એક છોકરા તરીકે ઉછરી રહેલ રમ્યા 5 મા ધોરણમાં હતા ત્યારે તેમને લાગવા માંડ્યું કે તેઓ છોકરી છે.
તેઓ કહે છે, "[પૂર્વ-માધ્યમિક] શાળામાં મારે ચડ્ડી પહેરવી પડતી હતી અને મારી જાંઘ દેખાતી હતી. મને છોકરાઓ સાથે બેસાડવામાં આવતી હતી જે મારે માટે મૂંઝવનારું હતું." હવે ઉંમરના ત્રીસના દાયકામાં પહોંચેલ રમ્યા પોતાની એક મહિલા તરીકેની ઓળખને સ્વીકારી લાલ સાડી પહેરે છે અને લાંબા વાળ રાખે છે.
રમ્યા ચેંગલપટ્ટુ જિલ્લાના તિરુપોરુર શહેરમાં અમ્મન (દેવી) ના એક નાનકડા મંદિરનો વહીવટ સંભાળે છે. તેમના માતા, 56 વર્ષના વેંગમ્મા તેમની બાજુમાં ભોંય પર બેઠા છે. તેઓ કહે છે, “જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે તેને [રમ્યા તરફ ઈશારો કરીને] ચૂડીદાર [મહિલાઓનો ટુ-પીસ પોશાક], દાવણી [હાફ-સાડી] અને કમ્મલ [બુટ્ટી] પહેરવાનું ગમતું હતું. અમે તેને છોકરાની જેમ વર્તવાનું કહેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે જે બનવા માગતો હતો તે આ છે."
દેવી કન્નીઅમ્માનું મંદિર બંધ હોવાથી શાંતિ પ્રસરેલી છે, પરિણામે નિરાંતે વાતચીત થઈ શકે છે. આ મા-દીકરીની જોડીની જેમ ઈરુળર સમુદાયના સભ્યો દિવસ દરમિયાન દેવી કન્નીઅમ્માની પૂજા કરવા અહીં આવે છે.
રમ્યા ચાર ભાઈ-બહેનોમાંના એક હતા અને આ ઈરુળર વિસ્તારમાં ઉછર્યા હતા. ઈરુળર સમુદાય એ તમિળનાડુમાં પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ્સ (પીવીટીજીસ - ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો) તરીકે સૂચિબદ્ધ છ જૂથો પૈકી એક છે. રમ્યાના માતા-પિતા તેમના સમુદાયના મોટાભાગના લોકોની જેમ ખેતરોમાં, બાંધકામના સ્થળોએ અને મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ - મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ) સાઇટ્સ પર મોસમી દાડિયા મજૂરીનું કામ કરીને રોજના 250 થી 300 કમાતા હતા.
રમ્યા કહે છે, “તે દિવસોમાં લોકોમાં તિરુનંગઈ [પરલૈંગિક મહિલા માટે તમિલ શબ્દ] વિશે ખાસ જાણકારી નહોતી. તેથી જ્યારે હું ઘરની બહાર નીકળું ત્યારે નગરના લોકો મારી પીઠ પાછળ મારે વિષે વાતો કરતા. તેઓ કહેતા કે 'તે છોકરા જેવા કપડાં પહેરે છે પણ છોકરીની જેમ વર્તે છે, તે છોકરો છે કે છોકરી?' આવી વાતો સાંભળીને મને દુઃખ પહોંચતું."
રમ્યાએ 9 મા ધોરણમાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો અને પોતાના માતાપિતાની જેમ દાડિયા મજૂરીનું કામ કરવાનું શરૂ કર્યું હતું. રમ્યાએ એક છોકરીની જેમ વર્તવાનું ચાલુ રાખ્યું હતું, અને તેમના માતાએ તેમને વારંવાર "છોકરાની જેમ વર્તવા" ની વિનંતી કર્યાનું રમ્યાને યાદ કરે છે, કારણ સમુદાયના બીજા સભ્યો તેમના વિશે શું કહેશે તેની તેમને ચિંતા હતી.
વીસના દાયકાના પ્રારંભમાં રમ્યાએ પોતાની ઇચ્છા મુજબ જીવવા માટે ઘર છોડીને જતા રહેવાનો વિચાર સૂચવ્યો હતો. ત્યારે તેમની માતા અને સ્વર્ગસ્થ પિતા રામચંદ્રને તેમની વાત પર ધ્યાન આપવાનું અને સમજવાનું શરૂ કર્યું હતું. વેંગમ્મા કહે છે, “અમારે ચાર દીકરા હતા. અમને થયું કે અમારે છોકરી નહોતી તો એ ભલે છોકરી બને. છોકરો હોય કે છોકરી, એ અમારું બાળક હતું. અમે તેને ઘર શી રીતે છોડવા દઈએ?"
અને તેથી રમ્યાને તેમના ઘરની અંદર મહિલાઓના કપડાં પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, વેંગમ્મા સામાન્ય રૂઢિગત પરલૈંગિક મહિલાઓથી ડરતા હતા અને તેમણે તેમની દીકરીને કહ્યું, "ની કડઈ યેરકુડાદ્હુ," જેનો અર્થ એ હતો કે રમ્યાએ પોતાની આજીવિકા માટે પૈસાની શોધમાં દુકાને દુકાને ભટકવું ન જોઈએ.
રમ્યા કહે છે, "મને અંદરથી ભલે હું એક મહિલા હોઉં એવું લાગતું હતું, પણ બહારથી બીજા લોકોને તો માત્ર એક મૂછાળો મરદ (દાઢી અને પુરૂષના લક્ષણો ધરાવતો પુરૂષ) જ દેખાતો હતો." 2015 માં તેમણે પોતાની તમામ બચત, લગભગ એક લાખ રુપિયા, લિંગ સમર્થન શસ્ત્રક્રિયા અને લેસર હેર રિમુવલ પાછળ ખર્ચી નાખ્યા હતા.
તિરુપોરુરથી 120 કિલોમીટર દૂર પુડુચેરીમાં મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે લિંગ સમર્થનની શસ્ત્રક્રિયા માટે તેમણે 50000 રુપિયા ચૂકવવા પડ્યા હતા. આ હોસ્પિટલ દૂર હતી અને અહીં સારવાર મફત ન હોવા છતાં રમ્યાએ આ હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરાવવાનું પસંદ કર્યું હતું કારણ કે અહીંની લિંગ સંભાળ ટીમ સારી હોઈ રમ્યાની મિત્રએ આ હોસ્પિટલની ભલામણ કરી હતી. રાજ્યભરમાં પસંદગીની તમિળનાડુ સરકારી હોસ્પિટલોમાં મફત શસ્ત્રક્રિયાઓ કરી આપવામાં આવતી હતી. રમ્યાએ લગભગ 50 કિમી દૂર ચેન્નાઈના એક દવાખાના ખાતે તેમના ચહેરાના વાળ દૂર કરવાના છ સત્રો માટે વધારાના 30000 રુપિયા ખર્ચ્યા હતા.
વાલર્મતિ નામના એક ઈરુળર તિરુનંગઈ રમ્યાની સાથે હોસ્પિટલમાં ગયા હતા. તેમની શસ્ત્રક્રિયાની થોડી ક્ષણો પહેલાં હોસ્પિટલના પલંગ પર બેઠેલા રમ્યાને તેઓ જે પગલું ભરવાના હતા તેની ગંભીરતાનો અહેસાસ થયો હતો. તેમણે જેમની શસ્ત્રક્રિયાઓ સફળ ન થઈ હોય એવી સાથી પરલૈંગિક મહિલાઓ વિશે સાંભળ્યું હતું, "કાં તો ભાગો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા ન હતા અથવા તેમને પેશાબ કરવામાં તકલીફ થતી હતી."
તેમની સર્જરી સફળ રહી હતી, અને રમ્યા કહે છે કે તેમને "પુનર્જન્મ થયો હોય એવું લાગ્યું હતું. મારી આ શસ્ત્રક્રિયા થઈ એ પછી જ મારા માતા-પિતા મને રમ્યા કહેવા લાગ્યા. ત્યાં સુધી તેઓ મને મારા પતિ [હવે જે અસ્તિત્વમાં રહ્યું નથી તે] નામથી બોલાવતા હતા.”
તેઓ માને છે કે આ શસ્ત્રક્રિયાથી તેમની આસપાસની મહિલાઓનો અભિગમ બદલાઈ ગયો હતો. તેઓ હવે રમ્યાને તેમનામાંના એક માને છે અને રમ્યા હસતાં હસતાં કહે છે, "અમે બહાર જઈએ તો તેઓ મારી સાથે શૌચાલયમાં પણ આવે છે." રમ્યા 14 સભ્યોના કાટ્ટુ મલ્લી ઈરુળર પેંગલ કુળુ નામના મહિલા સ્વ-સહાય જૂથના વડા છે.
પરવાનાધારી સાપ પકડનાર, રમ્યા અને તેમના ભાઈ ઝેર વિરોધી દવા તૈયાર કરવા માટે ઈરુળર સ્નેક-કેચર્સ ઈન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીને સાપ પહોંચાડીને તેમાંથી વર્ષના છ મહિના (ચોમાસા સિવાયના મહિનાઓ) મહિને લગભગ 3000 રુપિયા કમાય છે. તેઓ દાડિયા મજૂરીનું કામ કરવાનું પણ ચાલુ રાખે છે.
ગયા વર્ષે તેમના 56 પરિવારોના ઈરુળર સમુદાયે તિરુપોરુર શહેરથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલ નવી સરકારી આવાસ વ્યવસ્થા, સિમ્બક્કમ સુન્નામ્બુ કાલવાઈ ખાતે સ્થળાંતર કર્યું હતું. રમ્યા સરકારી અધિકારીઓને મળ્યા હતા અને નવા વીજ જોડાણો મેળવવામાં અને ઓળખ માટેના દસ્તાવેજો માટે અરજી કરવામાં (સમુદાયના સભ્યોની) મદદ કરી હતી.
તેમની નાગરિક અને રાજકીય ભૂમિકાઓ મજબૂત બની રહી છે - 2022 માં છેલ્લી પંચાયતની ચૂંટણીઓ દરમિયાન તેમણે તેમના સમુદાયના મતદાન અધિકારો સુનિશ્ચિત કરવા માટેના વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું હતું. સિમ્બાક્કમ પંચાયતના બિન-ઈરુળર સભ્યોએ તેમના મતદાન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓ કહે છે, "હવે હું અમારા ગામ માટે વિશેષ વોર્ડનો દરજ્જો મેળવવાનું વિચારી રહી છું," અને પોતાના સમુદાયની સેવા કરવા માટે તેઓ ક્યારેક પંચાયતની ચૂંટણી લડવા માગે છે. “વ્યક્તિએ તેને પોતાને ગમતું હોય એવું જીવન જીવવું જોઈએ. હું નકલી જીવન જીવી શકતી નથી."
રાજ્યભરમાં આશરે બે લાખ લોકો ઈરુળર સમુદાયનો ભાગ છે (વસ્તીગણતરી 2011). રમ્યા કહે છે, “અમારા સમુદાયમાં ભલે તે છોકરો હોય, છોકરી હોય કે તિરુનંગઈ, અમે અમારા બાળકને સ્વીકારીએ છીએ અને તેનું પાલનપોષણ કરીએ છીએ. પરંતુ આ બધું કુટુંબ પર પણ આધાર રાખે છે." તેમના મિત્રો સત્યવાણી અને સુરેશ બંને વીસના દાયકાના અંતમાં છે, તેઓ બંને ઈરુળર સમુદાયના છે, તેમના લગ્નને 10 વર્ષ થયા છે. 2013 થી તેઓ તિરુપોરુર નગરથી 12 કિમી દૂર કુન્નાપટ્ટુના એક ઈરુળર કસ્બામાં તાડપત્રીથી ઢંકાયેલી ઘાસ છાયેલી એક ઝૂંપડીમાં રહે છે.
રમ્યા કોઈ મુશ્કેલી વિના પરલૈંગિક તરીકે ઉછરી શકવાનું શ્રેય તેમના સમુદાયને અને વાલર્મતિ જેવા મિત્રોને આપે છે. રમ્યાના ઘરની બહાર બેસીને તેઓ બંને તમિલ મહિના આદિમાં આદિ તિરુવિળા જેવા તહેવારો કેવી રીતે ઉજવવામાં આવે છે તેની અને મામલ્લાપુરમ (જે મહાબલિપુરમ તરીકે જાણીતું છે) ના દરિયાકિનારે યોજાતા ઈરુળર સમુદાયના વાર્ષિક સંમેલનની વાતો કરે છે, આ બંને જગ્યાઓએ તેઓ બંને સુરક્ષિતતા, સ્વીકાર, સમાવેશકતાની અને સમુદાયના સભ્ય તરીકે તેમને ઓળખ મળી હોય એવી લાગણી અનુભવે છે.
વાલર્મતિ કહે છે કે "છોકરીઓની જેમ તૈયાર થવા માટે" તેઓ આ મેળાવડાઓમાં નૃત્યની ભજવણી માટે નામ નોંધાવતા હતા." તેઓ આદિ ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા અને ઘણીવાર વિચારતા હતા કે તેઓ દરરોજ આવો પોશાક કેમ નથી પહેરી શકતા!
રમ્યા કહે છે, “અમે તો બાળપણના દિવસોથી એકબીજાના મિત્રો છીએ." તેઓ 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે મળ્યા હતા, જ્યારે વાલર્મતિની માતાનું મૃત્યુ થયું હતું અને તેમણે કાંચીપુરમ નગરમાંથી પોતાના પિતા અને બે ભાઈ-બહેનો સાથે તિરુપોરુર નગર નજીકના એક ઈરુળર કસ્બા યેડયાનકુપ્પમમાં સ્થળાંતર કર્યું હતું. બંનેને એકબીજા પર વિશ્વાસ હતો અને તેઓ એકબીજા સાથે પોતાની લાગણીઓ અને ચિંતાઓની વાત કરતા, અને તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ નાની ઉંમરે સમાન વસ્તુઓ માટે ઝંખતા હતા.
*****
પહેલા ખોળાના 'દીકરા' તરીકે જન્મેલા વાલર્મતિની લિંગ ઓળખે તેમના પિતા સાથેના તેમના સંબંધોમાં તણાવ સર્જ્યો હતો. તેમણે કિશોરાવસ્થામાં જ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને લગભગ 35 કિલોમીટર દૂર રહેતા એક તિરુનંગઈ પરિવારમાં જોડાવા માટે ઘેરથી ભાગી ગયા હતા. “હું બીજા તિરુનંગઈઓ સાથે એક ઘરમાં રહેતી હતી. એક ગુરુ અથવા અમ્મા [માતા], જેઓ એક વૃદ્ધ પરલૈંગિક મહિલા છે, તેમણે અમને અપનાવી લીધા હતા.”
ત્રણ વર્ષ સુધી વાલર્મતિનું કામ આશીર્વાદના બદલામાં પૈસા માગવા માટે સ્થાનિક દુકાનોની મુલાકાત લેવાનું હતું. તેઓ કહે છે, “હું દરરોજ આ કામ માટે જતી હતી. તે શાળાએ જવા જેવું હતું." તેમણે તેમની બધી કમાણી, તેમના અંદાજ મુજબ થોડા લાખ રુપિયા, તેમના ગુરુને સોંપી દેવાના રહેતા. આ સમય દરમિયાન તેમને એક લાખ રુપિયાની લોન પણ ચૂકવવી પડી હતી, કથિત રીતે વાલર્મતિના ગુરુએ વાલર્મતિના લિંગ પુષ્ટિકરણની શસ્ત્રક્રિયાના અને તેની ઉજવણી માટેની વિસ્તૃત વિધિના ખર્ચ માટે વાલર્મતિના નામે આ લોન લીધી હતી.
ઘેર પૈસા મોકલવામાં અસમર્થ અને પોતાના જૈવિક પરિવારને મળવાની મંજૂરી ન હોવાથી વાલર્મતિએ આ ઘર છોડવા બીજા ગુરુની મદદ માગી હતી. ચેન્નાઈમાં નવા તિરુનંગઈ પરિવારમાં સ્થાનાંતરિત થવા માટે જે ગુરુના પરલૈંગિક પરિવારને છોડ્યો હતો એ ગુરુને દંડપેટે તેમણે 50000 રુપિયા ચૂકવ્યા હતા.
તેઓ કહે છે, "મેં મારા પિતાને ઘેર પૈસા મોકલવાનું અને મારા ભાઈ-બહેનોને મદદ કરવાનું વચન આપ્યું હતું." પરલૈંગિક વ્યક્તિઓ, ખાસ કરીને તેમના જેવી વ્યક્તિઓ જેઓ પોતાની કિશોરાવસ્થાના અંતમાં હોય, તેમને માટે શિક્ષણ અને કામની મર્યાદિત તકો ઉપલબ્ધ હોવાથી તેમણે દેહ વ્યાપારનો વ્યવસાય કર્યો હતો અને પૈસાના બદલામાં લોકોને આશીર્વાદ આપતા ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરી હતી. આ ટ્રેનની મુસાફરી દરમિયાન જ તેઓ રાકેશને મળ્યા હતા, જેઓ તેમના વીસના દાયકાના અંતમાં હતા અને તે સમયે શિપિંગ યાર્ડમાં કામ કરતા હતા.
આ યુગલ પ્રેમમાં પડ્યું હતું, વૈવાહિક વિધિઓ કરીને 2021 માં તેમણે સાથે રહેવાનું શરૂ કર્યું હતું. તિરુપોરુર નગરમાં યોગ્ય ઘર, અથવા તેમની સાથે માનપૂર્વક વર્તે તેવા મકાનમાલિક ન મળતા તેઓ શરૂઆતમાં વાલર્મતિના પિતા, નાગપ્પનના યેડયાનકુપ્પમમાં આવેલા ઘરમાં રહેવા ગયા હતા. જ્યારે નાગપ્પને તેમના ઘરમાં આ દંપતીને રહેવા દીધા ત્યારે નાગપ્પને તેમને દિલથી ઉત્સાહપૂર્વક સ્વીકાર્યા નહોતા અને તેથી આ દંપતી ત્યાંથી બહાર નીકળી ગયું હતું અને નાગપ્પનના ઘરની બાજુમાં એક ઝૂંપડું ભાડે લીધું હતું.
વાલર્મતિ કહે છે, “મેં વસૂલ [દુકાને દુકાને પૈસા માગવા] માટે જવાનું બંધ કરી દીધું હતું. તાળીઓ પાડીને થોડા હજાર રુપિયા કમાઈ લેવા મળે એ લાલચ થાય એવું હતું પણ રાકેશને તે ગમતું નહોતું." અને વાલર્મતિએ તેમના પિતાની સાથે દિવસના 300 રુપિયા પેટે નજીકના લગ્નના હોલમાં વાસણો માંજવાનું અને હોલ અને તેનું પરિસર સાફ કરવાનું કામ કરવાનું શરૂ કર્યું હતું.
ડિસેમ્બર 2022 માં આ પત્રકાર જ્યારે રાકેશને મળ્યા ત્યારે રાકેશે તેમને જણાવ્યું, "વાલર્મતિએ મને પોતાના વિશે બધું જ કહ્યું હતું. મને તેમની આ વાત ગમી હતી." વાલર્મતિ તેમની અગાઉની લિંગ પુષ્ટિકરણની શસ્ત્રક્રિયા પછી સ્તન વૃદ્ધિની પ્રક્રિયા કરાવવા માગતા હતા ત્યારે રાકેશે તેમને આર્થિક મદદ કરી હતી અને ભાવનાત્મક ટેકો આપ્યો હતો. તેઓએ શસ્ત્રક્રિયા અને શસ્ત્રક્રિયા પછી ફરી સ્વસ્થ થવા પાછળ એક લાખ રુપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. વાલર્મતિ કહે છે, “બધી શસ્ત્રક્રિયા મારા નિર્ણયો હતા. બીજાએ એ કર્યું માટે મેં કર્યું એવું નહોતું. મેં ફક્ત મારા વિશે અને હું કેવી બનવા માગુ છું એ વિશે જ વિચાર્યું હતું."
તેમના લગ્ન પછી વાલર્મતિની પહેલી વર્ષગાંઠે તેઓ અને રાકેશ કેક ખરીદવા ગયા હતા. તેમને જોઈને દુકાનદારે તેઓ વસૂલ લેવા આવ્યા હોવાનું માની લઈને થોડા સિક્કા તેમની તરફ લંબાવ્યા હતા. મૂંઝાઈ ગયેલા વાલર્મતિ અને રાકેશે તેમનો હેતુ સમજાવ્યો હતો અને દુકાનદારે તેમની માફી માગી હતી. તે રાત્રે પછીથી વાલર્મતિએ કેક, કોન્ફેટી અને હાસ્ય સાથે પોતાના પતિ અને ભાઈ-બહેનોની સંગતમાં યાદગાર જન્મદિવસ ઉજવ્યો હતો. વાલર્મતિના દાદાના આશીર્વાદ લેવા માટે આ દંપતી તેમને પણ મળ્યા હતા.
તેઓ યાદ કરે છે, બીજી એક વખત પોલીસે તેઓને રોક્યા હતા કારણ કે તેઓ રાત્રે મોડા બાઇક પર આવતા હતા. વાલર્મતિએ તેમને પોતાની તાલી (લગ્નના સંકેતરૂપ પવિત્ર દોરો) બતાવી હતી. દંપતીના ડરથી વિપરીત પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેમને પસાર થવા દીધા હતા.
ઓગસ્ટ 2024 માં સરકારી નોકરી મળ્યા પછી રાકેશ ચેન્નાઈ ગયા હતા. પિતાએ રાકેશને શોધી કાઢવા પ્રોત્સાહિત કર્યા પછી શહેરની સફર ખેડનાર વાલર્મતિ કહે છે, "રાકેશ મારા કૉલ્સ ટાળતો હતો અને ક્યારેય મને પાછો કોલ કરતો નહોતો."
તેઓ કહે છે, “રાકેશના માતા-પિતાએ નમ્રતાથી મને કહ્યું હતું કે મારે તેને છોડી દેવો જોઈએ જેથી તે એવી વ્યક્તિ સાથે લગ્ન કરી શકે કે જેનાથી તેને બાળકો હોય. મારા મનમાં ક્યારેય એવો વિચાર નહોતો આવ્યો કે મારે મારા લગ્નની નોંધણી કરાવવી જોઈએ. મને વિશ્વાસ હતો કે તે મને છોડી નહીં દે." વાલર્મતિએ હવે રાકેશનો પીછો ન કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓ ચેન્નાઈમાં તેમના તિરુનંગઈ પરિવાર સાથે પાછા ફર્યા છે.
આવી અડચણો ઊભી થવા છતાં તેઓ ઓછી આવક ધરાવતા સમુદાયમાંથી આવતી બે યુવાન પરલૈંગિક છોકરીઓને માર્ગદર્શન આપવા માટે આતુર છે, આ છોકરીઓને તેમણે તેમના તિરુનંગઈ પરિવારમાં અપનાવી છે. તેમાંથી એક પોલીસ અધિકારી બનવા માંગે છે અને વાલર્મતિ તેને આ સ્વપ્ન સાકાર કરવામાં મદદ માગે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક