“ગધે કા દૂધ ઔર બચ્ચા મજબૂત [ગધેડાનું દૂધ, અને છોકરું મજબૂત],” આવો એક અવાજ સંભળાયો ને મેં તે તરફ આશ્ચર્યથી જોયું
ત્યાં સુખદેવ ઊભો હતો, સાથે ચૂપચાપ માથું ઝુકાવીને કાજોલ પણ ઊભી હતી. તેણી કંઈ પણ કહ્યા વગર તેની સાથે સંયમપૂર્વક (કોઈ પ્રકારના હાવભાવ દેખાડ્યા વગર) ચાલતી થઈ.
મને બહુ નવાઈ લાગી, પણ મલાડની એ શેરીના લોકો માટે આમાં કંઈ નવું ન હતું. સુખદેવે કાજોલના ગળામાં રસ્સી બાંધેલી હતી, અને તેને વ્યવસ્થિત ચલાવવા માટે તે ક્યારેક ક્યારેક રસ્તા પર લાકડી ઠપકારતો હતો.
ક્યારેક આઠ વર્ષની કાજોલની જગ્યાએ આઠ વર્ષની રાણી હોય, જે ઘેર ઘેર ફરે, અને સુખદેવ ગધેડાના દૂધના ગુણો ગણાવે. તે દિવસે રાણી ઘેર, પૂર્વ મલાડના અપ્પાપાડા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હતી. ત્યાં રાણીની સાથે કાજોલનું પાંચ વર્ષનું ખોલકું બાંધેલું હતું. સાથે બે વર્ષની લંગડી, જે પાછળના જમણા પગે ખોડવાળી જન્મી હતી, તે પણ ઘેર હતી.
તેમની સાથે સામાન્ય રીતે સુખદેવના મોટા પરિવારની માલિકીની અન્ય છ ગધેડી હતી. તેના ભત્રીજા રામદાસ પાસે 'મુડા' નામની એક ગધેડી અને તેના મોટા ભાઈ વામન પાસે પાંચ ગધેડી હતી, પણ તેના કોઈ ચોક્કસ નામ નહોતા રાખેલા.
સુખદેવની પત્ની જયશ્રી કહે છે, “સુખદેવ ફિલ્મોનો ભારે શોખીન છે.” તેથી તેમના ગધેડાઓના નામ મોટેભાગે બોલીવૂડના ફિલ્મી સિતારાઓના નામ પરથી રાખ્યા છે. ભૂતકાળમાં માધુરી દીક્ષિત કરીને એક ગધેડી પણ હતી.
ઉત્તર મુંબઈના પરા વિસ્તારના અપ્પાપાડામાં એક ટેકરી પર માણસો અને ગધેડાઓ બધા સાથે રહે છે. માણસો નજીક નજીક આવેલી ઝૂંપડીઓમાં રહે છે, જ્યારે ગધેડાઓ દોરીથી થાંભલે બાંધેલા હોય છે. પડોશીઓને તેનો કોઈ વાંધો હોય તેવું લાગતું નથી . એ જ પાડામાં રહેતો સાહિલ કહે છે કે "અમે અહીં આવ્યા તેના ઘણા સમય પહેલાં તેઓ અહીં રહેતા હતા.”
ખોલકાનો બાપ રાજા આમતેમ દોડતો અને લોકોને માથા વડે જોરથી ટક્કર /ભેટી મારતો હતો, એટલે ઘણો કુખ્યાત થઈ ગયો હતો. રાજાનો માલિક રામદાસ કહે છે, “તે ઘણી મસ્તી [ઘણું તોફાન] કર્યા કરતો હતો; ગધેડીઓને પોતાની પાછળ દોડાવતો હતો; અને શેરીમાં ચાલતા લોકોને માથા વડે જોરથી ટક્કર/ભેટી મારતો હતો, પણ ક્યારેય કોઈને ઈજા પહોંચાડતો નહોતો.” તેથી રામદાસે ચાર મહિના પહેલાં તેને ગામમાં વેચી દીધો.
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના જેનુરી તાલુકામાં ભરાતા વાર્ષિક ખંડોબા મંદિરના મેળામાં જુદા જુદા રાજ્યોમાંથી લોકો પ્રાણીઓના વેપાર માટે આવે છે. જાદવ પરિવારના સભ્યો ઘણી વખત ત્યાં ગધેડાં ખરીદતા અને વેચતા હતા. તેમની કિંમત નબળા ગધેડાના ૫૦૦૦ રૂ. થી લઈને ભારે બોજો ઉઠાવી શકે તેવા મજબૂત ગધેડાના ૨૫૦૦૦ રૂ. સુધીની હોય છે.
મેં સુખદેવને તેના ગામ વિષે પૂછ્યું, તો ગર્વથી તે મને કહે છે, “તમે સૈરત (૨૦૧૬નું મરાઠી ચિત્રપટ ) જોયું છે? તે ફિલ્મનું શુટિંગ અમારા ગામમાં થયું છે. અમે એ ગામના છીએં" આખો પરિવાર પોતાના ગામની આવી રીતે ઓળખ આપે છે, કે જ્યાં આ સફળ ચિત્રપટનું શુટિંગ થયું હતું, જે સોલાપુર જિલ્લાના કરમલામાં આવેલું છે.
તેઓ વદ્દાર જાતિના છે, (જે મહારાષ્ટ્રમાં અનુસુચિત જનજાતિની યાદીમાં સામેલ છે.) સુખદેવના પિતા અને દાદા ગધેડાં રાખતા હતા. ૫૨ વર્ષના સુખદેવ કહે છે, “અમારા ગામમાં [અને આજુબાજુના ગામોમાં,] અમે તળાવો, ઘરો, નાના બંધો બાંધવામાં મદદરૂપ થતા હતા- અમારાં ગધેડાં ત્યાં ભાર ઉપાડતાં હતાં.” ૩૮ વર્ષનાં જયશ્રી ઉમેરે છે, “અમે જેટલું કમાતા હતા, તેનાથી અમારું ગુજરાન ચાલતું હતું.”
કામ મળી રહેતું હતું, પણ સમય મુશ્કેલ હતો. “તે વખતે દુકાળ ચાલતો હતો,” સુખદેવ કહે છે. “જો અમારી પાસે ખાવા માટે રોટલા હોય તો શાક ના હોય, અમે તરસ્યા હતા, પણ પીવા માટે અમારી પાસે પાણી નહોતું.” ઉપરાંત, પરિવાર મોટો થતો જતો હતો, તેમની પાસે પોતાની જમીન નહોતી, અને સમય જતાં, કામ મળવું પણ મુશ્કેલ થઈ ગયું. તેઓને તેમના સંબંધીઓ પાસેથી મુંબઈના જંગલોમાં વિષે સાંભળ્યું હતું જ્યાં તેમનાં ગધેડાં ફરી શકે અને ચરી શકે અને તેમણે સાંભળ્યું હતું કે શહેરમાં પુષ્કળ કામ અને ઊંચું વેતન પણ મળી રહેતું.
૧૯૮૪માં, વિસ્તૃત જાદવ પરિવારનો મોટો સમૂહ - સુખદેવના માતા-પિતા, તેના છ ભાઈઓ, બાળકો- અને સમુદાયના અન્ય સભ્યો મુંબઈ આવ્યા. તેમની સાથે સો જેટલાં ગધેડાં હતાં.
સુખદેવ કહે છે કે તેઓ બધા ચાલતાં અહીં આવ્યા હતા, ફક્ત થોડાઘણા લોકો જ ટેમ્પોમાં આવ્યા હતા, કારણ કે બધાં ગધેડાં વાહનમાં લાવવાનું શક્ય નહોતું. કરમલાથી મુંબઈ આશરે ૩૨૫ કિમી અંતર કાપતાં, ૧૧થી ૧૨ દિવસ લાગ્યા હતા, તે યાદ કરે છે. “જ્યાં પણ 'ધાબા ' આવે, ત્યાં અમે જમતા હતા.
મુંબઈમાં વિશાળ ખુલ્લી જગ્યા શોધતાં, તેઓ મલાડના અપ્પાપાડામાં આવી પહોંચ્યા. બોરીવલીના નેશનલ પાર્કના વિસ્તરણ એવા આ વિસ્તારમાં તે વખતે ગાઢ જંગલ હતું. સુખદેવ કહે છે, “અમારાં ગધેડાં [જંગલમાં] ગમે ત્યાં ભટકતાં અને કંઈ પણ ચરતાં. આજે [આ વિસ્તારમાં] તમને લોકો દેખાય છે, કારણ કે પહેલાં અમે અહીં આવીને સ્થાયી થયા હતા.”
૧૯૮૦ના મધ્યમાં, મુંબઈમાં બાંધકામનું કામકાજ પૂરજોશમાં નહોતું ચાલતું, પણ તોય જાદવના પરિવારનાં ગધેડાં માટે બાંધકામની જગ્યાઓ પર અને રેલ્વે માટે, ઈંટો, રેતી, અને અન્ય સમાન પરિવહનનું પૂરતું કામ મળી રહેતું. “ઠાકુર વિલેજ, હનુમાન નગર, મહાવીર નગર, આ બધું કોણે બનાવ્યું?” સુખદેવ ઉપનગરની વસાહતોનો ઉલ્લેખ કરીને પૂછે છે. “અમે બનાવ્યું છે, અમારાં ગધેડાંએ ત્યાં કામ કર્યું છે.”
“અમારા લોકો સાથે મળીને ૧૦-૧૫ ગધેડાં લઈને સામૂહિક રીતે કામ કરતા હતા,” જયશ્રી યાદોને વાગોળે છે. “અમને એક દિવસના સામુહિક રીતે પૈસા મળતા હતા, પછી અમે અમારી વચ્ચે તે વહેંચી દેતા હતા- ક્યારેક અમને ૫૦ રૂપિયા તો ક્યારેક ૧૦૦ રૂપિયા મળતા.”
પણ ૨૦૦૯-૧૦ની આજુબાજુ, પ્રાણીઓના અધિકારો માટે કામ કરતા જૂથો (animal rights groups)એ, ગધેડાંને જે ભારે બોજ ઊંચકવો પડતો તેની સામે વાંધો ઊઠાવવાનું શરુ કર્યું. “આ સંસ્થાઓ [NGO] ના લોકોએ કહ્યું કે પ્રાણીઓ પર કોઈ જાતનો અત્યાચાર થવો જોઈએ નહીં,” રામદાસ, જે ૪૦ વર્ષનો આધેડ છે, તે ગુસ્સાથી કહે છે. તેથી બિલ્ડર્સે હવે ગધેડાં પાસેથી કામ લેતા નથી, તે વધુમાં કહે છે. “હું આ કામ મારા પિતા અને દાદાના સમયથી કરતો આવ્યો છું. તેઓ ફક્ત મારા જ નહીં, પણ આ ગધેડાંના પેટ પર પણ લાત મારી રહ્યા છે. માણસો પણ ભાર ઊંચકે છે તેની સામે કોઈને વાંધો નથી?
ઉપરાંત, સમય જતાં, ભારે મશીનરીનો ઉપયોગ વધતાં, બાંધકામના સ્થળોએ ગધેડાંનું કામકાજ ઓછું થઈ ગયું છે, જયશ્રી કહે છે. “હવે મશીનો ભાર ઊંચકે છે, જેમ અમારાં ગધેડાં પહેલાં ઊંચકતાં હતાં.” રામદાસને હજી પણ ક્યારેક ટેકરાળ ભાગો પર બાંધકામની જગ્યાએ કામ મળી રહે છે. “જ્યાં ટ્રક જઈ શકતી નથી, ત્યાં બોજ ઊંચકવા ગધેડાંનો ઉપયોગ થાય છે,” તે કહે છે, પણ આવું ભાગ્યે જ બને છે.
કામ ન મળતાં, જાદવના પરિવારના સભ્યોમાંથી કેટલાક આજીવિકાની શોધમાં કરમલા પાછા ફર્યાં, તો કેટલાક પુણે જતા રહ્યા. મુંબઈમાં રહી ગયેલા પરિવારના સભ્યોમાંથી મોટાભાગના સભ્યોને રોજિંદા વેતનવાળું કામ મળે છે,
તેઓ દિવસના ૩૦૦-૪૦૦ રુપિયા કમાય છે. “બીજું શું કામ કરીએ? અમે છૂટક મજૂરી કામ માટે અહીં તહીં ફરીએ છીએ. એક દિવસ કામ મળે, તો બાકીના બે દિવસ કામ ન મળે,” રામદાસ કહે છે. તેની પાસે હાલ મુદા નામની એક ગધેડી છે. “મારી ખુશી માટે, કારણ કે હું પ્રાણીઓ સાથે મોટો થયો છું,” તે કહે છે.
ઘણી વખત, સુખદેવનો ૨૧ વર્ષનો ભત્રીજો, તેના મોટા ભાઈ વામનનો દીકરો આનંદ, પાવર નામની એક ખડતલ ગધેડીને લઈને ફિલ્મ સિટી ગોરેગાવ જાય છે. ત્યાં આ ગધેડી કોઈ ફિલ્મ કે ટેલિવિઝન સીરિયલમાં થોડી વાર માટે બતાવાય છે, અને તેઓ ૩-૪ કલાકના શુટિંગના ૨૦૦૦ રુપિયા લઈને પાછા ફરે છે. પણ આવું કામ ભાગ્યે જ મળે છે, અને તેના માટે પાવર જેવા ખડતલ પ્રાણીની જરૂર પડે છે.
સુખદેવ અને જયશ્રી પાસે, બાંધકામના સ્થળોએ કામકાજ મળવાનું બંધ થઈ જતાં, થોડા જ વિકલ્પો બચ્યા, અને તેથી તેમણે ઘેર ઘેર દૂધ વેચવાનું કામ શરૂ કર્યું. સુખદેવનો પરિવાર ક્યારેક ક્યારેક તેઓના ગામમાં પણ દૂધ વેચ્યું હતું. સામાન્ય રીતે, બિમાર વ્યક્તિ માટે તેના પરિવારના કોઈ સભ્ય આ દૂધ લેવા માટે આવે, કારણ કે ગધેડીનું દૂધ ઘણું પૌષ્ટિક ગણાય છે.
તેઓ સવારે ૭ વાગ્યાની આસપાસ નીકળે છે (સાંજે ૪ વાગ્યે પાછા ફરે છે), અને ગ્રાહકોની શોધમાં જુદા-જુદા રસ્તે જુદી-જુદી ઝુંપડપટ્ટીઓ અને ચાલીઓમાં ફરે છે. ક્યારેક, તેઓ 50 કિલોમીટર દૂર છેક વિરાર સુધી ચાલે છે. “જ્યાં મને મારી લક્ષ્મી (ગધેડીનો ધનની દેવી તરીકે ઉલ્લેખ કરે છે) લઈ જાય છે, ત્યાં હું જાઉં છું,” સુખદેવ કહે છે.
ગધેડી જે-તે જગ્યા પર જરૂર પડે ત્યારે તરત દોહવામા આવે છે. તે દૂધ તરત ને તરત અને ખૂબ ઓછી માત્રામાં પીવાનું હોય છે. તેથી સુખદેવ અને જયશ્રી સાથે ચમચી પણ રાખે છે. “આ એક દવા છે, જેનાથી તમારી બધી ઉધરસ, તાવ, શરીરની ગરમી દૂર થઈ જાય છે. તે બાળકોના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. ડોકટરો તો હવે આવ્યા, પહેલાં આ દૂધ જ અપાતું હતું,” જયશ્રી કહે છે. તેને ખાતરી છે કે આ દૂધ માં માના દૂધ જેટલા જ પોષકતત્વો હોય છે. “એક વાર પીઓ, પછી જુઓ એ તમને કેટલા મજબૂત બનાવે છે.”
ભૂતકાળમાં, તેમના ગામમાં, જાદવપરિવાર આ દૂધની એક ચમચી ૨ રુપિયા ના ભાવે વેચતો હતો. હવે સામાન્ય રીતે તેનો ભાવ ૧૦ મિલીના ૫૦ રુપિયા છે. “જેવો દેશ તેવો વેશ,” આવું કહીને સુખદેવ કહે છે કે તે ગ્રાહક જોઈને ભાવ લે છે. “પ્લાસ્ટિકની છતવાળા ઘર (ઝૂંપડી તરફ ઇશારો કરે છે) માટે ભાવ ૩૦ રુપિયા, પાકા ઘર માટે ૫૦-૬૦ રુપિયા અને મોટા ઘરના લોકો માટે ૧૦૦ રુપિયા.” તે કહે છે કે, ઘણા એક કપ અથવા નાનો સ્ટીલનો ગ્લાસ ભરીને પણ દૂધ માંગે છે, તો તેનો ભાવ ૫૦૦ રુપિયા થાય છે. પણ આવી માગણી ભાગ્યે જ હોય છે.
શું તેઓને પૂરતા ગ્રાહકો મળી રહે છે? તેમનો ૨૦ વર્ષનો પુત્ર સુરજ જવાબ આપે છે: “ઘણા ઓછા લોકો ગધેડાના દૂધ વિષે જાણે છે. ગામના લોકો અને જૂના લોકો જ તેનું મહત્ત્વ સમજે છે. આજના જુવાન છોકરા- છોકરીઓ તેના વિષે કંઈ જ ખબર નહિ હોય.”
ઘણી વખત, લોકો સુખદેવનો ફોન નંબર અને સરનામું નોંધી લે છે, જેથી જયારે જરૂર પડે ત્યારે તેઓ દૂધ મંગાવી શકે. “લોકો અંધેરી, ખાર, નાલાસોપારા, વગેરે જગ્યાએથી અહીં [તેમના ઘેર અપ્પાપાડા] આવે છે,” જયશ્રી કહે છે.
સામાન્ય રીતે, જેમના ઘેર નવજાત બાળક હોય, અથવા પરિવારમાંથી કોઈ બીમાર હોય તેવા ગ્રાહકો ગધેડીનું દૂધ માંગે છે. “જો તમે આ દૂધ ત્રણ દિવસ સુધી પીઓ, તો તમારી બધી કમજોરી દૂર થઈ જશે. તમે ૫-૬ દિવસમાં સારા થઈ જાઓ,” જયશ્રી કહે છે. શિયાળામાં પરિવારને, શરદી અને તાવથી રાહત મેળવવા માગતા હોય, એવા વધારે ગ્રાહકો મળી રહે છે.
ઘણી વખત માબાપ પણ એક વિધિ કરવાની વિનંતી કરે છે, જેને નજર ઉતારવી એમ કહે છે . બાળકને ચમચી વડે દૂધ પીવડાવ્યા પછી, સુખદેવ અથવા જયશ્રી બાળક કે બાળકીનું માથું ગધેડીની પીઠ પર, પગે અને પૂંછડી પર અડકાડે છે. પછી જો બાળક બહુ ન રડતું હોય, તો તેઓ તે બાળક કે બાળકીને ગધેડીની નીચેથી અને ઉપરથી પસાર કરે છે. પછી થોડી ક્ષણો માટે, બાળકને હવામાં પકડી ઊંધુ કરે છે. તેઓનું અને માબાપનું માનવું છે કે, આવું કરવાથી કુદ્રષ્ટિ દૂર થઈ જાય છે.
સુખદેવ અને જયશ્રીની દિવસની કુલ કમાણી ૫૦૦-૧૫૦૦ રુપિયા જેટલી થાય છે. પણ તેઓ અઠવાડિયામાં ૩-૪ દિવસ જ કામ માટે બહાર નીકળે છે. બાકીના દિવસોમાં પોતે આરામ કરે છે અને ગધેડીને પણ આરામ આપે છે.
તેઓનું આ કામ સંપૂર્ણપણે એક ગધેડી પર નિર્ભર છે, જેણે હમણાં એક ખોલકાને જન્મ આપ્યો છે. જયશ્રી મને કહે છે કે, ખોલકું નવ મહિના તેની માતાનું દૂધ પીએ છે. પછી ગધેડી દૂધ આપવાનું બંધ કરી દે છે. જયારે કાજોલ દૂધ આપવાનું બંધ કરશે, ત્યારે તેને પણ તેના બચ્ચા સાથે વેચી દેવાશે, અને જયશ્રી અને સુખદેવ બીજી ગધેડી તેના નવજાત ખોલકા સાથે ખરીદશે. થાણે જિલ્લામાં તેમના ઓળખીતા ડીલરો પાસેથી ગધેડી અને તેના બચ્ચાની જોડી મેળવવા માટે ક્યારેક તેમને થોડો સમય રાહ જોવી પડે છે અને એજન્ટોને અગાઉથી જાણ કરવી પડે છે.
ગધેડાંને સારી રીતે દાણો-પાણી આપવા પડે છે. “તેઓ બધું ખાય છે,” જયશ્રી કહે છે. “તેઓ જંગલમાં [નેશનલ પાર્કના નજીકના જંગલ વિસ્તારમાં] પણ ફરે છે અને ચરે છે. તેઓ કાકડી, દાળ, ચોખા જે હોય તે ખાય છે.” તેમનો પ્રિય નાસ્તો જુવાર અને ઘઉંના દાણા છે. તેમના કેટલાક નિયમિત ગ્રાહકો પાસેથી તેમની વધેલી રોટલીઓ પણ તેમને મળે છે. જયશ્રી કહે છે કે તેમની ત્રણ ગધેડીઓના ખોરાક પાછળ તેમનો પરિવાર મહિને ૭૦૦ થી ૧૨૦૦ રુપિયા ખર્ચે છે.
મુંબઈ જેવા ગીચ શહેરમાં પ્રાણીઓની સંભાળ રાખવી સરળ નથી. તેમને ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. જયારે જાદવ પરિવાર તેમને આજુબાજુ ફરવા માટે છોડી દે છે ત્યારે સામાન્ય રીતે તે સાંજ સુધીમાં પાછા ફરે છે. પણ ઘણી વખત એવું બને છે કે તેઓ દિવસો સુધી પાછા ન ફરે. “પછી અમે ગધેડાંને શોધવા લોકોને પૂછતા ફરીએ છીએ, અને શોધીને પાછા લાવીએ છીએ,” સુખદેવ કહે છે.
“જયારે ગધેડું પાછું ફરે છે, ત્યારે અમે તેના ચહેરા પરથી જાણી લઈએ છીએ કે તે અમને કંઈક કહેવા માગે છે,” સુરજ કહે છે. “તે ધક્કો મારે અથવા તેની પૂંછડી વડે મારે. જો તેનો પગમાં વાગ્યું હોય તો તે હલાવીને બતાવે છે.”
એવો પણ સમય હોય છે કે જ્યારે પ્રાણીઓ પાછાં જ નથી ફરતાં. કેટલાક ગધેડાં વર્ષો પહેલા ચાલ્યાં ગયાં ને પછી ક્યારેય મળ્યાં જ નહિ . જયારે સતત વિકસતા ગીચ શહેરમાં આવી ઘટનાઓ વધી ગઈ ત્યારે અમારા વિસ્તૃત પરિવારે તેમના પ્રાણીઓ વેચી દીધાં, અથવા કરમલા પાછા મોકલી દીધાં.
સુરજ ગધેડાંને ચાહે છે. તેણે અને તેના ૨૨ વર્ષના ભાઈ, આકાશે શાળા છોડી દીધી છે, અને જ્યાં પણ કામ મળે ત્યાં રોજિંદા વેતનવાળું કામ કરે છે. તેની પ્રિય ગુટકીને યાદ કરતાં, સુરજ કહે છે, “બાળપણથી માંડીને હું ૧૫ વર્ષનો થયો તયાં સુધી તે મારી શ્રેષ્ઠ મિત્ર હતી. હું બીજા કોઈ ગધેડા પર બેસતો નહોતો. હું કલાકો સુધી તેની સાથે જંગલમાં જતો, અને મારી બધી અંગત વાતો તેને કહેતો.” જયારે મલાડમાં ધોરીમાર્ગ ઉપર એક માર્ગ અકસ્માતમાં ગુટકી મરી ગઈ ત્યારે સુરજ કલાકો સુધી રડ્યો હતો.
જાદવ કહે છે કે જ્યારે ગધેડાં મારી જાય છે - ભારતમાં ગધેડાંની જીવનમર્યાદા ૧૫-૨૦ વર્ષ સુધીની હોય છે - ત્યારે તેમને નેશનલ પાર્કમાં ઝાડોની વચ્ચે દાટી દેવામાં આવે છે.
જાદવ પરિવાર તેમના વિસ્તારમાં આવેલા સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરીટીના ફ્લેટમાં ફરીથી રહેવાની સગવડ મેળવવા પાત્ર છે. તેઓની પાસે વસાહતના જરૂરી પુરાવા પણ છે. સુરજને આશા રાખે છે કે જ્યારે તેઓ ત્યાં રહેવા જાય ત્યારે ગધેડાંને રાખવા માટે પૂરતી જગ્યા મળી જાય. “અથવા થોડાંક ગધેડાં ત્યાં રહેશે, અને બાકીનાં ગામડે જશે,” તે કહે છે. આ સાંભળીને, સુખદેવ બોલી ઉઠ્યો, “હે ભગવાન! ક્યારેય નહીં, તેમના વગર હું ક્યાંય જઈશ નહીં.”
અનુવાદ: મહેદી હુસૈન