અંજના દેવી માને છે કે બજેટ સમજવાનું કામ પુરુષોનું છે.
તેઓ કહે છે, "મરદ લોગ હી જાનતા હૈ એ સબ, લેકિન વો તો નહીં હૈં ઘર પર [એ બધું તો માત્ર પુરુષો જ જાણે છે પણ મારા પતિ ઘેર નથી]." જોકે ઘેર, પરિવારનું બજેટ તો અંજના દેવી જ ચલાવે છે. અંજના અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ ચમાર સમુદાયમાંથી આવે છે.
બજેટમાં કરવામાં આવેલી નવી જાહેરાતો વિશે તેમણે સાંભળ્યું છે કે નહીં એ યાદ કરવાનો પ્રયત્ન કરતા તેઓ કહે છે, "બજ્જટ [બજેટ], ઓ સબ તા હમ નાહી સુને હૈં [મેં તેના વિશે સાંભળ્યું નથી]." પરંતુ બિહારના વૈશાલી જિલ્લાના સોંધો રત્તી ગામના આ દલિત રહેવાસી કહે છે: “ઇ સબ [બજેટ] પૈસા વાલા લોગ કે લિયે હૈ [એ બધું પૈસાવાળા લોકો માટે છે].”
અમે અંજનાને મળ્યા ત્યારે તેમના પતિ, 80 વર્ષના શંભુ રામ ભજનિક તરીકે ભજનો ગાવા ગયા હોઈ ઘરથી દૂર હતા - શંભુ રામ પોતાને ઘેર રેડિયો રિપેર કરવાની વર્કશોપ ચલાવે છે. પરંતુ ગ્રાહકો ઓછા છે. અંજના કહે છે, "અમે અઠવાડિયામાં માંડ 300-400 રુપિયા કમાઈએ છીએ." એટલે તેમની વાર્ષિક સરેરાશ આવક બહુ બહુ તો 16500 રુપિયા થાય. અથવા તો કર મુક્તિ મર્યાદા હેઠળ આવતી 12 લાખ રુપિયા સુધીની વ્યક્તિગત આવકના ફક્ત 1.37 ટકા. જ્યારે તેમને વધારવામાં આવેલી કર મુક્તિની મર્યાદા વિશે કહેવામાં આવે છે ત્યારે તેઓ હસે છે. તેઓ ફરિયાદ કરે છે, "ક્યારેક તો અમે અઠવાડિયામાં 100 રુપિયાય કમાઈ શકતા નથી. આ મોબાઇલ ફોનનો જમાનો છે. આજકાલ રેડિયો સાંભળે છે કોણ?"
![](/media/images/02a-PXL_20250204_115909618-UKR-No_one_list.max-1400x1120.jpg)
![](/media/images/02b-PXL_20250204_113319245-UKR-No_one_list.max-1400x1120.jpg)
ડાબે: અંજના દેવી બિહારના વૈશાલી જિલ્લાના સોંધો રત્તી ગામમાં રહે છે. આ ગામમાં ચમાર સમુદાયના લોકોના 150 ઘરો છે, અને તેમાંથી 90 ટકા ભૂમિહીન છે. જમણે: 80 વર્ષના શંભુ રામની રેડિયો રિપેર કરવાની વર્કશોપ
![](/media/images/03-PXL_20250202_070903965-UKR-No_one_liste.max-1400x1120.jpg)
પરિવારનું બજેટ અંજના દેવી સંભાળે છે પરંતુ કેન્દ્રીય બજેટ વિષે તેઓ કંઈ જાણતા નથી
75 વર્ષના અંજના એ એવા 1.4 અબજ ભારતીયોમાંથી છે જેમની 'આકાંક્ષાઓ' આ બજેટ દ્વારા પૂરી થઈ હોવાનું વડા પ્રધાન મોદીનું માનવું છે. પરંતુ નવી દિલ્હીની સત્તાની કોરિડોરથી 1100 કિલોમીટર દૂર રહેતા અંજના એવું માનતા નથી.
શિયાળાની શાંત બપોર છે. લોકો પોતાના રોજિંદા કામકાજમાં પરોવાયેલા છે, કદાચ તેઓ બજેટથી અજાણ છે. કે પછી તેમને ખાતરી છે કે આ બજેટ સાથે તેમને કંઈ લાગતુંવળગતું નથી.
અંજનાને બજેટ પાસેથી કોઈ અપેક્ષા નથી. “સરકાર ક્યા દેગા! કમાયેંગે તો ખાયેંગે, નહીં કમાયેંગે તો ભુખલે રહેંગે [સરકાર અમને શું આપીને ઊંધી વળી જવાની છે! કમાઈશું તો જ ખાઈશું, નહીંતર ભૂખે મરીશું].”
ગામના 150 ચમાર પરિવારોમાંથી લગભગ 90 ટકા ભૂમિહીન છે. તેઓ મુખ્યત્વે દાડિયા મજૂરી કરતા શ્રમિકો છે, જેઓ મોસમી સ્થળાંતર કરે છે. તેઓ ક્યારેય કોઈ ટેક્સ બ્રેકેટમાં આવ્યા નથી.
અંજના દેવીને માસિક પાંચ કિલો અનાજ મફત મળે છે, પરંતુ તેઓ નિયમિત આવક મેળવવા માટે તલસે છે. "મારા પતિ ખૂબ વૃદ્ધ છે અને કામ કરી શકતા નથી. જીવતા રહેવા માટે અમને સરકાર તરફથી થોડીઘણી નિયમિત આવક મળી રહે તો બહુ થઈ ગયું."