ગણેશ શિંદેની સૌથી મૂલ્યવાન સંપત્તિ તેમણે 2022માં ખરીદેલું લાલ રંગનું ટ્રેક્ટર છે. મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના ખળી ગામના ખેડૂત શિંદે પોતાની માલિકીની બે એકર જમીન પર કપાસની ખેતી કરે છે. પરંતુ તાજેતરનાં વર્ષોમાં કપાસના ભાવમાં થયેલા તીવ્ર ઘટાડાએ શિંદેને આવકના વધારાના સ્રોતો શોધવાની ફરજ પાડી છે. એટલા માટે તેમણે જાહેર ક્ષેત્રની બેંકમાંથી લોન લીધી અને 8 લાખ રૂપિયામાં એક ટ્રેક્ટર ખરીદ્યું.
44 વર્ષીય ખેડૂત કહે છે, “હું મારા ટ્રેક્ટરને ઘરથી 10 કિલોમીટર દૂર આવેલા ગંગાખેડ શહેરમાં લઈ જાઉં છું અને ત્યાં જંક્શન પર રાહ જોઉં છું. જો કોઈ વ્યક્તિ નજીકમાં બાંધકામનું કંઈક કામ કરી રહી હોય અથવા તેણે રેતી જેવી કોઈ સામગ્રીનું પરિવહન કરવાનું હોય તો તેઓ મારું ટ્રેક્ટર ભાડે રાખી શકે છે. જે દિવસે મને કામ મળે છે, તે દિવસે હું 500 થી 800 રૂપિયા કમાઈ શકું છું.” સવારે ગંગાખેડ જતા પહેલાં શિંદે ઓછામાં ઓછા બે કલાક સુધી પોતાના ખેતરમાં કામ કરે છે.
તેમણે 2025ના કેન્દ્રીય બજેટને આતુરતાથી અનુસર્યું છે. તેઓ કહે છે કે આ એટલા માટે નહોતું કારણ કે તેમને બજેટ માટે ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ એટલા માટે કે જ્યારે કોઈ તેમનું ટ્રેક્ટર ભાડે લે તેની રાહ જોતાં તેમની પાસે બીજું કોઈ કામ નહોતું. તેઓ કહે છે, “મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005) માટે ફાળવવામાં આવેલું બજેટ એનું એ જ રહ્યું છે.” ખળીના ભૂતપૂર્વ સરપંચ શિંદે જણાવે છે કે મનરેગાને કારણે લોકોની સ્થિતિમાં બહુ ઓછો ફેરફાર થયો છે. “આ નાણાંનો ઉપયોગ રોજગારીનું સર્જન કરવા માટે કરવામાં આવતો નથી. આ બધું ફક્ત કાગળ પર જ રહે છે.”
![](/media/images/02-IMG20250203141745-PMN-How_do_you_expect.max-1400x1120.jpg)
ગંગાખેડ જંક્શન પર કોઈ તેમનું ટ્રેક્ટર ભાડે લેવા આવે તેની રાહ જોઈ રહેલા શિંદે
કપાસના ઘટતા ભાવને કારણે શિંદે જેવા ખેડૂતો માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. દાખલા તરીકે, વર્ષ 2022માં એક ક્વિન્ટલ કપાસની કિંમત 12,000 રૂપિયા હતી. વર્ષ 2024માં આ ભાવ ઘટીને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 4,000 રૂપિયા થઈ ગયો છે.
વર્તમાન બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આગામી પાંચ વર્ષ માટે “કપાસ ઉત્પાદકતા મિશન”નો પ્રસ્તાવ મૂક્યો છે અને આ વર્ષ માટે કાપડ મંત્રાલયને રૂપિયા 5,272 કરોડની ફાળવણી કરી છે, જે અગાઉના વર્ષની સરખામણીએ 19 ટકાનો વધારો દર્શાવે છે. તેમણે દાવો કર્યો હતો કે, “આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગુણવત્તાયુક્ત કપાસના પુરવઠામાં સતત વધારો થશે.”
આ સૂચિત મિશન વિશે જરાય આશાવાદ સેવ્યા વિના શિંદે કહે છે, “બજેટ માત્ર ગરીબોના હિતમાં હોવાનો ઢોંગ કરે છે, પરંતુ તેમાં માત્ર સમૃદ્ધ લોકોને જ ફાયદો થાય છે. બળતણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. અમારી આવક મંદ પડી ગઈ છે અને તે ઘટી પણ રહી છે.” તેઓ ઉમેરે છે, “આવામાં ખેડૂતો કેવી રીતે ટકી રહે!”
અનુવાદ: ફૈઝ મોહંમદ