'સિંગલ ઇકત પટોળામાં 3500 તાણાના તાર આવે અને 13570 વાણાના તાર આવે. ડબલ ઇકતમાં 2200 (તાણા) આવે અને 9870 (વાણા) આવે' આટલું જણાવી રેખાબહેન વાઘેલા નળા(Shuttle)માં બૉબિન ભરાવી હળવું હસીને બોલ્યાં, 'સરૂઆતમાં સિંગલ તારથી રીલ ભર્યું અને અંતમાં સિંગલ તારથી બૉબિન ભર્યું.' પછી હાથસાળ પર પટોળાના વણાટકામ પહેલાં, એટલે કે બૉબિન ભરવા સુધીની વાણા પર થતી સરળ-સૂક્ષ્મ પ્રક્રિયાઓ સમજાવી.
ચાલીસી વટાવેલાં રેખાબહેન મોટા ટીંબલા ગામનાં. રેખાબહેન સિંગલ ઇકત અને ડબલ ઇકત ડિઝાઇનમાં પટોળાં વણતાં એકમાત્ર દલિત મહિલા-કારીગર. સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ટીંબલાના વણકરવાસમાં વણાટ-કારીગરો જગતજાણીતાં પટોળાં બનાવે. સુરેન્દ્રનગરમાં બનતાં પટોળાં ‘ઝાલાવાડી’ પટોળાં તરીકે ઓળખાય. 'ઝાલાવડી' પટોળાં સિંગલ ઇકત માટે જાણીતાં. અહીંના વણાટ-કારીગરો ડબલ ઇકતનાં પટોળાં પણ બનાવે. 'સિંગલ ઇકતમાં દાંડી વાણામાં હોય, ડબલ ઇકતમાં તાણાવાણા બંનેમાં હોય'. રેખાબહેનની વાત સાથે કટારિયા ગામના 42 વર્ષીય રમેશ દાનાભાઈ દુલેરાની વાત મૂકવાથી થોડી સ્પષ્ટતા થશે : ‘સિંગલ ઇકતમાં ખાલી વાણામાં જ ડિઝાઇન આવે અને ડબલમાં તાણાવાણા બંનેમાં ડિઝાઇન આવે.' વાંચો: રેખાબહેનના જીવનના તાણાવાણા
ડિઝાઇનને કારણે જ વણાટકામ પહેલાંની પ્રક્રિયાઓ ઘણી સંકુલ બને. રેખાબહેને સંકુલ પ્રક્રિયાઓને સરળતાથી સમજાવવા વણાટકામ બંધ કર્યું અને કહ્યું 'લખો!' એમની આંખ મારી ડાયરી પર ઠરી, અને મને ઘાઘરેટિયા ગામનાં 55 વર્ષનાં ગંગાબહેન પરમારના શબ્દો યાદ આવ્યા, 'વૉકળાને (તારનો મોટો લચ્છો) પીરતી પર ચડાવવાનું. પીરતી પરથી (મોટા) બૉબિન પર લેવાનું (મોટાભાગે રીલ પર લેવાય). રેંટિયો હોય તો જ બૉબિન પર ચડે. હંચો હોય તો જ પીરતી હલે. હંચો નૉ હોય તો પીરતી નૉ હલે.' 'ચ્યાં ખોવાઈ જ્યા?' કહી રેખાબહેને વણાટકામ પહેલાં એક અઠવાડિયું ચાલતી 12થી વધારે પ્રક્રિયાઓ તબક્કાવાર લખાવાનું કહ્યું, મેં લખી. અને જાણ્યું પણ ખરું કે એક પણ પ્રક્રિયામાં ગફલત એટલે ખામીભરેલું પટોળું. આ પ્રક્રિયાઓ પછી જ હાથસાળ પર વણાટકામ શરૂ થાય, અને '252 ઇંચ લાંબા પટોળા'ના છેલ્લા તારે પૂરું થાય. છેલ્લા તારે પૂરું થયેલું પટોળાનું વણાટકામ કારીગરોના 6 મહિનાનો શ્રમ પણ વણી લેતું હોય છે.