દેશવ્યાપી કોવિડ -19 લોકડાઉન દરમ્યાન મુંબઈમાં ગાળેલા શરૂઆતના થોડા દિવસો યાદ કરતા દોલા રામ કહે છે, “અમને પોલીસ દ્વારા ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે પણ અમે કરિયાણું અથવા અન્ય જરૂરી ચીજો લેવા બહાર નીકળતા ત્યારે પોલીસો અમને ફટકારીને અમારી ખોલીમાં પાછા ધકેલતા. અમે રાત્રે પેશાબ કરવા બહાર નીકળીએ તો પણ, તેઓ અમારી પર તૂટી પડતા.”
25 મી માર્ચે સવારે, લોકડાઉન વિશે સાંભળ્યા પછી દોલા રામ અને તેના સાથી મજૂરો મલાડમાં તેમના કામના સ્થળેથી બોરીવલીની તેમની ખોલી પર પાછા આવ્યા. આ સાંકડી ખોલીમાં 15 લોકો એકસાથે રહે છે અને દરેક જણ મહિને 1000 રુપિયા એ ખોલીના ભાડા પેટે ચૂકવે છે. પરિસ્થિતિ બદલાશે એવી આશામાં ને આશામાં છ-છ દિવસ તેમણે તેમની આ સાવ સાંકડી ખોલીમાં કાઢ્યા. થોડા વખતમાં તેમના અનાજ-પાણી ખલાસ થવા માંડ્યા. અને એટલે 37 વર્ષના દોલા રામ અને અન્ય લોકોએ તેમના ઘેર રાજસ્થાનના ગામોમાં પાછા જવાનું નક્કી કર્યું.
દોલા રામ ફોન પર અમારી સાથે વાત કરતાં કહે છે, “મુંબઈમાં કોઈ કામ નહોતું. હોળી પછી અમે થોડા વખત પહેલા જ [ગામમાંથી] પાછા આવ્યા હોવાથી, અમારી પાસે ખાસ કંઈ બચત પણ નહોતી. એટલે શહેરમાં રોકાવાનો કોઈ અર્થ નહોતો, ”. શહેર છોડતા પહેલા તેમને સમાચાર મળ્યા હતા કે તેમનો પાંચ વર્ષનો પુત્ર બીમાર છે. તેમની પત્ની, સુંદર અને અન્ય સંબંધીઓ બાળકને પહેલા હોસ્પિટલ, ને પછી ભોપા અથવા સ્થાનિક પરંપરાગત ઉપચારક લઈ ગયા હતા, પણ તેની તબિયત સુધરતી ન હતી.
રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના બરોલિયામાં હોળી (9-10 માર્ચ) ઊજવીને થોડા દિવસો પછી દોલા રામ મુંબઈ પાછા ફર્યા હતા. તેઓ પેટિયું રળવા, વરસમાં 8-9 મહિના, સલુમ્બર બ્લોકમાં આવેલા પોતાના ગામથી દૂર રહે છે. છેલ્લા 15 વર્ષથી, તેઓ બાંધકામના સ્થળો પર કડિયા તરીકે કામ કરે છે. એ માટે તેઓ રાજસ્થાનના શહેરોમાં કે પછી છેક ગોવા, પુણે કે ગુજરાત સ્થળાંતર કરે છે. છેલ્લા બે વર્ષથી તેઓ મુંબઈ આવે છે. દોલા રામની છેલ્લી નોકરીમાં આરસનું પોલિશિંગ કરવાનું કામ હતું. આ કામના તેમને મહિને 12000 રુપિયા મળે. તેમાંથી 7000-8000 રુપિયા તેઓ ઘેર મોકલતા. તેઓ હોળી દરમ્યાન અને ઓક્ટોબર-નવેમ્બરમાં એમ વર્ષમાં બે વાર તેમના કુટુંબને મળવા જાય છે અને દર વખતે 15 થી 30 દિવસ ત્યાં રહે છે.
પણ મુંબઈથી બારોલિયાની તાજેતરની સફર એ દોલા રામ માટે માત્ર આ ક્રમની બહારની હતી એટલું જ નહીં, પણ મુશ્કેલ પણ હતી. તેઓ અને અન્ય લોકો લોકડાઉન શરૂ થયાના છ દિવસ પછી, 31 મી માર્ચે શહેરથી નીકળ્યા હતા. તેઓ કહે છે, “અમારામાંના ઓગણીસ લોકોએ ભેગા થઈને રાજસ્થાનના અમારે ગામ પહોંચવા 20000 રુપિયા ખર્ચીને એક ટેક્સી ભાડે કરી હતી. પણ પોલીસે અમને મહારાષ્ટ્ર બોર્ડરથી જ પાછા કાઢ્યા અને મુંબઈમાં બંધ કરી દીધા."મુશ્કેલીઓથી હાર્યા વિના, તેઓ પહેલી એપ્રિલના રોજ સવારે 5 વાગ્યે મુંબઇથી ફરીથી રવાના થયા. આ વખતે તેઓ 2-2ની જોડીમાં ચાલતા ગયા અને મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ તરફ ચાલવા લાગ્યા. તેઓ સૂકી રોટલીઓ લઈને નીકળ્યા હતા, પણ એ તો એક દિવસ પણ માંડ ચાલી. બીજે દિવસે જ્યારે તેઓ સુરત પહોંચ્યા ત્યારે ત્યાં પરિસ્થિતિ વધારે ગંભીર હતી, પરપ્રાંતીય મજૂરો ઘેર પાછા ફરવા દેવા માટે વિરોધ-પ્રદર્શન કરતા હતા. તેઓ કહે છે કે, સુરતમાં પોલીસો તેમને મદદરૂપ થયા અને તેમને ચા અને બિસ્કીટ આપ્યા. તેઓએ તેમને ટ્રકમાં લગભગ 380 કિલોમીટર દૂર રાજસ્થાનની સરહદ પર બાંસવારા મોકલવાની પણ વ્યવસ્થા કરી.
રાજસ્થાનની સરહદે બાંસવારામાં સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમને તાવ છે કે નહિ તે જાણવા તેમના શરીરનું તાપમાન તપાસવામાં આવ્યું અને તેમને જવાની મંજૂરી આપવામાં આવી. દોલા રામ કહે છે, “અમને ત્યાં ગ્લુકોઝ બિસ્કિટ આપવામાં આવ્યા. એમાંથી થોડા અમે ખાધા અને થોડા રસ્તામાં ખાવા સાથે લીધા.” ત્યાંથી 63 કિલોમીટર ચાલીને તેઓ આસપુર ગયા અને એક ધર્મશાળામાં રાત રોકાયા. તે પછી શાકભાજી પહોંચાડતી એક પીક-અપ ટ્રકમાં સાલુમ્બર પહોંચ્યા, આ 24 કિલોમીટરની સવારી માટે ટ્રકવાળાએ તેમની પાસેથી પૈસા ન લીધા. આખરે 5 મી એપ્રિલે સાંજે સાત વાગ્યે તેઓ સાલુમ્બરથી 14 કિલોમીટર દૂર બરોલિયા પહોંચ્યા.
તેઓ યાદ કરે છે કે બાંસવારાના કેટલાક પોલીસો તેમને અને તેમના સાથીઓને ‘રોગના (કોરોનાવાયરસના) વાહક’ કહેતા હતા. તેઓ કહે છે, “અમારા શરીરનું તાપમાન [તાવ છે કે નહિ તે માટે] તપાસવામાં આવ્યું હતું. મને સમજણ નથી પડતી અમારી સાથે આ પ્રકારનો ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે."
ઘેર પહોંચવાથી દોલા રામની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો. તેઓ તેમના માંદા દીકરાને બરોલિયાથી આશરે 5-6 કિલોમીટર દૂર માલપુરના પ્રાથમિક આરોગ્યસંભાળ કેન્દ્રમાં લઈ ગયા. 6 ઠ્ઠી એપ્રિલે અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે અમને કહ્યું, “મારા દીકરાને ખૂબ તાવ છે. ગઈકાલે જ્યારે હું અને મારી પત્ની તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે પોલીસે અચાનક અમને ફટકારવાનું શરૂ કર્યું અને અમને પાછા જવા કહ્યું. અમે જ્યારે તેમને કહ્યું કે અમે હોસ્પિટલ જઈ રહ્યા છીએ ત્યારે જ તેઓએ અમને જવા દીધા.” હોસ્પિટલમાં તેમના દીકરા પ્રત્યે કોઈએ ધ્યાન આપ્યું નહીં. “અત્યારે હોસ્પિટલોમાં ઘણા લોકો છે. ડોક્ટરે તો અમારા દીકરાની સામું ય ન જોયું અને અમને પાછા જવા કહ્યું. ”
બાળકનું ત્રણ દિવસ પછી મૃત્યુ થયું, તેની બિમારીનું નિદાન ન થઈ શક્યું. પિતાને ખૂબ આગાટ લાગ્યો હતો અને થોડા દિવસો સુધી તો તેઓ કંઈ બોલી પણ શકતા ન હતા. હવે તેઓ અમને કહે છે, “તેના માટે કોઈ કંઈ કરી શક્યું નહીં. ભોપા અને ડોકટરો પણ કંઈ કરી શક્યા નહીં. અમે તેને બચાવવા માટે બનતું બધું ય કરી છૂટ્યા પણ અમે તેને બચાવી શક્યા નહીં. " તેનો પરિવાર માને છે કે બાળકમાં કોઈ પ્રેતાત્માએ પ્રવેશ કર્યો હતો.1149 લોકોની વસ્તી ધરાવતા બારોલિયા ગામમાં, મોટા ભાગના લોકો મીના સમુદાયના છે. ગામની કુલ વસ્તીના 99.56 % લોકો આ અનુસૂચિત જનજાતિના છે. ગામની આવકનો મોટો હિસ્સો દોલા રામ જેવા કામ કરવા સ્થળાંતર કરતા પુરુષોની કમાણીનો છે. રાજસ્થાનમાં સ્થળાંતર કરનારા મજૂરો સાથે કામ કરતી સંસ્થા આજીવિકા બ્યુરો દ્વારા સાલુમ્બર બ્લોકમાં કરવામાં આવેલ તાજેતરની આકારણીઓ દર્શાવે છે કે 70 % ઘરોમાંથી ઓછામાં ઓછો એક પુરુષ કામ માટે સ્થળાંતર કરે છે. તેઓ જે પૈસા ઘેર મોકલે છે તે એ ઘરની આવકના લગભગ 60 % છે. મહિલાઓ અને યુવાન છોકરીઓ સામાન્ય રીતે સાલુમ્બરમાં સ્થાનિક બાંધકામ સ્થળોએ કામ કરે છે.
દેશભરના રાજ્યોએ લોકડાઉનને કારણે તેમની સરહદો સંપૂર્ણપણે બંધ કરી દીધી અને આંતર-રાજ્ય મુસાફરી બંધ કરી દીધી ત્યારે રાજસ્થાનથી આવેલા હજારો પરપ્રાંતીય મજૂરો અટવાઈ ગયા હતા. 25 મી માર્ચના ઈકોનોમિક ટાઇમ્સ ના અહેવાલમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેરમાં વસતા રાજસ્થાનના 50000 થી વધુ મજૂરો ઘેર પાછા ફરવા ચાલી નીકળ્યા છે.
તેમાં 14 વર્ષનો મુકેશ (નામ બદલ્યું છે) પણ છે, જે લોકડાઉનને કારણે પોતાને ઘેર બારોલિયા પાછો આવ્યો હતો. તે અમદાવાદની એક વીશીમાં રોટલી બનાવવાનું કામ કરતો અને મહિને 8000 રુપિયા કમાતો. મુકેશ તેના પરિવારનો મુખ્ય કમાતો સભ્ય છે. તેની વિધવા માતા રામલી (નામ બદલ્યું છે) ક્ષય રોગથી પીડાય છે. તે સ્થાનિક બાંધકામ સ્થળોએ દાડિયા મજૂર તરીકે કામ કરે છે, પરંતુ તે બહુ લાંબો વખત મજૂરી કરી શકતી નથી. મુકેશને ચાર નાના ભાઈ-બહેન છે. તે કહે છે, “હું જાણું છું કે હું નાનો [સગીર] છું પણ મારે કામ કરવું જ પડશે. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.”
મીના સમુદાયની 40 વર્ષની રામલી પૂછે છે, "પૈસા નથી, કોઈ કામ રહ્યું નથી. હવે અમારે કરવું શું?" તે ફોન પાર વાત કરતા કહે છે, "અમારા નાના બાળકોનું પેટ ભરવા અને દેવું ચૂકવવા થોડાઘણા પૈસા કમાવા માટે અમારે તો અત્યારે પણ કામ કરવું પડશે. સરકાર અમને કશું આપવાની નથી.”
લોકડાઉન દરમ્યાન બાંધકામના કામ બંધ થતાં, રામલીને નજીકની વસાહતમાં ખેતરમાં કામ શોધવાની ફરજ પડી હતી. પરંતુ તેણે 2-3 દિવસમાં જ જવાનું બંધ કરી દીધું કારણ કે તેની દવાઓ ખલાસ થઈ ગઈ અને તે માંદી પડી. તે કહે છે કે રાજ્ય સરકારના રાહત પેકેજના ભાગરૂપે ‘સૌથી સંવેદનશીલ પરિવારો’ ને વહેંચવામાં આવેલ રેશન કીટ મેળવવા માટે તેને ગ્રામ પંચાયત સાથે લડવું પડ્યું હતું. તેનું નામ તે સૂચિમાં નહોતું આવ્યું કારણ કે તેનું ઘર રસ્તાથી દૂર જંગલ પાસે હતું અને પંચાયત કચેરીના સરપંચ અને સચિવ તેને ઘેર ક્યારેય આવ્યા નહોતા.જ્યારે રામલી અને મુકેશે આખરે રેશન મળ્યું ત્યારે એ અધૂરું પેકેજ હતું. મુકેશે અમને કહે છે, “અમને અન્ય રેશન કીટની જેમ ઘઉં કે ચોખા મળ્યા નથી. પણ મને ખબર નથી કે એને માટે કોને પૂછવાનું છે.” તેમના ભાગે આવેલ કીટમા ફક્ત 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ તેલ, 100 ગ્રામ મરચું પાવડર અને કેટલાક બીજા મસાલા હતા. હકીકતમાં રાહત પેકેટમાં 1 કિલો ખાંડ, 1 કિલો તેલ, 5 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા અને કેટલાક મસાલા હોવા જોઈએ.
બારોલિયાથી આશરે 60 કિલોમીટર દૂર ડુંગરપુર જિલ્લાના સાગવારા બ્લોકના તામતિયા ગામના કાર્યકર, 43 વર્ષના શંકર લાલ મીના કહે છે કે, "સરકારની જાહેરાત મુજબ અમને આ મહિનાનું રેશન અગાઉથી આપવામાં આવ્યું છે. તેમાં વ્યક્તિ દીઠ માત્ર પાંચ કિલો ઘઉં છે, અને કોઈ વધારાની વસ્તુઓ નથી. આ પાંચ કિલો રેશન તો આવતા પાંચ દિવસમાં ખલાસ થઈ જશે."
વધુમાં શંકર કહે છે કે ભ્રષ્ટાચારી રેશન વિક્રેતાઓને કારણે મામલો વધુ વણસી રહ્યો છે. તે કહે છે કે, “વસ્તુઓ પહોંચાડવા અમારા ગામમાં આવતો રેશન વિક્રેતા વજન કરતી વખતે હજી પણ એક-બે કિલો ચોરી લે છે. અમને ખબર છે કે એ ચોરી કરે છે, પણ અમે શું કહી શકીએ? ગામડાઓમાં બાકીની કરિયાણાની દુકાનો તો એ જ વસ્તુઓ માટે બમણો ભાવ વસૂલતી હોય છે."
બારોલિયામાં લોકો તેમના આજીવિકાના વિકલ્પોને લઈને ખૂબ ચિંતિત છે. દોલા રામ પાસે પોતીકી જમીન નથી, લોકડાઉનને કારણે બાંધકામનું કામ બધે સ્થગિત કરવામાં આવતાં તેઓ બાળકની સારવાર માટે સગાસંબંદીઓ પાસેથી અને ઘેર પાછા ફરવા માટે મિત્રો અને મુંબઈના નાના દુકાનદાર પાસેથી ઉછીના લીધેલા 35000 રુપિયા કેવી રીતે ચૂકવશે એની ચિંતામાં છે. આટલી ચિંતા ઓછી હોય તેમ 12 મી એપ્રિલે અકસ્માતમાં તેના પગે ઈજા પહોંચી છે અને તે જાણતો નથી કે તે હવે ફરી ક્યારે કામ કરી શકશે.
રામલીને ડર છે કે આવક બંધ થતાં તેના પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધશે. તેણે ખાનગી લેણદારો પાસેથી ઉધાર લીધેલ ચાર લોન, બધું મળીને 10000 રુપિયા ભરપાઈ કરવા પડશે. આ પૈસા તેની સારવારમાં, તેના ઘરની મરામતમાં અને જ્યારે તેના એક બાળકને મેલેરિયા થયો હતો ત્યારે વપરાયા હતા. તેણે લીધેલી છેલ્લી લોન એ અગાઉની અન્ય લોન ભરપાઈ કરવા માટે હતી.
ગુમાવેલા સમય અને આવક કેમના ભરપાઈ થશે તેની સ્પષ્ટતા ન હોવાના કારણે, દોલા રામ, મુકેશ અને રામલીને હવે પછીનું વર્ષ ખાસ્સું ડામાડોળ રહેશે એમ લાગે છે. દોલા રામ કહે છે કે, “મેં મારી મોટાભાગની બચત હોળી દરમ્યાન જ ખર્ચી નાખી હતી. અમે ઘેર પાછા આવવા માટે ગમેતેમ કરીને પૈસાની સગવડ કરી હતી. ઠેકેદારે પણ ઉછીના પૈસા આપવાની ના પાડી દીધી હતી. જોઈએ હવે શું થાય છે."
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક