“ઇલ્લલ્લાહકી શરાબ નઝર સે પીલા દિયા, મેં એક ગુનાહગાર થા, સૂફી બના દિયા.
સૂરત મેં મેરે આ ગઈ સૂરત ફકીર કી, યે નઝર મેરે પીર
કી, યે નઝર મેરે પીર કી…”
(નજર
થી
નજર જો મિલાવી મારા પીર
ઇલ્લલ્લાહનો જામ પાયો મારા પીર
પાપી હતો હું, સંત બનાવ્યો મારા પીર.
ચહેરા પર મારા નૂર ફકીરનું
એ નજર મારા પીરની, એ નજર, મારા પીર…
[
ઇલ્લલ્લાહ
એટલે
અલ્લાહના એકત્વની આસ્થા]
)
તેમના કાંડા પર બાંધેલા ઘુંગરૂ [ઘંટડીઓ]ને તેમના ખોળામાં બાળકની જેમ ઢોલક [ઢોલ] ગોઠવીને આ કવ્વાલ પૂણે શહેર નજીક એક દરગાહ (સમાધિ) પર કવ્વાલી ગાઈ રહ્યા છે.
ગુંબજની ટોચ પર પહોંચે એવા ઊંચા અને સ્પષ્ટ અવાજમાં, માઇક્રોફોન અથવા સાથી ગાયકો કે આગળ પ્રેક્ષકો વિના, આ કવ્વાલ એકલ પ્રદર્શન કરે છે.
તેઓ એક પછી એક કવ્વાલી ગાતા જાય છે. તેઓ માત્ર ઝોહર અને મગરિબની નમાઝ (સંધ્યાકાળની નમાઝ) દરમિયાન જ વિરામ લે છે, કારણ કે નમાઝના સમયે ગાવાને અથવા સંગીત વગાડવાને અનુચિત માનવામાં આવે છે. નમાઝ પૂરી થાય કે તરત તેઓ ગાવા લાગે છે અને રાત્રે લગભગ આઠ વાગ્યા સુધી ગાતા રહે છે.
તેઓ પોતાનો પરિચય આપતાં કહે છે, “હું અમજદ છું. અમજદ મુરાદ ગોંડ. અમે રાજગોંડ છીએ. આદિવાસી.” નામ અને દેખાવમાં મુસ્લિમ અને જન્મથી આદિવાસી એવા અમજદ આપણને કહે છેઃ “કવ્વાલી અમારો વ્યવસાય છે!”
પાન ખાતાં તેઓ કહે છે, “મને એવી વ્યક્તિ બતાવો જેને કવ્વાલી પસંદ ન હોય! તે એક એવી કળા છે જે દરેકને ગમે છે.” જેમ જેમ તેમના મોંમાં પાન ઓગળતું જાય છે, તેમ તેમ તેઓ તેના જુસ્સા, કવ્વાલી, વિશે વાત કરતાં કહે છે, “પબ્લિક કો ખુશ કરને કા. બસ [લોકોને રાજી કરવાના, એટલું ઘણું છે!]”
‘પાઉં મેં બેડી, હાથોં મેં કડા રહને દો, ઉસકો સરકાર કી ચૌખટ પે પડા રહને દો…’ આ સૂર મને હિન્દી ફિલ્મના એક લોકપ્રિય ગીતની યાદ અપાવે છે.
તેઓ કવ્વાલીમાં બોલિવૂડની ધૂનનો ઉપયોગ કરે છે તેની સામે આ દરગાહ પર આવતા શ્રદ્ધાળુઓ કોઈ વાંધો નથી ઉઠાવતા, અને તેમનું ગાયન સાંભળતા તેમને કેટલાક પૈસા આપે છે. કેટલાક 10 રૂપિયા, તો કેટલાક 20 રૂપિયા આપે છે. ચાદર અર્પણ કરીને પૂજ્ય સંતના આશીર્વાદ લેનારા શ્રદ્ધાળુઓને દરગાહની સંભાળ રાખનારાઓ (મુજાવર) તિલગુલ (તલ અને ગોળ) આપે છે. એક મુજાવર સવાલીઓ (શ્રદ્ધાળુઓ)ની પીઠ અને ખભાને મોરનાં પીંછાંથી થપથપાવે છે; આવું દુષ્ટતાને દૂર કરવા માટે કરાય છે. પીર (સંત)ને પૈસા અર્પણ કરવામાં આવે છે, અને કવ્વાલ (ગાયક) માટે થોડી રકમ અલગ રાખવામાં આવે છે.
અમજદ કહે છે કે આ દરગાહની મુલાકાત ઘણા સમૃદ્ધ લોકો લે છે. કબર તરફ જતા રસ્તા પર નિયાઝ (પ્રસાદ) તરીકે વપરાતી ચાદર અને ચુંદડી વેચતી ઘણી નાની દુકાનો છે. પૂજાનું સ્થળ હંમેશાં ઘણા લોકોને ખવડાવે છે અને રોજગારી પૂરી પાડતું હોય છે.
હઝરત પીર કમર અલી દુર્વેશ ભેદભાવ કરતા નથી. દરગાહની સીડી પર, એક ફકીર (ભિક્ષુક) ભીખ માંગે છે અને કેટલાક લોકો લોકોની દયા અને પૈસા માંગે છે. નવ યાર્ડ લાંબી સાડી પહેરેલી એક વૃદ્ધ હિંદુ મહિલા અહીં નિયમિતપણે આવે છે અને હઝરત કમર અલી દુર્વેશના આશીર્વાદ મેળવે છે. વિકલાંગો, અનાથો અને કવ્વાલો બધા તેમની દયા પર છે.
અમજદ ભિખારી નથી. તેઓ એક કલાકાર છે. સવારે 11 વાગ્યે તેઓ કબરની સામે એક જગ્યા શોધે છે અને પોતાનું ‘મંચ’ ગોઠવે છે. ધીમે ધીમે શ્રદ્ધાળુઓ આવવા લાગે છે. બપોર સુધીમાં, કબરની આસપાસનો સફેદ આરસ અને ગ્રેનાઈટની લાદી ગરમ થઈ જાય છે. શ્રદ્ધાળુઓ પથ્થરની તીવ્ર ગરમીથી પોતાના પગ બચાવવા માટે કૂદવા અને દોડવા લાગે છે. અહીં હિંદુ ભક્તોની સંખ્યા મુસ્લિમો કરતાં વધારે છે.
સ્ત્રીઓને મજાર (સંતની કબર)ની નજીક જવાની મંજૂરી નથી. તેથી, મુસ્લિમ મહિલાઓ સહિત ઘણા લોકો વરંડામાં બેસે છે અને આંખો બંધ કરીને કુરાનની આયતો (પંક્તિઓ)નું પઠન કરે છે. તેમની બાજુમાં નજીકના ગામની એક હિંદુ સ્ત્રીને એક આત્મા વળગી છે. લોકો કહે છે, “પીરાચ વારા [પીરનો આત્મા].”
શ્રદ્ધાળુઓ માને છે કે ચિરાગ (કબર પરના દીવા)નું તેલ, ઝેરી સાપ અથવા વીંછીના ડંખનું મારણ છે. આ માન્યતાનાં મૂળ એક એવા યુગમાં છે જ્યારે આવા ઝેરનો કોઈ ઇલાજ ન હતો. હવે આપણી પાસે દવાખાનાં અને સારવાર છે, પરંતુ ઘણા લોકોને હજુ પણ તે પરવડી શકે તેમ નથી. અને ત્યાં ચિંતાઓથી પીડાતા ઘણા લોકો છે: એક નિઃસંતાન સ્ત્રી છે, કેટલાંક સાસુ અથવા પતિથી પરેશાન છે. તો વળી કેટલાંક એવાં છે જે તેમના ગુમ થયેલા પ્રિયજનોની શોધમાં છે.
આ મજારમાં માનસિક બીમારીથી પિડાતા લોકો પણ છે જેઓ આ પીર સાથે જોડાણ ઇચ્છે છે. તેઓ આશીર્વાદ માટે વિનવણી કરે છે અને અમજદની કવ્વાલી તેઓ જે ઇચ્છે છે તેના માટે એક સૂર અને લય રજૂ કરે છે, જે આપણને અન્ય કોઈ પ્રાર્થનાની જેમ મદહોશ કરી દે છે.
શું તેઓ ક્યારેય ગાવાનું બંધ કરે છે? શું તેમનું ગળું ક્યારેય થાકે છે ખરું? તેમનાં ફેફસાં હાર્મોનિયમની જોડી જેવાં લાગે છે. અમજદ બે ગીતો વચ્ચે વિરામ લે છે, અને હું ઇન્ટરવ્યૂ માટે તેમનો સમય માંગવા માટે તેમની પાસે જાઉં છું. અમજદ હાથથી પૈસાનો ઈશારો કરતાં પૂછે છે, “મેરે કો કુછ દેના પડેગા ક્યા? [શું મારે કંઈ ‘આપવું’ પડશે?]” મારી પાસે કોઈ જવાબ નથી. હું ફરી એક વાર તેમનો સમય માંગું છું અને તેમનું ગાયન સાંભળવાનું ચાલુ રાખું છું.
કવ્વાલી એ રૂહાની છે – તે આત્માને સ્પર્શે છે. સૂફી પરંપરાએ તેને પરમેશ્વર સાથે જોડી છે. રિયાલિટી ટેલેન્ટ શોમાં આપણે જે સાંભળીએ છીએ તે અન્ય પ્રકારનું છે, તે રૂમાની અથવા રોમેન્ટિક હોય છે. અને આ સિવાય ત્રીજો પ્રકાર પણ છે. આપણે તેને ખાનાબદોશી કહી શકીએ છીએ. આ એ પ્રકાર છે જે અમજદની પાસે પહોંચ્યો છે, જેઓ ટકી રહેવા માટે ભટકતા હતા.
અમજદનો અવાજ હવામાં ગુંજી ઊઠે છે.
તાજદારે હરમ, હો નિગાહે કરમ
હમ ગરીબો કે દિન ભી સંવર જાયેંગે…
આપકે દર સે ખાલી અગર જાયેંગે
જ્યારે અમજદે તેને ગાયું ત્યારે છેલ્લી પંક્તિ વધુ ઊંડો અર્થ ધરાવતી હતી. હું હવે તેમની સાથે વાત કરવા માટે વધુ ઉત્સુક હતો. તેમને ખલેલ પહોંચાડવા માટે મેં બીજા દિવસનો સમય માંગ્યો અને ફરીથી દરગાહ પર ગયો. પીર કમર અલી દુર્વેશનો ઈતિહાસ જાણવામાં હું બીજા દિવસ સુધી વ્યસ્ત રહ્યો.
અમજદ ગોંડ કબરની સામે જગ્યા શોધે છે અને પોતાનું ‘મંચ’ ગોઠવે છે. ધીમે ધીમે શ્રદ્ધાળુઓ આવવા લાગે છે. હિંદુ શ્રદ્ધાળુઓની સંખ્યા મુસ્લિમો કરતાં વધારે છે
*****
વાત એવી છે કે હઝરત કમર અલી પુણે શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર સિંહગઢ કિલ્લાની તળેટીમાં આવેલા એક નાના ગામ ખેડ શિવપુરમાં આવ્યા હતા. ગામમાં શેતાનથી કંટાળીને ગ્રામજનો હઝરત કમર અલી પાસે ગયા અને તેમની મદદ માંગી. આ પવિત્ર માણસે શેતાનને એક પથ્થરમાં ફસાવ્યો અને તેને શ્રાપ આપતા કહ્યુંઃ તા કયામત, મેરે નામ સે લોગ તુજે ઉઠા ઉઠા કે પટકતે રહેંગે, તું લોગો કો પરેશાન કિયા કરતા થા, અબ જો સવાલી મેરે દરબાર મેં આએંગે વો તુજે મેરે નામ સે પટકેંગે! [લોકો ન્યાયના દિવસ સુધી તને ઉપાડીને જમીન પર પટકશે. તું અત્યાર સુધી તેમને પરેશાન કરતો હતો, હવે મારા આશીર્વાદ લેવા આવતા બધા લોકો તને જમીન પર પછાડશે].
કબરની સામેના પથ્થરનું વજન 90 કિલોથી વધુ છે અને આશરે 11 લોકોનું જૂથ તેને માત્ર એક આંગળીની મદદથી એકસાથે ઉપાડી શકે છે. તેઓ મોટા અવાજે ‘યા કમર અલી દુર્વેશ’નો જાપ કરે છે અને તેમની પૂરજોરથી પથ્થરને નીચે પછાડે છે.
દરગાહ ઘણા ગામડાઓમાં હોય છે, પરંતુ બહુ ઓછા ગામડાઓમાં ખેડ શિવપુરની દરગાહ જેટલી ભીડ હોય છે. આ ભારે પથ્થરની અજાયબી અહીં ઘણા લોકોને ખેંચી લાવે છે; અમજદ જેવા ઘણા લોકો પાસે આ ભીડને કારણે થોડી વધુ કમાણી કરવાની વધુ સારી તક છે. શ્રદ્ધાળુઓ એવું પણ માને છે કે ઔલિયા નિઃસંતાનને સંતાનનું આશીર્વાદ આપે છે. અમજદ મને કહે છે, “અમે દવાપેટે ઔષધિઓ પણ આપીએ છીએ અને નિઃસંતાનને સંતાન આપીએ છીએ.”
*****
એ જ પરિસરમાં એક મસ્જિદ છે અને તેની બાજુમાં એક વુઝૂખાના છે. અમજદ ત્યાં જાય છે, પોતાને સારી રીતે ધોઈ નાખે છે, તેના વાળને બનમાં બાંધે છે, તેની નારંગી ટોપી પહેરે છે અને વાત કરવાનું શરૂ કરે છે. “હું દર મહિને ઓછામાં ઓછું એક અઠવાડિયું અહીં આવું છું અને રહું છું.” એક બાળક તરીકે, તેઓ તેમના પિતા સાથે અહીં નિયમિતપણે આવતા હતા. તેઓ કહે છે, “હું 10 કે 15 વર્ષનો હતો ત્યારે મારા અબ્બા [પિતા] મને પ્રથમ વખત અહીં લાવ્યા હતા. હવે હું 30 વર્ષનો થઈ ગયો છું અને હું ક્યારેક મારા દીકરાને મારી સાથે અહીં લાવું છું.”
દર્વેશી સમુદાયના કેટલાક લોકો દરગાહની લાદી પર ચટ્ટાઈ પર સૂઈ રહ્યા છે. અમજદે પણ પોતાની થેલી દિવાલ પાસે રાખી છે. તેઓ એક ચટ્ટાઈ કાઢે છે અને તેને જમીન પર પાથરે છે. તેઓ મને કહે છે કે તેમનું ઘર જલગાંવ જિલ્લાના પચોરાની ગોંડ બસ્તીમાં છે.
અમજદ પોતાને હિંદુ કે મુસ્લિમ તરીકે ઓળખાવવાની તસ્દી નથી લેતા. હું તેમના પરિવાર વિશે પૂછું છું. તેઓ કહે છે, “મારા પિતા અને બે મા. અમે ચાર ભાઈઓ છીએ. હું છોકરાઓમાં સૌથી મોટો છું. મારા પછી શાહરૂખ, શેઠ અને સૌથી નાનો બાબર છે. મારો જન્મ પાંચ છોકરીઓ પછી થયો હતો.” હું તેમને તેમનાં મુસ્લિમ નામો વિશે પૂછું છું. તેઓ જવાબ આપે છે, “અમ ગોંડ લોકોને હિંદુ અને મુસ્લિમ નામો હોય છે. અમારો કોઈ ધર્મ નથી. અમે નાત−જાતમાં નથી માનતા. હમારા ધરમ કુછ અલગ હૈ [અમારો ધર્મ થોડો અલગ છે]. અમે રાજગોંડ છીએ.”
જાહેર ડોમેનમાં રહેલી માહિતી દર્શાવે છે કે લગભગ 300 વર્ષ પહેલાં, રાજગોંડ આદિવાસીઓના એક વર્ગે ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. તેઓ મુસલમાન/મુસ્લિમ ગોંડ તરીકે ઓળખાતા હતા. મહારાષ્ટ્રના નાગપુર અને જલગાંવ જિલ્લામાં આ મુસ્લિમ ગોંડ સમુદાયના કેટલાક સભ્યોને મળી શકાય છે. પરંતુ અમજદ આ ઇતિહાસથી અજાણ છે.
તેઓ કહે છે, “અમે મુસ્લિમો સાથે લગ્ન નથી કરતા. માત્ર ગોંડ [સાથે જ લગ્ન કરીએ છીએ]. મારી પત્ની ચાંદની ગોંડ છે. મારી દીકરી લાજો, આલિયા અને અલીમા છે. તે બધા ગોંડ છે, ખરું ને?” અમજદને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ નામના આધારે ધર્મની ઓળખ કરી શકાય છે. તેઓ મને તેમની બહેનો વિશે કહે છે. “મારી સૌથી મોટી બહેન નિશોરી છે, પછી રેશ્મા આવે છે. સૌસલ અને ડિડોલી રેશ્માથી નાનાં છે. જુઓ આ બધા ગોંડ નામો છે. પરંતુ સૌથી નાનીનું નામ મેરી છે. યે નામ તો ક્રિશ્ચન મેં આતા હૈ [આ એક ખ્રિસ્તી નામ છે]. તેમાં કંઈ વાંધો નથી. અમે ફક્ત અમને જે નામ ગમે તે રાખી લઈએ છીએ.” નિશોરી 45 વર્ષનાં છે, અને સૌથી નાની મેરી ત્રીસ વર્ષનાં. તે બધાંએ ગોંડ પુરુષો સાથે લગ્ન કર્યાં છે. તેમાંથી કોઈ ક્યારેય શાળામાં નથી ગયું.
અમજદમાં પત્ની ચંદની અશિક્ષિત છે. જ્યારે તેમની દીકરીઓના શિક્ષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે, “મારી દીકરીઓ સરકારી શાળામાં ભણે છે. પરંતુ અમારા સમુદાયમાં છોકરીઓને વધારે ભણવા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં નથી આવતી.”
“મારો એક પુત્ર નવાઝ છે અને બીજો ગરીબ છે!” ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને ગરીબોના તારણહાર ‘ગરીબ નવાઝ’ તરીકે ઓળખવામાં આવે છે. અમજદે પોતાના પુત્રોના નામ રાખવા માટે આ બે શબ્દોનો ઉપયોગ કર્યો છે. “નવાઝ હજુ એક વર્ષનો પણ નથી થયો! પણ હું એ સુનિશ્ચિત કરીશ કે ગરીબ સારો અભ્યાસ કરે. હું તેને મારી જેમ ભટકવા નહીં દઉં!” ગરીબ આઠ વર્ષનો છે અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ આ બાળક તેના કવ્વાલ પિતા સાથે મુસાફરી કરતું રહે છે.
તેમના પરિવારના તમામ પુરુષોએ કવ્વાલીને પોતાનો વ્યવસાય માન્યો છે.
અમજદ કહે છે, “તમે જાણો છો, અમે ગોંડ કંઈ પણ વેચી શકીએ છીએ, માટીનો એક ઢગલો પણ. અમે કાન સાફ કરીએ છીએ. અમે ખજૂર વેચીએ છીએ. ઘર સે નિકલ ગએ, તો હઝાર-પાંચસો કમાકેચ લાતે [જ્યારે પણ અમે કામ માટે ઘરેથી નીકળીએ છીએ, ત્યારે અમે 1,000 કે 500 રૂપિયા કમાઈને જ ઘરે પાછા આવીએ છીએ]!” પરંતુ તેઓ એવી પણ ફરિયાદ કરે છે કે “લોકો પૈસા વેડફી નાખે છે. તેઓ બચત નથી કરતા. અમારો કોઈ ખાસ વ્યવસાય નથી. કોઈ પણ એકેય પ્રકારની સેવામાં લાગેલું નથી.”
આવક અથવા વ્યવસાયના સ્થિર સ્રોતની આ સંપૂર્ણ અછત અમજદના પિતાને કવ્વાલી તરફ દોરી ગઈ. “મારા દાદાની જેમ મારા પિતા પણ જડીબુટ્ટીઓ અથવા ખજૂર વેચવા ગામડાઓમાં ફરતા હતા. તેમને સંગીતનો શોખ હતો અને પછી તેઓ કવ્વાલી ગાવા લાગ્યા. મારા પિતા જ્યાં પણ ગયા ત્યાં હું હંમેશાં તેમની પાછળ જતો. ધીમે ધીમે તેમણે કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું. અને તેમને જોઈને હું પણ આ કળા શીખી ગયો.”
“શું તમે ક્યારેય શાળાએ ગયા છો?” હું પૂછું છું.
અમજદ ચૂનાની એક થેલી બહાર કાઢે છે, આંગળીની ટોચ પર થોડોક ચૂનો લગાવે છે અને તેને પોતાની જીભથી ચાટતાં કહે છે, “હું બીજા કે ત્રીજા ધોરણ સુધી ભણેલો છું. તે પછી હું નહોતો ગયો. પણ હું લખી અને વાંચી શકું છું. હું અંગ્રેજી પણ જાણું છું.” તેમને લાગે છે કે જો તેમણે વધુ અભ્યાસ કર્યો હોત તો તેઓ જીવનમાં પ્રગતિ કરી શક્યા હોત. અને તેઓ એ પણ વિલાપ કરે છે કે તેમણે એવું નથી કર્યું. તેઓ કહે છે, “તેના કારણે હું પાછળ રહી ગયો છું.” અમજદના ભાઈઓની બાબતમાં પણ એવું જ છે. તે બધા માત્ર વાંચવા અને લખવાનું શીખવા માટે શાળાએ ગયા હતા. બસ તેટલું. પછી કામ કાજે તેમણે ભણતર છોડવું પડ્યું હતું.
અમજદ કહે છે, “અમારા ગામમાં 50 ગોંડ પરિવારો છે. બાકીના બધા હિંદુ, મુસ્લિમ અને ‘જય ભીમ’ [દલિત]. તે બધા ત્યાં છે. તમને અમારા સિવાય આ તમામ સમુદાયોમાં શિક્ષિત લોકો મળશે. પણ મારો ભત્રીજો ભણેલોગણેલો છે. તેનું નામ શિવ છે.” શિવે 15 કે 16 વર્ષની ઉંમર સુધી અભ્યાસ કર્યો હતો અને તે સેનામાં જોડાવા માંગતો હતો પરંતુ તે આગળ વધી શક્યો નહીં. તેઓ કહે છે કે, હવે તે પોલીસમાં ભરતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. અમજદના પરિવારમાં ઓછામાં ઓછો એક યુવાન તો કારકિર્દી અને શિક્ષણ વિશે વિચારી રહ્યો છે.
અમજદની પણ પોતાની કારકિર્દી છે. “અમારી એક પાર્ટી છે, કે.જી.એન. કવ્વાલી પાર્ટી.” કે.જી.એન. એટલે ખ્વાજા ગરીબ નવાઝ. તેમણે તેમના ભાઈઓ સાથે આની શરૂઆત કરી છે. તેઓ લગ્ન અને અન્ય કાર્યોમાં પ્રદર્શન કરે છે. મેં પૂછ્યું કે, “તમે કેટલું કમાઓ છો?” અમજદ જવાબ આપે છે, “તે આયોજક પર નિર્ભર કરે છે. અમને 5,000 થી 10,000 રૂપિયા મળે છે. દર્શકો પણ કેટલાક પૈસા આપે છે. કુલ મળીને અમે એક કાર્યક્રમમાંથી 15,000 થી 20,000ની કમાણી કરીએ છીએ.” આ કમાણી તમામ સભ્યોમાં વહેંચવામાં આવે છે અને દરેકને ભાગે 2,000-3,000 રૂપિયા આવે છે. એક વાર લગ્નની મોસમ પૂરી થઈ જાય પછી કોઈ કાર્યક્રમો થતા નથી અને પછી અમજદ પૂણે આવી જાય છે.
અહીં ખેડ શિવપુર ખાતેની હઝરત કમર અલી દુર્વેશ દરગાહ પર તેઓ હંમેશાં થોડા ઘણા પૈસા કમાય છે. તેઓ રાત ભોંયરામાં વિતાવે છે. “ઉપરવાલા ભૂખા નહીં સુલાતા! [સર્વશક્તિમાન ઈશ્વર તમને ભૂખ્યા સૂવા નથી દેતા].” જો તેમની ઇચ્છા પૂર્ણ થાય તો ઘણા લોકો ભોજન આપે છે. તેઓ અહીં એક અઠવાડિયા સુધી રહે છે, કવ્વાલી ગાય છે અને તેઓ જે પણ કમાણી કરે તેની સાથે ઘરે પરત ફરે છે. આ તેમનો નિત્યક્રમ છે. અહીં તેઓ કેટલું કમાય છે તે વિશે પૂછતાં અમજદ કહે છે કે તે 10,000-20,000 રૂપિયાની વચ્ચે છે. તેઓ કહે છે, “પણ વ્યક્તિએ વધારે લોભી ન બનવું જોઈએ. અને જો તમે વધુ કમાણી કરશો તો પણ તમે આટલા બધા પૈસા ક્યાં રાખશો? તેથી, હું જે પણ કમાઉં છું તેને લઈને ઘરે પરત ફરું છું!”
હું પૂછું છું, “શું તે ગુજારો કરવા માટે પૂરતું છે?” તેઓ કહે છે, “હા, ચલ જાતા હૈ! [હા, ચાલી જાય છે]. જ્યારે હું મારા ગામમાં પાછો જાઉં છું ત્યારે પણ હું ત્યાં કામ કરું છું.” હું વિચારું છું કે તેઓ શું કામ કરતા હશે, કારણ કે તેમની પાસે કોઈ જમીન કે અન્ય કોઈ સંપત્તિ નથી.
અમજદ આ વિશે વધુ જણાવીને મારી મુંઝવણ દૂર કરતાં કહે છે, “રેડિયમનું કામ. હું આર.ટી.ઓ. (પ્રાદેશિક પરિવહન કાર્યાલય)માં જાઉં છું અને નામ વાહનોની નંબર પ્લેટ રંગું છું. કવ્વાલી કાર્યક્રમો દૂરસ્થ કામ છે તેથી મેં રેગ્યુલર કામ શોધવાનું નક્કી કર્યું હતું. મેં મારી થેલી ઉપાડી અને રેડિયમ પેઇન્ટ ખરીદ્યો. રસ્તામાં, હું એક વાહન પર રોકાયો અને તેને કન્યાની જેમ શણગાર્યું.” આ તેમનો સાઇડ બિઝનેસ છે, એવો બિઝનેસ કે જેમાં કલાનો ઉપયોગ થાય છે, તે શેરીમાં કરવામાં આવે છે, અને તેમને થોડા ઘણા રૂપિયા કમાવી આપે છે.
આજીવિકાના વિકલ્પો ખૂબ જ ઓછા હોવાથી અને તેમની કળાની ગણ્યાગાંઠ્યા અમુક જ લોકો કદર કરતા હોવાથી, અમજદના સમુદાય પાસે વથુ વિકલ્પો નથી. પરંતુ વસ્તુઓ બદલાઈ રહી છે. ભારતીય લોકશાહી તેમના જીવનમાં આશાનું તે કિરણ લઈને આવી છે. તેઓ કહે છે, “મારા પિતા સરપંચ [ગામના વડા] છે. તેમણે ગામ માટે ઘણી સારી વસ્તુઓ કરી છે. અગાઉ અમારે ત્યાં બધે કાદવ જ હતો, પણ તેમણે એક રસ્તો બનાવ્યો હતો.”
સ્થાનિક વહીવટી સંસ્થાઓમાં આદિવાસીઓ માટે અનામત રાખવાથી આ શક્ય બન્યું છે. જોકે, અમજદ તેમના પોતાના જ લોકોથી નારાજ છે. તેઓ ફરિયાદ કરતાં કહે છે, “શું કોઈએ સરપંચથી પણ આગળ નીકળી જવું જોઈએ? ઘણા લોકો આવું કરે છે. લોકો પાસે જેવા પૈસા આવી જાય એટલે તેઓ ચિકન અને માછલી ખરીદશે. તેઓ બધા પૈસા ખર્ચ કરી દે છે અને મજા કરવા લાગે છે. કોઈ ભવિષ્ય વિશે વિચારતું નથી.”
મતદાન ગુપ્ત છે તે સારી રીતે જાણતો હોવા છતાં હું પૂછું છું, “તમે કોને મત આપો છો?” આ વાતનો ઉપરઉપરથી જવાબ આપતાં તેઓ કહે છે, “અગાઉ મેં પંજાને [ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતીક] મત આપ્યો હતો. હવે ભાજપ પૂરજોશમાં છે. અમારે અમારી જાતિ પંચાયતના નિર્ણય મુજબ મતદાન કરવાનું હોય છે. જો ચલ રહા હૈ, વહીચ ચલ રહા હૈ! [અમે ચારે બાજુ શું થઈ રહ્યું છે તે પ્રમાણે કરીએ છીએ]. મને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.”
હું પૂછું છું કે “શું તમે પીવો છો?” અને તેઓ તરત નકારમાં જવાબ આપે છે. “ના, ક્યારેય નહીં… ક્યારેય બિડી કે દારૂ નથી પીધું. મેરે ભાઈ બિડયા પીતે, પુડ્યા ખાટે, [મારા ભાઈઓ બિડી પીવે છે અને તમાકુ/ગુટકા ખાય છે]. પણ હું નથી પીતો. હું આવા કોઈ દૂષણોનો શિકાર નથી.” આમાં શું ખોટું છે એ હું તેમની પાસેથી જાણવા માંગું છું.
અમજદ કહે છે, “હું એક અલગ જ રસ્તે છું! જો કોઈ [દારૂ] પીવે અને કવ્વાલી ગાય, તો તે ચોક્કસપણે તેની ગરિમા ગુમાવશે. આવું વર્તન શા માટે કરવું જોઈએ? તેથી જ હું ક્યારેય આ ટેવોમાં સપડાયો નથી.”
તમને કઈ કવ્વાલી ગમે છે? તેઓ કહે છે, “મને સંસ્કૃતમાં એક ગમે છે. મને તે ગાવાનું અને સાંભળવું પણ ગમે છે.” સંસ્કૃત કવ્વાલી? મને આમાં રસ પડે છે. તેઓ સમજાવતાં કહે છે, “અસલમ સાબરી ગાય છે, ‘કિરપા કરો મહારાજ [કૃપા કરો મહારાજ]…’ કેટલી મધુર રચાન છે. મારા આત્માને જે સ્પર્શે છે તે સંસ્કૃત છે. કવ્વાલી ભગવાન કે લિએ ગાઓ, યા નબી કે લિએ, દિલ કો છૂ જાએ બસ [કવ્વાલીઓ ભગવાન અથવા પયગંબર માટે ગાવાની હોય છે. જો તે તમારા હૃદયને સ્પર્શી જાય, તો તે પૂરતું છે]!”
અમજદ માટે, હિંદુ દેવની સ્તુતિ કરનારી કવ્વાલી ‘સંસ્કૃત’ છે. એ તો આપણે છીએ જે લિપિ અને બોલીને લઈને લડતા રહીએ છીએ.
બપોર ઢળવા લાગે છે તેમ તેમ ભીડ વધવા લાગે છે. પુરુષોનું એક જૂથ કબરની સામે એકઠું થાય છે. કેટલાક લોકો ટોપી પહેરે છે અને અન્ય લોકો રૂમાલથી માથું ઢાંકે છે. ‘યા કમર અલી દુર્વેશ’નો મોટો નારો વાગે છે અને તે બધા તેમની આંગળીઓથી ભારે પથ્થરને ઊંચકી લે છે, પછી તેને જોરથી નીચે પછાડે છે.
અમજદ મુરાદ ગોંડ ભગવાન અને પયગંબર માટે ગાવાનું ચાલુ રાખે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ