‘કોણ જાણતું હતું કે કટોકટી નવા વેશમાં પાછી આવશે,
આ દિવસોમાં તો તાનાશાહીનું નામ બદલીને લોકશાહી રાખી દેવાશે.’
આ સમયમાં, જ્યારે કે અસંમતિને દબાવી દેવામાં આવે છે અને સરકારથી અસંતુષ્ટ લોકોના મોંમાં ડૂચો લગાવી દેવાય છે અથવા તો તેમને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે છે, અથવા તો બેઉ રીતે બોલતી બંધ કરી દેવામાં આવે છે ત્યારે, ખેડૂતો અને ખેત કામદારોએ − કિસાનો અને મજૂરો − રામલીલા મેદાનમાં લાલ, લીલા અને પીળા ધ્વજ સાથે કૂચ કરી ત્યારે વિરોધ ગીતની આ પંક્તિઓ ફરી એક વાર સાચી પડી હતી.
એ.આઈ.કે.એસ. (ઓલ ઈન્ડિયા કિસાન સભા), બી.કે.યુ. (ભારતીય કિસાન યુનિયન), એ.આઈ.કે.કે.એમ.એસ. (ઓલ ઈન્ડિયા કિસાન ખેત મજૂર સંગઠન) અને અન્ય સંગઠનોના ખેડૂતો 14 માર્ચ, 2024ના રોજ એસ.કે.એમ. (સંયુક્ત કિસાન મોરચા) ના એકીકૃત મંચ હેઠળ યોજાયેલી કિસાન મજૂર મહાપંચાયતમાં ભાગ લેવા માટે ઐતિહાસિક રામ લીલા મેદાનમાં એકત્ર થયા હતા.
કલાન ગામનાં મહિલા ખેડૂત પ્રેમામતીએ પારીને કહ્યું, “ત્રણ કૃષિ કાયદાઓ રદ થયા પછી સરકારે કેટલાક વચનો આપ્યા હતા, પરંતુ તે હજુ પણ પૂરા થયા નથી. હવે તેમણે તે વચનો પૂરા કર્યા વગર છૂટકો નથી. વર્ના હમ લડેંગે, ઔર લડતે રહેંગે [જો તેઓ આવું નહીં કરે, તો અમે લડીશું અને લડવાનું ચાલુ જ રાખીશું].” તેઓ આ ત્રણ કાયદાઓ: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 ની વાત કરી રહ્યાં છે.
તેમણે ઉમેર્યું હતું કે, “અમે અહીં ત્રણ વર્ષ પહેલાં વિરોધ પ્રદર્શન માટે પણ આવ્યાં હતાં. પ્રેમામતી ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી મહાપંચાયત માટે આવેલી ત્રણ મહિલા ખેડૂતોમાંથી એક હતાં. તેઓ ભારતીય કિસાન યુનિયન (બી.કે.યુ.) ખેડૂત જૂથ સાથે જોડાયેલાં હતાં. તેમણે રોશ ભેર કહ્યું, “આ સરકાર સફળ થઈ રહી છે, પરંતુ તેમણે ખેડૂતોને બરબાદ કરી દીધા છે.”
પારીએ જે મહિલાઓ સાથે વાત કરી હતી તે બધી સીમાંત ખેડૂત હતી, જેમની પાસે 4 થી 5 એકર જમીન હતી. ભારતમાં 65 ટકાથી વધુ મહિલા ખેડૂતો અને મજૂરો ખેતીનું કામ કરે છે, પરંતુ માત્ર 12 ટકા મહિલા ખેડૂતો પાસે તેમના નામે જમીન છે.
















