રાતે, રોડ પડખે, પણ થોડું છેટે સબરપડા (Sabarpara). સબરપડામાં સબરનાં (DNT) અગિયાર ઘર. ઘર કુંચિયા (તા. બંદવાન, જિ. પુરુલિયા, પશ્ચિમ બંગાળ) ગામના છેડે. છેડા પછી શરૂ થતું આછકલું જંગલ આગળ વધતું, ઘનઘોર બનતું, દુઆરસીની પહાડ પર ચડતું, પહાડને જંગલ કરતું. જંગલ ગરીબગુરબાનું પેટિયું રળાય એટલી રોજગારી સાચવીને બેઠેલું, પેટ ભરાય એવાં ફળ-ફૂલ-ભાજી રાખીને બેઠેલું.

[સબર/ખેડિયા સબર/સવર -સમુદાય અને ભારતના વિમુક્ત સમુદાયોને વેઠવો પડતો સામાજિક ભેદભાવ એકસરખો. ઇતિહાસ જોઈએ તો સાંસ્થાનિક અંગ્રેજ-સરકારે Criminal Tribes Actમાં સબર-સમુદાયને પણ 'criminal' જાતિ તરીકે સૂચિત કર્યો હતો. 1952માં ભારત-સરકારે આ કાયદો રદ કર્યો, અને કાયદામાં notified સમુદાયો de-notified થયા, વિમુક્ત થયા. વિમુક્ત થયેલા સમુદાયોમાંના કેટલાક સમુદાયો અનુસૂચિત જાતિની યાદીમાં સામેલ કરવામાં આવ્યા, તો કેટલાક અનુસૂચિત જનજાતિની યાદીમાં અને કેટલાક સમુદાયો અન્ય પછાત વર્ગમાં. રાજ્ય-સરકારે સબર-સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કર્યો છે.]

જંગલમાંથી રોજગારી-ફળ-ફૂલ-ભાજી-બળતણ મેળવતાં ઘર સબરપડામાં. એમાંનું એક ઘર નેપાલી સબરનું. નેપાલીના ઘરમાં ઘલટુ (પતિ) અને ત્રણ બાળકો. બાળકોમાં બે છોકરી, એક છોકરો. મોટી છોકરી નવ વર્ષની, પણ ભણે પહેલા ધોરણમાં! છોકરો ત્રણ વર્ષનો, ચાલે-દોડે-રમે-ઊંઘે. બીજી છોકરી એક વર્ષની. છોકરીને ખોળામાં, કેડમાં અને ઘોડિયામાં ગમે અને ચાલવાનું ફાવે, સમયાંતરે માતાને ધાવે અને ખાવાનું એને ભાવે. પાંચ જણનો મોટો વસ્તાર નાનકડા ઘરમાં રહે.

PHOTO • Umesh Solanki

ઘરની બહાર ખુલ્લામાં 'ખાલી પત્તાં' (પતરાળાં) બનાવા શાલ વૃક્ષનાં પત્તાંને વાંસની પાતળી સળીથી જોડતાં નેપાલી સબર, વચ્ચે એમની એક વર્ષની સૌથી નાની દીકરી હેમામાલિની અને ડાબે એમનો દીકરો સુરાદેવ

સબરપડાનાં અગિયારમાંથી સાત ઘરનો આધાર પતરાળાં પર. પતરાળાં બને શાલ વૄક્ષનાં પાંદડાંનાં. પાંદડાં મળે પહાડવાળા જંગલમાં. જંગલમાં જતાં પહેલાં નેપાલી (26 વર્ષ) વહેલી સવારે ઘરની બહાર ખુલ્લામાં ખાવાનું બનાવે, છોકરાંઓને ખવડાવે, પતિને આપે અને પોતે પણ ખાય. મોટી છોકરી નિશાળે જાય. નાની છોકરીને નાના છોકરાના આશરે મૂકે, પાડોશીઓમાં જે કોઈ હોય એમને થોડું ધ્યાન રાખવાનું પણ કહી રાખે. અને પછી 'નૌ બજે યહાઁ સે જાતે હૈં. એક ઘંટા લગતા હૈ દુઆરસીની પહુઁચને મેં'.

દુઆરસીની પહોંચ્યા પછી પતિપત્ની કામ શરૂ કરે. ઘલટુ (33 વર્ષ) નાનું ચાકુ લઈને શાલના વૃક્ષ પર ચડે. ચાકુથી જરૂર પ્રમાણે નાનાંમોટાં પાંદડાં કાપે. નેપાલી પણ આસપાસથી પાંદડાં તોડે : 'બારા બજે તક પત્તે તોડતે હૈં. દો-તીન ઘંટે લગતે હૈ'. તોડેલાં પાંદડાં વીણે, ભેગાં કરે, બાંધે અને એકાદ વાગે ઘરે પાછાં આવે.

'ઘર આને કે બાદ ફિરસે ખાના ખાતે હૈં.' ઘલટુ બપોરે આરામ કરે. આરામ કરવા જેવો લાગે તો નેપાલી પણ થોડો આરામ કરે, નહિતર પતરાળાં બનાવવાનું ચાલુ કરે. એક પતરાળું બનાવવા માટે જરૂર પડે શાલનાં આઠદસ પાંદડાંની. પાંદડાંને જોડવા માટે જરૂર પડે મોટી-નાની-પાતળી સળીઓની. સળીઓ માટે જરૂર પડે વાંસની. 'મૈં બાંસ ખરીદને બાજાર જાતા હૂઁ. સાઠ રુપે મેં એક બાંસ આતા હૈ, જો તીન-ચાર મહિને ચલતા હૈ. બાંંસ કો ચીરને કા કામ નેપાલી કરતી હૈ.'

PHOTO • Umesh Solanki

'મૈં બાંસ ખરીદને બાજાર જાતા હૂઁ. સાઠ રુપે મેં એક બાંસ આતા હૈ, જો તીન-ચાર મહિને ચલતા હૈ. બાંંસ કો ચીરને કા કામ નેપાલી કરતી હૈ' : નેપાલીના પતિ ઘલટુ સબર

વાંસની સળીઓ બનાવી, ગોઠવેલાં નાનાંમોટાં પાંદડાંઓને સળીઓથી જોડી નેપાલી રોજ પતરાળાં બનાવે. એક પતરાળું બનાવવાનો સમય લાગે દોઢ-બે મિનિટનો. 'દો-તીન સો બનતે હૈ ખાલી પત્તા એક દિન કા.' નેપાલીના અવતરણમાં આવતા 'ખાલી પત્તા'ને સબરલોકો 'થાલા' પણ કહે. 'થાલા' એટલે પતરાળું કે પતરાળાં. નેપાલી દિવસના બસોથી ત્રણસો એટલે કે સરેરાશ 250 પતરાળાં બનાવે, મતલબ, દિવસના તેઓ આઠેક કલાક કામ કરે (સવારના ચારેક કલાકની અને ઘરનાં બીજાં કામની મહેનત તો પાછી જુદી).

મળે કેટલા રૂપિયા? 'એક સો ખાલી પત્તે સાઠ રુપે મેં દેતા હૂઁ. એક દિન કે ડેઢ઼ સો, દો સો રુપે આ જાતે હૈં. જ્યાદા નહીં હોતા. યહીં પર આદમી આતા હૈ ઉસકો દે દેતા હૂઁ.'

પતરાળાં બનાવે નેપાલી અને વેચે ઘલટુ. પ્રશ્ન થાય કે સૌથી વધારે કામ નેપાલીનું. ઘલટુ તો જંગલમાં જઈ આવ્યા પછી માત્ર આરામ જ કરે. પણ ના, સાવ એવું નથી. 'વે મદદ કરતે હૈ. વે સબજી કા કામ કરને જાતે હૈ. રોજ નહીં જાતે. સબજીવાલે બુલાતે હૈ તબ જાતે હૈ. એક દિન કા દો સો દેતે હૈ. એક હફતે મેં દો-તીન બાર જાતે હૈ.' નેપાલી બોલીને હસ્યાં.

પછી હસતાં-હસતાં બોલ્યાં, 'ઘર મેરે નામ પર હૈ'. નેપાલીની ચમકતી આંખોમાં એના કાચાપાકા નાનકડા ઘરનું પ્રતિબિંબ ચમકવા લાગ્યું.

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, reporter, documentary filmmaker, novelist and poet. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya