ફાતિમા બાનું હિન્દીમાં એક કવિતા સંભળાવી રહ્યા હતા: “ઉપર પંખો ફરે છે, નીચે બાળક સૂવે છે. સૂઈ જા મારા બાળક સૂઈ જા, મોટા લાલ પારણા પર સૂઈ જા.” રાજાજી ટાઈગર રિઝર્વની અંદર આવેલી વન ગુર્જર વસાહતમાં એ બપોરે વર્ગખંડમાં હાજર વિદ્યાર્થીઓમાં ૯ વર્ષીય ફાતિમા પર બધાની નજર હોવાથી તેઓ સંતાવાની કોશિશ કરે છે.
તે દિવસે તબસ્સુમ બીવીના ઘરના આંગણમાં તેમની ‘શાળા’ ચાલી રહી હતી. ૫ થી ૧૩ વર્ષની વયના વિદ્યાર્થીઓનું ટોળું, એક મોટા આસનીયા પર બેઠું હતું, જેમાંથી અમુક બાળકો નોટબુકમાં કંઈ લખી રહ્યા હતા. તબસ્સુમ બીવીના બે બાળકો પણ, એક છોકરો અને એક છોકરી, તેમની વચ્ચે બેઠેલા હતા; તેમનો પરિવાર આ વસાહતમાં લગભગ બધા લોકોની જેમ ભેંશ પાળે છે અને દૂધ વેચીને આજીવિકા રળે છે.
૨૦૧૫થી કુનાઉ ચૌદ વસાહતમાં અલગ-અલગ જગ્યાઓએ આ શાળાનું આયોજન કરવામાં આવતું હતું - ક્યારેક આંગણમાં તો ક્યારેક ઘરના મોટા ઓરડામાં. વર્ગો સોમવારથી શુક્રવાર સુધી સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી રાખવામાં આવે છે. ડિસેમ્બર ૨૦૨૦માં મારી અહીંની એક મુલાકાત દરમિયાન, કે જ્યારે ફાતિમા બાનુ કવિતા વાંચી રહી હતી, અહીંયાં ૧૧ છોકરીઓ અને ૧૬ છોકરાઓ હાજર હતા.
તેમના શિક્ષકો વન ગુર્જર યુવાનોનું એક જૂથ છે. તેઓ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર બ્લોકમાં લગભગ ૨૦૦ પરિવારોની વસાહતવાળા કુનાઉ ચૌદમાં શિક્ષણની એક મોટી ખોટ પૂરવાનો પ્રયાસ કરે છે. (સામુદાયિક કાર્યકરોના એક અંદાજ પ્રમાણે રાજ્યના કુમાઉ અને ગઢવાલ પ્રદેશોમાં લગભગ ૭૦,૦૦૦ થી ૧૦૦,૦૦૦ વન ગુર્જરો વસે છે. તેઓ ઉત્તરાખંડમાં ઓબીસી તરીકે સૂચિબદ્ધ છે અને અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી કરી રહ્યા છે.) ટાઈગર રિઝર્વ વિસ્તારમાં જે વસાહતો છે તે સામાન્ય રીતે કાદવ અને છાણની ઝૂંપડીઓ છે. ત્યાં વન વિભાગ દ્વારા કાયમી બાંધકામ પર પ્રતિબંધ હોવાથી, શૌચાલયની કોઈ સુવિધા નથી અને જંગલના પ્રવાહોમાંથી મળતા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
કુનાઉ ચૌદ પાકા રસ્તાથી ઘણે દૂર રિઝર્વની અંદર આવેલું છે, અને અહીંયાં ઘણી સમસ્યાઓના લીધે શાળાના ભણતરમાં અનિશ્ચિતતાઓ અને મુશ્કેલીઓ નડી રહી છે. સરકારી મોડેલ પ્રાથમિક શાળા (૫ માં ધોરણ સુધી), અને સરકારી આંતર-કોલેજ (૧૨ માં ધોરણ સુધી) અહીંયાંથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે. ચિત્તા, હાથી અને હરણ જેવા જંગલી પ્રાણીઓ અહીંયાં ફરે છે. શાળાઓ સુધી પહોંચવા માટે બીન નદી (ગંગાની ઉપનદી) ના છીછરા પાણીમાંથી પસાર થવું પડે છે. જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન જ્યારે પાણી વધે છે, ત્યારે બાળકો કાં તો શાળાએ જવાનું બંધ કરી દે છે કાં તો તેમના માતા-પિતા તેમને આ રસ્તો પાર કરાવે છે.
દસ્તાવેજોના અભાવને પગલે ઘણા બાળકો શાળામાં નોંધાયેલા પણ નથી. દૂરની જંગલ વસાહતમાં રહેતા ગુર્જર પરિવારો માટે સત્તાવાર કાગળો માટે અરજી કરવી અને તેને મેળવવા એ એક લાંબુ અને મુશ્કેલ કાર્ય છે. કુનાઉ ચૌદમાં બાળકોના માતા-પિતા કહે છે કે તેમના મોટાભાગના બાળકો પાસે જન્મ પ્રમાણપત્ર (જેઓ આ વસાહતમાં જ જન્મેલા છે) અથવા આધાર કાર્ડ નથી. (મે ૨૦૨૧માં, ઉત્તરાખંડ હાઈકોર્ટે વન ગુર્જરોને નડતી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો.)
ઘણા પરિવારોમાં, મોટા બાળકો તેમના દિવસોનો ઘણોખરો ભાગ ઢોરની દેખરેખમાં વિતાવે છે. આમાં ઝૈતુન બીબીનો ૧૦ વર્ષનો દીકરો ઈમરાન અલી પણ છે, જે પરિવારની છ ભેંશોની સંભાળ રાખે છે. સરકારી પ્રાથમિક શાળામાં તેની નોંધણી કરવામાં આવી હતી અને પછી ઓગષ્ટ ૨૦૨૧માં તેને છઠ્ઠા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમ છતાં શિક્ષણ મેળવવું એ તેના માટે એક પડકાર છે. ઈમરાન કહે છે, “હું સવારે ૬ વાગે ઊઠીને જાનવરોને ખવડાવું છું અને પછી હું તેમને દોહું છું. તે પછી હું તેમને પાણી પીવા લઈ જાઉં છું અને પછી તેમને ચારો આપું છું.” ઈમરાનના પિતા દૂધ વેચે છે અને તેની માતા ઘર સંભાળે છે, જેમાં તેમના ઢોરની સંભાળ રાખવાનો પણ સમાવેશ થાય છે.
ઈમરાનની જેમ, અહિં ઘણા બાળકો તેમના દિવસના મોટાભાગના સમયમાં ઘરના કાર્યોમાં વ્યસ્ત રહે છે અને આનાથી તેમના શાળાના અભ્યાસ પર અસર થાય છે. બાનુ બીબી કહે છે, “અમારા બાળકો અમારી ભેંશોની સંભાળ રાખવામાં મદદ કરે છે. તેઓ તેમને પાણી પાવા માટે અને ચરવા માટે લઈ જાય છે. તેઓ અમને ચૂલા પર રાંધવા માટે જરૂરી લાકડા લાવવામાં પણ મદદ કરે છે.” તેમનો મોટો દીકરો, ૧૦ વર્ષીય યાકુબ આંતર-કોલેજમાં ૭ માં ધોરણમાં ભણે છે, પણ તેમની બે દીકરીઓ અને દીકરો કે જેમની ઉંમર ૫ થી ૯ વર્ષની છે, તેઓ આ વસાહતની ‘અનૌપચારિક’ શાળામાં અભ્યાસ કરે છે. તેઓ આગળ ઉમેરે છે, “જો અમારા બાળકો ભણે, તો સારું છે. પણ છેલ્લે તો તેમણે આ જંગલમાં જ રહેવાનું છે [અને આ બધા કામ કરવા પણ જરૂરી છે].”
લાંબા સમય સુધી, આ સમુદાયની વિચરતી જીવનશૈલી પણ શિક્ષણમાં અવરોધરૂપ હતી. પણ, હવે સ્થાનિક વન અધિકાર સમિતિના સભ્ય, શરાફત અલી કહે છે, મોટાભાગના વન ગુર્જરો હવે ઉનાળામાં ઉંચાણવાળા પ્રદેશોમાં નથી જતા, અને આખું વર્ષ એક જ વસાહતમાં રહે છે. તેમના અંદાજ પ્રમાણે, કુનાઉ ચૌદમાં વસતા આશરે ૨૦૦ જેટલાં પરિવારોમાંથી ફક્ત ૪-૫ પરિવારો જ હજુ પણ પર્વતો પર જાય છે (ઉત્તરકાશી અથવા રુદ્રપ્રયાગ જિલ્લામાં).
મહામારી અને ૨૦૨૦ તથા ૨૦૨૧માં લાંબા સમય સુધી ચાલેલા લોકડાઉનને પગલે અભ્યાસ ચાલુ રાખવાની કોશિશો પ્રભાવિત થતી રહી. ૨૦૨૦માં ઈમરાને મને કહ્યું હતું કે, “અમારી શાળા [સરકારી પ્રાથમિક શાળા] લોકડાઉનના કારણે બંધ થઇ ગઈ છે. હવે અમે જાતે ભણીએ છીએ [ વસાહતની ‘અનૌપચારિક શાળામાં’].”
માર્ચ ૨૦૨૦માં જ્યારે લોકડાઉનની શરૂઆત થઇ, ત્યારે ઘેર જ કેટલાંક વર્ગો ચાલી રહ્યા હતા. તેમના ૩૩ વર્ષીય શિક્ષક મોહંમદ શમશાદ કહે છે, “અમે બાળકોને તેમની નોટબુકમાં ગૃહ કાર્ય આપતા હતા અને ૩-૪ દિવસ પછી તેને તપાસીને તેમને એક નવો વિષય [એક ઘરમાં ૩-૪ બાળકોને એકઠા કરીને] શીખવતા હતા.” તેઓ ૨૬ વર્ષીય મોહંમદ મીર હમ્ઝા, અને ૨૦ વર્ષીય આફતાબ અલી મળીને આ સ્થાનિક શાળા ચલાવે છે.
૨૦૧૭માં તેમણે અને અન્ય યુવાનોએ વન ગુર્જર આદિવાસી યુવા સંગઠનની રચના કરી, જેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યોના મળીને કુલ ૧૭૭ સભ્યો છે જેમાં છ મહિલાઓ પણ છે. આ સંગઠન તેમના સમુદાય માટે શિક્ષણ અને વન અધિકારો માટે કાર્યરત છે. હમ્ઝા એક ડીસ્ટન્સ લર્નિંગ કોર્સ દ્વારા સામાજિક કાર્યમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે, શમશાદે દેહરાદૂનની કોલેજમાંથી બીકોમની પદવી મેળવી છે, અને આફતાબે સરકારી આંતર-કોલેજમાંથી ૧૨ મું ધોરણ પાસ કર્યું છે. વસાહતના અન્ય રહેવાસીઓની જેમ, તેમના પરિવારોની આવકનો મુખ્ય સ્ત્રોત પણ ભેંશ જ છે.
અહીંયાં શાળાનો અભ્યાસ ચાલુ રાખવો કઠીન કામ છે. અહિં ફરજ બજાવતા શિક્ષકો આનું કારણ બતાવતા કહે છે કે બાળકોના માતા-પિતા પોતે પણ શાળાએ ગયેલા નથી. આથી, શિક્ષણના ફાયદાઓ વિશે તેઓ સહમત ન હતા, અને તે સહમતી પણ અસંખ્ય અવરોધો પછી પ્રાપ્ત કરી .
એક બાજુ શિક્ષિત લોકો માટે નોકરીઓ દુર્લભ છે, અને આજીવિકાના અન્ય વિકલ્પો પણ મર્યાદિત છે. જ્યારે બીજી બાજુ, વન વિભાગે વન ગુર્જરોને જંગલની જમીન પર ખેતી કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. મોટાભાગના પરિવારો પાસે ભેંશો અને થોડી ગાયો છે, લગભગ ૫-૨૫ જેટલાં ઢોર હશે, અને બધા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઋષિકેશમાં રહેતા વેપારીઓ (જે આ વસાહતથી લગભગ ૧૦ કિલોમીટર દૂર છે) ગુર્જર પરિવારો પાસેથી દૂધ ખરીદે છે. તેઓ કેટલા ઢોર પાળે છે તેના આધારે એક પરિવાર દૂધ વેચીને મહીને ૨૦,૦૦૦-૨૫,૦૦૦ રૂપિયા કમાઈ શકે છે. પરંતુ આ આવકનો મોટો હિસ્સો એ જ વેપારીઓ પાસેથી ઘાસચારો ખરીદવા અને ખર્ચ તથા જૂના દેવાની (તેમનું દેવું એપ્રિલથી સપ્ટેમ્બરના મહિનાઓમાં મુસાફરી કરવાની હોવાથી વધી જાય છે) ચૂકવણીમાં જ ખર્ચાઈ જાય છે.
યુવા સંગઠનના સંચાલક મીર હમ્ઝાના અંદાજ મુજબ, કુનાઉ ચૌદના ૧૦% બાળકો પણ ઔપચારિક શિક્ષણ સતત મેળવી શક્યા નથી. તેઓ કહે છે, “રાઈટ ટુ એજ્યુકેશન જેવા કાયદાઓ હોવા છતાંય તેઓ તેમનું શિક્ષણ પૂરું કરી શક્યા નથી. સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ આ સમુદાય સુધી પહોંચી શકતી નથી, કારણ કે આ વસાહત કોઈ ગ્રામ પંચાયતથી જોડાયેલી નથી, [જેનાથી તેઓ યોજનાઓના લાભ મેળવવા પાત્ર થાય].” આ વસાહતના રહીશો કુનાઉ ચૌદને એક મહેસુલી ગામનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
૨૦૧૫-૧૬માં બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ (૨૦૦૯)ની જોગવાઈઓ હેઠળ, કુનાઉ ચૌદ સહિત કેટલીક વસાહતઓમાં બિન-રહેણાંક વિશેષ તાલીમ કેન્દ્રો (એનઆરએસટીસી) શરૂ કરવામાં આવ્યા હતા, જેથી દૂર સુદૂરના વિસ્તારોમાં રહેતા વન ગુર્જર બાળકોને ઔપચારિક શિક્ષણ પૂરું પાડી શકાય.
યમકેશ્વર બ્લોકના શિક્ષણ અધિકારી શૈલેન્દ્ર અમોલી કહે છે કે એ શૈક્ષણિક વર્ષમાં કુનાઉ ચૌદના ૩૮ બાળકોએ આવા સ્થાનિક વર્ગખંડોમાં ભાગ લીધો હતો. ૨૦૧૯માં બીજી મંજુરી મળ્યા પછી એ વર્ષે જૂનથી લઈને ૨૦૨૦ના માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યું ત્યાં સુધી ૯૨ બાળકો સાથે આવા વર્ગો ચાલુ રહ્યા. શૈલેન્દ્ર કહે છે કે ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ માટે કુનાઉ ચૌદના ૬ થી ૧૨ વય જૂથના ૬૩ બાળકો માટે એનઆરએસટીસી વર્ગોની મંજુરી આપવામાં આવી હતી.
તેમ છતાં, તેઓ ઉમેરે છે કે વન ગુર્જરોને હજુ પણ ઔપચારિક શિક્ષણમાં વધારે ભરોસો નથી. વર્ષ ૨૦૧૫-૧૬માં એનઆરએસટીસી હેઠળ નોંધાયેલા બાળકો વર્ષ ૨૦૨૧-૨૨માં ફરીથી નોંધાયા છે. જો કે તેમનું કહેવું છે કે આવા વર્ગો કામચલાઉ ગોઠવણ છે.
જો કે, હમ્ઝા અને અન્ય સ્થાનિક શિક્ષકોનું કહેવું છે કે એનઆરએસટીસી વર્ગો (૨૦૧૫-૧૬ અને ૨૦૧૯માં) અનિયમિત હતા અને ત્યાં કોઈની દેખરેખ નહોતી. શિક્ષકો ઘણીવાર ગેરહાજર રહેતા હતા, તેઓ અન્ય ગામો અને સમુદાયોમાંથી આવતા હતા અને સ્થાનિક સમુદાયની બારીકાઇઓથી અજાણ હતા.
અમોલી કહે છે કે એનઆરએસટીસીની માર્ગદર્શિકા મુજબ, જે વસાહતઓ કે ગામોમાં આ યોજનાને મંજૂર કરવામાં આવી છે ત્યાં સ્થાનિક યુવાનોને શિક્ષણનું કાર્ય સોંપવાનું હોય છે, અને તેમને મહીને ૭,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવે છે. પરંતુ, જ્યારે ૨૦૧૫-૧૬માં કુનાઉ ચૌદમાં આવા વર્ગો શરુ થયા ત્યારે એ વસ્તીમાં કોઈ સ્નાતક ન હોવાથી બીજા ગામના એક માણસને શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, મીર હમ્ઝા, જેઓ હવે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે, અને શમશાદ, જેઓ હવે બીકોમની પદવી ધરાવે છે, તેઓ ફરિયાદ કરે છે કે તેમને હજુ પણ નોકરી આપવામાં નથી આવી.
પરંતુ એનઆરએસટીસીના વર્ગોમાં જે ખોટ રહી જાય તે પૂરવા માટે તેઓ જે ‘અનૌપચારિક’ વર્ગો ચલાવે છે તે સરકારી આંતર-કોલેજમાં જૂના નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે વધારાના ટ્યુશન તરીકે અને નાના બાળકોને (જેઓ સરકારી પ્રાથમિક શાળાએ જાય છે તેમને પણ અને જેમણે શાળામાં ક્યારેય નોંધણી જ નથી કરાવી તેમને પણ) પાંચમાં ધોરણની પરીક્ષા આપવા માટે તૈયાર કરે છે, જેથી છઠ્ઠા ધોરણમાં તેમને દાખલ કરી શકાય. સ્થાનિક શિક્ષકો પોતાના ખર્ચ પેટે બાળક દીઠ ૩૦-૩૫ રૂપિયા ફી લે છે. જો કે, આ ફીમાં વધઘટ થઇ શકે છે અને તે ફરજીયાત પણ નથી.
પોતાના સમાજના સભ્યો સાથે લાંબા સમય સુધી કામ કર્યા પછી અને તેમને શિક્ષણના ફાયદાઓ વિષે સમજાવવાનો પ્રયાસ કર્યા પછી, શિક્ષકો કહે છે કે સમય જતાં પરિવર્તન આવી રહ્યું છે.
ઝૈતુન બીબી કહે છે કે, “અમે ઈચ્છીએ છીએ કે અમારા બાળકો વાંચતા અને લખતા શીખે. જંગલનું જીવન ખૂબ મુશ્કેલ છે. તેઓ અમે કરીએ છીએ તેટલી મહેનત નહીં કરી શકે. અમારામાંથી કોઈ ભણેલું નથી. અમે ઈચ્છતા નથી કે અમારા બાળકો અમારા જેવા બને.”
મોહમંદ રફી પણ ઈચ્છે છે કે તેમના ૫ થી ૧૧ વર્ષની ઉંમરના ત્રણે બાળકો ભણે. તેમનો ૧૧ વર્ષનો દીકરો યાકુબ સરકારી શાળામાં ૭માં ધોરણમાં ભણે છે, જ્યારે તેમના બે નાના બાળકો વસાહતના વર્ગોમાં જાય છે. રફી કહે છે કે, “બહારની દુનિયા જોઈને અમને લાગે છે કે અમારા બાળકોને ભણાવવા જોઈએ.”
શરાફત અલીના બે બાળકો - સાત વર્ષનો દીકરો નૌશાદ અને પાંચ વર્ષની દીકરી આશા પણ વસાહતની શાળામાં અભ્યાસ કરે છે. તેઓ કહે છે, “છેલ્લા પાંચ વર્ષથી, મેં ઉનાળામાં અમારા પ્રાણીઓ સાથે [ઊંચા પહાડો પર] જવાનું બંધ કરી દીધું છે. અમે હવે એક જ જગ્યાએ રહીએ છીએ જેથી અમારા બાળકો પણ વાંચી અને લખી શકે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ સારું શિક્ષણ મેળવે. તેઓ પણ સમાજમાં અન્ય લોકોની જેમ જીવવા સક્ષમ હોવા જોઈએ. તેમને નોકરી પણ મળવી જોઈએ.”
શમશાદ કહે છે કે, વન ગુર્જરોની વિવિધ વસાહતોમાં મહેનત રંગ લાવી રહી છે. “૨૦૧૯માં પાંચ વન ગુર્જર વસાહતઓના લગભગ ૪૦ બાળકોને અમારા સંગઠનના માધ્યમથી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો હતો. કેટલાક છોકરાઓ અને અમુક છોકરીઓ (જો કે કુનાઉ ચૌદમાંથી હજુ એક પણ છોકરી નથી આવી) દસમાં ધોરણ સુધી પહોંચવા લાગી છે, અને અમુક તો બારમાં ધોરણ સુધી પહોંચી ગઈ છે.”
તેઓ આગળ ઉમેરે છે કે, શરૂઆતમાં વસાહતની ફક્ત થોડીક જ છોકરીઓ વર્ગોમાં આવતી હતી. “અમારે એમના માતા-પિતા સાથે વાત કરવી પડતી હતી. પણ છેલ્લાં ૩-૪ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે.” લગભગ ૧૨ વર્ષની રમઝાનો કુનાઉ ચૌદના એ બાળકોમાંથી છે જેમને ચાલુ વર્ષે છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો છે. તેઓ તેમના પરિવારમાંથી ઔપચારિક અભ્યાસ મેળવનાર પહેલી છોકરી બનશે, તેઓ મને કહે છે તેઓ દસમું ધોરણ પાસ કરવા ઈચ્છે છે.
અને કદાચ થોડા સમય પછી તેમની વચ્ચે નવ વર્ષની ફાતિમા બાનું પણ હશે, જે તે કવિતા સંભળાવી રહી હતી. તેણીની પણ પોતાના સમુદાયની અનિશ્ચિતતાની મુસાફરી પાર કરીને આખરે સરકારી શાળામાં પહોંચી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ