જ્યારે જસદીપ કૌરે વધુ સારી રીતે અભ્યાસ કરવા માટે સ્માર્ટફોન ખરીદવાની જરૂર હતી, ત્યારે તેમના માતાપિતાએ તેમને 10,000 રૂપિયા ઉધાર આપ્યા હતા. તેની ચૂકવણી કરવા માટે, આ 18 વર્ષીય યુવતીએ પોતાની 2023ની ઉનાળાની રજાઓ ડાંગરનું વાવેતર કરવામાં વિતાવી હતી.
પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં તેમના પરિવારોને ટેકો આપવા માટે ખેતરોમાં કામ કરતાં હોય તેવાં દલિત વિદ્યાર્થીઓમાં જસદીપ કૌર એકલાં નથી.
જસદીપ કહે છે, “અમે ખેતરમાં કામ ખુશીથી નહીં, પરંતુ અમારા પરિવારોની લાચારીના લીધે કરીએ છીએ.” તેમનો પરિવાર મઝહબી શીખ સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે પંજાબમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેમના સમુદાયના મોટાભાગના લોકો પાસે જમીન નથી પરંતુ તેઓ ઉચ્ચ જાતિના ખેડૂતોના ખેતરોમાં કામ કરે છે.
તેમના માતાપિતાએ તેમને જે પૈસા આપ્યા હતા તે તેમણે ગાય ખરીદવા માટે એક માઇક્રોફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 38,000 રૂપિયાની લોનમાંથી આપ્યા હતા. 40 રૂપિયા પ્રતિ લિટર લેખે દૂધ વેચવાથી, તેમના પરિવારના ઘરખર્ચમાં મદદ મળશે. શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના ખુંડે હલાલ ગામમાં કમાણીની તકો મર્યાદિત છે, અને અહીંની 33 ટકા વસ્તી ખેત મજૂરો છે.
જસદીપે જ્યારે જૂનમાં કોલેજની પરીક્ષા આપવી પડી ત્યારે સ્માર્ટફોન અમૂલ્ય સાબિત થયો હતો, કેમ કે તેઓ ડાંગરના ખેતરોમાં મજૂરી કરવાથી બે કલાકનો વિરામ લઈને તરત ઓનલાઇન પરીક્ષા આપી શક્યાં હતાં. તેઓ કહે છે, “મને કામ છોડવાનું પોસાય તેમ નહોતું. જો હું તેના બદલે કોલેજ ગઈ હોત, તો મારો પગાર એક દિવસ માટે કાપી લેવામાં આવ્યો હોત.”
પંજાબના શ્રી મુક્તસર જિલ્લાની સરકારી કોલેજ મુક્તસરમાં વાણિજ્યના બીજા વર્ષનાં વિદ્યાર્થી જસદીપ માટે ખેત મજૂર તરીકેનું કામ એ કંઈ નવું નથી. તેઓ 15 વર્ષનાં હતાં ત્યારથી તેમના પરિવાર સાથે ખેતરોમાં કામ કરી રહ્યાં છે.
તેઓ હસતાં હસતાં કહે છે, “અન્ય બાળકો ઉનાળાની રજાઓમાં તેમના નાની પિંડ [નાનીના ગામ] માં જવા માટે કહે છે, જ્યારે કે અમે તે સમયે શક્ય તેટલો ડાંગર રોપવા માટે મશગુલ હોઈએ છીએ.”
યુવાન જસદીપે સૌપ્રથમ તેમના પરિવારને માઇક્રોફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી એક લાખ રૂપિયાની બે લોન ચૂકવવામાં મદદ કરવા માટે ડાંગરનું વાવેતર કરવાનું શરૂ કર્યું હતું. બંને લોન તેમના પિતા જસવિન્દરે 2019માં ખરીદેલી મોટરબાઈકની ચૂકવણી કરવા માટે લેવામાં આવી હતી. પરિવારે વ્યાજ પેટે એક લોન પર 17,000 રૂપિયા અને બીજી લોન પર 12,000 રૂપિયા ચૂકવ્યા હતા.
જસદીપના પિત્રાઈ મંગલ અને જગદીપ, બંને હાલ 17 વર્ષના છે અને તેમણે પણ 15 વર્ષની ઉંમરે ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમનાં માતા, 38 વર્ષીય રાજવીર કૌર અમને કહે છે કે ગામમાં ખેત મજૂરોના પરિવારોના બાળકોને સાત કે આઠ વર્ષની ઉંમરથી જ તેમના માતાપિતા કામ કરતાં હોય તે જોવા માટે ખેતરોમાં લઈ જવાનું શરૂ કરવામાં આવે છે. તેઓ સમજાવે છે, “જેથી કરીને જ્યારે તેઓ ખરેખર અમારી સાથે કામ કરવાનું શરૂ કરે ત્યારે બાળકોને મુશ્કેલી ન પડે.”
તેમના પડોશીઓના ઘરે પણ આ જ પરિસ્થિતિ છે. તેમના પડોશી નિરુનો પરિવાર, તેની ત્રણ બહેનો અને તેમની વિધવા માતા પણ આ જ કામ કરે છે. 22 વર્ષીય નિરુ તેઓ કામ માટે ગામની બહાર કેમ નથી જઈ શકતાં તે સમજાવતાં કહે છે, “મારી માને ડાંગરનું વાવેતર કરવામાં મુશ્કેલી પડે છે, કારણ કે તેમને કાલા પેલિયા [હીપેટાઇટિસ સી] છે.” આ રોગ, જે તેમને 2022માં થયો હતો, તેણે 40 વર્ષીય સુરિંદર કૌરને ગરમી તથા તાવ અને ટાઈફોઈડ માટે સંવેદનશીલ બનાવી દીધાં છે. તેમને વિધવાઓ માટેના માસિક પેન્શન પેટે દર મહિને 1,500 રૂપિયા મળે છે, પણ તે ઘર ચલાવવા માટે પૂરતું નથી.
તેથી તેઓ 15 વર્ષનાં હતા ત્યારથી, નિરુ અને તેમની બહેનો ડાંગરનું વાવેતર કરી રહી છે, નીંદણ દૂર કરી રહી છે અને કપાસ વીણી રહી છે. જમીનવિહોણા મઝહબી શીખોના પરિવાર માટે આ આવકનો એકમાત્ર સ્રોત છે. નિરુ કહે છે, “અમારી આખી રજાઓ ખેતરોમાં મજૂરી કરવામાં પસાર થતી હતી. અમને માત્ર એક અઠવાડિયું આરામ મળતો હતો જેમાં અમે અમારું ઘરકામ કરતાં હતાં.”
પરંતુ કામ કરવાની પરિસ્થિતિઓ, ખાસ કરીને ઉનાળાના લાંબા, ગરમ દિવસોમાં મુશ્કેલ હોય છે. કેમ કે એ વખતે, ડાંગરના ખેતરોમાં પાણી ગરમ થવા લાગે છે, ત્યારે મહિલાઓ અને છોકરીઓએ બપોર માટે થોડો છાંયો શોધવો પડે છે, અને સાંજે 4 વાગ્યા પછી જ કામ ફરી શરૂ કરી ઘકાય છે. આ કામ શારીરિક રીતે મુશ્કેલ છે, પરંતુ બિલો ચૂકવવાનાં હોવાથી, જસદીપ અને નિરુના પરિવારો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.
દર વર્ષે શાળાની ફી, નવા પુસ્તકો અને ગણવેશના ખર્ચનો ઉલ્લેખ કરતાં રાજવીર પૂછે છે, “જો અમારી બધી કમાણી તે ખર્ચ ઉઠાવવામાં જ ચાલી જાય, તો અમે અમારું ઘર કેવી રીતે ચલાવીશું?”
તેઓ તેમના પાકા ઘરના આંગણામાં એક મંજી (દોરીના પલંગ) પર બેસીને કહે છે, “તે બંનેએ શાળાએ પણ જવાનું હોય છે!” જગદીપ તેમના ગામથી 13 કિલોમીટર દૂર આવેલ લખેવાલીની સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક સ્માર્ટ શાળામાં અભ્યાસ કરે છે.
જસદીપ કહે છે, “અમારે છોકરીઓ માટે પરિવહન વાન સેવા માટે દર મહિને 1,200 રૂપિયા ચૂકવવા પડે છે. પછી, અમારે તેમની સ્વાધ્યાયપોથીઓ પાછળ પણ ખર્ચ કરવો પડે છે.” તેઓ નિરાશ સ્વરે ઉમેરે છે, “હંમેશા કોઈ ને કોઈ ખર્ચ ચાલુ જ રહે છે.”
જુલાઈમાં ઉનાળાની રજાઓ પછી મંગલ અને જગદીપ તેમની શાળાની પરીક્ષાઓમાં બેસવાના છે. પરિવારે રજાઓ પતવાની હોય તેના બે દિવસ પહેલા તેમને ખેતરના કામમાંથી વિરામ આપવાનું નક્કી કર્યું છે જેથી તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
જસદીપને વિશ્વાસ છે કે તેમના નાના પિત્રાઈઓ સારું પ્રદર્શન કરશે જ. જો કે, ગામના અન્ય ઘણા યુવાનો માટે પરિસ્થિતિ આવી જ હોય તે શક્ય નથી. તેઓ માંજી પર તેમનાં માતાની નજીક બેસીને તેઓ કહે છે, “તેઓ સંઘર્ષ કરે છે અને તેનાથી તેઓ ચિંતિત થાય છે.” તે યુવાન છોકરી તેનાથી શક્ય તેટલું કરી જ રહી છે, તે ગામમાં કોલેજ જતા દલિતોની એક જૂથનો ભાગ છે જે સાંજે સમુદાયના બાળકોને મફત ટ્યુશન વર્ગો પૂરા પાડે છે. આ વર્ગો નિયમિતપણે જૂનમાં યોજાતા નથી કારણ કે મોટાભાગના યુવાનો સવારે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખેતરોમાં જ હોય છે.
*****
ડાંગરનું વાવેતર એ ખેત મજૂરોના જમીનવિહોણા પરિવારો માટે ઉપલબ્ધ થોડા મોસમી વ્યવસાયોમાંથી એક છે. દરેક પરિવારને પ્રતિ એકર જમીન પર ડાંગરના વાવેતર માટે આશરે 3,500 રૂપિયા મળે છે. અને જો નર્સરી ખેતરથી લગભગ બે કિલોમીટરના અંતરે સ્થિત હોય તો વધારાના 300 રૂપિયા મળે છે. જો બે કે તેથી વધુ પરિવારો આ કાર્ય માટે એક સાથે કામ કરે, તો તેને વ્યક્તિ દીઠ 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા દૈનિક વેતન મળે છે.
જો કે, ખુંડે હલાલમાં ઘણા પરિવારો કહે છે કે હવે ખરિફ પાકની મોસમ દરમિયાન કામ ઓછું મળે છે. દાખલા તરીકે, જસદીપ અને તેમના માતાપિતાએ આ સિઝનમાં 25 એકર જમીન પર ડાંગરનું વાવેતર કર્યું હતું, જે ગયા વર્ષની સરખામણીએ પાંચ એકર ઓછું હતું. ત્રણેયે 15,000 રૂપિયા કમાયા હતા. નાના ભાઈ-બહેનોએ આ સીઝનમાં લગભગ 10,000 રૂપિયાની કમાણી કરી હતી.
કામ માટેનો બીજો વિકલ્પ શિયાળામાં કપાસ ચૂંઢવાનો છે. જસદીપ કહે છે તે કામ પણ હવે પહેલાં જેટલું વ્યવહારુ રહ્યું નથી, “છેલ્લા 10 વર્ષમાં જીવાતના હુમલા અને ભૂગર્ભજળનું સ્તર ઘટવાને કારણે કપાસની ખેતીમાં ઘટાડો થયો છે.”
કામની તકોના અભાવનો અર્થ એ છે કે કેટલાક ખેત મજૂરોએ અન્ય જગ્યાએ પણ કામ કરવું પડે છે. જસદીપના પિતા જસવિંદર ચણતરનું કામ કરતા હતા, પરંતુ તેમના શરીરના નીચલા ભાગમાં દુખાવો થવાને કારણે તેમણે હાર માની લીધી હતી. જુલાઈ 2023માં, તે 40 વર્ષીય વૃદ્ધે એક ખાનગી બેંક પાસેથી મહિન્દ્રા બોલેરો કાર ખરીદવા માટે લોન મેળવી હતી, જેથી તેઓ હવે ગામમાં મુસાફરોને લઈ જાય છે; સાથે સાથે તેઓ હજુ પણ ખેતરોમાં મજૂરી કરે છે. કારણ કે તેમના પરિવારે પાંચ વર્ષના સમયગાળામાં વાહન માટેની લોન ચૂકવવી પડશે.
બે વર્ષ પહેલાં સુધી નિરુનો પરિવાર ઉનાળાની રજાઓ દરમિયાન ઓછામાં ઓછી 15 એકર જમીન પર ડાંગરનું વાવેતર કરતો હતો. આ વર્ષે, તેઓએ તેના બદલે તેમના પશુધનને ખવડાવવા માટે ઘાસચારો વાવ્યો છે અને માત્ર બે એકર જમીન પર જ ડાંગરનું વાવેતર કર્યું છે.
2022માં નિરુનાં મોટાં બહેન, 25 વર્ષીય શિખાશે 26 કિલોમીટર દૂર ડોડામાં તબીબી પ્રયોગશાળામાં સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના 24,000 રૂપિયાના માસિક પગારથી તે પરિવારને થોડી રાહત મળી હતી, જેમણે તેમાંથી એક ગાય અને એક ભેંસ ખરીદી હતી; છોકરીઓએ ટૂંકા અંતરની અવરજવર માટે સેકન્ડ હેન્ડ મોટરબાઈક પણ મેળવી હતી. નિરુ પણ તેમનાં બહેનની જેમ પ્રયોગશાળાનાં સહાયક બનવાની તાલીમ લઈ રહ્યાં છે અને તેમની ફી ગામની એક કલ્યાણકારી સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.
તેમની સૌથી નાની બહેન, 14 વર્ષીય કમલ ખેતરમાં પરિવાર સાથે કામ કરે છે. જગદીપની શાળામાં અગિયારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની, શાળામાં ભણવાની સાથે સાથે મજૂરી કામ પણ કરી રહી છે.
*****
પંજાબ ખેત મજૂર સંઘના મહાસચિવ તરીકે સેવા આપતા તારસેમ સિંહ કહે છે, “ગામમાં ખેત મજૂરો પાસે હવે આ મોસમ દરમિયાન માત્ર 15 દિવસનું જ કામ ઉપલબ્ધ છે કારણ કે ખેડૂતોએ વધુને વધુ ડી.એસ.આર. અપનાવ્યું છે.” જસદીપ આ વાત સાથે સંમત થાય છે અને કહે છે કે એક સમય એવો હતો જ્યારે તેઓ માત્ર ડાંગરનું વાવેતર કરીને 25,000 રૂપિયા સુધીની કમાણી કરી શકતા હતા.
જસદીપનાં માતા રાજવીર વિલાપ કરતાં કહે છે, પરંતુ હવે, “ઘણા ખેડૂતો યંત્રોનો ઉપયોગ કરીને સિધી બિજાઈ [ચોખાનું સીધું બિયારણ અથવા ડી.એસ.આર.] કરવાનું પસંદ કરે છે. આ મશીનોએ અમને મળતી મજૂરીની તકો છીનવી લીધી છે.”
નિરુ ઉમેરે છે, “આ જ કારણ છે કે ઘણા ગ્રામવાસીઓ કામ શોધવા માટે દૂરના ગામડાઓમાં જાય છે.” કેટલાક મજૂરો માને છે કે રાજ્ય સરકારે ડી.એસ.આર. તકનીક અપનાવવા માટે એકર દીઠ 1,500 રૂપિયાની નાણાકીય સહાય આપવાની શરૂઆત કરી ત્યારથી મશીનોનો ઉપયોગ વધવા લાગ્યો છે.
ખુંડે હલાલમાં 43 એકર જમીન ધરાવતા ખેડૂત ગુરપિંદર સિંહ છેલ્લી બે સીઝનથી ડી.એસ.આર. પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ નિર્દેશ કરે છે, “મજૂર અથવા મશીન દ્વારા ડાંગરનું વાવેતર કરવામાં કોઈ તફાવત નથી. ખેડૂત ચોખાના સીધા બિયારણ દ્વારા માત્ર પાણીની જ બચત કરે છે, પૈસાની નહીં.”
અને 53 વર્ષીય ગુરપિંદર નોંધે છે કે તેઓ ડી.એસ.આર.નો ઉપયોગ કરીને બમણા પ્રમાણમાં બીજ રોપવામાં સક્ષમ થયા છે.
પરંતુ, તેઓ સ્વીકારે છે કે આ પદ્ધતિથી ખેતરો સુકાઈ જાય છે, જેનાથી ઉંદરો માટે અંદર આવીને પાકનો નાશ કરવો સરળ બની જાય છે. તેઓ કહે છે, “જ્યારે અમે નીંદણના વધુ ઉપદ્રવને કારણે ડી.એસ.આર.નો ઉપયોગ કરીએ છીએ ત્યારે દવાઓનો વધુ છંટકાવ થાય છે. જ્યારે મજૂરો દ્વારા ડાંગરનું પ્રત્યારોપણ કરવામાં આવે છે ત્યારે નીંદણનો પ્રકોપ પણ ઓછો થાય છે.”
તેથી, ગુરપિંદર જેવા ખેડૂતો નીંદણમાંથી છુટકારો મેળવવા માટે ફરીથી મજૂરો પાસે કામ કરાવે છે.
તારસેમ મઝહબી શીખ છે. તેઓ પૂછે છે, “જો નવી તકનીક અપનાવવામાં કોઈ નફો ન હોય તો ખેડૂતો ખેત મજૂરોને કામ પર કેમ નથી રાખતા?” તેઓ કહે છે કે ખેડૂતોને જંતુનાશક બનાવતી કંપનીઓના ખિસ્સા ભરવામાં સંતોષ છે, પરંતુ તેઓ ઉમેરે છે, “મઝદૂરા દે તન કલ્લે હી હૈ, ઓવી યે ખાલી કરાંચ લગે હૈ. [આનાથી મજૂરોને કામ મળતું બંધ થઈ ગયું છે.]”
અનુવાદક: ફૈઝ મોહંમદ