તેમના પિતાની પુણ્યતિથિ પર તિરુ  મૂર્તિ એક નવીન ભેટ અર્પણ કરે છે: દસ જાતના સાબુ, વિવિધ જાતના નાળિયેરના તેલ, અને તેમનો પ્રખ્યાત હળદરનો પાઉડર. સુંદરમૂર્તિની હાર ચઢાવેલી છબી આગળ આ બધી વસ્તુઓ  ઉપરાંત લાલ રંગના કેળાનું ઝૂમખું, ફૂલો, નાળિયેર, પ્રગટાવેલા કપૂર પણ મૂકેલા છે.

તેઓ એક ફેસબુક પોસ્ટમાં પૂછે છે, “પપ્પા માટે આનાથી સારી શ્રદ્ધાંજલિ શી હોઈ શકે?.” તેમના પિતાએ મંજલ (હળદર) ની ખેતી કરવાનું છોડી દીધું હતું. તિરુ ને બધાએ હળદરની ખેતી કરતાં વારવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં તેમણે એ બીડું ઉપાડ્યું. તેઓ હસીને કહે છે, “તેમણે મને મલ્લી (ચમેલી) ઉછેરવાનું કહ્યું, કારણ કે ફૂલો દરરોજ કમાણી કરાવે છે. જ્યારે મેં હળદરની ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે બધા મારી હાંસી ઉડાડતા હતા.” તિરુ એ તે બધાને ખોટા સાબિત કર્યા. તેમની કથા એક વિરલ કથા છે: હળદરની વિજયગાથા.

૪૩ વર્ષીય તિરુ  મૂર્તિ તમિળનાડુના ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના મોટા ભાઈ સાથે મળીને તેમની ૧૨ એકર સહિયારી જમીન પર ખેતી કરે છે. તેઓ ત્રણ પાક વાવે છે – હળદર, કેળા અને નાળિયેર. પણ તેઓ તેને હોલસેલમાં નથી વેચતા – તેઓ કહે છે આવું કરવું વ્યર્થ છે – કારણ કે ત્યાં કિંમતો પર તેમનું કોઈ નિયંત્રણ નથી હોતું. સ્થાનિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે, મોટા વેપારીઓ, કોર્પોરેટ્સ અને સરકારો જ કિંમતો નક્કી કરે છે.

ભારત વિશ્વમાં હળદરના ધીખતા બજારમાં સૌથી મોટો ભાગ ભજવે છે. ૨૦૧૯માં ભારતની નિકાસ ૧૯૦ મિલિયન ડોલરને સ્પર્શી ગઈ હતી – જે વૈશ્વિક વેપારના ૬૨.૬% છે. પણ અહીંયાં એક ખામી એ છે કે એ છે કે ભારત હળદરની આયાત પણ કરે છે, અને એમાં એ વિશ્વમાં બીજા ક્રમે છે જે કુલ આયાતના ૧૧.૩% છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આયાતમાં વધારો થવાથી ભારતના હળદરના ખેડૂતોને ભારે નુકસાન થયું છે .

ઇરોડની મંડી જેવા સ્થાનિક બજારો પહેલેથી જ તેમનો કસ કાઢી રહ્યા છે. ત્યાં મોટા વેપારીઓ અને ખરીદદારો કિંમત નક્કી કરે છે. ઓર્ગેનિક ઉત્પાદન માટે વિશેષાધિકૃત કિંમત પણ નથી મળતી. અને વધુમાં, વર્ષ-દર-વર્ષે કિંમતમાં ખૂબ  જ વધઘટ જોવા મળે છે. ૨૦૧૧માં, હળદરનો ભાવ ક્વિન્ટલ દીઠ ૧૭,૦૦૦ રૂપિયા હતો. જે બીજા વર્ષે ઘટીને લગભગ ચોથા ભાગનો થઇ ગયો હતો. ૨૦૨૧માં તેનો ભાવ ક્વિન્ટલ દીઠ ૭,૦૦૦ રૂપિયા હતો.

કુશળતા, દ્રઢતા, અને સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે, તિરુ એ એક સીધો સાદો ઉકેલ શોધી કાઢ્યો: મૂલ્યવર્ધન. જો કે તેમના આ પ્રયાસની નકલ બધા કરી શકે તેમ નથી, પણ તે એક વિશેષ સિદ્ધિ હતી. તિરુ  સમજાવે છે, “ખેતરના ઝાંપે એક નાળિયેર ૧૦ રૂપિયામાં વેચાય છે તે જ નાળિયેરથી હું ત્રણ ગણી કમાણી કરું છું, કારણ કે હું તેમાંથી તેલ કાઢું છું અને તેમાંથી સાબુ બનાવું છું. હળદરમાં પણ આવું જ છે. હું દોઢ એકર જમીન પર તેની ખેતી કરું છું. જો હું ૩,૦૦૦ કિલો હળદરને મંડીમાં વેચું, તો મારે ઓર્ગેનિક હળદરમાં કિલો દીઠ ૫૦ રૂપિયા નુકસાન વેઠવું પડે.”

Two types of turmeric grow in Thiru Murthy's fields at the foothills of the Sathyamangalam hills in Erode.
PHOTO • M. Palani Kumar
Thiru at home with his children and a relative’s son
PHOTO • M. Palani Kumar

ડાબે: ઇરોડમાં સત્યમંગલમ ટેકરીઓની તળેટીમાં આવેલા તિરુ મૂર્તિના ખેતરોમાં બે પ્રકારની હળદર ઉગે છે. જમણે: તિરુ તેના બાળકો અને સંબંધીના પુત્ર સાથે પોતાના ઘેર

ઓર્ગેનિક ખેતી કરવાથી તેમનો ઉત્પાદન ખર્ચ રાસાયણિક ખેતી કરનારા ખેડૂતો કરતા ઘણો વધારે છે. તેમ છતાં, તેઓ તેમના પડોશીઓ કરતા સારી કમાણી કરી રહ્યા છે.

ઇરોડમાં સત્યમંગલમ ટેકરીઓની તળેટીમાં આવેલું તિરુ  મૂર્તિનું ખેતર ગ્રામીણની ઉત્કૃષ્ટ વ્યાખ્યા સમાન છે: નીલમણિના ખેતરોની પાછળથી, વરસાદના વાદળોની ટોપી પહેરીને જાંબલી ટેકરીઓની એક હરોળ ઉગે છે. તેમના હળદરના છોડ ઊંચા છે, અને તેના પહોળા પાંદડા હળવા વરસાદ અને ઓક્ટોબરના તડકામાં ભીંજાયેલા. ખેતરમાં નાળિયેરના ઝાડની હરોળો પરના માળામાં દરજીડા મોટેથી કિલકિલાટ કરે છે, અને પાંદડાઓની આસપાસ દોડે છે. આ દ્રશ્ય એટલું બધું સુંદર છે કે તેમણે એક ખેડૂત તરીકે કરવા પડતા બધા સંઘર્ષોને તે ભૂલાવી દે છે. પછીથી તેમના ગુલાબી રંગની દિવાલો વાળા ઘરમાં ભૂખરા સિમેન્ટ વાળી લાદી પર પોતાની ચાર વર્ષની દીકરીને પોતાના ખોળામાં બેસાડીને તેઓ આના વિષે કહે છે - ધીરે-ધીરે, ધ્યાનથી, તેમની દીકરીના ચાંદીના ઝાંઝરની ઘૂઘરીઓના સંગીતમય છલ છલ છલ...ની વચમાં.

“જ્યારે હું મારા ગ્રાહકોને અડધો કિલો અને એક કિલોના પેકેટ તરીકે વેચું કે પછી તેમાંથી સાબુ, તેલ અને દૂધના પીણાં બનાવીને વેચું ત્યારે જ મને નફો થાય છે.” બીજા શબ્દોમાં કહીએ તો તેઓ જે ઉત્પાદન કરે છે તેમાં મૂલ્ય ઉમેરે છે. હળદરના દરેક ખેડૂતની જેમ, તેઓ ખૂબ જ મહેનતથી તેમના પાકને ઉકાળે છે, સૂકવે છે અને પોલિશ કરે છે. પરંતુ જ્યારે અન્ય ખેડૂતો સારી કિંમતની આશા રાખીને તેનો સંગ્રહ કરે છે કે પછી તેને મંડીમાં વેચી દે છે તેની જગ્યાએ તિરુ  તેને પોતાના ગોડાઉનમાં શિફ્ટ કરી દે છે.

પછી તેઓ હળદરની ગોળાકાર (બલ્બ) જાતિ અને આંગળી (ફિંગર) આકારની જાતિને નાના જૂથમાં વર્ગીકૃત કરીને તેનો પાઉડર બનાવે છે. પછી તેમાં થોડી સર્જનાત્મકતા દાખવીને તેઓ તેમાંથી સૌંદર્ય પ્રસાધનો અને માલ્ટેડ પીણાં બનાવીને કિલો દીઠ વધારાના ૧૫૦ રૂપિયા કમાય છે.

“પરંતુ હું બધા પૈસા ફક્ત મારી પાસે નથી રાખતો,” તેઓ કહે છે. તેઓ તેને પાછા જમીનમાં રોકી દે છે, જેનાથી તેમને ખૂબ  જ લગાવ છે. તેમનું ખેતર માત્ર તેમના પરિવારને જ નહીં, પણ તેમના વિસ્તારમાં રહેતાં લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. “પીક સીઝન દરમિયાન મારા ખેતરમાં દરરોજ પાંચ પુરુષો અને ત્રણ સ્ત્રીઓ કામ કરે છે. અને તેમને દૈનિક વ્યક્તિદીઠ અનુક્રમે ૪૦૦ અને ૩૦૦ રૂપિયા મળે છે, અને સાથે સાથે ચા અને બોંડા  [ભજીયા] પણ. મને યાદ છે કે પહેલાં હળદરની વાર્ષિક લણણીમાં પ્રતિ એકર અત્યારે જે ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચ થાય છે એનાં કરતા દસમાં ભાગનો ખર્ચ થતો હતો. જ્યારે હું મજૂરોને આ વિષે પૂછું છું, “ત્યારે તેઓ કહે છે કે અત્યારે પેટ્રોલ ૧૦૦ રૂપિયે લિટર છે, એક ક્વાર્ટર દારૂ [૧૮૦ મિલી] ૧૪૦ રૂપિયા છે...” અને પછી તેઓ હસે છે. જો કે, આમાંથી કંઈ પણ હળદરના ભાવમાં વધારો કરતું નથી.

*****

બાજરીના દાણા પીલતી સ્ત્રીઓનું કામ ગીત,
રતાળુ અને હળદરના ખેતર પર ધાડ પાડતા જંગલી ડુક્કરોને
ભગાડવા માટે વગાડાતાં રખેવાળી કરતા ખેડૂતોના ઢોલ
આ બધા અવાજો પર્વતોમાં ગુંજતા હોય છે

સંગમ યુગની કવિતા મલાઈપડ કડામમાંથી

Trays with the lots of turmeric fingers and bulbs displayed at an auction in the regulated market in Perundurai, near Erode
PHOTO • M. Palani Kumar
Trays with the lots of turmeric fingers and bulbs displayed at an auction in the regulated market in Perundurai, near Erode
PHOTO • M. Palani Kumar

ઇરોડ નજીક પેરુન્દુરાઈના નિયંત્રિત બજારની હરાજીમાં પ્રદર્શિત ગોળાકાર અને આંગળી આકારના હળદર ભરેલી ટ્રે

તમિળનાડુ અને હળદરનો સંબંધ ૨,૦૦૦ વર્ષ જુનો છે, લેખક ચેન્થિલ નાથન કહે છે, જેમણે તેમના બ્લોગ OldTamilPoetry.com માં આ પંક્તિઓનો અનુવાદ કર્યો હતો. તેઓ કહે છે કે, મલાઈપડ કડામ , “સંગમ યુગની ૧૦ સૌથી લાંબી કવિતાઓમાંની એક છે.”

ભારતીય રસોડાની શાન સમાન હળદર ( Curcuma longa) આદુ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભૂગર્ભ ડાંખળી (રાઇઝોમ), જેમાં ગોળાકાર ‘બલ્બ’ અને શાખાઓવાળી ‘આંગળીઓ’ નો સમાવેશ થાય છે તેનો વ્યાવસાયિક રીતે ઉપયોગ થાય છે. લણણી વખતે બલ્બ અને આંગળીઓને અલગ કરવામાં આવે છે અને તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે. તેમને વેચતા પહેલાં ઉકાળવામાં આવે છે, સૂકવવામાં આવે છે, પછી તેને સાફ કરીને પોલિશ કરવામાં આવે છે. હરાજીમાં આંગળી આકારના હળદરની ઊંચી કિંમત મળે છે.

ખાદ્ય ઈતિહાસકાર કે.ટી.ચાયા તેમના પુસ્તક, ઈન્ડિયન ફૂડઃ અ હિસ્ટોરિકલ કમ્પેનિયનમાં કહે છે કે હળદર લગભગ ભારતમાં પહેલેથી જ થાય છે. તેઓ કહે છે, “તેના આકર્ષક રંગ અને રંગવાની ક્ષમતાએ હરિદ્રને [તેનું સંસ્કૃત નામ] જાદુ અને ધાર્મિક વિધિઓમાં મહત્વનું સ્થાન આપ્યું.” એક રોજિંદા મસાલા તરીકે મંજલનો ઉપયોગ સમગ્ર ભારતમાં રાંધવામાં અને સંસ્કૃતિઓમાં વ્યાપકપણે થાય છે. એક ચપટી હળદર પાઉડર નાખવાથી ખોરાકમાં સારો રંગ આવે છે, તેમાં ધીરે ધીરે સ્વાદ આવે છે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે. કર્ક્યુમિન એક તેજસ્વી પીળો પીગમેન્ટ છે જે તેના ઔષધીય ગુણધર્મો માટે કાઢવામાં આવે છે, મુખ્યત્વે એન્ટીઑકિસડન્ટ અને એન્ટીઇન્ફલેમેટરી ગુણો માટે.

દાદીઓ અને નાનીઓએ વૈજ્ઞાનિકો પહેલાં જ તે કઈ રીતે કામ કરે છે તે શોધી કાઢ્યું હતું. તેઓ હળદર અને મરીને ગરમ કરતાં જેનાથી કર્ક્યુમીનની જૈવઉપલબ્ધતામાં વધારો થતો અને પછી તેને દૂધ સાથે ભેળવીને કુટુંબમાં કોઈને શરદી હોય તો તેને આપતા હતા. સ્ટારબક્સ પાસે હવે ગોલ્ડન ટર્મરિક લાટટે’ માટેની રેસીપી છે, જેને મારા દાદી કદાચ પસંદ કરે કે ન પણ કરે. તેમાં જવનું દૂધ, ફેન્સી ફ્રોથિંગ મશીન અને વેનીલાનો ઉપયોગ થાય છે.

હળદરને શુભ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પરિણીત સ્ત્રીઓ તેમના ગળામાં હળદરથી રંગાયેલો દોરો પહેરે છે. મંજલ નીરાટ્ટ વીળા ('હળદર સ્નાન સમારોહ') એ તરુણાવસ્થાની ધાર્મિક વિધિ છે જેમાં યુવતીના પ્રથમ માસિક સ્રાવને (કેટલીકવાર મોટા ફ્લેક્સ બોર્ડ અને મોટી ભીડ સાથે) ઉજવવામાં આવે છે. મંજલ એક જાણીતી એન્ટિસેપ્ટિક પણ હતી, અને અને તેની પેસ્ટ ખુલ્લા ચાંદા તથા ચામડીના જખમ પર લગાડવામાં આવતી હતી. પેટ કેર બ્રાન્ડ્સ આ જ કારણોસર તેમના ઉત્પાદનોમાં તેનો ઉપયોગ કરે છે.

જ્યારે યુએસના સંશોધકોએ હળદરની પેટન્ટ નોંધાવી, ત્યારે ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) એ ૧૯૯૭માં ૧૫,૦૦૦ અમેરિકી ડોલર ખર્ચીને વકીલ રોક્યા હતા અને દલીલ કરી કે ભારત દેશમાં સદીઓથી ઘા ના ઉપચાર માટે તેનો ઉપયોગ થતો હોવાથી, તેમાં પેટન્ટ નોંધવા માટે જરૂરી “નવીનતા” ના માપદંડનો અભાવ હતો. સીએસઆઈઆરે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસ પાસેથી હળદર પરની “વિવાદાસ્પદ પેટન્ટ” રદ કરાવી.

શિવાજી ગણેશનને આ પસંદ આવતું. એ પ્રખ્યાત અભિનેતાએ એ જ નામની ૧૯૫૯ની ફિલ્મમાં કોલોનિયલ વિરોધી હીરો વીરાપંડિયા કટ્ટાબોમનની ભૂમિકા ભજવી હતી – જે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર પ્રથમ તમિલ સિનેમા હતી. કટ્ટાબોમન અંગ્રેજોને કર ચૂકવવાના આદેશને નકારી કાઢતાં કહે છે, “શા માટે? શું તમે મારા સમુદાયની મહિલાઓ માટે હળદર પીસીને તેમની સેવા કરી છે?"

*****

હું મારા પિતાની મહેનતના ફળ માણી રહ્યો છું.
ઇરોડના હળદરના ખેડૂત તિરુ  મૂર્તિ

Thiru inspecting the turmeric plants in his farm, in Uppupallam hamlet of Erode's Bhavanisagar block
PHOTO • M. Palani Kumar

ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના ખેતરમાં હળદરના પાકનું નિરીક્ષણ કરતા તિરુ

ઓક્ટોબર ૨૦૨૧માં સત્યમંગલમમાં પારીની બીજી મુલાકાત દરમિયાન તેઓએ અમને કહ્યું કે તેઓ ૧૮ વર્ષની ઉંમરના હતા ત્યારથી ખેતી પર જીવન નિર્વાહ કરી રહ્યા છે. અમે એ જ વર્ષે હળદરની લણણીના સમય દરમિયાન ત્યાં પહેલી વખત ગયા હતા. લહેરાતા હળદરના છોડ વચ્ચે તેઓ હાથમાં તેમની સફેદ ધોતીની કિનારી પકડીને ચાલતા ચાલતા તેમની મુસાફરી વિષે વાત કરે છે.

“આ મારી અમ્માનું વતન છે. મારા અપ્પા અહિં ઉપ્પુપલ્લમમાં શિફ્ટ થયા હતા, અને ૭૦ના દાયકામાં ૧૦ કે ૨૦ હજાર રૂપિયે એકર જમીન ખરીદી હતી. અત્યારે એક એકરનો ભાવ ૪૦ લાખ રૂપિયા છે. હવે તમે ૧૦ એકર જમીન પણ ન ખરીદી શકો!” દસમા ધોરણનો અભ્યાસ છોડી દેનારા ૩૧ વર્ષીય તિરુ  ૨૦૦૯માં ફુલ-ટાઈમ ઓર્ગેનિક ખેડૂત બન્યા.

જોકે આ તેમની પ્રથમ પસંદગી નહોતી. તેમણે આના પહેલાં ઘણી નોકરીઓમાં હાથ અજમાવ્યો હતો. સૌપ્રથમ તેમણે ઘરે મલીહાઈ કડાઈ, એક પ્રોવિઝન સ્ટોર ખોલ્યો હતો. તેમણે યેલંધ વડાઈ (મીઠા અને ખાટા જુજુબ ફળના વડા), થીનપંડમ (નાસ્તો), ચોખા, સિગારેટ, બીડી અને દિવાળી વખતે ફટાકડા વેચ્યા. વ્યવસાય પ્રત્યેના તેમના ઉત્સાહના કારણે તેમણે ઘણા વ્યવસાય બદલ્યા– તેઓ કેબલ ટીવી સેવા પ્રદાતા હતા, તેમણે દૂધ વેચ્યું, પછી તેઓ તેમની મોટી બહેન પાસે બેંગલુરુ ગયા. ત્યાં તેમણે ટુ-વ્હીલર સર્વિસ સ્ટેશન ચલાવ્યું, લોન આપતી નાની ફાયનાન્સ કંપનીમાં કામ કર્યુ અને અંતે તેમણે ગાડીનું ખરીદ-વેચાણનું કામ કર્યું. “મેં ૧૪ વર્ષમાં છ નોકરીઓ અજમાવી. તે ખૂબ  જ અઘરું હતું; મેં સંઘર્ષ કરીને મારા હાથ ઘસી નાંખ્યા હતા.”

તેઓ બેંગલુરુમાં વિતાવેલા સમયને કૂતરા ના દિવસો કહે છે, “નાઈ પડાધ પાડ,” અને તેને એક મિશ્રિત જાતિના કૂતરા એ વેઠવી પડતી મુશ્કેલીઓ સાથે સરખાવે છે. તેમણે થોડી ઘણી કમાણી કરી અને એક મિત્ર સાથે મળીને ૬*૧૦ ફૂટનો એક ઓરડો ભાડે લીધો. તેઓ એ સાંકડી જગ્યા માટે મહીને ૨,૫૦૦ રૂપિયા ભાડું ચુકવતા હતા.

“જ્યારે હું માર્ચ ૨૦૦૯માં સત્યમંગલમ પાછો ફર્યો, ત્યારે મને ખેતીમાં ખૂબ  જ રસ પડ્યો.” તેમણે તેમના પિતા દ્વારા કરવામાં આવતી શેરડીની ખેતી ચાલુ રાખી અને તેમાં ટેપોઈકા અને ડુંગળીઓની એક હરોળ ઉમેરી.

“મેં ભૂલો કરી અને તેમાંથી શીખ્યો. ૨૦૧૦માં બિયારણ ડુંગળી ૮૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી. લણણી દરમિયાન તે ઘટીને ૧૧ રૂપિયા થઈ ગઈ. મારના અડી [મૃત્યુનો ફટકો],” તેઓ નિસાસો નાખીને કહે છે. તેમના નુકસાનની ભરપાઈ કરવા માટે તેમની પાસે અન્ય પાક પણ વાવેલા હતા તેનાથી તેમને મદદ મળી. ૨૦૧૪માં – તેમના પિતાના નિધનના ૨ વર્ષ પછી, અને તેમના પરિવારે તેની ખેતી કરવાનું બંધ કર્યાના નવ વર્ષ પછી – તેમણે મંજલનું વાવેતર કર્યું.

*****

હળદરથી કોઈ તો પૈસા કમાય જ છે. દર વખતે તે ખેડૂતો નથી હોતા...
ઇરોડના હળદરની ખેતી કરનારા ખેડૂતો

In his banana field, Thiru has planted the red variety this time.
PHOTO • M. Palani Kumar
The wooden chekku in which coconut oil is cold-pressed to make fragrant hair oils
PHOTO • M. Palani Kumar

ડાબે: તેમના કેળાના ખેતરમાં તિરુ એ આ વખતે લાલ રંગની વેરાયટી ઉગાડી છે. જમણે: જેમાં નાળિયેરને કોલ્ડ-પ્રેસ કરીને તેમાંથી વાળમાં નાખવાનું સુગંધીદાર તેલ કાઢવામાં આવે છે એવું લાકડાનું ચેક્ક

આખા તમિળનાડુમાં કૂલ ૫૧,૦૦૦ એકરમાં હળદરની ખેતી કરવામાં આવે છે, જેનું કુલ ઉત્પાદન ૮૬,૦૦૦ ટનથી વધુ છે, અને તે દેશમાં ચોથા ક્રમે છે. ઇરોડ જિલ્લો ૧૨,૫૭૦ એકર મંજલની ખેતી સાથે રાજ્યમાં સૌથી આગળ છે.

તિરુ ની ૧.૫ એકર જમીન પરનું વાવેતર દરિયામાં એક ટીપા સમાન છે. તેમણે જૂન ૨૦૧૪માં અડધા એકરના નાના પ્લોટમાં મંજલ ઉગાડવાનું શરૂ કર્યું અને તેમની બાકીની જમીનમાં નાળિયેર અને કેળા ઉગાડ્યા. જ્યારે તેમની એક ટન હળદરની ઉપજ ઝડપથી વેચાઈ ગઈ તો તેમને પ્રોત્સાહન મળ્યું. તેમાંની ત્રીજા ભાગની હળદરનો પાઉડર બનાવવામાં આવ્યો હતો અને તેમના ફેસબુકના સંપર્કો દ્વારા તેનું ૧૦ દિવસમાં છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું. તેમણે તેમના નવીન સાહસનું નામ ‘યેર મુનાઈ’ રાખ્યું, જેનો અર્થ થાય છે હળની કોશ, “કારણ કે એ સાધન અજોડ છે.” તેમનો લોગો એક ઐતિહાસિક છબી છે: એક માણસ, એક હળ અને બે બળદ. તે સાહસ સફળ રહ્યું.

ઉત્સાહમાં આવીને તેમણે આતુરતાથી બીજા વર્ષે અઢી એકર જમીનમાં મંજલનું વાવેતર કર્યું. તેમણે ૫,૦૦૦ કિલો હળદરનું ઉત્પાદન કર્યું પણ તેમની ઉપજના પાંચ ભાગમાંથી ચાર ભાગ મહિનાઓ સુધી વેચાયા નહીં. તેઓ પ્રયાસ કર્યા પછી પણ તેને ઓર્ગેનિક તરીકે પ્રમાણિત કરાવી શક્યા નહીં. તે એક કંટાળાજનક પ્રક્રિયા છે – જે ખર્ચાળ પણ છે અને ઉશ્કેરણીજનક પણ છે – અંતે તેમણે તેમની ઉપજ ઈરોડની એક મોટી મસાલા કંપનીને વેચી દીધી. તેમણે તિરુ ને માત્ર એક તુંડ ચિત્ત આપ્યું, એક નાનકડી ચીઠ્ઠી આપી જેના પર લખેલું હતું: એક ક્વિન્ટલના ૮,૧૦૦ રૂપિયા. અને તેના પછી તેમને રાજ્ય બહારનો એક ચેક આપવામાં આવ્યો જે ૧૫ દિવસ પછી ઉપાડી શકાય તેમ હતો.

તિરુ ને એ ચેક ક્લીયર કરાવવામાં ઘણા દિવસો લાગી ગયા – અને તે વર્ષ નોટબંધીનું વર્ષ હતું. તેઓ કહે છે, “૨૦૧૭ પછીથી, હું સાવચેતી દાખવું છું અને એક કે દોઢ એકર જમીનમાં જ હળદરની ખેતી કરું છું. અને એક વર્ષ છોડીને બીજા વર્ષે જમીન પડતર રાખું છું, જેથી જમીનને ‘આરામ’ મળી રહે.”

જાન્યુઆરીમાં તેઓ ક્યારી બનાવે છે અને ૪૫-૪૫ દિવસના બાજરીના પાકના બે રાઉન્ડ વાવવા માટેની તૈયારી શરૂ કરી દે છે. આને જમીન ખેડીને ફરીથી તેમાં નાખવામાં આવે છે જેથી જમીનમાં નાઇટ્રોજન અને પોષક તત્વોનું પ્રમાણ જાળવી શકાય. તેઓ કહે છે કે આ માટે ૧૫,૦૦૦ રૂપિયા ખર્ચ થાય છે. ત્યાર પછી, તેઓ હળદર માટે ક્યારી બનાવે છે અને ટપક સિંચાઈ મૂકે છે, જેના માટે બીજા ૧૫,૦૦૦ રૂપિયા ખર્ચ થાય છે. તેમને એક એકર જમીનમાં ગોળાકાર હળદર ઉગાડવા માટે ૮૦૦ કિલો બીજ જોઈએ છે, તેના કિલો દીઠ ૪૦ રૂપિયા ગણીએ તો તેમાં ૨૪,૦૦૦ રૂપિયા ખર્ચ થાય. તેમાં એકર દીઠ ૪,૦૦૦ રૂપિયા મજૂરી પણ થાય છે. ત્યાર પછી, એકાદ મહિના પછી બીજ ફૂટી નીકળે એટલે તેઓ બે ટન બકરીનું છાણીયું ખાતર લગાવે છે – તેઓ કહે છે કે તે ગાયના છાણ કરતાંય સારું કામ કરે છે - તે માટે તેમણે ૧૪,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યો છે.

નિંદામણ કાઢવા માટે આશરે છ રાઉન્ડ થાય છે, અને દરેક રાઉન્ડમાં ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચ થાય છે (૩૦ થી ૩૫ સ્ત્રીઓને એકર દીઠ દૈનિક ૩૦૦ રૂપિયા ચૂકવીને). માર્ચ મહિનામાં લણણી કરવા પાછળ ૪૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે અને “તે નિર્ધારિત કોન્ટ્રાક્ટ હોય છે. સામાન્યપણે, ૨૦ પુરુષો અને ૫૦ સ્ત્રીઓની એક ટીમ આવે છે. તેઓ એક દિવસમાં બધું કામ પૂરું કરી દે છે. જો ઉપજ ખૂબ  જ સારી હોય તો તેઓ ૫,૦૦૦ રૂપિયા વધુ માગે છે.”

Fresh turmeric fingers, which are processed by Thiru Murthy to make beauty products and malted drinks.
PHOTO • Aparna Karthikeyan
The purpose-built pit for boiling the turmeric
PHOTO • Aparna Karthikeyan

ડાબે: સૌંદર્ય પ્રસાધનો અને માલ્ટેડ પીણાં બનાવવા માટે પ્રક્રિયા કરેલા તાજા આંગળી આકારના હળદર. જમણે: હળદર ઉકાળવા માટે બનાવેલો ખાડો

અંતે, તાજા હળદરને ઉકાળવામાં આવે છે, સૂકવવામાં આવે છે અને પછી પોલીશ કરવામાં આવે છે. જોકે પત્રકાર માટે આનુ વર્ણન એક લાઈનમાં પૂરું થઇ જાય છે, પણ તેમના માટે આ ઘણા દિવસોની સખત મહેનત અને કુશળતાભર્યું કામ છે, જેનાથી કૂલ ખર્ચમાં ૬૫,૦૦૦ રૂપિયા વધી જાય છે. અને ખર્ચ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ હળદરનો વજન લગભગ અડધો થઇ જાય છે.

૧૦ મહિના અને ૨૩૮,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યા પછી તેમની પાસે હવે વેચવા માટે ૨,૦૦૦ કિલો સૂકી હળદર  છે (એક એકર જમીનમાંથી). ઉત્પાદન ખર્ચ લગભગ ૧૧૯ રૂપિયા કિલો છે. (ઓર્ગેનિક ખેતી કરતા કોડુમુડીના કે.એન. સેલ્લામુથું જેવા અન્ય ખેડૂતોને કિલો દીઠ ૮૦ રૂપિયા ખર્ચ થાય છે, કારણ કે તેઓ વધુ ઉત્પાદન આપે અને ઓછી મહેનત અને કુશળતા માંગી લે તેવી જાત વાવે છે.)

તિરુ  તેમના હળદરના પાઉડરનો ભાવ વ્યુહાત્મક રીતે નક્કી કરે છે. તેમને એક કિલો હળદરનો પાઉડર બનાવવામાં ૪૦ રૂપિયા ખર્ચ થાય છે અને પેકિંગ કરવામાં અને કુરિયર ખર્ચ ઉમેરતા બીજા ૪૦ રૂપિયા ખર્ચ થાય છે.

જે દુકાનો હળદરની જથ્થાબંધ ખરીદી કરે, એટલે કે ૨૦ કિલો, તો તેમને ૩૦૦ રૂપિયામાં વેચવામાં આવે છે. ખેતરના ઝાંપે તેઓ ૪૦૦ રૂપિયે કિલો વેચે છે. અને જ્યારે તેઓ ભારતમાં કોઈ અન્ય જગ્યાએ મોકલે, તો તેને ૫૦૦ રૂપિયામાં વેચે છે. અન્ય બ્રાન્ડ્સ તેમની ઓર્ગેનિક મંજલની કિંમત ૩૭૫ રૂપિયાથી પણ વધારે રાખે છે, અને અમૂક તો ૧,૦૦૦ રૂપિયે કિલો પણ રાખે છે. ઇરોડની મંડીમાં વેપારીઓ એક કિલો સૂકી હળદરને ૭૦ રૂપિયામાં ખરીદે છે, જેનો પાઉડર કરવામાં આવે ત્યારે તે ૯૫૦ ગ્રામ થઇ જાય છે. અને તેને વેચીને તેનાથી ત્રણ ઘણી કિંમત મેળવે છે.

*****

“દાતરડાં, બંદુક, કે દંડાનો ઉપયોગ કર્યા વગર કોર્પોરેટ્સ ખેડૂતોને માર મારી રહ્યા છે.”
ભારતીય હળદર ખેડૂત એસોસિએશનના અધ્યક્ષ પી.કે. દેવસીગમણી (ટીએફએઆઈ)

ટીએફએઆઈના અધ્યક્ષ દેવસીગમણી કહે છે, “મેં કોશિશ કરી હતી, પણ હું હળદર માટે એક કિંમત નિર્ધારિત કરી શક્યો નહીં.” ઓક્ટોબર મહિનાની એક વરસાદી સાંજે પારી એ તેમની સાથે ઇરોડ નજીક આવેલા તેમના ઘરમાં મુલાકાત કરી હતી. તેઓ કહે છે, “સરકારો કોર્પોરેટ્સ ભણી દોડી રહી છે, અને કોર્પોરેટ્સ જ સરકાર બનાવી રહ્યા છે. જ્યાં સુધી આ બદલાશે નહીં, ત્યાં સુધી કોઈ ખેડૂતોની હાલત સુધારશે નહીં. આ કંઈ ફક્ત નાના, હળદરના ખેડૂતોની જ વાત નથી, બધા ખેડૂતોની વાત છે. અમેરિકામાં પણ આવું જ છે, ખેતી નફાકારક નથી. ત્યાં તેઓ તમને અંગ્રેજીમાં કહેશે, અહીંયાં અમે તમને તમિલમાં કહીએ છીએ.”

Inside the storage yard of the Perundurai regulated market.
PHOTO • M. Palani Kumar
Buyers at the auction inspect the turmeric lots
PHOTO • M. Palani Kumar

ડાબે: પેરુન્દુરાઈમાં નિયંત્રિત બજારના સ્ટોરેજ યાર્ડની અંદરનું દ્રશ્ય. જમણે: હરાજીમાં આવેલા ખરીદદારો હળદરની તપાસ કરી રહ્યા છે

કોર્પોરેટ્સે સામંતવાદ પ્રણાલીની જગ્યા લઇ લીધી છે અને હવે મોટા જમીનદારો બની ગયા છે. તેમની પાસે રહેલા મોટા ફલક અને કદના જોર પર, તેઓ સેંકડો ટન ઉપજ પર આગળની પ્રક્રિયા કરી શકે છે. તેમની સામે ફક્ત થોડાક ટન ધરાવતો નાનો ખેડૂત ભાવમાં કઈ રીતે સ્પર્ધા કરે?”

ઇરોડ નજીકના પેરુન્દુરાઈમાં નિયંત્રિત બજારના કોમ્પલેક્ષમાં, દરરોજ થતી હરાજીમાં હળદરના ખેડૂતોનું ભાવિ નક્કી થાય છે. ત્યાં ફક્ત હળદર માટેના પણ ઘણા સ્ટોકિંગ યાર્ડ્સ છે - જેમાં હજારો બોરીઓનો સંગ્રહ કરી શકાય છે - અને એક હરાજી માટેનો શેડ પણ છે. પારીએ ૧૧ ઓક્ટોબરના રોજ જ્યારે હરાજીની મુલાકાત લીધી ત્યારે ક્વિન્ટલ દીઠ હળદરની ગોળાકાર જાતિનો મહત્તમ ભાવ ૬,૬૬૯ રૂપિયા અને આંગળી આકારની જાતિનો મહત્તમ ભાવ ૭,૪૪૯ રૂપિયા હતો. વેપારીઓ દરેક બોલીના અંતે ‘૯’ નો આંકડો આવે એનું ખાસ ધ્યાન રાખતા હતા. આવું કરવા પાછળનું કારણ જણાવતા માર્કેટ સુપરવાઈઝર અરવિંદ પલાનીસામી કહે છે આવું કરવાનું કારણ અંકશાસ્ત્રમાં તેમની માન્યતાને છે.

પ્લાસ્ટીકની ટ્રેમાં હળદરના ૫૦ લોટના નમૂનાઓ પ્રદર્શનમાં મુકેલા છે. વેપારીઓ હળદર તપાસવા માટે દરેક ટ્રેમાંથી હળદર ઉઠાવે છે, તેને તોડી જુએ છે, તેને સુંઘે છે, અને અમૂકવાર તો જમીન પર તેને પછાડે પણ છે! તેઓ તેનો વજન કરે છે અને તેમની આંગળીઓ વચ્ચે પડવા દે છે. તેઓ નોંધ બનાવે છે અને પછી બોલી બોલે છે. એક મોટી મસાલા કંપનીના ખરીદી વિભાગમાં કામ કરતા સી. આનંદકુમારે સમજાવ્યું કે તેઓ માત્ર “સૌથી સારી ગુણવત્તા” વાળી હળદર જ ખરીદે છે. આજે, તેમણે નમૂનાઓ રજૂ કરતી ૪૫૯ થેલીઓમાંથી ૨૩ થેલીઓ ખરીદી છે.

અરવિંદ મને મંડીની બાજુમાં આવેલા તેમના કાર્યાલયમાં કહે છે કે, બજારનું વાર્ષિક ટર્નઓવર ૪૦ કરોડ રૂપિયા છે. કોડુમુડીના એલ. રસીના શેડમાં જવા માટે બનાવેલી સિમેન્ટની સીડી પર બેઠેલા હતા. તેમના ૩૦ ક્વિન્ટલ હળદર માટે તેમને ક્વિન્ટલ દીઠ ફક્ત ૫,૪૮૯ રૂપિયાની જ બોલી મળી છે.

પોતાની પાસે સંગ્રહની કોઈ સુવિધા ન હોવાને કારણે, તેઓ તેમની ઉપજને હંમેશા સરકારી ગોડાઉનમાં લાવે છે જ્યાં તેમણે સંગ્રહ માટે દરરોજ ક્વિન્ટલ લેખે ૨૦ પૈસા ચુકવવા પડે છે. કેટલાક ખેડૂતો યોગ્ય ભાવ માટે ચાર વર્ષ સુધી રાહ જુએ છે. સાત મહિના પહેલા તેમણે આની શરૂઆત કરી હતી અને પાંચ વખત ધક્કા ખાધા પછી રસિનાએ નક્કી કર્યું કે તેમને નુકસાન થાય તો પણ હવે તેઓ તેમની ઉપજ વેચી દેશે.

જેમાં ઈરોડ, કોઈમ્બતુર અને સાલેમ જિલ્લાઓનો સમાવેશ થાય છે એવા કોંગુ પટ્ટાના ઘણા ખેડૂતો ખેતીને વધારાના વ્યવસાય તરીકે માને છે, દેવસીગમાની કહે છે. “જો તેઓ ફક્ત તેના પર જ આધાર રાખતા હોત, તો તેઓ સંઘર્ષ કરત.”

P.K. Deivasigamani, president of the turmeric farmers' association.
PHOTO • M. Palani Kumar
Labels on the samples exhibited at the turmeric auction
PHOTO • M. Palani Kumar
Labels on the samples exhibited at the turmeric auction
PHOTO • M. Palani Kumar

ડાબે: ભારતીય હળદર ખેડૂત એસોસિએશનના અધ્યક્ષ પીકે દેવસીગમણી . વચ્ચે અને જમણે: હળદરની હરાજીમાં પ્રદર્શિત નમૂનાઓ પરના લેબલ્સ

તેમનો અંદાજ છે કે તમિળનાડુમાં ૨૫,૦૦૦ થી ૫૦,૦૦૦ ખેડૂતો એવા છે જેઓ ભાવ જોઇને હળદરનું વાવેતર કરે છે. તેઓ હસીને કહે છે, “જો એક ક્વિન્ટલ ૧૭,૦૦૦ રૂપિયામાં વેચાય (જેવું કે તે પહેલા વેચાતું હતું) તો ૫ કરોડ લોકો હળદરની ખેતી કરતા થઇ જશે. અને જ્યારે તેનો ભાવ ઘટીને એક ક્વિન્ટલ દીઠ ૫,૦૦૦ રૂપિયા થઇ જાય, તો માંડ ૧૦,૦૦૦ ખેડૂતો જ એની ખેતી કરશે.”

દેવસીગમણી પાસે એક સૂચન છે: ખેતીમાં વિવિધતા લાવો. “આટલી મોટી માત્રામાં હળદર ઉગાડવાનું બંધ કરો. જો ઉત્પાદન ઘટશે, તો આપણને સારી કિંમત મળી શકશે.”

*****

“હાઇબ્રીડ કે જે સારી ઉપજ આપે એવી જાતિઓના બદલે ત્યાંની મૂળ જાતિઓને વાવો.”
ઇરોડમાં હળદરના ખેડૂત તિરુ  મૂર્તિ

ગયા વર્ષે માર્ચ મહિનામાં, તેમણે તેમના બે ટન પાકની કાપણી કરી હતી – એક કથ્થાઈ ટેકરી જે હળદરના પાંદડાઓથી ઢંકાયેલી છે, તે તેને ઉકાળીને સુકવનારી ટીમની રાહ જોઈ રહી છે. તિરુ  આધુનિકતાના વિરોધી નથી: તેઓ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે અને તેનો પ્રચાર કરે છે. તેઓ મૂળ જાતિઓમાં વિશ્વાસ રાખે છે અને હળદરની ‘ ઇરોડ લોકલ ’ જાતિને ભૌગોલિક સંકેત આપવામાં આવતા તેઓ ખુશ થયા છે.

તેઓ એવી સંશોધન સંસ્થાઓની ટીકા કરે છે જે માત્ર ઉપજની ચિંતા કરે છે. ફક્ત ઉપજ વધારવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાથી માત્ર રાસાયણિક ખાતરો પર થતો ખર્ચ વધે છે. “સરકાર અમારી ઉપજને વાજબી કિંમતે વેચવામાં મદદ કેમ કરી શકતી નથી?” તેઓ દલીલ કરે છે કે નીતિ ઘડનારાઓને જમીન પર શું થાય છે એની સમજ હોવી જરૂરી છે. તેમના પત્ની અને વ્યવસાયમાં તેમના સહાયક ગોમથી આ વાતથી સહમત થાય છે. તેઓ બંને સૂચવે છે કે, “કૃષિ વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓને અમારા ખેતરોમાં આવીને કામ કરવા દો. જો તેઓ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને નહીં સમજે, તો તેઓ ફક્ત હાઇબ્રીડ જાતિઓની જ શોધ કરશે.” તેમની વ્યથા સમજી શકાય તેવી છે. મોટા, ચમકદાર હાઇબ્રીડનો ક્વિન્ટલ દીઠ ૨૦૦ રૂપિયા વધારે ભાવ મળે છે, પરંતુ તેમને ઉગાડવામાં રાસાયણિક સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે તેમણે ખેતી કરવાનું શરૂ કર્યું, ત્યારે આવક મળવી મુશ્કેલ હતી. હળદર જેવા વાર્ષિક પાક પરનું વળતર બીજા વર્ષે મળે છે. તિરુ  હવે બેંક લોન માટે પાત્ર નથી; કેમ કે તેમના સ્વર્ગસ્થ પિતાએ તેમના પુત્રને જામીન તરીકે રાખીને એક મોટી લોન લીધી હતી. અને તેઓ ૧૪ લાખ રૂપિયાની તે લોન હજુ પણ ચૂકવી રહ્યા છે. આ  માટે તેમણે એક અનૌપચારિક સ્ત્રોત પાસેથી “રેન્ડ રુપ્પા વટ્ટી” (દર મહિને સો રૂપિયા પર બે રૂપિયાનું વ્યાજ) ઉધાર લીધું છે. એટલે કે વાર્ષિક ૨૪ ટકા વ્યાજ.

The harvested turmeric is covered with dried leaves, waiting to be boiled, dried and polished.
PHOTO • Aparna Karthikeyan
Thiru uses solar power and champions it
PHOTO • M. Palani Kumar

ડાબે: કાપેલી હળદર સૂકા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે , અને પછી તેને ઉકાળવા માં આવે છે , સૂકવવામાં આવે છે , અને પોલીશ કરવામાં આવે છે. જમણે: તિરુ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે અને તેનો પ્રચાર પણ કરે છે

“કેટલાક ફેસબુક મિત્રોએ પણ મને છ મહિના માટે વ્યાજ વગર ઉછીના પૈસા આપ્યા હતા. નસીબ જોગે, મારે હવે ઉધાર લેવાની જરૂર નથી પડતી. મેં મારા મિત્રોને પૈસા પાછા આપી દીધા હતા. પરંતુ હજુ પણ હું મારા પિતાએ લીધેલી બેંકની લોન ચૂકવી રહ્યો છું.” તેઓ હવે દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા કમાય છે, જેના માટે ત્રણ લોકો (તિરુ , તેની માતા અને ગોમથી) દિવસમાં ૧૨ કલાક સુધી કામ કરે છે - પરંતુ તેઓ કૌટુંબિક મજૂરીના ખર્ચની ગણતરી નથી કરતા.

જે ઓરડામાં તેઓ મંજલનો પાઉડર બનાવે છે ત્યાં તિરુ  મુઠ્ઠીભર ગોળાકાર હળદર કાઢીને તેને પકડી રાખે છે. તેઓ ચળકતા નારંગી-પીળા રંગના હોય છે અને પથ્થર જેવા સખત હોય છે. એટલાં સખત કે તેને ગ્રાઇન્ડીંગ મશીનમાં નાખતા પહેલા તેને ગ્રેનાઈટ પેસ્ટલમાં હાથથી કુટવામાં આવે છે. નહીંતર, તે ગ્રાઇન્ડરની મેટલ બ્લેડ તોડી નાખે.

ઓરડામાં ઉમંગભરી સુગંધ છે, તાજી પીસેલી હળદરની સુગંધ એક જ સમયે માથું દુખાડે તેવી અને આરામ આપે તેવી હોય છે. સોનેરી ધૂળ દરેક વસ્તુ પર ફેલાઈ જાય છે: ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડીંગ મિલ પર, સ્વીચ બોર્ડ પર, અને કરોળિયાની જાળી પર પણ હળદરની ધૂળ ઊડીને પહોંચી જાય છે.

મરુધાની (હેના)નું એક મોટું વર્તુળ અને તેની આસપાસના નાના ટપકાં, તિરુ ની હથેળીને નારંગી બનાવે છે. તેના કઠોર હાથો બાકીની કથા કહે છે, એક સખત, શારીરિક શ્રમની કથા. પણ જે અદ્રશ્ય છે તે તેની ઉપજમાં મૂલ્ય ઉમેરવાના તેના અસાધારણ પ્રયત્નો અને કેટલાક નિષ્ફળ ગયેલા ખર્ચાળ પ્રયોગો છે. જેમ કે આ વર્ષે આદુનો પાક જાણે કે આફત હતો. પરંતુ તેમણે આમાં જે ૪૦,૦૦૦ રૂપિયા ગુમાવ્યા તેને તેઓ એક “શિક્ષણ” તરીકે જુએ છે. તેઓ મને આ બધી વાતો કરે છે ત્યારે ગોમથી અમારા માટે ગરમા-ગરમ ભજીયાં અને ચા બનાવે છે.

*****

“હળદરનું મહત્વ જોતા ઇરોડ જિલ્લાના ભવાનીસાગરમાં ૧૦૦ એકર વિસ્તારમાં એક નવું સંશોધન કેન્દ્ર બનાવવાની યોજના ઘડાઈ રહી છે.”
તમિળનાડુના કૃષિ મંત્રી એમ.આર.કે. પનીરસેલ્વમ

જ્યારે સરકાર સૌથી સારી ગુણવત્તાના હળદરની ૯૩.૫ રૂપિયા પ્રતિ કિલો નિકાસ કરે અને ૮૬ રૂપિયા પ્રતિ કિલો તેની આયાત કરે તો ખેડૂતો કઈ રીતે સફળ થશે? આ ૭ રૂપિયાનો તફાવત ફક્ત ખેડૂતો પર દબાણ નથી વધારતો, પણ તેનાથી આયાતમાં નોંધપાત્ર વધારો થાય છે – ચાર વર્ષ પહેલા જેટલી હતી એના કરતા અત્યારે બમણી છે – અને ભવિષ્યમાં વાજબી કિંમતની કોઈપણ ગેરંટીને દૂર કરે છે.

A small batch of turmeric waiting to be cleaned
PHOTO • M. Palani Kumar
Thiru Murthy and T. Gomathy with their electric grinding mill
PHOTO • M. Palani Kumar

ડાબે: હળદર ની એક નાની બેચ સાફ થવાની બાકી છે. જમણે: તિરુ મૂર્તિ અને ટી. ગોમથી તેમની ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડિંગ મિલ સાથે

તમિળનાડુ સરકાર સત્તાવાર પરિપત્રમાં આનો સ્વીકાર કરે છે: કૃષિ મંત્રી પનીરસેલ્વમ કહે છે, “જ્યારે કે ભારત હળદરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, તેમ છતાં તે ‘ઉચ્ચ કર્ક્યુમિન સામગ્રી ધરાવતી જાતો મેળવવા માટે’ અન્ય દેશોમાંથી આયાત કરે છે.”

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કૃષિ બજેટ રજૂ કરતી વખતે, પનીરસેલ્વમે હળદર માટે નવું સંશોધન કેન્દ્ર બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જેના માટે રાજ્ય સરકારે ૨ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. રાજ્ય સરકાર અસરકારક રીતે સુધારેલ જાતો, મૂલ્યવર્ધન અને તાલીમ આપવાનું વચન આપે છે, જેથી ખેડૂતો બીજા પાકની ખેતી કરવા તરફ ન વળી જાય.”

તિરુ  મૂર્તિની પોતાની ફિલસૂફી સરળ છે: ગ્રાહકને ઉત્તમ ઉત્પાદન આપો. “જો મારી પ્રોડક્ટ સારી હશે, તો ૩૦૦ લોકો તેને ખરીદશે અને અન્ય ૩,૦૦૦ લોકોને કહેશે. પરંતુ જો તેની ગુણવત્તા સારી નહીં હોય, તો તે જ ૩૦૦ લોકો અન્ય ૩૦,૦૦૦ લોકોને કહેશે કે તે ખરાબ છે.” સોશિયલ મીડિયાનો અને લોકોના મુખે થતા પ્રચારનો ઉપયોગ કરીને તેમણે ૧૦ મહિનામાં તેમની ૩ ટન મંજલની ઉપજ વેચી છે, જે દર મહિને આશરે ૩૦૦ કિલો છે. અને તેમણે આ દરમિયાન કેટલાક મહત્વના પાઠ શીખ્યા છે. હોલસેલ બજારમાં ઓર્ગેનિક ઉત્પાદન માટે કોઈ વિશેષાધિકૃત કિંમત નથી મળતી. અને બે, જ્યાં સુધી ખેડૂત સીધું વેચાણ ન કરે ત્યાં સુધી તેને સારી કિંમત મળતી નથી.

તિરુ  હળદરને બે રીતે પ્રોસેસ કરે છે. એક રાઇઝોમને ઉકાળી, સુકવીને પાઉડર કરવાની પરંપરાગત રીત છે. તેઓ મને આ માટેના લેબના પરિણામો બતાવે છે - આ પદ્ધતિમાં કર્ક્યુમિનનું પ્રમાણ ૩.૬ ટકા હોય છે. જ્યારે બીજી પદ્ધતિ બિનપરંપરાગત છે, જેમાં રાઇઝોમને કાપીને, તડકામાં સૂકવીને પાઉડર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં કર્ક્યુમિન ૮.૬ ટકા હોય છે. જોકે લોકો શા માટે કર્ક્યુમિનની વધુ માત્રા માટે પડાપડી કરે છે તે એમને સમજાતું નથી. તેઓ કહે છે, “જો તે ફાર્મા ઉદ્યોગમાં નિષ્કર્ષણ માટે હોય, તો વાત બરાબર છે. પણ તમારે ખાવાના ઉપયોગ માટે વધારે ટકાવારીની શી જરૂર છે?”

તેઓ લણણી પછી તરત જ તાજી હળદરનું વેચાણ પણ કરે છે. તેનો ભાવ ૪૦ રૂપિયા પ્રતિ કિલો (પેકેજિંગ અને ટપાલ સાથે ૭૦ રૂપિયા પ્રતિ કિલો) હોય છે. આ ઉપરાંત, તેઓ અને ગોમથી દર મહિને સાબુની ૩,૦૦૦ ટીકડીઓ હાથથી બનાવે છે. તેઓ ઘણી જડીબુટ્ટીઓ લાવીને તેનું વર્ગીકરણ કરે છે અને ચાળીને તેમાંથી સાબુની નવ વેરાયટી બનાવે છે. તેમાં બે પ્રકારની હળદર, કુંવારપાઠું, વેટીવર, કુપ્પમેની, આરાપ્પ, શિકાકાઈ અને લીમડાનો સમાવેશ થાય છે.

તેમના પત્ની તેમને ચીડવે છે: “લોકો કહે છે કે ઘટકોની સૂચિ ન આપો, પરંતુ તેઓ પદ્ધતિ સમેત બધું જ જાહેર કરી દે છે.” તિરુ એ તો હળદરથી હેર ડાઈ બનાવવાની રીત ફેસબુક પર પણ પોસ્ટ કરી છે. તેઓ તેમની પ્રક્રિયાને જાહેર કરવા વિષે બેફિકર છે. તેઓ કહે છે, “બીજા લોકોને પ્રયાસ કરવા દો, શરૂઆતના ઉત્સાહને લાંબા સમય સુધી ટકાવી રાખવો મુશ્કેલ છે!”

*****

“ખેડૂત ક્યારેય શ્રેષ્ઠ ઉત્પાદન ખાતો નથી. તે હંમેશા તે જ ખાય છે જે વેચી શકાતું નથી. અમે પણ અમારા બધા ઉત્પાદનોમાં આવું જ કરીએ છીએ. અમે આકાર વગરના કેળા ખાઈએ છીએ; અને તૂટેલા સાબુ વાપરીએ છીએ...”
ઇરોડના હળદરના ખેડૂત ટી. ગોમથી

Thiru and Gomathy with their children in the workshop, behind their living room.
PHOTO • M. Palani Kumar
Gomathy and her daughter shelving soaps in the workshop
PHOTO • M. Palani Kumar

ડાબે: તિરુ અને ગોમથી તેમના બાળકો સાથે તેમના લિવિંગ રૂમની પાછળ ના વર્કશોપમાં . જમણે: ગોમથી અને તેમની દીકરી વર્કશોપમાં સાબુને ગોઠવતી વેળાએ

તિરુ  મૂર્તિ અને ગોમથીએ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. તેઓ પહેલેથી જ એક ઓર્ગેનિક ખેડૂત હતા - પરંતુ મૂલ્યવર્ધન વિષે વધુ જાણતા નહોતા. ૨૦૧૩માં, તેઓ ફેસબુક પર આવ્યાં. તેમણે ત્યાં શેર કરેલી એક પોસ્ટના લીધે તેઓ સોશિયલ મીડિયાની શક્તિ, ગામ-શહેરનું ડિસ્કનેક્ટ અને અન્ય વિષયો વિષે વિચારવા મજબૂર થયા.

તેમના નાસ્તાના એક ફોટાને લીધે આ બધું શરૂ થયું. તેમને જે સાદો ખોરાક લાગતો હતો - રગી કાડી (ફિંગર-બાજરીનો બોલ) તેની લોકોએ પ્રશંસા કરી અને તેઓ લોકોની લાઈક્સ અને કમેન્ટ્સ જોઇને ઉત્સાહિત થઇ ગયા. ઉત્સાહિત થઈને, તેમણે ખેતર જીવન સાથે જોડાયેલી વિગતો વિષે નિયમિતપણે પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તેઓ દરેક વસ્તુ ઓનલાઈન મૂકવા લાગ્યા: નીંદણ દૂર કરતી વખતે, કાર્બનિક ખાતરો નાખતી વખતે, વગેરે.

જ્યારે તેમણે તેમનો હળદરનો પહેલો પાક લીધો ત્યારે તેમણે તેનું ઓનલાઈન વેચાણ કર્યું. પછી ગોમથી પણ આમાં જોડાયા. “મારા ફોન પર વોટ્સએપ પર સાબુ, તેલ અને પાઉડરનો ઓર્ડર આવે એ હું તેને મોકલી દઉં છું.” ગોમથી ઘરેલું કામ અને તેમના ૧૦ વર્ષના દીકરા નિથુલન, અને ૪ વર્ષની દીકરી નિગાઝીનીનું ધ્યાન રાખવા ઉપરાંત દરેક ઉત્પાદનના પેકિંગ અને શિપિંગનું સંચાલન કરે છે.

કોવિડ લોકડાઉન અને તેમના દીકરા માટેના ઓનલાઈન વર્ગોએ તેમનું જીવન મુશ્કેલ બનાવ્યું છે. અમારી એક મુલાકાત દરમિયાન તેમના બાળકો દેડકાના નાના બચ્ચાને કાચની બોટલોમાં ભરીને તેની સાથે રમતા હતા અને તેમનું કુતરું પણ તેની અંદર ડોકિયું કરી રહ્યું હતું. બીજી વખત, તેઓ સ્ટીલની પાઈપ ઉપર નીચે લસરી રહ્યા હતાં. તેણીએ નિસાસો નાખીને કહ્યું, “તેઓ આવું જ શીખ્યા છે, થાંભલા પર ચડવાનું.”

તેણી પાસે એક ઘરેલું મદદ પણ છે, જે ગામમાં જ રહે છે. ગોમથી કહે છે, “અમારા કેટલોગ માંથી અમૂકવાર ગ્રાહકો અમે ૨૨ વસ્તુઓ બનાવીએ છીએ એ બધી એક-એક વસ્તુ પણ માગે છે. તે એટલું સરળ નથી.” તેઓ ઘર ચલાવે છે; તેઓ જ આ શો ચલાવે છે. અને તેઓ બોલે છે તેના કરતાં વધુ સ્મિત કરે છે.

તિરુ નો દિવસ ઓછામાં ઓછા ૧૦ ગ્રાહકોને એ સમજાવવામાં પસાર થાય છે કે શા માટે તેમનો હળદર પાઉડર સ્થાનિક બજારમાં સામાન્ય રીતે ઉપલબ્ધ હળદર કરતા બમણા ભાવે વેચાય છે. “દિવસના ઓછામાં ઓછા બે કલાક હું લોકોને ઓર્ગેનિક ખેતી, ભેળસેળ અને જંતુનાશકોના જોખમો વિષે જાગૃત કરવામાં પસાર કરું છું.” જ્યારે તેઓ ફેસબુક પર કંઈ પોસ્ટ કરે છે - જ્યાં તેમના લગભગ ૩૦,૦૦૦ ફોલોવર્સ છે – ત્યાં ૧,૦૦૦ જેટલાં લોકો તેને ‘લાઇક’ કરે છે, અને ૨૦૦ જેટલાં લોકો કમેન્ટ કરે છે. તેઓ પ્રશ્નો પૂછે છે. “જો હું તેમને જવાબ નહીં આપું, તો હું તેમની નજરમાં ‘નકલી’ બની જઈશ.”

Weighed and packed turmeric powder, which Thiru sells directly through social media.
PHOTO • M. Palani Kumar
Soaps and bottles of hair oil, ready to be sold
PHOTO • M. Palani Kumar
Soaps and bottles of hair oil, ready to be sold
PHOTO • M. Palani Kumar

ડાબે: વજન કરીને પેક કરેલા હળદર પાઉડર, જેનું તિરુ સોશિયલ મીડિયા દ્વારા સીધું જ વેચાણ કરે છે. વચ્ચે અને જમણે: વાળમાં નાખવાનું તેલ અને સાબુ , વેચાણ માટે તૈયાર

ખેતરમાં તેમનું કામ અને તેમનો ઈ-બિઝનેસ (“મને ગયા મહિના સુધી ખબર નહોતી કે તેને ઈ-બિઝનેસ કહે છે”) ચલાવવામાં તેઓ એટલા વ્યસ્ત છે કે તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ દિવસ રજા નથી પાડી. ગોમથી હસીને કહે છે, “કદાચ વધારે વર્ષ થયા હશે. તેઓ વધુમાં વધુ ૬ કલાકનો વિરામ લઇ શકે છે. પછી તેમણે ઘેર ગાયો, ખેતી, અને લાકડાના ચેક્ક [તેલ કાઢવાનું મશીન] પાસે આવવું જ પડે છે.”

જ્યારે કોઈના ત્યાં લગ્નપ્રસંગ હોય ત્યારે તેમના માતા તેમાં હાજરી આપે છે, અને તેમના મોટા ભાઈ તેમને ગાડીમાં લઇ જાય છે. તિરુ  લગ્નપ્રસંગે હાજરી આપવા માટે સમય કાઢી શકતા નથી. તેઓ મજાકમાં કહે છે, “કોવિડ-૧૯ ના લીધે અમારા પૈસા બચે છે. કારણ કે સામાન્ય રીતે, અમારે કોઈ પ્રસંગ માટે કોઈમ્બતુર સુધી ગાડી લઈને જવું પડતું હતું. પણ હવે પ્રસંગો બંધ હોવાને લીધે અમારે પેટ્રોલના ૧,૦૦૦ રૂપિયા બચે છે.”

જ્યારે મજૂરો ખેતરમાં આવે છે, ત્યારે “અમ્મા તેમની દેખરેખ રાખે છે. મારો સમય ઉપરના બધા કામમાં જ પસાર થઇ જાય છે.” મારી બંને મુલાકાતો દરમિયાન, ગોમથી કાં તો રસોડામાં વ્યસ્ત હતા કાં તો તેમના વર્કશોપમાં. એ વર્કશોપ લિવિંગ રૂમની પાછળની ઊંચી છતવાળી જગ્યામાં આવેલો છે, જેની છાજલીઓ પર ઘણા પ્રકારના સાબુ ગોઠવેલા છે. તેમના પર તેનો પ્રકાર અને તારીખ દર્શાવતા લેબલ ચિવટથી લગાવેલા છે. તિરુ  અને ગોમથી દરરોજ સવારે ૫:૩૦ વાગ્યાથી શરૂ કરીને ઓછામાં ઓછા ૧૨ કલાક કામ કરે છે.

તેઓ જડીબુટ્ટીઓ અને તેમના ગુણધર્મો વિષે ઊંડું જ્ઞાન ધરાવે છે, અને તમિલમાં તેમના નામ કડકડાટ બોલી કાઢે છે. ગોમથી વાળમાં નાખવાનું સુગંધિત તેલ પણ બનાવે છે. આ માટે તેઓ નાળિયેરને કોલ્ડ-પ્રેસ કરીને તેનું તેલ કાઢીને ફૂલો અને જડીબુટ્ટીઓ નાખીને તેને તડકામાં ગરમ કરે છે. તેઓ મને કહે છે, “અમે દરેક પ્રોડક્ટને ગ્રાહકોને મોકલતા પહેલા તેનું પરીક્ષણ કરીએ છીએ.”

તિરુ  કહે છે કે તેમનો આખો પરિવાર હવે આ વ્યવસાય સાથે સંકળાઈ ગયો છે. ઉત્પાદનોની કિંમત ઓછી હોવાનું કારણ તેમની અવેતન મજૂરી છે.

*****

“અમૂક દૂધ ઉત્પાદકોને ગ્રાહક ખરીદ કિંમતના કૂલ ૮૦ ટકા જેટલી કિંમત મળે છે. આખી દુનિયામાં આ મોડલની સમકક્ષ અન્ય કોઈ મોડલ નથી.”
કટારલેખક બાલાસુબ્રમણ્યમ મુથુસામી

Thiru spends at least two hours a day educating others about organic farming.
PHOTO • Aparna Karthikeyan
Gomathy and Thiru with an award they received for organic farming
PHOTO • Aparna Karthikeyan

ડાબે: તિરુ રોજના ઓછામાં ઓછા બે કલાક અન્ય લોકોને ઓર્ગેનિક ખેતી વિષે જાગૃત કરવામાં વિતાવે છે. જમણે: ગોમથી અને તિરુ ને ઓર્ગેનિક ખેતી માટે મળેલા પુરસ્કાર સાથે

સામાન્ય નાના ખેડૂતો કે જેઓ જમીન ભાડે લે છે અથવા નાના પાર્સલ (સામાન્ય રીતે બે એકરથી ઓછી) ધરાવે છે તેમના માટે તિરુ નું મોડલ અનુસરવું મુશ્કેલ હોઈ શકે છે. તિરુ ને જે સફળતા મળી છે તેવી તેમને મળવાની શક્યતાઓ ઓછી છે. ઓનલાઈન તમિલ સમાચાર પ્લેટફોર્મ અરુંચોલના કટારલેખક અને ઈરોડ જિલ્લાના એક ખેડૂત પરિવારમાંથી આવતા બાલાસુબ્રમણ્યમ મુથુસામી, માને છે કે સહકારી મોડલ જ એકમાત્ર વ્યવહારુ ઉકેલ છે.

તેઓ અંતિમ ઉપભોક્તા દ્વારા ચૂકવવામાં આવતી કિંમત અને ખેડૂતને મળતી કિંમત વચ્ચેનો ફરક ટકાવારી તરીકે બતાવે છે. ચોક્કસપણે દૂધમાં નફો છે. તેઓ અમુલનું ઉદાહરણ ટાંકીને કહે છે, અને સહકારી મોડલમાં પણ (નફો છે). એક કિલો હળદર માટે ઉપભોક્તાએ ૨૪૦ રૂપિયા ખર્ચવા પડે છે એના ૨૯% જ ખેડૂતોને મળે છે. તેઓ કહે છે કે અમુલ દુધમાં ખેડૂતને ૮૦% સુધીનો નફો મળે છે.

બાલાસુબ્રમણ્યમ કહે છે કે ખેડૂતોને એક મોટા પાયા પર સંગઠિત કરવાથી જ સફળતા મળશે. “વ્યાપારની સપ્લાય ચેઇનમાં આવતી બધી વસ્તુઓ જાતે જ કરીને વચેટિયાઓને કાપી નાખવા.” તેઓ સ્વીકારે છે કે સહકારી મોડલમાં અને ખેડૂત સંગઠનોમાં પણ સમસ્યાઓ છે. “તેમને વધુ સારી રીતે સંચાલિત કરવાની જરૂર છે અને તે જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.”

તિરુ  ભારપૂર્વક જણાવે છે કે હળદર ઉગાડીને પણ સારો નફો મેળવવો શક્ય છે - પણ જો તમે તેમાં મૂલ્ય ઉમેરશો તો જ. છેલ્લા સાત વર્ષમાં, તેમણે ૪,૩૦૦ કિલો હળદર પાઉડર ઉપરાંત નાળિયેર તેલ, કેળાનો પાવડર, કુમકુમ (હળદરમાંથી) અને સાબુનું વેચાણ કર્યું છે. તેઓ સ્વીકારે છે કે તેમની પાસે જમીન ન હોત તો આ બધું કરવું શક્ય ન હોત. (જે તેમનું મોડલ નાના ખેડૂતો માટે અમલમાં મૂકવું કેમ વ્યવહારુ નથી એની દલીલ આપે છે.) “દસ એકર જમીન ખરીદવા માટે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય! એટલા પૈસા કોણ આપે?” તેમનો બધો વ્યાપાર ઓનલાઈન છે. તેમની પાસે જીએસટી નંબર છે, અને તેઓ ગુગલ પે, ફોન પે, પેટીએમ, ભીમ (BHIM) અને તેમના બેંક અકાઉન્ટમાં ઓનલાઈન નાણા સ્વીકારે છે.

૨૦૨૦માં અભિનેતા કાર્તિક શિવકુમારના ઉઝવાન ફાઉન્ડેશને ઓર્ગેનિક ખેતી કરવા બદલ, તેમાં મૂલ્ય વર્ધન કરવા બદલ અને ગ્રાહકને સીધું વેચાણ કરવા બદલ તિરુ ને એક પુરસ્કાર અને ૧ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કર્યો. તમિલ અભિનેતા સત્યરાજ, જેઓ પણ કોંગુ પ્રદેશના છે, તેમણે ઇનામ આપ્યું.

દર વર્ષે, દરેક નાની સફળતા મળવાથી તિરુ ને વધુને વધુ અડગ બન્યા છે. તેઓ હારી શકતા નથી. તિરુ  કહે છે, “હું ખેડૂત પાસેથી ‘નુકસાન’ શબ્દ સાંભળવા માંગતો નથી. મારે તે સફળ થાય એ નિર્ધારિત કરવું પડશે.”

લેખક કૃષિ જનનીના સ્થાપક અને સીઈઓ ઉષા દેવી વેન્કટચલમનો આ કથાના અહેવાલ લેખન દરમિયાન મળેલી મદદ અને તેમની મહેમાનગતી માટે આભાર માને છે.

આ સંશોધન અભ્યાસ માટે અઝીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય દ્વારા તેમના સંશોધન અનુદાન પ્રોગ્રામ ૨૦૨૦ અંતર્ગત ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

કવર ફોટો: એમ. પલાની કુમાર

અનુવાદક: ફૈઝ મોહંમદ

Aparna Karthikeyan

ଅପର୍ଣ୍ଣା କାର୍ତ୍ତିକେୟନ ହେଉଛନ୍ତି ଜଣେ ସ୍ୱାଧୀନ ସାମ୍ବାଦିକା, ଲେଖିକା ଓ ପରୀର ବରିଷ୍ଠ ଫେଲୋ । ତାଙ୍କର ତଥ୍ୟ ଭିତ୍ତିକ ପୁସ୍ତକ ‘ନାଇନ୍‌ ରୁପିଜ୍‌ ଏ ଆୱାର୍‌’ରେ ସେ କ୍ରମଶଃ ଲୋପ ପାଇଯାଉଥିବା ଜୀବିକା ବିଷୟରେ ବର୍ଣ୍ଣନା କରିଛନ୍ତି । ସେ ପିଲାମାନଙ୍କ ପାଇଁ ପାଞ୍ଚଟି ପୁସ୍ତକ ରଚନା କରିଛନ୍ତି । ଅପର୍ଣ୍ଣା ତାଙ୍କର ପରିବାର ଓ କୁକୁରମାନଙ୍କ ସହିତ ଚେନ୍ନାଇରେ ବାସ କରନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ଅପର୍ଣ୍ଣା କାର୍ତ୍ତିକେୟନ୍
Photographs : M. Palani Kumar

ଏମ୍‌. ପାଲାନି କୁମାର ‘ପିପୁଲ୍‌ସ ଆର୍କାଇଭ୍‌ ଅଫ୍‌ ରୁରାଲ ଇଣ୍ଡିଆ’ର ଷ୍ଟାଫ୍‌ ଫଟୋଗ୍ରାଫର । ସେ ଅବହେଳିତ ଓ ଦରିଦ୍ର କର୍ମଜୀବୀ ମହିଳାଙ୍କ ଜୀବନୀକୁ ନେଇ ଆଲେଖ୍ୟ ପ୍ରସ୍ତୁତ କରିବାରେ ରୁଚି ରଖନ୍ତି। ପାଲାନି ୨୦୨୧ରେ ଆମ୍ପ୍ଲିଫାଇ ଗ୍ରାଣ୍ଟ ଏବଂ ୨୦୨୦ରେ ସମ୍ୟକ ଦୃଷ୍ଟି ଓ ଫଟୋ ସାଉଥ ଏସିଆ ଗ୍ରାଣ୍ଟ ପ୍ରାପ୍ତ କରିଥିଲେ। ସେ ପ୍ରଥମ ଦୟାନିତା ସିଂ - ପରୀ ଡକ୍ୟୁମେଣ୍ଟାରୀ ଫଟୋଗ୍ରାଫୀ ପୁରସ୍କାର ୨୦୨୨ ପାଇଥିଲେ। ପାଲାନୀ ହେଉଛନ୍ତି ‘କାକୁସ୍‌’(ଶୌଚାଳୟ), ତାମିଲ୍ ଭାଷାର ଏକ ପ୍ରାମାଣିକ ଚଳଚ୍ଚିତ୍ରର ସିନେମାଟୋଗ୍ରାଫର, ଯାହାକି ତାମିଲ୍‌ନାଡ଼ୁରେ ହାତରେ ମଇଳା ସଫା କରାଯିବାର ପ୍ରଥାକୁ ଲୋକଲୋଚନକୁ ଆଣିଥିଲା।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ M. Palani Kumar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Faiz Mohammad