રામ વાકાચૂરે 275 વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે પોતાના ઘર નજીકના બજારમાંથી શાક ખરીદે છે – ત્રણ કિલો બટાકા, ફ્લાવર, ટમેટા અને બીજુ ઘણું બધું. “મને દરેક શાકનો ભાવ મોઢે આવડે છે. હું આ થેલા મારી મોટરસાઇકલ પર લટકાવીને શાળાએ જાઉં છું,”વીરગાંવ ગામની જિલ્લા પરિષદની શાળાના શિક્ષક કહે છે.
જૂનમાં એહમદનગરના અકોલા તાલુકાના કલસગાંવના રહેવાસી, 44 વર્ષના વાકચુરેની લગભગ 20 કિલોમીટર દૂર આવેલા વીરગાંવની શાળામાં બદલી થઈ. તેમણે 18 વર્ષ સુધી કલસગાંવની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. હવે એમનું મુખ્ય કર્તવ્ય છે મધ્યાહ્ન ભોજન યોજના (પ્રાથમિક શિક્ષણમાં પોષણ સંબધી મદદ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ) લાગુ થાય તે સુનિશ્ચિત કરવું.
“પ્રિન્સિપાલ બધુંજ ન કરી શકે, એટલે એમણે જવાબદારીઓ બીજાઓને સોંપી છે,” તેઓ જે ભરી રહ્યા છે તે મધ્યાહ્ન ભોજન રજિસ્ટરમાંથી માંડ-માંડ ઊંચુ જોતા તેઓ કહે છે. “સરકારી નોકરી તમને સુરક્ષા આપે, પણ મને નથી લાગતું કે હું શિક્ષક હોઉં.”
વાકચૂરેની શાળા ઇતર પ્રવૃત્તિઓ અસામાન્ય નથી – મહારાષ્ટ્રની જિલ્લા પરિષદની શાળાઓના શિક્ષકોને ઘણીવાર બિન-શૈક્ષણિક કામો સોંપવામાં આવે છે આના કારણે, તેઓ કહે છે, તેમની પાસે ભણાવવા માટે ભાગ્યેજ સમય બચે છે.
વીરગાંવની સાતમા ધોરણ સુધીની શાળામાં વાકચૂરેના સહકર્મચારી, 42 વર્ષના સબાજી દાતિર, કહે છે કે વર્ષ દરમિયાન આ વધારાના કામોનો સરવાળો 100થી વધુ થાય છે. સરેરાશ દાતિર બિન-શૈક્ષણિક કામોમાં અઠવાડિયે 15 કલાક વાપરે છે. “આ ઘણીવાર શાળાના કલાકો દરમિયાન હોય છે [દિવસના ચાર કલાક],” તેઓ કહે છે. “અમે શક્ય હોય ત્યાં સુધી શાળાના કલાકો પછી કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.” જ્યારે બંને એકજ સમયે કરવાના હોય, ત્યારે બિન-શૈક્ષણિક કામોને પ્રાથમિકતા આપવામાં આવે છે.
“2009ના શિક્ષણના અધિકાર (રાઈટ ટુ એજ્યુકેશન - RTE) કાયદા (ખાસ કરીને કલમ 27) અન્વયે, શિક્ષકોને માત્ર ચૂંટણી દરમિયાન, કુદરતી આફત દરમિયાન, અને દર 10 વર્ષે વસ્તી ગણતરી દરમિયાન જ બિન-શૈક્ષણિક કામો કરવાનું કહી શકાય,” દાતિર ઉમેરે છે.
પણ મહારાષ્ટ્રની સરકારી શાળાઓના 3,00,000 શિક્ષકો જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર માટે બીજા સમયોએ પણ જુદા-જુદા બિન-શૈક્ષણિક કામો કરે છે – તેઓ તપાસ કરે છે કે ગામના કેટલા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે, તપાસે છે કે સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચી રહી છે કે કેમ, નિરીક્ષણ કરે છે કે ગામના લોકો શૌચાલયોનો ઉપયોગ કરે છે કે નહીં અને તેમની સાથે ખુલ્લામાં શૌચના ગેરફાયદાઓ વિશે પણ વાત કરે છે. (જુઓ જિલ્લા પરિષદની શાળાઓ: વીજળી, પાણી, શૌચાલયો વિના ઝઝૂમવું )
જોકે આ શિક્ષકોને આ અનેક વધારાના કામો માટે ચુકવણી કરવામાં આવતી નથી. જિપની શાળાના શિક્ષક, જેમના માટે ગ્રેજ્યુએટ હોવા ઉપરાંત શિક્ષણમાં ડિપ્લોમા મેળવેલો હોવો ફરજિયાત છે, ₹. 25,000ના કુલ પગારે કામ કરવાનું શરૂ કરે છે. તેઓ, વધુમાં વધુ, પ્રિન્સિપાલ તરીકે, વર્ષો પછી ₹. 60,000 મેળવી શકે છે. આ પગારમાં જુદા-જુદા ‘ભથ્થાં’ – મોંઘવારી ભથ્થું, યાત્રા, ભાડું વિ. નો સમાવેશ થાય છે. અને આ સંયુક્ત પગારમાંથી વ્યવસાય વેરા અને પેન્શન માટેના ફાળા સહિત વિવિધ રકમોની કપાત થતી હોય છે. બિન-શૈક્ષણિક કામોના કલાકો માટે કોઈ ચુકવણી વિના.
'2009ના RTE કાયદા પ્રમાણે, શિક્ષકોને માત્ર ચૂંટણી દરમિયાન, કુદરતી આફત દરમિયાન અને દર 10 વર્ષે વસ્તી ગણતરી દરમિયાન જ વધારાના કામો કરવાને કહી શકાય', દાતિર કહે છે
“હું એકવાર નાશિકના એક ગામમાં ત્યાં કેટલા લોકો ગરીબી રેખાની નીચે રહે છે તે જોવા માટે ગયો હતો,”40 વર્ષના દેવીદાસ ગીરે કહે છે, જેઓ જૂનમાં તેમની વીરગાંવમાં બદલી થઈ તે પહેલા ચાંદવડ તાલુકાના ઉર્ધૂલ ગામની જિલ્લા પરિષદની શાળામાં ભણાવતા હતા. “એક બંગલાના માલિક કુટુંબે મને ધમકી આપતા કહ્યું હતું, ‘અમારું નામ યાદીમાં હોવું જોઈએ’. આપણે શિક્ષકોની શું અવદશા કરી રહ્યાં છીએ? અમે આદર મેળવવાનો હક નથી? આ અપમાનજનક છે. અમને રવિવારે પણ આરામ કરવા નથી મળતો.”
બીજા અવસરોએ, ગીરેએ બૂથ-સ્તરના અધિકારીના રૂપે ઘરે-ઘરે જવું પડ્યું હતું, ગામના રહેવાસીઓના દસ્તાવેજ એકઠા કરવા પડ્યા હતા, અને આપ્રવાસન, મૃત્યુ અને નવા મતદાતાઓના ઉમેરાવા આધારે મતદાર યાદી અદ્યતન કરવી પડી હતી. “આ આખું વર્ષ ચાલે છે,” તેઓ કહે છે, મેદાનમાં રમતા બાળકો રમવાનું બંધ કરીને અમારી આજુ-બાજુ ભેગા થાય ત્યારે તેઓ કહે છે. “દુઃખની વાત એ છે, કે જો અમે સરખી રીતે ભણાવીએ નહીં તો અમને મેમો આપવાની ધમકી નથી મળતી. પણ જ્યારે તહસીલદારની કચેરીમાંથી હુકમ આવે ત્યારે શૌચાલયો ગણવામાં સહેજ પણ ઢીલ ચાલતી નથી.”
તેમણે જેના માટે નોંધણી નહોતી કરાવી તેવા કામો કરીને થાકી ગયેલા અકોલાના 482 શિક્ષકોએ 18 સપ્ટેમ્બર 2018ના રોજ પંચાયત સમિતિની કચેરીની બહાર વિરોધ કર્યો. તેમણે હાથમાં બૅનર પકડેલા હતા જેમાં મરાઠીમાં લખ્યું હતું ‘આમ્હાલા શિખાવુ દ્યા’ (‘અમને શીખવવા દો’).
ભાઉ ચાસ્કર, અકોલા સ્થિત કાર્યકર્તા અને વીરગાંવની શાળાના શિક્ષકે તે વિરોધનું નેતૃત્વ કર્યું હતું. બિન-શૈક્ષણિક કામ, તેઓ જણાવે છે, પાછલાં 10 વર્ષોમાં વધી ગયું છે. “વહીવટી તંત્રની ખાલી જગ્યાઓ ભરાતી નથી. રાજસ્વ અને આયોજન [વિભાગો]માં પદ ખાલી છે, અને કામ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. આ બિન-શૈક્ષણિક કામ કરવાની જે અમને ફરજ પાડવામાં આવે છે, તેના કારણો લોકોના મનમાં શિક્ષકોની છબી ખરાબ થાય છે. તેઓ અમને આળસુ અને શિસ્તવિહીન માને છે. વિરોધ પછી થોડા સમય સુધી અમને બહુ બોલાવવામાં આવતા નહીં, પણ તે ફરી શરૂ થયું છે.”
શિક્ષિકાઓએ આનાથી પણ વધુ સંઘર્ષ કરવો પડે છે. તબસ્સુમ સુલ્તાના, જે 40ની મધ્યમાં છે, જે ઓસ્માનાબાદ શહેરમાં ભણાવે છે, કહે છે કે તેમણે શૈક્ષણિક કાર્યો, બિન-શૈક્ષણિક કાર્યો અને ઘરકામ ત્રણેયનો સુમેળ સાધવો પડે છે. “કામના કલાકો કે સમય બધાં શિક્ષકો માટે એક સરખા હોય છે, સ્ત્રી હોય કે પુરુષ,” તેઓ કહે છે. “પણ અમારે અમારા સાસરીયા અને બાળકોની સંભાળ રાખવાની હોય છે, તેમના માટે ખાવાનું બનાવવાનું હોય છે, ઘર છોડતા પહેલા સુનિશ્ચિત કરવાનું હોય છે કે બધુંજ વ્યવસ્થિત હોય.” તબસ્સુમના બે દીકરાઓ છે, બંને કૉલેજમાં છે. “તેઓ મોટા થઈ ગયા છે,” તેઓ કહે છે. “તેઓ શાળામાં હતા ત્યારે ખૂબ મુશ્કેલી પડતી હતી. પણ હવે હું ટેવાઈ ગઈ છું.”
કપિલ પાટિલ, મહારાષ્ટ્ર વિધાનસભાના ‘શિક્ષકોના મત વિસ્તાર’ માંથી (શિક્ષકો દ્વારા ચૂંટાયેલા), કહે છે કે શિક્ષકો સહેલાઈથી લક્ષ્ય બની જાય છે. “તેઓ ભણેલા-ગણેલા, ઉપલબ્ધ અને સરકારી નોકર હોય છે. આ મહારાષ્ટ્રની જિલ્લા પરિષદની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાના કારણોમાંથી એક છે. (જુઓ, કેટલીકવાર શાળા જેવી કોઈ જગ્યા નથી હોતી ) ભણાવવા માટે શિક્ષકો ઉપલબ્ધ નથી હોતા તેનો અર્થ એવો નથી કે તેઓ રજા પર હોય છે. એ ક્યાંક બીજે મજૂરી કરતા હોય છે. અને આમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ પીસાય છે કારણકે આની શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડે છે.”
સહન કરવાનું આશરે 46 લાખ વિદ્યાર્થીઓને આવે છે (2017-18ના આંકડા) જેઓ મહારાષ્ટ્રની 61,659 જિલ્લા પરિષદની શાળોમાં ભણે છે. જિલ્લા પરિષદની શાળાઓ મફત શિક્ષણ પૂરું પાડે છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ ખેડૂતો અને ખેતમજૂર કુટુંબોમાંથી આવતા હોય છે, ઘણાં દલિત અને આદિવાસી સમુદાયોમાંથી આવે છે જેમને ખાનગી શાળાઓ પોસાતી નથી. “આનાથી સમાજના આ ભાગનું શિક્ષણ ખોરંભાય છે,” સોલાપુર-નિવાસી કાર્યકર્તા અને શિક્ષક નેવનાથ ગેંડ કહે છે. “પણ જ્યારે શિક્ષકો બૂથ લેવલ અધિકારીઓ તરીકે કામ કરવાની ના પાડે, ત્યારે સ્થાનિક પ્રશાસન તેમને ધમકીઓ પણ આપે છે.”સોલાપુર જિલ્લાના માધા તાલુકાના મૂદનિમ્બ ગામની જિલ્લા પરિષદની શાળામાં પ્રાથમિક શાળાના શિક્ષક, 37 વર્ષના પરમેશ્વર સુરવાસે એ બૂથ લેવલ અધિકારી તરીકે કામ કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે નવેમ્બર 2018થી તેમની વિરુદ્ધમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયેલ છે. “મારી જવાબદારી છે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવાની,” તેઓ કહે છે. “મારી શાળામાં અમને છ શિક્ષકોને પરીક્ષાના એક અઠવાડિયા પહેલા બૂથ લેવલ અધિકારી તરીકે ફરજ બજાવવાનું કહેવામાં આવ્યું હતું. અમે કહ્યું કે એક સાથે છ શિક્ષકો જઈ ન શકે, નહીંતો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે. અમે તહેસીલદારને મળવાની માંગણી કરી.”
'દુઃખની વાત એ છે કે અમે સરખી રીતે ભણાવીએ નહીં તો અમને મેમો આપવાની ધમકી આપવામાં નથી આવતી. પણ તહેસીલદારની કચેરીમાંથી આવેલ હુકમ હોય તો શૌચાલયો ગણવામાં સહેજ પણ આળસ ચાલતી નથી', દેવીદાસ ગીરે કહે છે
પણ સોલાપુર ગામની તહેસીલદારની કચેરીએ છ શિક્ષકો વિરુદ્ધ FIR ફાઇલ કરી. “અમારા પર હુકમનો વિરોધ કરવા બદલ અને અમારું કામ ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો,”તેઓ કહે છે. “અમે આગળ દલીલ ન કરી શક્યા. અમે તેમની વાત માની લીધી અને એનો અર્થ એવો થયો કે અમે બીજા 30 દિવસ સુધી શાળાએ ન જઈ શક્યા. બૂથ લેવલ અધિકારી તરીકેનું અમારું કામ આજની તારીખમાં પણ ચાલુ છે, અને અમારે કેટલીક વાર પોલિસ સ્ટેશને પણ જવું પડ્યું. અમારામાંથી બે જણને નોટિસ મોકલવામાં આવી હતી અને અમારે અદાલતમાં હાજર થવું પડ્યું. આ બધાની વચ્ચે અમે શી રીતે ભણાવીએ? આ સમયગાળા દરમિયાન 40 વિદ્યાર્થીઓ અમારી શાળા છોડીને એક ખાનગી શાળામાં દાખલ થઈ ગયા.”
દત્તાત્રેય સુર્વેનો 11 વર્ષનો દીકરો વિવેક આમાંથી એક હતો. સુર્વે 2.5 એકર જમીનના માલિક ખેડૂત છે જે જુવાર અને બાજરી ઉગાડે છે, તેમનું કહેવું છે, “મેં શાળામાં [મોડનિમ્બમાં] પ્રિન્સિપાલને ફરીયાદ કરી, અને તેમણે કહ્યું કે શિક્ષકો પોતાનું કામ કરે છે,” સુર્વે ઉમેરે છે. “શાળાઓ વર્ષમાં લગભગ 200 દિવસ ચાલતી હોય છે. જો એ દિવસો દરમિયાન પણ શિક્ષકો હાજર ન રહેવાના હોય, તો મારા બાળકને શાળાએ મોકલવાનો શું અર્થ છે? આ દર્શાવે છે કે સરકારને જિલ્લા પરિષદની શાળાઓની પડી નથી.”
સુર્વે કહે છે કે તેઓ ઇચ્છે છે કે તેમના દીકરાને શ્રેષ્ઠ સંભવ શિક્ષણ મળે. “ખેતીમાં કંઈ વળવાનું નથી,” તેઓ ઉમેરે છે. ઑક્ટોબર 2017માં તેમણે તેમના દીકરાને લગભગ બે કિલોમીટર દૂર આવેલી ખાનગી શાળામાં દાખલ કર્યો. હવે તેઓ વર્ષે ₹ 3,000 ફી ભરે છે. “પણ હું નવી શાળાથી ખુશ છું. એ વ્યાવસાયિક છે.”
આ અનેક વારંવાર થતી ફરિયાદો દર્શાવે છે કે રાજ્ય સરકાર જિલ્લા પરિષદની શાળાઓ બાબતે ગંભીર નથી, કપિલ પાટિલ કહે છે. “આ જૂન [2018]માં શિક્ષકોની રાજ્યભરમાં થયેલ બદલીઓમાં [પણ] પ્રતિબિંબિત થાય છે,” તેઓ ઉમેરે છે. આ બદલીઓ માટે અપાયેલ કારણોમાંથી એક હતું, દૂરના ગામડાઓમાં સ્થિત શિક્ષકોને પણ શહેરો અથવા વધુ સારી રીતે જોડાયેલા ગામોમાં રહેવા અને કામ કરવાની તક મળવી જોઈએ. પણ, તેમના એક શિક્ષક પાસેથી આવેલ બદલી રદ કરવાની માંગણી કરતા પત્રને હાથમાં પકડીને પાટિલ કહે છે, “સરકારે ના તો વિદ્યાર્થીઓ વિશે વિચાર્યું છે અને ના શિક્ષકો વિશે.”
એહમદનગરમાં 11,462માંથી 6,189 (અથવા 54 ટકા) શિક્ષકોને બદલી હુકમો મળ્યા હતા, જિલ્લા શિક્ષણ અધિકારી રમાકાંત કાટમોરે જણાવે છે. “આ ટકાવારી આખા રાજ્યના બધા જિલ્લાઓમાં સરખી છે. આ એક નિયમિત પ્રક્રિયા છે.”
બદલી કરવામાં આવેલ શિક્ષકોમાં રમેશ ઉતરડકર છે. તેઓ દેવપુર ગામની જિલ્લા પરિષદની શાળામાં ભણાવતા હતા. "તે બુલધના શહેરમાં આવેલ મારા ઘરથી 20 કિલોમીટર દૂર હતી," તેઓ કહે છે. મે 2018માં તેમની બદલી 65 કિલોમીટર દૂર મોમિનાબાદમાં આવેલ જિલ્લા પરિષદની શાળામાં થઈ. "મારી પત્ની શહેરમાં નગરપાલિકાની શાળામાં ભણાવે છે એટલે અમે ઘર બદલી શકીએ એમ ન હતા," તેઓ કહે છે. "હું દરરોજ શાળા સુધી યાત્રા કરું છુ. અમે ત્યાં પહોંચતા બે કલાક થાય છે." ઉતરડકરે બે નવલકથાઓ લખી છે અને તેમના બે કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયાં છે; તેમની રચનાને રાજ્યનો સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. પણ તેમની બદલી થઈ ત્યારથી તેઓ લખી કે વાંચી શકતા નથી. "આટલી લાંબી યાત્રા કરવાથી થાકી જવાય છે" તેઓ કહે છે. "મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે."
44 વર્ષના અનિલ મોહિતેની પણ તેમના વતન અકોલા, જ્યાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા, થી 35 કિલોમીટર દૂર આવેલ શેલ્વીહિરેની જિલ્લા પરિષદની શાળામાં પ્રિન્સિપાલના પદે બદલી થઈ હતી. મોહિતે કોળી મહાદેવ આદિવાસી વિદ્યાર્થીઓની ભાષા નથી સમજતા, અને વિદ્યાર્થીઓ સારી રીતે મરાઠી નથી બોલી શકતા. “હું તેમને ભણાવીશ કેવી રીતે? અગાઉ, મેં ચાર વર્ષ ઔરંગપુરની શાળામાં કામ કર્યું છે [અકોલાથી લગભગ પાંચ કિલોમીટર દૂર]. હું મારા વિદ્યાર્થીઓને ઓળખતો હતો, તેમની કમીઓ અને તેમની તાકાતોને પણ. તેઓ મને સારી રીતે ઓળખતા હતા. અમારી વચ્ચે સારો સંબંધ હતો. હવે મારે ફરીથી શરૂ કરવાનું છે.”
શેલ્વિહાયરની તેમની શાળામાં – જેવું બીજી અનેક જિલ્લા પરિષદની શાળાઓમાં પણ થાય છે- ઇંટરનેટ નેટવર્ક હોતું જ નથી. “અમારે મધ્યાહ્ન ભોજન યોજના અને હાજરી પત્રક ઑનલાઇન ભરવાના હોય છે,” મોહિતે કે છે ( નાનું ભોજન, ભૂખ્યાં વિદ્યાર્થીઓ માટે મોટી વાત જુઓ) “લગભગ 15 વસ્તુઓ ઑનલાઇન કરવાની હોય છે. આ શાળાએ કરવું અશક્ય છે. મારે તે દરરોજ લખી લેવું પડે છે અને પછી જ્યારે ઘરે આવું ત્યારે તે ઑનલાઇન ભરવાનું હોય છે. આ અમે જે કામમાં ડૂબેલા છીએ એમાં.
ભાષાંતર: ધરા જોષી