એક વ્યસ્ત રાજ્ય પરિવહન બસ સ્ટેન્ડ પર બસના હોર્નના, નાસ્તા અને બોટલબંધ પાણી વેચતા ફેરિયાઓના અને અને બસના આગમન અને પ્રસ્થાનની જાહેરાતોના અવાજો વચ્ચે અનિલ ઠોંબરે મને કહે છે, “હું આ ઓટોપીથી ખૂબ ડરું છું. સહા આકડે આણિ પૈશા ગાયબ [છ આંકડા અને પૈસા ગયા]." કોઈએ તેમની પાસે ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) માગ્યો હતો અને તેમણે મારી મદદ માગી હતી.
તેમણે બજેટ વિષે, તેમના શબ્દોમાં કહીએ તો અર્થ સંકલ્પ વિષે, સાંભળ્યું છે. એક અડકિત્તા વડે સોપારી કાપતા તેઓ કહે છે, “31 મી જાન્યુઆરીએ રેડિયો પર તેના વિષે કંઈક સમાચાર હતા. સરકાર દરેક વિભાગ માટે કેટલીક જોગવાઈઓ જાહેર કરે છે. હું તેના વિશે જાણું છું. બધું નહીં તો ઓછામાં ઓછું રુપાયત દહા પૈશા [એક રુપિયામાં દસ પૈસા જેટલું]!”
અમે શાંત જગ્યાની શોધમાં છીએ એટલે તેઓ, હકીકતમાં, તેમની લાલ અને સફેદ લાકડી અમને કેન્ટીન તરફ દોરી જાય છે. ઠોંબરે એક દૃષ્ટિહીન વ્યક્તિ છે. તેઓ પ્લેટફોર્મ, ભીડ, કેન્ટીન કાઉન્ટર અને પગથિયાંથી સારી રીતે વાકેફ છે. "મને કહેવામાં આવ્યું છે કે હું એક મહિનાનો હતો ત્યારે મને ઓરી નીકળ્યા હતા અને મેં મારી દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી."
![](/media/images/02-1738822924160-MK-Mai-baap_sarkar_forget.max-1400x1120.jpg)
બારુળના સંગીતકાર અનિલ ઠોંબરે માને છે કે બજેટમાં વિકલાંગતા ધરાવતા લોકો પર વધુ ધ્યાન અપાવું જોઈએ
તુળજાપુર નગરથી 20 કિલોમીટર દૂર આશરે 2500 લોકોની વસ્તી ધરાવતા ગામ બારુળના રહેવાસી ઠોંબરે ભજની મંડળ - ભક્તિગીતો ગાતા અને રજૂ કરતા એક જૂથ - માટે તબલા અને પખવાજ વગાડે છે. આયોજકો દ્વારા આપવામાં આવતા પૈસા તેમના 1000 રુપિયાના માસિક વિકલાંગતા પેન્શનમાં ઉમેરો કરે છે. તેઓ કહે છે, "તે ક્યારેય સમયસર મળતું નથી." ઉપરાંત બેંકમાંથી તે લેવા માટે તેમને તુળજાપુર જવું પડે છે. તાજેતરમાં જ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક મકાન ફાળવવામાં આવ્યું છે અને તેઓ ટૂંક સમયમાં તેનું કામ શરૂ કરશે. 55 વર્ષના ઠોંબરે કહે છે, "તેને માટે પણ પહેલો હપ્તો મારા બેંકના ખાતામાં આવવો જોઈએ અને તે માટે મારે કેવાયસી કરાવવું પડશે."
આજે તેઓ તુળજાપુરમાં લોન્ડ્રીમાંથી પોતાના કપડાં લેવા આવ્યા છે, તેમના બારુળના એક મિત્ર કપડાં ધોવાનું કામ કરી આપે છે. તેઓ કહે છે, "હું એકલો જ છું અને ઘરનું બધું કામ હું જાતે કરું છું. રસોઈ બનાવું છું અને નળમાંથી પાણી ભરું છું. પણ સાચું કહું, કપડાં ધોવાથી હું કંટાળી ગયો છું." અને તેઓ ખડખડાટ હસી પડે છે..
ઠોંબરેના મત પ્રમાણે, "માઈ-બાપ સરકારે તો બધાયની સંભાળ રાખવી જોઈએ. પરંતુ તમે મને પૂછો તો અમારા જેવા અપંગો પર બજેટમાં થોડું વધુ ધ્યાન અપાવું જોઈએ."
ઠોંબરે જાણતા નથી કે 2025 ના કેન્દ્રીય બજેટ ભાષણમાં વિકલાંગતા અથવા દિવ્યાંગજન અથવા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો એક પણ વખત ઉલ્લેખ થયો નથી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક