોકોને પોતાને વાયરસનું સંક્રમણ થઈ ન જાય."
ઓસ્માનબાદની મ્યુનિસિપલ કાઉન્સિલના કાર્યકર 45 વર્ષના વાળવે માર્ચ 2020 માં ભારતમાં મહામારીની શરૂઆત થઈ ત્યારથી કોવિડ -19 ના દર્દીઓના મૃતદેહોનો નિકાલ કરી રહ્યા છે. ત્યારથી માંડીને આજ સુધીમાં તેમણે 100 થી વધુ અંતિમ સંસ્કાર કર્યા છે. (કોવિડ -19 ની) પહેલી લહેર કરતા બીજી લહેર વધુ તીવ્રતાથી ગ્રામીણ પ્રદેશોમાં પ્રવેશીને ફેલાઈ છે, અને તેઓ કહે છે કે આ વર્ષે એપ્રિલની શરૂઆતથી રોજના આશરે 15-20 મૃતદેહો સ્મશાનમાં લાવવામાં આવે છે. પરિણામે વાળવે અને તેમના સહકાર્યકરો પર કામનું દબાણ વધ્યું છે, અને લોકોમાં અતિશય ગભરાટ ફેલાયો છે.
વાળવે કહે છે, "વાયરસના ડરથી કેટલાક તેમના સ્વજનોની અંતિમવિધિમાં હાજર રહેવાનું પણ ટાળતા થઈ ગયા છે. તેથી તેઓ અગ્નિદાહ દેતા પહેલા મૃત વ્યક્તિ માટે કેટલીક મૂળભૂત વિધિઓ કરવાનું અમને કહે છે. આ મુશ્કેલ સમય છે. મૃતકના પોતાના કહી શકાય એવા કોઈ કુટુંબીજનો હાજર ન હોય તે રીતે બળતી ચિતાઓ જોઈ હૃદયમાં શૂળ ભોંકાય છે. આશ્વાસન એટલું જ છે કે મૃતકોને ખબર નથી કે તેમની અંતિમવિધિ શી રીતે થાય છે."
ભય ઉપરાંત પ્રતિબંધોને કારણે પણ સંબંધીઓ દૂર રહે છે. કોવિડ -19 ની બીજી લહેર સાથે મૃતાંક વધતા સામાન્ય રીતે સ્મશાનગૃહની અંદર ફક્ત એક જ સબંધીને મંજૂરી મળે છે. બાકીના લોકો અંતિમ વિદાય પણ આપી શકતા નથી. તેમણે શારીરિક અંતર જાળવીને એકબીજાને સાંત્વના આપવાના નવા રસ્તાઓ શોધવા પડે છે. ઘણાને માટે તેમના પ્રિયજનોના મૃત્યુનો મલાજો જળવાય એ સુનિશ્ચિત કરવું પડકારરૂપ બને છે.
સુનીલ બડૂરકર જ્યારે તેમના પિતાના મૃતદેહને ઓળખવા માટે મોર્ગમાં દાખલ થયા ત્યારે તે ક્ષીણ થવા માંડ્યો હતો. ઓસ્માનબાદમાં 58 વર્ષના નિવૃત્ત જીલ્લા પરિષદના અધિકારી કહે છે, "દુર્ગંધ અસહ્ય હતી. મારા પિતાનો મૃતદેહ એ અનેક મૃતદેહોમાંનો એક હતો, અને તેમાંથી કેટલાક તો વધુ બગાડવા માંડ્યા હતા."
સુનિલના પિતા 81 વર્ષના મનોહરને (કોવિડનું) પરીક્ષણ પોઝિટિવ આવ્યા પછી 12 મી એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક દિવસ પછી તેમનું મૃત્યુ થયું. સુનિલ યાદ કરે છે, "તે દિવસે શહેરમાં મોટી સંખ્યામાં લોકો મુત્યુ પામ્યા હતા. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તમામ વ્યવસ્થા પર એટલો બધો ભાર હતો કે અમે 24 કલાક પછી જ તેમના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી શક્યા. જ્યારે કોઈ કોવિડ દર્દી મારા પિતાની જેમ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામે છે ત્યારે મૃતદેહને ઓસ્માનાબાદની ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે મોર્ગમાં લઈ જવામાં આવે છે, અમારે ત્યાં જઈને તેની ઓળખ કરવી પડે છે. ત્યાંથી મૃતદેહોને એમ્બ્યુલન્સ વાનમાં સ્મશાને મોકલવામાં આવે છે. ”
સ્મશાનમાં ચિતા તૈયાર રાખવામાં આવે છે. કાર્યકરો સળંગ 15-20 ચિતાઓમાં દરેક પર એક-એક મૃતદેહ મૂકે છે. પછી એકસાથે અગ્નિદાહ દેવાય છે. બડૂરકર કહે છે, "આમાં મૃત્યુનો મલાજો જળવાતો નથી."
મહારાષ્ટ્ર સરકારના સત્તાવાર અંદાજ મુજબ ઘણા વર્ષોથી ગ્રામીણ દુર્દશા, પાણીની તંગી અને ખેડૂતોની આત્મહત્યા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રના મરાઠાવાડા ક્ષેત્રના ઓસ્માનાબાદ જિલ્લામાં માર્ચ 2020 થી માંડીને આજ સુધીમાં કોવિડ -19 ને કારણે 1250 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, અને 56000 થી વધુ લોકોનું (કોવિડ - 19 માટેનું) પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે. જીવલેણ બીજી તરંગથી મુખ્યત્વે ખેતીપ્રધાન વિસ્તારના પહેલેથી જ દેવામાં ડૂબેલા અને તબીબી ખર્ચાઓને પહોંચી વળવા જેમની પાસે માંડ કંઈ બચ્યું છે એવા વર્ગને સૌથી મોટો ફટકો પડ્યો છે.
હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે કેટલાક કિસ્સાઓમાં તો પરિવારો મૃતદેહોનો દાવો કરવા માટે પણ આગળ આવ્યા નથી, મોટે ભાગે એની પાછળનું કારણ તેમને ડર હોય છે કે ક્યાંક તેમને પોતાને પણ વાયરસનું સંક્રમણ થઈ જશે અને તેમને દેવામાં વધુ ઊંડા ધકેલી દેશે.
કેટલાક શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્માનાબાદમાં મુસ્લિમ કાર્યકરોનું એક જૂથ જે મૃતદેહોનો દાવો કરવા કોઈ આગળ ન આવ્યું હોય તેમના મૃત્યુનો પણ મલાજો જળવાય એ સુનિશ્ચિત કરે છે. 8-10 સ્વયંસેવકોમાંના 34 વર્ષના બિલાલ તાંબોલી કહે છે, "બીજી લહેરમાં અમે 40 થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કર્યા છે." અને મહામારી શરૂ થઈ ત્યારથી 100 થી વધુ. “હોસ્પિટલ અમને જણાવે છે અને પછી અમે આગળ વધીએ છીએ. જો મૃતક મુસ્લિમ કુટુંબનો હોય તો અમે મુસ્લિમો કરે છે તે પ્રમાણે વિધિઓ કરીએ. જો મૃતક હિન્દુ હોય તો અમે હિન્દુ વિધિ કરીએ. વાત મૃત્યુનો મલાજો જાળવવાની છે.”
બિલાલને ચિંતા છે કે ક્યાંક એવું ન લાગે કે તેઓ તેમના જૂથના પ્રયત્નોનો પ્રચાર કરે છે. તે માને છે કે એ બરોબર ન લાગે. અને પોતાના સ્વૈચ્છિક કાર્ય સાથે સંકળાયેલા જોખમથી તેઓ વાકેફ છે. બિલાલના લગ્ન થયેલા નથી. તેઓ ઉમેરે છે, "મને મારા પરિવારની વધારે ચિંતા છે. મને વાયરસનું સંક્રમણ થાય ને મારું ભલે ને ગમે તે થાય મને કોઈ રંજ નથી. પરંતુ હું મારા માતાપિતા, ભાઈ અને બહેન સાથે રહું છું. અમારું ઘર સામાજિક અંતર જાળવી શકાય એટલું મોટું નથી. હું શક્ય તમામ સાવચેતી રાખું છું - અને દરેક અંતિમવિધિ પહેલાં મનોમન મૌન પ્રાર્થના કરું છું."
પરિવારો કહે છે કે કોવિડકાળમાં અંતિમસંસ્કારનું સ્વરૂપ અંતને સ્વીકારવાનું અથવા તેનો સામનો કરવાનું મુશ્કેલ બનાવે છે. ઓસ્માનાબાદ શહેરની સીમમાં રહેતા 36 વર્ષના ખેડૂત દિપાલી યાદવ કહે છે, "કુટુંબમાં મૃત્યુ એક દુ:ખદ ઘટના છે. તમે એક કુટુંબ તરીકે તેનો શોક પાળો છો, અને એકબીજાને સહારે એક કુટુંબ તરીકે જ તેમાંથી બહાર આવો છો. લોકો મળવા આવે, દિલાસો આપે. તેનાથી જ એકબીજાને શક્તિ મળે. હવે એ બધું ય ગયું. ”
એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં જ્યારે દિપાલીના સાસુ-સસરા 24 કલાકના અંતરે મૃત્યુ પામ્યા ત્યારે દિપાલીનો આખો પરિવાર કોવિડ -19 થી સંક્રમિત હતો. તેઓ કહે છે, “મારા પતિ હોસ્પિટલમાં હતા. અમારા ત્રણ બાળકો ઘેર આઇસોલેશનમાં હતા. અને હું બીજા ઓરડામાં એકલી. આ બધું સાચું છે એ મનાતું જ નહોતું. એક તરફ ટૂંકા સમયમાં એક પછી એક કુટુંબના બે લોકોને ગુમાવવાની વાસ્તવિકતા સ્વીકારવા મનને તૈયાર કરવાના પ્રયત્નમાં હતી. બીજી તરફ મને મારા પતિની ચિંતા હતી. એ ઓરડામાં એકલા બેઠા બેઠા મારે તો ગાંડા થવાનો વારો આવ્યો હતો.”
તેમના પતિ અરવિંદ પણ ખેડૂત છે. માતાપિતાના છેલ્લા દિવસોમાં તેમની સંભાળ ન લઈ શકવાનો રંજ તેમને સતાવે છે. તેઓ કહે છે, "હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હું પીપીઇ કીટ પહેરીને સ્મશાનગૃહમાં ગયો હતો અને તેમની ચિતાઓ સળગતી જોઈ હતી. હું તેથી વધુ કંઈ ન કરી શક્યો."
45 વર્ષના અરવિંદના માતાપિતાના મૃત્યુ પાછળ શોક મનાવવાનો પરિવાર પાસે સમય જ નહોતો. તેઓ કહે છે, "બધું ધ્યાન મૃતદેહોનો દાવો કરવાની, તેમને ઓળખવાની, સ્મશાનમાં યોગ્ય રીતે સ્થાનાંતરિત કરવાની, અને પછી અંતિમવિધિ દરમિયાન પ્રોટોકોલ (શિષ્ટાચાર) નું પાલન કરવાની વ્યવસ્થા કરવામાં હતું."
“(અત્યારના સંજોગોમાં) અંતિમ સંસ્કારો માત્ર આ બધી વ્યવસ્થા સંભાળવાની વાત બનીને રહી ગયા છે. તમારી પાસે શોક મનાવવાનો સમય નથી. દુ:ખ વ્યક્ત કરવાનો સમય નથી. તમારા સ્વજનોના મૃતદેહ બળવા લાગે કે તમને સ્મશાનગૃહ ખાલી કરવાનું કહેવામાં આવે છે, કારણ પોતાના સ્વજનોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની રાહ જોઈ રહેલા બીજા લોકોને અંદર લેવાના છે. ”
અરવિંદના માતા 67 વર્ષના આશા 16 મી એપ્રિલના રોજ અવસાન પામ્યા. તેમના પિતા 80 વર્ષના વસંત બીજા દિવસે મૃત્યુ પામ્યા. હૃદયને સ્પર્શી જાય એવી વાત તો એ હતી કે સ્મશાનના કર્મચારીઓએ બંનેની ચિતા એકસાથે ગોઠવી. તેઓ (અરવિંદ) કહે છે, "તે દિવસે મને મળેલું એ એકમાત્ર આશ્વાસન હતું. મારા માતા-પિતા એકસાથે જીવ્યા અને એકસાથે જ ચિર નિદ્રામાં પોઢી ગયા. તેમના આત્માને જરૂર શાંતિ મળી હશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક