ગોકુલને દિવસ-રાત આગ સાથે ખેલ ખેલવાના હોય છે. તેઓ લોખંડને તપાવીને લાલ કરે છે, તેની પર હથોડો ટીપે છે અને તેને આકાર આપે છે. લોખંડને આગમાં તપાવતી વખતે કે પછી ટીપતી વખતે ઝરતા તણખાને કારણે તેમના કપડાંમાં અને તેમના જૂતામાં નાના-મોટા કાણા પડી જાય છે; તેમના હાથ પરના ડામ (દાઝ્યાના નિશાન) ભારતીય અર્થતંત્રનાં પૈડાં ફરતા રહે એ માટે તેમણે કરેલી તનતોડ મહેનતના પુરાવા છે.
તેમણે બજેટ વિષે સાંભળ્યું છે કે કેમ એમ પૂછવામાં આવતા તેઓ કહે છે, "ક્યા હુંદા હૈ [તે વળી શું છે]?"
સંસદમાં 2025 નું કેન્દ્રીય બજેટ રજૂ થયાને 48 કલાકથી પણ ઓછો સમય થયો છે અને આ સમાચાર દેશભરમાં પ્રસારિત થઈ ગયા છે. પરંતુ બાગડિયા સમુદાયના વિચરતા લુહાર ગોકુલ માટે કશું જ બદલાયું નથી.
ચાલીસેક વર્ષના આ લુહાર કહે છે, “જુઓ, વાત એમ છે કે અમારે માટે કોઈએ કંઈ જ કર્યું નથી. લગભગ 700-800 વર્ષ આમ ને આમ જ વીતી ગયા છે. અમારી પેઢીઓની પેઢીઓને પંજાબની ભૂમિમાં દફન થઈ ગઈ છે. આજ સુધી કોઈએ અમને કંઈ આપ્યું નથી."
ગોકુલે પંજાબના મોહાલી જિલ્લાના મૌલી બૈદવાન ગામને પાદરે એક કામચલાઉ ઝૂંપડીમાં પડાવ નાખ્યો છે. તેઓ પોતાના સમુદાયના બીજા લોકો સાથે અહીં રહે છે, તેઓ બધા મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢના છે.
તેઓ પૂછે છે, "(આજ સુધી જેમણે કંઈ આપ્યું નથી) એ લોકો હવે શું ધૂળ આપશે અમને?" સરકારે ગોકુલ જેવા લોકોને કદાચ કંઈ આપ્યું નહીં આપ્યું હોય પરંતુ તેમ છતાં પોતે ખરીદેલા લોખંડના એકેએક ટુકડા માટે ૧૮ ટકા; એ લોખંડને ઘડવા માટે તેને ગરમ કરવા સળગાવાવા પડતા કોલસા માટે પાંચ ટકા તેમણે સરકારને ચૂકવવા પડે છે એ નક્કી. હથોડા અને દાતરડા જેવા પોતાના ઓજારો માટે, અરે! પોતે જે અનાજ ખાય છે તેના એકેએક દાણા માટે પણ તેઓ સરકારને ચૂકવણી કરે છે.