રસ્તાની બંને બાજુએ ગોઠવાયેલ માછલીઓ ભરેલી પેટીઓ અને માછલીઓ વેચનારાઓની હરોળ તરફ ઈશારો કરી ઉશ્કેરાયેલા એન. ગીતા કહે છે, “તેઓ કહે છે કે અહીં દુર્ગંધ આવે છે, આ જગ્યા અસ્વચ્છ લાગે છે, કચરાથી ભરેલી છે. આ કચરો તો અમારી સંપત્તિ છે; ને આ દુર્ગંધ એ અમારી આજીવિકા." 42 વર્ષના આ મહિલા પૂછે છે, "એને છોડીને અમે ક્યાં જઈએ?"

અમે મરિના બીચ પર 2.5 કિલોમીટર સુધી વિસ્તરેલા લૂપ રોડ પર કામચલાઉ નોચિક્કુપ્પમ ફિશ માર્કેટમાં ઊભા છીએ. આ ‘તેઓ’ એટલે શહેરના સૌંદર્યીકરણના નામે ફેરિયાઓને અહીંથી હઠાવવા માગતા કાયદો ઘડનારા ભદ્રલોકો અને નાગરિક સત્તાવાળાઓ. ગીતા જેવા માછીમારો માટે નોચિક્કુપ્પમ તેમનું ઊરુ (ગામ) છે. કેટકેટલા સુનામી અને ચક્રવાતો પછી પણ તેઓ હંમેશા આ જગ્યાએ જ રહ્યા છે.

બજારમાં ધમાલ શરુ થઈ જાય એ પહેલાં વહેલી સવારે ગીતા થોડા ઊલટાવેલા ક્રેટ્સ ઉપર ગોઠવેલા પ્લાસ્ટિકના બોર્ડ વડે બનાવેલા કામચલાઉ ટેબલ પર પાણી છાંટી પોતાની નાનકડી દુકાન (સ્ટોલ) તૈયાર કરી રહ્યા છે. તેઓ બપોરે 2 વાગ્યા સુધી આ દુકાન પર રહેશે. બે દાયકાથી વધુ સમય પહેલા તેમના લગ્ન થયા ત્યારથી તેઓ અહીં માછલીઓ વેચે છે.

પરંતુ લગભગ એક વર્ષ પહેલા 11 મી એપ્રિલ, 2023ના રોજ તેમને અને લૂપ રોડ પર ધંધો કરતા બીજા ત્રણસો જેટલા માછલીઓ વેચનારાઓને ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન (જીસીસી) તરફથી જગ્યા ખાલી કરવાની નોટિસ મળી હતી. મદ્રાસ હાઈકોર્ટના આદેશ અનુસાર જીસીસીને એક અઠવાડિયામાં રસ્તો ખાલી કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

અદાલતના આદેશમાં જણાવવામાં આવ્યું હતું, “ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને લૂપ રોડ પરના દરેક દબાણ [માછલીઓ વેચનારાઓ, નાની-નાની દુકાનો, પાર્ક કરેલા વાહનો બધું જ] દૂર કરશે...આખા રસ્તા અને ફૂટપાથ પરથી દબાણ દૂર થાય અને રસ્તો અને ફૂટપાથ અનુક્રમે ટ્રાફિકના વિના અવરોધ આવાગમન માટે અને રાહદારીઓની મુક્ત અવરજવર માટે ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવામાં પોલીસ કોર્પોરેશનની મદદ કરશે."

PHOTO • Abhishek Gerald
PHOTO • Manini Bansal

ડાબે: નોચિકુપ્પમ બજારમાં વેચાણ માટે તિલાપિયા, મેકરેલ અને થ્રેડફિન્સ સાથે ગીતા. જમણે: નોચિકુપ્પમ બજારમાં એ દિવસે પકડેલી માછલીઓ વર્ગીકૃત કરી રહેલા માછીમારો

PHOTO • Abhishek Gerald
PHOTO • Manini Bansal

ડાબે: પરિસરની અંદરથી નવા બજારનો એક ભાગ, વચ્ચે કાર પાર્કિંગ માટેનો વિસ્તાર જમણે: નોચિકુપ્પમ સ્ટ્રેચ પર નાંગરેલી આશરે 200 હોડીઓમાંની થોડી

જો કે, માછીમાર સમુદાય માટે તેઓ પૂરવાકુડી છે, અહીંના મૂળ રહેવાસીઓ છે. અને જે ઐતિહાસિક રીતે તેમની જમીન છે એની ઉપર શહેર સતત અતિક્રમણ કરી રહ્યું છે.

ચેન્નાઈ (અથવા તો મદ્રાસ) શહેરનું નિર્માણ થયું તેના ઘણા સમય પહેલા આ દરિયાકિનારે દરિયો ખેડતા નાના કટ્ટમરમ (એકબીજાની પડખે હોય એવા બે સઢવાળી નાની હોડીઓ) પથરાયેલા રહેતા. માછીમારો ભરભાંખળું થતામાં પવનને અનુભવતા, પવનની હળવી લહેરની ગંધ લેતા, વંડ-તન્ની - વર્ષ દરમિયાન અમુક ચોક્કસ મોસમમાં કાવેરી અને કોલ્લીડમ નદીઓમાંથી ચેન્નાઈના દરિયાકાંઠે જોરથી ધસી આવતા કાંપથી ભરેલા પ્રવાહ - ના સંકેતો માટે પ્રવાહોને ધ્યાનપૂર્વક જોતા ધીરજપૂર્વક બેસી રહેતા. એક સમયે આ પ્રવાહ પોતાની સાથે પુષ્કળ માછલીઓ લઈ આવતો હતો. આજે પુષ્કળ માછલીઓ તો પકડાતી નથી, પરંતુ ચેન્નાઈના માછીમારો હજી પણ દરિયાકિનારા પર માછલીઓ વેચે છે.

નોચિકુપ્પમ બજારથી નદીની સામે પારના ગામ ઉરુર ઓળકોટ્ટ કુપ્પમના માછીમાર એસ. પાળયમ નિસાસો નાખીને કહે છે, "આજે પણ માછીમારો વંડ-તન્નીની રાહ જુએ છે, પરંતુ શહેરના રેતી અને કોંક્રિટે, ચેન્નાઈ એક સમયે માછીમારોનું કુપ્પમ [એક જ પ્રકારનો ધંધો કરતા લોકોનો નેસ] હતું એ યાદને ભૂંસી નાખી છે. લોકો એ યાદ પણ કરે છે ખરા?"

દરિયા કિનારાનું બજાર માછીમારો માટે જીવનરેખા છે. અને જીસીસીની યોજના મુજબ માછલી બજારને સ્થાનાંતરિત કરવાનું બીજા શહેર-વાસીઓને થોડીઘણી અસુવિધા જેવું લાગે, પરંતુ નોચિકુપ્પમ બજારમાં વેચાણ કરતા માછીમારો માટે તો એ આજીવિકા અને ઓળખનો પણ પ્રશ્ન છે.

*****

મરિના બીચ અંગેની લડાઈ જૂની છે.

છેક બ્રિટિશરોના સમયથી દરેક અનુગામી સરકાર,જે જે આવી અને ગઈ છે તેમની પાસે મરિના બીચના સૌંદર્યીકરણમાં તેમના હિસ્સા વિશે કહેવાની વાર્તાઓ છે. જાહેરમાં ફરવા માટેની પથ્થર જડેલી લાંબી પગથી, કિનારા ફરતી લૉન, સરસ રીતે જાળવેલા વૃક્ષો, ચાલવા માટેના સ્વચ્છ રસ્તા, સ્માર્ટ કિઓસ્ક, ઢોળાવવાળા રસ્તા, વિગેરે.

PHOTO • Manini Bansal
PHOTO • Manini Bansal

ડાબે: નોચિકુપ્પમ લૂપ રોડ પર પેટ્રોલિંગની ફરજ પરના પોલીસકર્મીઓ. જમણે: નોચિકુપ્પમ બજારમાં વેચાણ માટે તાજા દરિયાઈ ઝીંગા

PHOTO • Manini Bansal
PHOTO • Sriganesh Raman

ડાબે: નોચિકુપ્પમ ખાતે જાળ મૂકવા અને મનોરંજન માટે માછીમારો દ્વારા ઉપયોગમાં લેવાતા કામચલાઉ તંબુઓ અને શેડ. જમણે: મરિના બીચ પર માછીમારો તેમની ગિલનેટ્સમાંથી એ દિવસે પકડેલી માછલીઓ બહાર કાઢી રહ્યા છે

લૂપ રોડ પર સર્જાતી ટ્રાફિકની અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વખતે કોર્ટે સુઓમોટો પિટિશન દ્વારા માછીમાર સમુદાય સામે કાર્યવાહી શરૂ કરી છે. મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશો પોતે તેમની રોજીંદી મુસાફરી માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. રસ્તાની બાજુ પરની માછલીઓની નાની-નાની દુકાનો હઠાવવાના આદેશો આપવામાં આવ્યા હતા કારણ કે તેઓ પીક અવર્સ દરમિયાન સર્જાતી અરાજકતામાં આ દુકાનો ફાળો આપતી હોવાનું કહેવાય છે.

જ્યારે જીસીસી અને પોલીસ અધિકારીઓએ 12 મી એપ્રિલના રોજ લૂપ રોડની પશ્ચિમ તરફ આવેલી માછલીઓની નાની-નાની દુકાનો તોડી પાડવાનું શરૂ કર્યું ત્યારે આ વિસ્તારના માછીમાર સમુદાયે એક કરતા વધુ વખત સામૂહિક વિરોધ કર્યો હતો. જીસીસીએ આધુનિક માછલી બજાર તૈયાર ન થઈ જાય ત્યાં સુધી લૂપ રોડ પરના માછીમારોનું નિયમન કરવાનું કોર્ટને વચન આપ્યું એ પછી વિરોધ સ્થગિત કરવામાં આવ્યો હતો. હાલ આ વિસ્તારમાં પોલીસની તરત નજરે ચડે એવી હાજરી જોવા મળી રહી છે.

આ બીચ પરના 52 વર્ષના માછલીઓ વેચનાર એસ. સરોજા કહે છે, “જજ હોય કે પછી ચેન્નાઈ કોર્પોરેશન,એ બધાય સરકારનો ભાગ છે, ખરું કે નહીં? તો સરકાર આવું કેમ કરી રહી છે? એક તરફ તેઓ અમને દરિયાકાંઠાના પ્રતીકો બનાવે છે અને બીજી તરફ તેઓ અમને આજીવિકા રળતા અટકાવવા માગે છે.”

તેઓ તેમને મરિના બીચથી અલગ કરતા રસ્તાની બીજી બાજુએ (2009-2015 ની વચ્ચે) સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નોચિકુપ્પમ આવાસ સંકુલ (હાઉસિંગ કોમ્લેક્સ) ને ભીંતચિત્રો દ્વારા નવો દેખાવ આપવામાં આવ્યો તેનો ઉલ્લેખ કરી રહ્યા છે. માર્ચ 2023માં તમિળનાડુ અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટ બોર્ડ, સેન્ટ+આર્ટ એન્ડ એશિયન પેઈન્ટ્સ નામના એનજીઓએ આ સમુદાયના રહેઠાણને 'ફેસ-લિફ્ટ' આપવાની પહેલ કરી હતી. નોચિકુપ્પમમાં 24 ટેનામેન્ટ્સની દીવાલો પર ભીંતચિત્રો દોરવા તેઓએ નેપાળ, ઓડિશા, કેરળ, રશિયા અને મેક્સિકોથી કલાકારોને બોલાવ્યા હતા.

એ મકાનો તરફ જોઈને ગીતા કહે છે, “તેઓ દીવાલો પર અમારું જીવન ચીતરે છે અને પછી અમને એ વિસ્તારમાંથી દૂર કરે છે. આ મકાનોમાં અમને અપાયેલું કહેવાતું ‘ફ્રી હાઉસિંગ’ અમને ફ્રીમાં બિલકુલ પડ્યું નથી. નોચિકુપ્પમના અનુભવી માછીમાર, 47 વર્ષના પી. કન્નદાસન કહે છે, "એક દલાલે મને એક એપાર્ટમેન્ટ માટે 5 લાખ રુપિયા ચૂકવવાનું કહ્યું હતું." તેમના 47 વર્ષના મિત્ર અરાસુ ઉમેરે છે, "જો અમે ચૂકવણી ન કરી હોત તો એપાર્ટમેન્ટ બીજા કોઈને ફાળવવામાં આવ્યું હોત."

ચેન્નાઈનું વધુ ને વધુ શહેરીકરણ અને માછીમારોના રહેઠાણો વચ્ચેથી અને બીચ પર થઈને પસાર થતા લૂપ રોડનું નિર્માણ વારંવાર માછીમારો અને શહેર કોર્પોરેશન વચ્ચે વિવાદનું કારણ બન્યા છે.

PHOTO • Manini Bansal
PHOTO • Manini Bansal

ડાબે: નોચિકુપ્પમ ખાતે કન્નદાસન. જમણે: નોચિકુપ્પમ બજારમાં એક છત્રીની છાયા નીચે નીતિશના દાદી સાથે કેમેરા માટે પોઝ આપતા અરાસુ (સફેદ દાઢીવાળા) અને તેમના દીકરા નીતિશ (કથ્થાઈ ટી-શર્ટમાં)

PHOTO • Sriganesh Raman
PHOTO • Sriganesh Raman

ડાબે: રણજિત નોચિકુપ્પમ બજારમાં માછલીઓ વેચે છે. જમણે: માછીમારો માટે સરકારે ફાળવેલ આવાસ સંકુલ (હાઉસિંગ કોમ્લેક્સ) પરના ભીંતચિત્રો

માછીમારો પોતાને એક કુપ્પમના, એક નેસના માને છે. 60 વર્ષના પાળયમ પૂછે છે, "જો પુરુષોને દરિયામાં અને બીચ પર કામ કરવું પડશે, પણ મહિલાઓને ઘરથી દૂર કામ કરવું પડશે તો પછી કુપ્પમ જેવું શું રહેશે? અમે એકમેક સાથેના અને સમુદ્ર સાથેના જોડાણની બધી ભાવના જ ગુમાવી દઈશું." ઘણા પરિવારો માટે તો પુરૂષોની હોડીઓમાંથી મહિલાઓની નાની-નાની દુકાનો પર માછલીઓનું સ્થાનાંતરણ થતું હોય એ જ વાતચીત કરવાનો એકમાત્ર સમય હોય છે. તેનું કારણ એ છે કે પુરુષો રાત્રે માછલીઓ પકડે છે અને દિવસ દરમિયાન, જ્યારે મહિલાઓ (પુરુષોએ) પકડેલી માછલીઓ વેચતી હોય છે ત્યારે, પુરુષો સૂઈ જાય છે.

બીજી બાજુ વોકર્સ અને જોગર્સ (ચાલનારા અને ધીમું દોડનારા) આ જગ્યાને સામાન્ય રીતે માછીમારોની જગ્યા તરીકે ઓળખે છે. મરિના બીચ પર નિયમિત ચાલનારાઓમાંના એક, 52 વર્ષના ચિટ્ટીબાબુ કહે છે, "અહીં સવારમાં ઘણા લોકો આવે છે. તેઓ ખાસ કરીને માછલીઓ ખરીદવા આવે છે... આ તેમનો [માછીમારોનો] વંશપરંપરાગત વેપાર છે અને [તેઓ] લાંબા સમયથી અહીં છે. તેમને અહીંથી દૂર જવાનું કહેવાનો કોઈ અર્થ નથી."

નોચિકુપ્પમ ખાતેના એક માછીમાર, 29 વર્ષના રણજિત કુમાર સંમત થાય છે. તેઓ કહે છે, “વિવિધ પ્રકારના લોકો એક જ જગ્યાનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે, વોકર્સ સવારે 6-8 દરમિયાન આવે છે, તે સમયે અમે સમુદ્રમાં હોઈએ છીએ. અમે પાછા આવીએ અને મહિલાઓ નાની-નાની દુકાનો ગોઠવે ત્યાં સુધીમાં તો બધા વોકર્સ જતા રહ્યા હોય છે. અમારી અને વોકર્સની વચ્ચે કોઈ ઝગડો જ નથી. માત્ર અધિકારીઓ જ ના હોય ત્યાંથી સમસ્યા ઊભી કરે છે."

*****

અહીં માછલીઓની વિવિધ જાતો વેચાય છે. ક્રેસન્ટ ગ્રન્ટર અને પગ્નોઝ પોનીફિશ જેવી કેટલીક નાની, છીછરા પાણીની પ્રજાતિઓ અહીં નોચિકુપ્પમ બજારમાં 200-300 રુપિયે કિલોના ભાવે ખરીદી શકાય છે. આ માછલીઓ ગામની આસપાસ 20-કિલોમીટરની ત્રિજ્યામાંથી સ્થાનિક રીતે પકડવામાં આવે છે અને બજારની એક બાજુએ મૂકવામાં આવે છે. બજારની બીજી બાજુએ વેચાતી મોટી, ઊંચા ભાવવાળી પ્રજાતિઓમાં શિયર ફિશ જેવી માછલીઓ સામાન્ય રીતે 900 - 1000 રુપિયે કિલોના ભાવે અને લાર્જ ટ્રેવલી 500-700 રુપિયે કિલોના ભાવે ખરીદી શકાય છે.

પકડેલી માછલીઓ સૂર્યની ગરમીથી બગડી જાય એ પહેલા એને વેચી દેવી પડે, અને એ ખરીદવા માગતા ગ્રાહકોની ચકોર નજર બગડવાની શરૂ થઈ ગઈ હોય એવી માછલીઓ અને તાજી પકડેલી માછલીઓ વચ્ચેનો ભેદ તરત જ પારખી શકે છે.

PHOTO • Manini Bansal
PHOTO • Sriganesh Raman

ડાબે: નોચિકુપ્પમ ખાતે એક માછલીઓ વેચનાર તેમણે પકડેલ સારડીનનું વર્ગીકરણ કરે છે. જમણે: બજારમાં રસ્તા પર માછલીઓ સાફ કરતી માછીમાર મહિલાઓ

PHOTO • Abhishek Gerald
PHOTO • Manini Bansal

ડાબે: નોચિકુપ્પમ ખાતે સુકાઈ રહેલી મેકરેલ. જમણે: વેચાણ માટે વર્ગીકૃત કરેલી ફ્લાઉન્ડર, ગોટફિશ અને સિલ્વર બિડીસ સહિતની માછલીઓ

ગીતા પૂછે છે, "જો હું પૂરતી માછલીઓ ન વેચું, તો મારા બાળકોની ફી કોણ ચૂકવશે?"  તેમને બે બાળકો છે. એક શાળામાં અભ્યાસ કરે છે, અને એક કોલેજમાં. તેઓ કહે છે, “હું દરરોજ માછીમારી કરવા જવા માટે મારા પતિ પર આધાર ન રાખી શકું. મારે સવારે 2 વાગે ઉઠીને કાસિમેડુ [નોચિક્કુપ્પમથી 10 કિલોમીટર ઉત્તરે] જવું પડે, માછલીઓ ખરીદવી પડે, અહીં સમયસર આવી નાનકડી દુકાન ગોઠવવી પડે. જો હું એવું ન કરું તો ફીની વાત તો જવા દો, અમે ખાવાનુંય ન પામીએ."

તમિળનાડુમાં દરિયાઈ માછીમારીમાં રોકાયેલા 608 ગામોની 10.48 લાખ માછીમારો ની વસ્તીમાંથી લગભગ અડધી મહિલાઓ છે. અને મુખ્યત્વે આ નેસની મહિલાઓ જ કામચલાઉ ઊભી કરેલી નાની-નાની દુકાનો ચલાવે છે. આવકના ચોક્કસ આંકડાઓ નક્કી કરવા મુશ્કેલ છે, પરંતુ આ મહિલાઓ કહે છે કે આ માછીમારો અને નોચિકુપ્પમમાં માછલીઓનું વેચાણ કરનારાઓ દૂરના, સરકાર-માન્ય બંદર કાસિમેડુ પર અથવા બીજા ઇન્ડોર બજારોમાં માછલીઓ વેચનારાઓની સરખામણીમાં પ્રમાણમાં સારી આજીવિકા મેળવે છે.

ગીતા કહે છે, "મારા માટે વીકએન્ડ (શનિ-રવિ) સૌથી વ્યસ્ત સમય હોય છે. દરેક વેચાણથી હું અંદાજે 300 થી 500 રુપિયા કમાઉં છું. અને હું દુકાન માંડું છું ત્યારથી (સવારે 8:30 થી 9 વાગ્યાથી) લઈને બપોરના 1 વાગ્યા સુધી લગભગ સતત વેચાણ કરું છું. પરંતુ હું કેટલી કમાણી કરું છું એ કહેવું મુશ્કેલ છે, કારણ કે મારે સવારે જવા માટે અને માછલીઓ ખરીદવા માટે પણ પૈસા ખર્ચવા પડે છે, અને હું કેટલો ખર્ચ કરું છું એ મને રોજ કઈ પ્રજાતિની માછલીઓ મળે છે અને કયા ભાવે માછલીઓ મળે છે તેના આધારે બદલાય છે."

સૂચિત ઇન્ડોર બજારમાં જવાથી આવકમાં ઘટાડો થવાનો ભય તે બધાને માટે મોટી ચિંતાનો વિષય છે. નામ ન આપવાની શરતે બીચ પરની એક માછીમાર મહિલા કહે છે, "અહીં અમારી કમાણીથી અમે અમારું ઘર ચલાવી શકીએ છીએ અને અમારા બાળકોની સંભાળ રાખી શકીએ છીએ. મારો દીકરો કોલેજમાં પણ જાય છે! જો અમે એવા બજારમાં જઈએ કે જ્યાં કોઈ માછલીઓ ખરીદવા જ ન આવે તો હું તેને અને મારા બીજા બાળકોને કોલેજમાં કેવી રીતે ભણાવીશ? શું સરકાર તેની પણ જવાબદારી લેશે?" તેઓ નારાજ છે અને સરકાર સામે ફરિયાદ કરવાના પરિણામોથી ડરેલા છે.

બેસંટ નગર બસ સ્ટેન્ડ પાસેના એક બીજા ઇન્ડોર માછલી બજારમાં જવાની જેમને ફરજ પાડવામાં આવી છે એવી મહિલાઓમાંના એક 45 વર્ષના આર. ઉમા કહે છે, “નોચિકુપ્પમમાં 300 રુપિયે વેચાતી સ્પોટેડ સ્કેટ ફિશ બેસંટ નગરમાં 150 રુપિયાથી વધુ ભાવે વેચી શકાતી નથી. આ બજારમાં જો અમે ભાવ વધારીએ તો કોઈ એ ખરીદશે નહીં. આજુબાજુ તો જુઓ, બજાર ગંદુ છે, અને પકડેલી માછલીઓ (કેચ) વાસી છે.  કોણ અહીં આવીને ખરીદી કરે? અમને તો બીચ પર તાજી પકડેલી માછલીઓ વેચવાનું ગમે, પરંતુ અધિકારીઓ અમને મંજૂરી નથી આપતા. તેઓએ અમને આ ઇન્ડોર બજારમાં ખસેડ્યા છે. તેથી અમારે ભાવ ઓછા કરવા પડશે, વાસી માછલીઓ વેચવી પડશે અને નજીવી કમાણીથી ચલાવવું પડશે. નોચિકુપ્પમની મહિલાઓ બીચ પર માછલીઓ વેચવા માટે કેમ લડી રહી છે એ અમે સમજી શકીએ છીએ; અમારે પણ એવું જ કરવા જેવું હતું."

PHOTO • Manini Bansal
PHOTO • Manini Bansal

ડાબે: ચિટ્ટીબાબુ મરિના લાઇટહાઉસ વિસ્તારમાં ચાલવા આવે છે ત્યારે તેઓ નિયમિતપણે આ બજારમાં આવે છે. જમણે: એક અનુભવી માછીમાર કૃષ્ણરાજ નોચિકુપ્પમ બજારના સ્થાનાંતરણ અંગેની તેમની મુશ્કેલીઓ વિષે વાત કરે છે

ચિટ્ટીબાબુ, જેઓ આ બીચ પર માછલીઓ ખરીદનાર પણ છે, તેઓ કહે છે, "હું જાણું છું કે નોચિકુપ્પમ બજારમાં તાજી પકડેલી માછલીઓ ખરીદવા માટે હું વધારે ઊંચા ભાવ ચૂકવું છું, પરંતુ મને ગુણવત્તાની ખાતરી મળતી હોય તો વધારે પૈસા ચૂકવવાનું વસૂલ છે." આજુબાજુ ગંદકી અને દુર્ગંધ ફેલાવવામાં નોચિકુપ્પમનો હિસ્સો જોઈને તેઓ ઉમેરે છે, “શું કોયમ્બેડુ બજાર (ફળ, ફૂલ અને શાકભાજીનું બજાર) હંમેશા ચોખ્ખું હોય છે? બધા બજારો માત્ર ગંદા હોય છે, બીજું કંઈ નહીં તો ખુલ્લામાં હોય એ બજારો વધુ સારા."

સરોજા, “બીચ માર્કેટમાં કદાચ ગંધ આવે, પરંતુ સૂર્યના તડકામાં બધું સૂકાઈ જાય અને પછી એ બધું જ દૂર કરી શકાય છે. સૂર્ય ગંદકી સાફ કરી દે છે.”

નોચિકુપ્પમના 75 વર્ષના માછીમાર કૃષ્ણરાજ આર. કહે છે, "કચરાની ગાડી આવે છે અને મકાનોમાંથી ઘરનો કચરો ભેગો કરે છે, પરંતુ એ ગાડી બજારનો કચરો લઈ જતી નથી. એ લોકોએ [સરકારે] આ જગ્યા [લૂપ રોડ માર્કેટ] ને પણ સ્વચ્છ રાખવાની જરૂર છે."

પાળયમ પૂછે છે, “સરકાર તેના નાગરિકોને ઘણી નાગરિક સેવાઓ પૂરી પાડે છે, તો પછી આ [લૂપ] રોડની આસપાસના વિસ્તારોમાં સફાઈ કેમ ન કરી શકાય? શું એ લોકો [સરકાર] એવું જાહેર કરી રહ્યા છે કે એ જગ્યાની સફાઈ અમારે કરવાની પરંતુ એ જગ્યા બીજા કશા માટે અમારે વાપરવાની નહીં?"

કન્નદાસન કહે છે કે, “સરકાર માત્ર ધનાઢ્ય લોકોના લાભ બાબતે જ વિચારે છે, વોકર્સ માટે ખાસ પગરસ્તો બનાવે, રોપ કાર બનાવે અને બીજી યોજનાઓ કરે. તેઓ આ બધું કરાવવા માટે સરકારને પૈસા પણ આપતા હોય અને સરકાર કામ કરાવવા માટે વચેટિયાઓને પૈસા આપતી હોય.

PHOTO • Manini Bansal
PHOTO • Manini Bansal

ડાબે: નોચિકુપ્પમ બીચ પર પોતાની ગિલનેટમાંથી સારડીન બહાર કાઢી રહેલ એક માછીમાર. જમણે: ગિલનેટમાંથી પોતે પકડેલ એન્કોવીઝ બહાર કાઢતા કન્નદાસન

કન્નદાસન કહે છે, “માછીમાર દરિયા કિનારાની નજીક હોય તો જ પોતાનું ગુજરાન ચલાવી શકે. જો તમે તેને દરિયા કિનારાથી દૂર ફેંકી દેશો તો એ જીવશે શી રીતે? પરંતુ જો માછીમારો વિરોધ કરે તો વિરોધીઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. મધ્યમ વર્ગના લોકો વિરોધ કરે તો ક્યારેક સરકાર સાંભળે છે." તેઓ પૂછે છે, "અમે જેલમાં જઈશું તો અમારા પરિવારની સંભાળ કોણ રાખશે?"  તેઓ ઉમેરે છે, "પરંતુ આ બધી સમસ્યાઓ માછીમારોની છે જેમને નાગરિક તરીકે ગણવામાં જ નથી આવતા."

ગીતા કહે છે, "જો એમને આ જગ્યાએ દુર્ગંધ આવતી હોય તો એ લોકો જતા રહે અહીંથી." તેઓ ઉમેરે છે, “અમારે કોઈ મદદ કે તરફેણ જોઈતી નથી. ફક્ત અમને હેરાન-પરેશાન ન કરે, અમારી સતામણી ન કરે એટલું જ જોઈએ છે અમારે. અમારે પૈસા, ફિશ સ્ટોરેજ બોક્સ, લોન, કંઈ નથી જોઈતું. બસ અમને અમારી જગ્યાએ રહેવા દો તોય ઘણું."

ગીતા કહે છે, "નોચિકુપ્પમમાં વેચાતી મોટાભાગની માછલીઓ અહીંથી જ આવે છે, પરંતુ કેટલીકવાર અમે કાસિમેડુમાંથી પણ માછલીઓ ખરીદીને લાવીએ છીએ."  અરાસુ ટિપ્પણી કરે છે, "માછલીઓ ક્યાંથી આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, અમે બધા અહીં માછલીઓ વેચીએ છીએ. અમે હંમેશા એકસાથે છીએ. કોઈને કદાચ એવું લાગે કે અમે ઘાંટા પાડીએ છીએ અને એકબીજા સાથે લડીએ છીએ, પરંતુ એ બધી અહીંની માત્ર નાની ફરિયાદો છે, અને જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે વિરોધ કરવા માટે અમે હંમેશા ભેગા થઈ જઈએ છીએ. અમે ફક્ત અમારી સમસ્યાઓ માટે જ નહીં, પરંતુ બીજા ગામના માછીમારોની સમસ્યાઓ માટે પણ અમારું કામ બાજુ પર મૂકીને વિરોધમાં જોડાઈએ છીએ.”

લૂપ રોડ પરના માછીમારોના ત્રણ કુપ્પમના સમુદાયોને નવા બજારમાં તેમને એક નાનકડી દુકાન મળશે કે કેમ એ પણ ખબર નથી.  અમને છેલ્લામાં છેલ્લી માહિતી આપતા નોચિકુપ્પમ ફિશિંગ સોસાયટીના વડા રણજિત કહે છે, "નવા બજારમાં 352 નાની-નાની દુકાનો બનાવવામાં આવનાર છે. જો આ દુકાનો ફક્ત નોચિકુપ્પમના માછલીઓ વેચનારાઓને જ આપવામાં આવવાની હોત તો તો આટલી દુકાનો બહુ થઈ જાત. જો કે, તમામ માછલી વેચનારાઓને આ બજારમાં જગ્યા ફાળવવામાં આવશે નહીં. આ બજારે ખરેખર તો લૂપ રોડ પરના - નોચિકુપ્પમથી પટ્ટિનપક્કમ સુધીના આખા વિસ્તારના - માછીમારોના ત્રણ કુપ્પમના તમામ માછલી વેચનારાઓને સમાવવાના છે, જેમાં લગભગ 500 માછલી વેચનારાઓ છે. 352 દુકાનો ફાળવવામાં આવ્યા પછી બાકીના લોકોનું શું થશે? કોને જગ્યા ફાળવવામાં આવશે અને બાકીના ક્યાં જશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી."

અરાસુ કહે છે, “હું ફોર્ટ સેન્ટ જ્યોર્જ [વિધાનસભાની જગ્યા] માં જઈને મારી માછલીઓ વેચીશ. અમારો આખો નેસ જશે, અને અમે ત્યાં વિરોધ કરીશું."

આ વાર્તામાં આવતી મહિલાઓના નામ તેમની વિનંતીથી બદલવામાં આવ્યા છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Divya Karnad

Divya Karnad is an international award-winning marine geographer and conservationist. She is the co-founder of InSeason Fish. She also loves to write and report.

Other stories by Divya Karnad
Photographs : Manini Bansal

Manini Bansal is a Bengaluru-based visual communication designer and photographer working in the field of conservation. She also does documentary photography.

Other stories by Manini Bansal
Photographs : Abhishek Gerald

Abhishek Gerald is a marine biologist based in Chennai. He works on conservation and sustainable seafood with the Foundation for Ecological Research Advocacy and Learning and InSeason Fish.

Other stories by Abhishek Gerald
Photographs : Sriganesh Raman

Sriganesh Raman is a marketing professional, who loves photography. He is a tennis player, who also writes blogs on a wide variety of topics. His association with Inseason Fish means learning a lot about the environment.

Other stories by Sriganesh Raman
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik