સૈયદ ખુર્શીદે બજેટ પર બહુ ઓછું ધ્યાન આપ્યું. આ 72 વર્ષીય આ વ્યક્તિ કહે છે, “હું કોઈ પણ ન્યૂઝ ચેનલ જોતો જ નથી. તેમાં ખબર નથી કે કેટલું સાચું છે અને કેટલો દુષ્પ્રચાર.”
તેમણે વર્તમાન બજેટમાં કરવેરાના સ્લેબમાં થયેલા ફેરફારો વિશે સાંભળ્યું છે કારણ કે વાતવાતમાં કોઈએ તેનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ હસતાં હસતાં કહે છે, “પણ હું મારા મોહલ્લામાં એવી એક પણ વ્યક્તિને નથી જાણતો કે જેને તેનાથી ફાયદો થશે. હમ અપના કમાતે હૈ ઔર ખાતે હૈ [અમે કામ કરીને બે ટંક જમી શકીએ તેટલી આજીવિકા મેળવીએ છીએ].”
સૈયદ 60 વર્ષથી વધુ સમયથી મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના ગંગાખેડ શહેરમાં દરજી છે. તેઓ માત્ર આઠ વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતા પાસેથી આ કળા શીખી હતી. જોકે, તેમનો વ્યવસાય પહેલાં જેટલો નફાકારક નથી. તેઓ સમજાવે છે, “યુવા પેઢીઓને તૈયાર કપડાં વધારે પસંદ છે.”
![](/media/images/02a-IMG20250203145616-PMN-Workers_like_us_.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG20250203145628-PMN-Workers_like_us_.max-1400x1120.jpg)
તેમનાં છ બાળકોમાંથી — 4 પુત્રો અને 2 પુત્રીઓ — માત્ર એક પુત્ર તેમની સાથે દરજીકામની દુકાનમાં કામ કરે છે જ્યારે અન્ય સ્થાનિક રીતે કરારનું કામ કરે છે. તેમની દીકરીઓ પરિણીત છે અને ગૃહિણીઓ છે
એક ઓરડાના સેટઅપમાંથી કામ કરીને, સૈયદ પોતાના માટે કામ કરતા બે કારીગરોને પગાર આપીને મહિને લગભગ 20,000 રૂપિયા કમાય છે. તેઓ કાળજીપૂર્વક જે કપડાં સીવી રહ્યા છે તેના પરથી નજર હટાવ્યા વિના ઉમેરે છે, “સદ્ભાગ્યે મારા પિતાએ આ દુકાન ખરીદી હતી તેથી મારે ભાડું ચૂકવવાની જરૂર નથી. નહીંતર કમાણી એટલી પણ ન હોત. હું વધારે ભણ્યો નથી, તેથી હું સારી રીતે વાંચી શકતો નથી.”
સરકાર બજેટમાં ઓછી આવક ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દાવો કરે છે, પરંતુ સૈયદ કહે છે, “તે માત્ર ચોક્કસ વર્ગના લોકોને જ લાભ આપે છે. અમારા જેવા કારીગરોને ભાગ્યે જ કંઈ મળે છે.”
અનુવાદ: ફૈઝ મોહંમદ