લીંબડીનો હાઇ-વે. હાઇ-વેમાંથી નીકળતો પાકો સિંગલ રોડ આવે. દસ-બાર કિલોમીટરે એક ગામ આવે. ગામમાં વણકરવાસ આવે. વણકરવાસમાં પાકા સિંગલ રોડની સમાંતરે કાચોપાચો રસ્તો આવે. રસ્તામાંથી નીકળતા નાનામોટા રસ્તાઓ આવે. રસ્તાઓની બંને તરફ જૂની ઢબનાં પાકાં ઘર આવે, એકાદ બે નળિયાંવાળાં પણ આવે. હાથસાળ ચાલવાથી અટકી-અટકીને આવતો ખટખટ અવાજ પણ આવે. રસ્તાઓમાંનો એક રસ્તો. આગળ જઈને સાંકડો થતો. વચ્ચે બેત્રણ લીમડાનાં ઝાડ. કિનારે એકબે બાવળ. રસ્તાના છેડે એક ઘર. ઘરમાં કાનને ગમે એવો હાથસાળનો લયબદ્ધ અવાજ. અવાજમાં ભળતો ક્યારેક માણસનો અવાજ. અવાજમાં મહેનતનો અર્થ સરવા કાન રાખનારાને સંભળાય. અર્થમાં છૂપો રંજ પણ સંવેદનશીલ માણસને સમય પસાર કરતા સંભળાય.

‘જ્યારે સાતમું પસી આઠમા ધોરણમાં મને લીમડી (લીંબડી) હૉસ્ટેલમાં મૂકી. ઈમાં તણ મયના ભણી. પેલી (પહેલી) કાચી પરીક્સા (પરીક્ષા) આપી અન ઘરે આવી. અન મારાં મમ્મીએ એવું કીધું કે ગોપાલ(મોટાભાઈ)ની સાઇડમાં દાંડી મેળવવાવાળું કોય સે નંઈ તો તારે ભણવાનું છોડ દેવું પડસે. ગોપાલભાઈએ પેલાં (ભણવાનું) છોડ્યું, ગ્રૅજ્યુઍસન પૂરું નૉતું કર્યું. પસી ગોપાલભાઈ સે ને એમના સપૉટ(સપૉર્ટ)માં હું આવી ગઈ પટોળાં વણવા માટઅ્. બીજા મોટાભાઈ ભણતા 'તા એટલઅ્ બે ભાઈબૅન  ભણી સકે એવી આર્થિક સ્થિતિ નૉતી સારી.' રેખાબહેન વાઘેલાના આ શબ્દો સરળ, પણ છેક ઊંડે ચોટ કરી જનારા. ગરીબી કેવાકેવા ધારદાર ખરબચડા ઘાટ બનાવે! પ્રેમથી અડો તોય છોલી નાખે! ચાલીસ વર્ષીય રેખાબહેન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલાનાં.

લગ્ન પછી પતિનું વલણ માફક ન આવતાં રિસાઈને પિયર આવ્યાં. મનામણાં થયાં. ફરી સાસરે ગયાં. પાછી એ જ જડતા. ના રુચતું, ના ફાવતું, છતાં એ જ વેઠવાનું ફરી પાછું આવ્યું : ‘મારા હસબન્ડ વ્યસનમાં દારૂ, જુગાર, પાનમાવા કરતા. કૅરેક્ટરમાં પણ બરાબર નૉતા. મારઝૂડ ક્યારેક-ક્યારેક થતી. પ્રૅગનન્સી વખતે મારઝૂડ કરી.' રેખાબહેનની વાતમાં જૂના ઘાની વેદના હજુ પણ પડઘાતી હતી. 'મારી દીકરીનો જન્મ થયો ને એમના અફેર વિસે ખબર પડી. પસી એમને એમ હાલ્યું એકાદ વરસ. પસી મારા ભાઈ ગોપાલ ઍક્સિડન્ટમાં ગુજરી ગયા (૨૦૧૦માં). પટોળાંનું એમનું બધું કામ બાકી હતું. મટૅરિયલવાળાના પૈસા બાકી હતા એટલઅ્ હું પાંચ મયના રોકાઈન (પિયરમાં) બધું કામ પૂરું કરી દીધું. પસી મને તેડી ગ્યા.' વેઠવામાં, વેઠીને મનને રાજી રાખવામાં, નાની દીકરીની કાળજી રાખવામાં, ડૂમાને દબાવી રાખવામાં થોડા વર્ષ ગયાં. હખેદખે દખેહખે બધું ચાલ્યા કર્યું, છેવટે, ‘નાછૂટકે ચાલતું 'તું. મારી દીકરી સાડાચાર વરસની થઈ. તરાસ (ત્રાસ) જ એટલો હતો ક હું કંટાળીન આવતી રય.' રેખાબહેને ભણતર છોડ્યા પછી શીખેલું-કરેલું કામ સાસરી છોડ્યા પછી કામમાં આવ્યું. એવું કામમાં આવ્યું કે જીવનનું ચણતર પાકું થવા લાગ્યું. એવું પાકું થવા લાગ્યું કે ગરીબીનો ધારદાર ખરબચડો ઘાટ લીસો થવા લાગ્યો.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

રેખાબહેને વીસી વટાવતા પહેલાં પટોલાં વણવાનું શરૂ કર્યું અને આજે એમની ચાલીસીમાં પણ વણે છે. વળી, પુરૂષપ્રધાન પટોળા-વણાટ-ઉદ્યોગમાં રેખાબહેન લીંબડી તાલુકામાં ડબલ ઇકતનાં અને સિંગલ ઇકતનાં પટોળાં વણતાં એકમાત્ર મહિલા છે

એવો લીસો થવા લાગ્યો કે આસપાસના વિસ્તારમાં રેખાબહેન પટોળાં વણતાં એકમાત્ર મહિલા બની ગયાં, તાણાવાણાનો સુમેળ કરતાં કુશળ કારીગર બની ગયાં. પટોળાં બનાવવાની બધી પ્રક્રિયા રેખાબહેનને હાથવગી અને આંખવગી. હાથથી વણાતા પટોળાને ઝીણી આંખે સતત જોવું પડે. રેખાબહેન ઝીણી આંખે જુએ પણ ખરાં અને જોતાં-જોતાં વણે પણ ખરાં.

ખાલી થયેલા બૉબિનને નળામાંથી કાઢીને ભરેલું બૉબિન નળામાં ભરાવી રેખાબહેને ભૂતકાળ વાગોળ્યો : ‘સ્ટાટિંગ(સ્ટાર્ટિંગ)માં હું ત્યારે અમાર હામેનું ઘર તાં દાંડી મેળવવા જતી. દાંડી મેળવવાનું એક મયનામાં સીખી ગૈ.'  નળાની અણી પર ટેરવું ફેરવી વાતને આગળ વધારી રેખાબહેને સ્પષ્ટતા કરી : ‘(પટાળાના છેડા પર) ડિઝાઇન મેળવવા સફેદ તાર(વાણો)ની દાંડી આવે એને મેળવવાની સાળ પર. બંને છેડાના તારને એટલે દાંડીને કમ્પલેટ કરો એટલે ડિઝાઇન મળી જાય. દાંડી મેળવો પસી જ પટોળાનું કામ શરૂ થાય (આગળ વધે).' નળાને સાળ પર મૂકી, સમયની થાપટ ખાધેલા બરછટ ગાલ પર હાથ ઘસી, સાળ પર કોણી મૂકી, ચિબુકને હથેળીમાં ગોઠવી રેખાબહેન હળવેથી બોલ્યાં, ‘દાંડી મેળવવા જે બેસે ને એ હમ્મેસાં ડાબી સાઇડે બેસે, અને વણાટ કામ જે કરે જેમકે પાવલા દબાવે, દોરી પકડે એ જમણી સાઇડે બેસે'. મારી મૂંઝવણ પારખી ગયાં હોય એમ એમણે તરત ચોખ પાડી : ‘સફેદ દાણો મોટા ભાગે પાંચનો (5 mm, 3 mm, 2.5 mm) આવે, (પટોળાની) કિનારીની બાજુમાં દરેક તારે એને મેળવવાનો હોય. એ મેળવો એટલે વચ્ચેની ડિઝાઇન કમ્પ્લેટ મળી જાય.' તાણામાં દાણો વણાતો જાય, વાણો બનતો જાય અને રેખીય આકાર ધરતો જાય. સીધા રેખીય આકારને વણાટ કારીગરો દાંડી કહે.

પરંપરાગત રીતે, પટોળું વણવા માટે ઓછામાં ઓછા બે જણ જોઈએ. એક જણ વણે અને એક દાંડી મેળવે. રેખાબહેન એકલાં હાથે પટોળા વણે પણ ખરાં અને દાંડી મેળવે પણ ખરા. વણતી વખતે એમની આંખો સાળ પર હોય, મન પટોળા પર પડનારી ભાત પર હોય. સમય અને શ્રમને જોઈએ તો પટોળાની વણાટ-પ્રક્રિયા ઝીણવટવાળી અને સાવચેતીપૂર્વકની, પણ નિપુણતા અને આવડતનો સુમેળ સાધતાં રેખાબહેન માટે બિલકુલ સરળ. એવું લાગે કે વિલક્ષણ સ્વપ્ન જેવી વણાટની સૂક્ષ્મ પ્રક્રિયા રેખાબહેનની આંગળીનાં ટેરવેથી સહજતાથી ઊતરતી હોય.

‘સિંગલ ઇકતમાં દાંડી વાણા પર હોય, ડબલ ઇકતમાં તાણાવાણા બંનેમાં હોય'. રેખાબહેને બે પ્રકારનાં પટોળાંની વાત કરી : એક સિંગલ ઇકત અને બીજું ડબલ ઇકત. સિંગલ ઇકતમાં પટોળાની ડિઝાઇન માત્ર વાણા પર હોય. ડબલ ઇકતમાં ડિઝાઇન તાણાવાણા બંને પર હોય. ડિઝાઇન પટોળાંને બીજા બે પ્રકારમાં પણ વહેંચે. પાટણનું પટોળું અને રાજકોટી અથવા ઝાલાવાડી પટોળું. પાટણનું પટોળું ડબલ ઇકતવાળું અને ઝાલાવાડી પટોળું સિંગલ ઇકતવાળું. ઝાલાવાડનાં પટોળાં બૅંગાલુરુના સાઇનિંગવાળા પ્રમાણમાં પાતળાં રેશમમાંથી બનેલા સિંગલ ઇકતનાં, અને પાટણનાં પટોળાં આસામ, ઢાકાનાં, વણાટ-કારીગરના દાવા મુજબ ઇંગ્લૅન્ડનાં પણ, જાડાં રેશમમાંથી બનેલાં ડબલ ઇકતનાં.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

સમય અને શ્રમને જોઈએ તો પટોળાની વણાટ-પ્રક્રિયા ઝીણવટવાળી અને સાવચેતીપૂર્વકની, પણ નિપુણતા અને આવડતનો સુમેળ સાધતાં રેખાબહેન માટે બિલકુલ સરળ. એવું લાગે કે વિલક્ષણ સ્વપ્ન જેવી વણાટની સૂક્ષ્મ પ્રક્રિયા રેખાબહેનની આંગળીનાં ટેરવેથી સહજતાથી ઊતરતી હોય

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

પરંપરાગત રીતે, પટોળું વણવા માટે ઓછામાં ઓછા બે જણ જોઈએ. એક જણ વણે અને એક દાંડી મેળવે. રેખાબહેન એકલાં હાથે પટોળા વણે પણ ખરાં અને દાંડી મેળવે પણ ખરા

રેશમને ડિઝાઇન પ્રમાણે રંગવાની અને વણવાની સંકુલ પ્રક્રિયા એટલે ઇકત. આ પ્રક્રિયા ભારતના તેલંગાણા, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં વણાટ-કારીગરો કરતા હોય છે, પણ ગુજરાતનાં પટોળાં મોંઘાં અને રાજ્યાશ્રિત ધરાવતાં ઇતિહાસવાળાં. વળી, ગુજરાતનાં પટોળાંને અજોડ અને અનન્ય બનાવે છે પટોળાં પર પડતી આકર્ષક ભાત અને ભાતના નયનરમ્ય રંગ.

લગ્ન પછી કોરાણે મુકાઈ ગયેલા વણાટકામ પર ફેર ચડવું રેખાબહેન માટે ઘણું અઘરું હતું. મન વણાટકામ-વણાટકામ કર્યા કરે, ટેરવાં તાણાવાણાનો સુમેળ સાધવા તલપાપડ થયા કરે, પણ વણાટકામ ટેરવાંથી વેંત છેટું જ રહ્યા કરે : ‘મેં વાત કરી બે-તણ વ્યક્તિને, પણ કોયને મારા પર ભરોહો નૉતો આવતો  કે આ કામ કરી હકસે. સોમાસરના જંતીભાઈએ મને છ સાડી(પટોળાં)નું કામ આપ્યું મજૂરી પર, પણ મારે ચાર વરસોનો ગાળો પડી ગ્યો 'તો એટલે પટોળાનું જેવું ફિનિસિંગ થવું જોઈએ એવું નૉતું થ્યું, એટલઅ્ ઈમનઅ્ મારું કામ થોડું કાચું લાગ્યું. પસી ઈમને બાનાં (બહાનાં) બતાઈન કામ નૉ આપ્યું.' રેખાબહેન હતાશ થયાં. કામ ફરી મળશે કે નહીં એની અવઢવમાં ફસાયાં, ગભરાયાં. ગરીબીનો રંગ જાણે પાકો થવા લાગ્યો. ખુમારી એવી કે કામ માગવું ગમે, પણ આર્થિક મદદ માગવી ન ગમે. શું કરવું – શું ન કરવું પર વિચાર કૂદકા માર્યા કરે, અને અચાનક વિચાર આવ્યો : ‘મારા ફોઈના દીકરા મનુભૈ રાઠોડનઅ્ વાત કરી. ઈમને મન કામ આપ્યું. થોડો સુધારો આવી ગ્યો 'તો. ઈમનઅ્ મારું કામ ગમ્યું. પસી રેગ્યુલર મેં ઈમને દોઢ વરસ મજૂરી પર કામ કરી દીધું. ઈમને મન સાતસો રૂપિયા એક પટોળાના મજૂરી પેટે દેતા સિંગલ ઇકતમાં. હું અને  મારી ભાભી (ગોપાલભાઈનાં પત્ની) બેય કામ કરતાં. એ માટે તણેક દિવસ થઈ જતા. ખાલી વણાટકામ જ કરવાનું (સાળ પર વણવાનું જ કામ).' રોજના દસ કલાકનું કામ, ઉપરાંત ઘરનાં બીજાં કામ તો ઊભાં ને ઊભાં જ.

વણાટની મજૂરી કરતાં રેખાબહેન માત્ર મજૂરી લગી અટક્યાં નહીં. સતત સંઘર્ષમાં રહેતા એમના જીવડાએ એમને આંગળી ચીંધીને સાહસનું ઘર બતાવ્યું. હામ ભીડીને રેખાબહેને સાહસના ઘર તરફ પગ માંડ્યાં, ‘મેં વિચાર્યું કે પોતાનું કામ કરીએ તો સારું રેય, આર્થિક સ્થિતિ મજબૂત થાય થોડી. એટલે કાચું મટેરિયલ લાવી, અન એમાંથી પાટી બાંધવાનું બારે આપ્યું. પાટી તૈયાર થઈ એટલઅ્ હું તાણો ઘરે લાવી અને પોતે વણવાનું કામ ચાલુ કર્યું. કોઈ ઑર્ડરથી નંય, પણ મેં મારી ખુદની રીતે જ કામ સરૂ કર્યું. ખુદની રીતે મેં પટોળાં બનાયાં. પસી ઘરેથી વેચાઈ ગયાં, એમ ધીમે-ધીમે મેં પ્રોડક્સન વધાર્યું'. રેખાબહેને બીજા માટે મજૂરી કરી દોઢથી બે વર્ષ. પોતાના માટે પ્રોડક્શન વધારવા કામ કર્યું અઢી વર્ષ. પરાવલંબનથી સ્વાવલંબન તરફની ગતિ ઘણી અઘરી. બહુ ઓછા ગતિ પૂરી કરી શકે. ગતિ પૂરી કરવામાં ઘણાને ઘણાં વરસ લાગે. રેખાબહેને થોડાં વરસમાં જ ગતિ પૂરી કરી. છતાં એક જ વસવસો રેખાબહેનને. ડબલ ઇકતની કારીગરી એમનાથી વેંત છેટી, પણ વેંતનું અંતર એમનાથી કપાય નહીં.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

ડિઝાઇન પટોળાંને બે પ્રકારમાં પણ વહેંચે. સિંગલ ઇકતમાં પટોળાની ડિઝાઇન માત્ર વાણા પર હોય (ડાબે - સિંગલ ઇકતનું પટોળું વણતાં રેખાબહેન). ડબલ ઇકત(જમણે)માં ડિઝાઇન તાણાવાણા બંને પર હોય

આ અરસામાં સાસરિયાં સાથેનો રહ્યોસહ્યો સંબંધ પણ છ મહિનામાં છૂટ્યો. ચોથા ધોરણમાં ભણતી દીકરી અને માનસિક તાણ, રેખાબહેનને ‘એકાદ  મયનો કંય હૂઝ્યું નંય'. પછી તો રેખાબહેનને સૂઝ્યું એટલે કેવું સૂઝ્યું! એક રીતે વિચારીએ તો રેખાબહેને પરંપરાને બીજીવાર ઠેબે ચડાવી : ‘પસી મેં ડબલ ઇકત સીખવા માટે દોઢ મયનો ટ્રેનિંગ લીધી લીંમડીમાં જ. મારા બાપુ(મોટા કાકા)ને તાં સીખી'. શીખ્યા પછી સાહસની જરૂર હતી. રેખાબહેન પાસે સાહસનો અનુભવ ખરો, પણ બીજા નવા સાહસમાંથી થનારો અનુભવ પજવનારો રહેવાનો એવું એમને સતત લાગ્યા કરતું. જીવનમાં પજવણી ઓછી ક્યાં હતી કે ભાવિ પજવણીના કાલ્પનિક વર્તુળમાં ઘુમરાયા કરવાનું! રેખાબહેન ફરી સાહસી બન્યાં, ‘મારી પાસે જે કંય બચત હતી ઈમૉંથી કાચું મટેરિયલ રેસમ (રેશમ) લાવી. ઈની મેં મારી જાતે પાટી બાંધી સોળ પટોળાંની. આ કામ કરવા તણ જણા તો જોઈએ જ. અન મું હતી એકલી. મૂંઝવણમાં તો આવી જ ગઈ 'તી. પસી વિચાર્યું જે કરવાનું સે એ મારે જ કરાવાનું સે. મન મક્કમ કરી લીધું પસી. પેલો (પહેલું) સ્ટેપ તાણો લાંબો કરવાનો થાય. ઈમૉં આઠદહ જણા જોઈએ જ તે. વાસના લોકો આવ્યા મદદ કરવા'. તાણો લાંબો કરવાની આખી પ્રક્રિયાને વણાટકારીગરો ‘પાણ કરવો' પણ કહે. પાણ કરવામાં 250 ઇંચ જેટલા લાંબા તાણાને રસ્તા પર કે ખુલ્લી જગ્યા પર ટેકાની મદદથી ખેંચવામાં આવે. ખેંચ્યા પછી તાણા પર ‘ખેળ ચડાવવા'માં આવે. ખેળ ચડાવવી એટલે કાંજી કરવી. તાણો સુકાય એટલે એને બીમ (રોલ) પર સરખી રીતે વીંટાળવામાં આવે. બીમને સાળના સામેના છેડે ગોઠવવામાં આવે કે ફિટ કરવામાં આવે. બીમ ફિટ કરવાની પ્રક્રિયાને વણાટકારીગરો ‘સાળ પર તાણી ચડાવવી' કે ‘નૉંઝવું' કહે. નૉંઝવું એટલે બીમ પરના અસંખ્ય તાર રાસ અને ફણીમાંથી યોગ્ય ક્રમમાં પસાર કરી સાળ પર ચડાવી વણવાની પ્રક્રિયા માટેની તૈયારી.

‘પસી મિસ્ટેક હું થ્યું 'તું કે માપ-સાઇઝમાં થોડો ફરક પડી જ્યો 'તો તાણાવાણામાં. એકઅ્ તકલીફ બઉ પડી ચાલુ કરવામાં. ધીમે-ધીમે પસી મેં ચાલુ કર્યું. બારથી બોલાઈ લાઈ સિખવાડવા માટે. કોઈ આવે નંય તો બેપાંચવાર બોલાવવા જવું પડે. પસી ચાલુ થઈ ગ્યું. સેટ પણ થૈ ગ્યું.'

‘સેટ પણ થૈ ગ્યું' રેખાબહેન એક રણકા સાથે બોલ્યાં. રણકામાં ડર, મૂંઝવણ, હિંમત, ધગશ બધાંનો સુમેળ પણ સંભળાય સરવા કાન કરવાવાળાને. ‘સેટ પણ થૈ ગ્યું' એટલે ડબલ ઇકતમાં તાણા પરની ડિઝાઇન વાણા પરની ડિઝાઇન એકબીજા સાથે મળવી. પટોળામાં ડિઝાઇનનું મહત્ત્વ આગવું અને આગળ પડતું. એક-એક તાર પર પડેલી ભાત પટોળા પર ભૂલ વગર બરાબર ઊઠવી જોઈએ, પટોળું ત્યારે ખરું પટોળું બને, નહિતર કારીગર માટે સસ્તું પડે.

સંકુલ ડબલ ઇકતવાળાં પટોળાં એક સમયે માત્ર પાટણના વણાટ-કારીગરો જ બનાવતા. ‘પાટણવાળા ઇંગ્લૅન્ડ બાજુથી સૂતર મંગાવે સે. આપણે સે ને બૅંગ્લોરથી મંગાઈએ સીએ. આંયાંથી બધા (પટોળાં) ખરીદે સે, સુનગર(સુરેન્દ્રનગર)માંથી, રાજકોટમાંથી પટોળાં ખરીદીન એમનો સિક્કો લગાવી દે.' 58 વર્ષીય વિક્રમ પરમારે જોયેલું અને અનુભવેલું જણાવ્યું. પછી ઉમેર્યું, 'આંયાંથી પચા, હાઈઠ, હિત્તેરમાં લઈ જાય. પસી અમુક અમારા ઠેઠ દેવા જાય અન એ લોકો એમનો સિક્કો લગાવીન ઊંચા ભાવે વેચે. ઈ લોકો તો બનાવ જ સે, પણ ઈમને આંયાં સસ્તુ પડસ.' સસ્તામાં ગયેલું ઝાલાવાડી પટોળું પાટણનું લૅબલ લઈને મોંઘુંમૂલું થઈ મહાનગરોમાં વેચાય-નો સૂર લીંબડી-પંથકના વણાટ-કારીગરો વારેવારે, મળે ત્યારે કાઢતા સંભળાય, અને એ સૂર કેવળ લીંબડી-પંથક પૂરતો જ સંભળાય એવું પણ અનુભવાય.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

વાંકળા (પીળા ટસર)ના રંગને હાઇડ્રો ક્લૉરાઇડથી સફેદ કરતાં રેખાબહેન, જમનાબહેન (રેખાબહેનનાં નણંદ), અને જયસુખ વાઘેલા (રેખાબહેનના મોટાભાઈ). આ પછી રેશમ પર કોઈ એક રંગ ચડાવવામાં આવે. વણાટ પહેલાં રેશમ પર કરવામાં આવતી ઘણી પ્રક્રિયાઓમાંની પહેલી પ્રક્રિયા

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

ઘર સામે રંગ ચડાવેલા નવા તાણાની મજબૂતી માટે કાંજી કરવા બે છેડે લાંબો કરતાં રેખાબહેન. વાસના લોકો કાંજી કરવા માટે મદદ પણ કરે

વાત લગભગ ચાલીસ વર્ષ પહેલાંની. રેખાબહેનની પેઢી પહેલાંની પેઢીના 70 વર્ષીય હમીરભાઈ લીંબડી તાલુકામાં પટોળાં-વણાટ-કારીગરી લાવ્યા. 'અરજણભઈ ભાયાવદરથી રાજકોટ લાયા.' હમીરભાઈએ જૂનું યાદ કર્યું, પછી ઉમેર્યું, 'પસી બીજા કારખાને મને ગોઠવ્યો પડખે. એક મયના પસી  કારખાનાવાળાએ મને પૂછ્યું, ચેવા સો? મેં કીધું વણકર. એકઅ્ ઈમને ઈમ કીધું કે કાલથી નૉ આવતા, તમાર ભેગું પાણી નથ પીવું.' પછી બીજા કારખાનામાં ગયા. 'પસી જે પટોળાં બનાવતા હતા (મોહનભાઈ સવાભાઈ મકવાણા, ગામ : વસ્તડી, તાલુકો :

‘પચા વરહથી વણવાનું કામ કરું સું. તીજું ધોરણ ભણતો તાંણનું વણાટકામ ચાલુ સે. પેલાં ખાદીનું કામ કરતો, ચાર પાવડીએ વણેલું સે, ટુવાલ અન ચાદરું. બે પાવડીએ વણેલી સે ખાદી, પસી ભરવાડી પસેડી (પછેડી). પસી પટોળાં આયાં. પટોળાં તરી વરહથી વણું સું.' મોટા ટીંબલાના 58 વર્ષીય પૂંજાભાઈ વાઘેલાને આટલું બોલતાં-બોલતાં મગજ પર જોર આપવું પડ્યું. પછી અચાનક સહજતાથી બોલવા લાગ્યા, ‘પટોળાં વણવાનું આંયાં જ સીખ્યો મારા કાકા (હરિભાઈ વાઘેલા) પાહેનથી. પસી કામ ચાલુ કરી દીધું, બધાં સિંગલિયાં (સિંગલ ઇકત) જ વણું સું આઠ-નવ હજાર રૂપિયાવારાં.' પત્ની જસુબહેન સામે હાથ બતાવી, પેલાં અમે સુનગર(સુરેન્દ્રનગર)મૉં પરવીણભાઈ છગનભાઈનું વણતાં. પસી આંયાં આયાં સો-હાત (6-7)  મયનાથી  રેખાબૅનનું વણીએ'.

'પડખે વણવા લઈ જાય (દાંડી મેળવવા), બસો રૂપિયા દેય. આડા પરથી પાટી ખોલવાના હાંઇઠ રૂપિયા - હિત્તેર રૂપિયા દેય. ઓસું હોય તો હાંઇઠ રૂપિયા, વધાર બાંધેલું હોય તો હિત્તેર રૂપિયા દેય. મારી દીકરી ઊર્મિલા ચાંણક કલરકામ કરવા જાય રેખાબૅનને તાં, આખો દી રેય તો બસો રૂપિયા દાડી આપે. એવું આડુંઅવળું કરીએ ન ચલાઈએ.' 55 વર્ષનાં જસુબહેન વાઘેલા ઘરમાં પડેલું આડુઅવળું ગોઠવતાં ગયાં અને બોલતાં ગયાં. પૂંજાભાઈએ સાળ પર બેવાર ટેરવું મારી બોલ્યા, ‘આ હાળબાળ બધું ઈમનું (રેખાબહેનનું)'. સાળ બનાવવાના ત્રીસથી પાંતરીસ હજાર ખર્ચ થાય. પૂંજાભાઈની ગરીબી સંતાડીને બેઠેલા શબ્દો- ‘અમારી ખાલી મજૂરી. બધાનું થઈ  મયનાના બારેક હજાર કમાતાં હઈસું'- ગરીબીને ઉઘાડી કરે છે.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

વળતર ઉપર રેખાબહેન માટે રેખાબહેનની હાથસાળ પર કામ કરતાં જસુબહેન વાઘેલા અને તેમના પતિ પૂંજાભાઈ વાઘેલા. ઉપરાંત વણાટ પહેલાંની ડિઝાઇન સંબંધિત નાનાં કામ પણ કરતાં હોય છે

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

હમીરભાઈ કરશનભાઈ ગોહિલ (૭૦ વર્ષ) અને તેમનાં પત્ની હંસાબહેન ગોહિલ (૬૫ વર્ષ). હમીરભાઈએ લીંબડી તાલુકામાં પટોળાનું વણાટકામ લાવ્યા. આજે, અહીં બનેલાં પટોળાં પર પાટણનો સિક્કો વાગી દુનિયાભરમાં લખો રૂપિયામાં વેચાય છે

પૂંજાભાઈના પરિવારને મજૂરી આપતાં રેખાબહેન પોતે પણ મજૂરીએ વળગેલાં રહે. કામ પોતાનું અને હિંમતભેર સ્વીકારેલું એટલે સમય સતત કામમાં જ જાય એવી એમની ગોઠવણી : ‘સવારે પાંચ વાગે ઊઠવાનું. રાત્રે અગિયાર વાગે સુવાનું. સતત કામ ચાલું જ ચાલું. ઘરનું ટોટલી કામ પણ કરવાનું. બારે (બહારનું, સમાજનું) કોઈ વ્યવહારનું કામ, ધંધાનું કામ, ટોટલી જવાબદારી મારા માથે જ છે.' રેખાબહેને નળાને જમણી બાજુથી ડાબી બાજુ ધકેલ્યો. નળો જમણે-ડાબે, ડાબે-જમણે ફરતો જાય, રેખાબહેનનો હાથ દાંડી મેળવતો જાય, પટોળું વણતો જાય. મને કબીર યાદ આવ્યા:

‘नाचे ताना नाचे बाना नाचे कूँच पुराना
करघै बैठा कबीर नाचे चूहा काट्या ताना'

(લેખક જયસુખ વાઘેલાનો આભાર માને છે)

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, reporter, documentary filmmaker, novelist and poet. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya