બે બાળકોને એકલે હાથે ઉછેરતા તેમના માતા કે. નાગમ્મા પૂછે છે, "શું બજેટની આ સાવ ખોટી વાર્ષિક હલફલથી અમારી જિંદગીમાં સહેજ પણ ફેર પડશે ખરો?" 2007 માં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે તેમના પતિનું અવસાન થયું હતું - આ દુર્ઘટના તેમને સફાઈ કર્મચારી આંદોલન તરફ દોરી ગઈ, હવે તેઓ ત્યાં કન્વીનર તરીકે સેવા આપે છે. તેમની મોટી દીકરી શાયલા નર્સ છે, જ્યારે નાની આનંદી હંગામી સરકારી નોકરીમાં છે.
"અમારા માટે 'બજેટ' એ એક આકર્ષક શબ્દ માત્ર છે. અમે જે કમાઈએ છીએ તેનાથી અમે અમારા ઘરનું બજેટ પણ સંભાળી શકતા નથી, અને સરકારની યોજનાઓમાંથી અમને બાકાત રાખવામાં આવે છે. બજેટ શેનું ને વાત શેની? મારી દીકરીઓને પરણાવવામાં બજેટ મને કંઈ મદદ કરશે?”
નાગમ્માના માતા-પિતા તેમના જન્મ પહેલાં ચેન્નાઈમાં સ્થળાંતર કરી ગયા હતા અને તેથી તેમનો જન્મ અને ઉછેર ચેન્નાઈમાં થયો હતો. 1995 માં નાગમ્માના પિતાએ તેમના લગ્ન પોતાની બહેનના દીકરા સાથે કરાવી દીધા હતા, તેઓ તેમના વતન, નાગુલાપુરમમાં રહેતા હતા. આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના પામુરુ નજીકના આ ગામમાં નાગમ્માના પતિ કન્નન કડિયાકામ કરતા હતા. આ પરિવારો અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ મડિગા સમુદાયના છે. નાગમ્મા યાદ કરે છે, "2004 માં, બે બાળકો થયા પછી, અમે અમારી દીકરીઓના શિક્ષણ માટે ચેન્નાઈ આવવાનું નક્કી કર્યું હતું." આમ કર્યાના ત્રણ વર્ષમાં કન્નનનું અવસાન થયું હતું .
![](/media/images/02a-WA-01-KM-Will_the_budget_help_marry_of.max-1400x1120.jpg)
![](/media/images/02b-WA-04-KM-Will_the_budget_help_marry_of.max-1400x1120.jpg)
કે. નાગમ્મા તેમની દીકરીઓ શાયલા અને આનંદી સાથે
ચેન્નાઈના ગિન્ડી નજીક સેન્ટ થોમસ માઉન્ટની સાંકડી ગલીઓમાંની એકમાં એક સાંકડા ઘરમાં રહેતા નાગમ્માની જિંદગીમાં પાંચ વર્ષ પહેલાં હું તેમને છેલ્લે મળી ત્યારથી ખાસ કંઈ બદલાયું નથી. "સોનાનો ભાવ સોવરિન દીઠ 20-30000 રુપિયા હતો ત્યારે પણ મને થતું કે એક-બે સોવરિન ખરીદવા માટે થોડી થોડી બચત કરું. [સોવરિન એટલે આશરે 8 ગ્રામ]. હવે આજે સોવરિન દીઠ સોનાનો ભાવ 60-70000 રુપિયાની વચ્ચે હોય ત્યારે મને મારી દીકરીઓને પરણાવવાનું શી રીતે પોસાય? સોનું લગ્નનો ભાગ બનવાનું બંધ થાય તો જ કદાચ અમે કંઈક વ્યવસ્થા કરી શકીએ."
વિચાર કરવા માટે થોડો સમય અટકીને તેઓ શાંતિથી ઉમેરે છે: “સોનું તો ભૂલી જાઓ - ખાવાનાનું શું? ગેસ સિલિન્ડર, ચોખા, અરે, મુશ્કેલ સમયમાં તો સસ્તામાં સસ્તું દૂધનું પેકેટ પણ પહોંચની બહાર લાગે છે. એક વર્ષ પહેલાં હું 1000 રુપિયામાં જેટલા ચોખા ખરીદતી હતી એટલા જ ચોખાના આજે મારે 2000 રુપિયા ચૂકવવા પડે છે. પરંતુ અમારી આવક તો એટલી ને એટલી જ રહી છે.”
તેઓ હાથેથી મેલું સાફ કરનાર સફાઈ કર્મચારીઓના સંઘર્ષ વિશે વાત કરે છે ત્યારે તેમની હતાશા વધુ ઘેરી બને છે, આ કર્મચારીઓને ન્યાય અપાવવા માટે જ નાગમ્મા પૂર્ણ-સમય કાર્યકર્તા બન્યા છે. તેઓ કહે છે, "તેમને માટે કંઈ સુધર્યું નથી. એસઆરએમએસ* નું નમસ્તે થયું, પણ વળ્યું શું એનાથી? ઓછામાં ઓછું એસઆરએમએસ હેઠળ અમે જૂથો બનાવી શકતા હતા અને થોડાક ગૌરવ સાથે જીવવા માટે લોન મેળવી શકતા હતા. પરંતુ નમસ્તે હેઠળ તો તેઓ અમને મશીનો આપે છે - મૂળભૂત રીતે અમને તે જ કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે જે કામ કરતા કરતા મારા પતિ મૃત્યુ પામ્યા હતા. તમે જ કહો, મશીન અમને ગૌરવ અપાવી શકશે?"
એસઆરએમએસ: ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ ફોર રિહેબિલિટેશન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ, 2007 (હાથેથી મેલું સાફ કરનાર સફાઈ કર્મચારીઓના પુનર્વસન માટેની સ્વરોજગાર યોજના, 2007) ને 2023 માં નમસ્તે અથવા એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (રાષ્ટ્રીય મશીનીકૃત સ્વચ્છતા પારિસ્થિતિકી તંત્ર) નામ આપવામાં આવ્યું. પરંતુ નાગમ્મા જણાવે છે તેમ આ યોજનાએ તો હાથેથી મેલું સાફ કરનાર સફાઈ કર્મચારીઓના જીવનમાં કોઈ બદલાવ લાવવાને બદલે તેમને એ જ કામ કરવાનું ચાલુ રાખવા વધુ મજબૂર કર્યા.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક