રાની મહતો મૂંઝાયેલી છે - એક તરફ તેમના બે દિવસ પહેલા જન્મેલા નવજાત બાળકની સલામત પ્રસૂતિનો આનંદ છે - તો બીજી તરફ ડર છે કે કયા મોઢે ઘેર જઈને તેમના પતિને કહેશે કે ફરી એક વાર છોકરી જન્મી છે.

તેઓ (રાની) ગભરાયેલા અવાજમાં કહે છે, "તેમને (મારા પતિને) આ વખતે દીકરાની આશા હતી." બિહારના પટના જિલ્લાની દાનાપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં તેમના પલંગ પર પોતાના નવજાત બાળકને  સ્તનપાન કરાવતી વખતે 20 વર્ષના (રાની) કહે છે કે, "હું ઘેર પાછી જઈને તેમને કહીશ કે અમારું બીજું બાળક પણ છોકરી છે ત્યારે તેઓ કેવી રીતે વર્તશે એની મને ચિંતા છે."

2017 માં 16 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ થોડા વખતમાં જ રાનીએ તેમની પહેલી દીકરીને જન્મ આપ્યો હતો. તેમના પતિ પ્રકાશ કુમાર મહતો તે સમયે 20 વર્ષના હતા. પટના જિલ્લાના ફુલવારી બ્લોકના  એક ગામમાં તેઓ (રાની) પતિ પ્રકાશ અને સાસુ સાથે રહે છે.  તેઓ ગામનું નામ જણાવવા માગતા નથી. મહતો પરિવાર  રૂઢિચુસ્ત ઓબીસી સમુદાયના છે.

રાની કહે છે, "અમારા ગામમાં મોટાભાગની છોકરીઓ 16 વર્ષની ઉંમરે લગ્ન કરી લે છે." કિશોરાવસ્થામાં લગ્નથી ઊભી થતી સમસ્યાઓથી તેઓ અજાણ નથી. ત્યારે જ છુટ્ટીવાલે પેપર (ડિસ્ચાર્જ સર્ટિફિકેટ) ની રાહ જોઈ રહેલા તેમના સાસુ ગંગા મહતો આવીને તેમની સાથે પલંગ પર બેસે છે . તેઓ (રાની) આગળ કહે છે, "મારી એક નાની બહેન પણ છે, તેથી મારા માતા-પિતા મારા લગ્ન વહેલામાં વહેલી તકે થઇ જાય એમ  ઇચ્છતા  હતા." .

રાની અને તેની બહેન એમાં કોઈ પણ રીતે અપવાદ નથી. એનજીઓ ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ (CRY) એ સેન્સસ (વસ્તી ગણતરી), નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ) અને અન્ય સત્તાવાર માહિતીના વિશ્લેષણમાં જણાવ્યું છે કે દેશના 55 ટકા બાળ અને કિશોર લગ્નો બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં થાય છે.

રાનીએ મને સમજાવતા કહ્યું, "એકવાર અમને છુટ્ટીવાલે પેપર (રજાના કાગળો) મળી જાય પછી અમે અમારા ગામ જવા ઓટોરિક્ષા ભાડે લઈશું." તેમણે હોસ્પિટલમાં સામાન્ય રીતે જરૂરી હોય તે કરતાં બે દિવસ વધુ વિતાવ્યા છે, કારણ કે તેમને કાળજી રાખવી પડે તેવી બીજી સ્વાસ્થ્યની સમસ્યાઓ છે. રાની કહે છે, "મને ખૂન કી કમી (એનિમિયા) છે."

Rani is worried about her husband's reaction to their second child also being a girl
PHOTO • Jigyasa Mishra

તેઓનું બીજું બાળક પણ છોકરી છે એ જાણ્યા પછી તેમના પતિ કેવી રીતે વર્તશે એની રાનીને  ચિંતા છે

ભારતમાં ખાસ કરીને મહિલાઓ, કિશોરો અને નાના બાળકોમાં એનિમિયા એ જાહેર આરોગ્યની ગંભીર સમસ્યા છે. સત્તાવાર અને સ્વતંત્ર બંને સંશોધન અભ્યાસો દર્શાવે છે કે વહેલા લગ્ન કરનાર છોકરીઓ ખાદ્ય સુરક્ષાના અભાવ, કુપોષણ અને એનિમિયાથી પીડાવાની સંભાવના વધારે છે. અને બાળલગ્ન આવક અને શિક્ષણના નીચા સ્તર સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. ખાદ્ય સુરક્ષાના ભારે અભાવવાળા ગરીબ પરિવારો મોટાભાગે વહેલા લગ્નને તેમના પરિવારો પરનો આર્થિક બોજ હળવો કરવાના રસ્તા તરીકે જુએ છે.

નાની ઉંમરે લગ્ન કરતી છોકરીઓ તેમના પોતાના સ્વાસ્થ્ય અને પોષણને લગતા નિર્ણયોમાં બહુ ઓછો અભિપ્રાય ધરાવે છે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે  બાળકોમાં નબળા  સ્વાસ્થ્ય, કુપોષણ, એનિમિયા અને જન્મ સમયે ઓછા વજનનું દુશ્ચક્ર ચાલ્યા કરે છે. આ પ્રક્રિયાનું  એક ચાલકબળ બાળલગ્ન એ તેના પરિણામોમાંનું  એક બની જાય છે. અને પછી જે આ મુદ્દા પર કોઈપણ નીતિ ઘડવાનું કામ મુશ્કેલ બનાવે એવો એક બીજો પ્રશ્ન છે: ભારતમાં બાળક કોણ ગણાય?

1989 ના યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન  ધ રાઈટ્સ ઓફ ચાઈલ્ડ (1989 માં બાળ અધિકાર પર યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન) માં 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિને બાળક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે - 1992 થી ભારત આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનાર રાષ્ટ્ર બન્યું  છે - ભારતમાં બાળમજૂરી, લગ્ન, દેહવ્યાપાર અને બાળ ન્યાયના કાયદાઓમાં લઘુત્તમ વયની અલગ અલગ વ્યાખ્યાઓ છે. બાળ મજૂરી અંગેના આપણા કાયદામાં તે ઉંમર  14 વર્ષ છે. લગ્ન સંબંધિત કાયદો જણાવે છે કે છોકરી 18 વર્ષની ઉંમરે પુખ્તતા  પ્રાપ્ત કરે છે. ભારતમાં જુદા જુદા કાયદાઓ 'બાળક' અને 'સગીર' વચ્ચે પણ તફાવત કરે છે. પરિણામે  15-18 વર્ષની વય જૂથના યુવાનો ઘણીવાર વહીવટી કાર્યવાહીથી બચી જાય છે.

જો કે રાણી મહતોના જીવનમાં તો કોઈપણ કાયદા અથવા કાનૂની ચુકાદા કરતા સામાજિક રિવાજ અને લૈંગિક પૂર્વગ્રહની કઠોર વાસ્તવિકતાઓ જ હંમેશા વધુ પ્રબળ હતી અને આજે પણ છે.

"જ્યારે રાખી [તેમની મોટી દીકરી] નો જન્મ થયો ત્યારે મારા પતિએ અઠવાડિયા સુધી મારી સાથે વાત કરી ન હતી. તેઓ અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેમના મિત્રોને ઘેર રહેતા અને નશો કરીને ઘેર આવતા. પ્રકાશ મહતો શ્રમિક  છે પણ દર મહિને માંડ પંદર દિવસ કામ કરે છે. તેમના માતા ગંગા દુઃખ સાથે કહે છે, "મારો દીકરો કામ મેળવવાનો પ્રયત્ન કરતો નથી. તે કદાચ મહિનામાં 15 દિવસ કામ કરે - પરંતુ તે પોતાની બધી ય કમાણી પછીના 15 દિવસમાં  પોતાના પર જ ખર્ચી નાખે  છે. દારૂ તેનું જીવન તો બરબાદ કરે જ  છે, અને સાથે સાથે અમારું પણ."

Left: The hospital where Rani gave birth to her second child. Right: The sex ratio at birth in Bihar has improved a little since 2005
PHOTO • Jigyasa Mishra
Left: The hospital where Rani gave birth to her second child. Right: The sex ratio at birth in Bihar has improved a little since 2005
PHOTO • Vishaka George

ડાબે: જ્યાં રાનીએ તેના બીજા બાળકને જન્મ આપ્યો તે હોસ્પિટલ. જમણે: 2005 થી બિહારમાં જન્મ સમયે જાતિ ગુણોત્તર થોડો સુધર્યો છે

રાનીના ગામમાં આશા કાર્યકરે બીજી પ્રસૂતિ પછી તેમને નસબંધી કરાવી લેવાનું સૂચવ્યું.  પરંતુ રાનીના પતિ સહમત નહોતા. "આશા દીદીએ મને બેથી વધુ બાળકો ન કરવા સૂચવ્યું. તેમણે કહ્યું કે એનિમિયાને કારણે મારું શરીર ત્રીજા બાળકને જન્મ આપવા માટે ખૂબ નબળું છે. તેથી જ્યારે હું ચાર મહિનાની ગર્ભવતી હતી ત્યારે મેં પ્રસૂતિ પછી શસ્ત્રક્રિયા કરાવવા અંગે  પ્રકાશ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ વાત મારા માટે દુ:સ્વપ્ન સાબિત થઈ. તેમણે મને કહ્યું જો હું તેમના ઘરમાં રહેવા માગતી હોઉં તો મારે એક છોકરોને જન્મ આપવો પડશે, પછી ભલે તે માટે ગમે તેટલી વાર ગર્ભ ધારણ કરવો પડે. તે કોઈપણ પ્રકારના  ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનો ઇનકાર કરે છે અને જો હું આગ્રહ કરું તો મને થપ્પડ મારે  છે. મારા  સાસુ પણ શસ્ત્રક્રિયા ન કરાવવાના અને દીકરા માટે પ્રયત્ન કરતા રહેવાના વિચાર અંગે તેમની સાથે સહમત છે.”

તેઓ પોતાના સાસુની સામે ખુલીને વાત કરી શકે છે તે સૂચવે છે કે બે મહિલાઓ વચ્ચેના સંબંધમાં કડવાશ નથી.  રાની પ્રત્યે સહાનુભૂતિ હોવા છતાં ગંગા તેમના સમાજમાં પ્રવર્તતી પિતૃપ્રધાન માનસિકતામાંથી છૂટકારો મેળવી શકતી નથી.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે - 4 (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ - 4) સૂચવે છે કે પટના (ગ્રામીણ) માં માત્ર 34.9 ટકા લોકો કોઈપણ પ્રકારની કુટુંબ નિયોજન પદ્ધતિઓ અપનાવે છે.  સૂચિબદ્ધ પદ્ધતિઓમાં જિલ્લાના ગ્રામીણ ભાગમાં પુરુષ વંધ્યીકરણ શૂન્ય ટકા  છે. NFHS-4 એ પણ સૂચવે છે કે બિહારમાં 15-49 વર્ષની વય જૂથની 58 ટકા ગર્ભવતી મહિલાઓ માં એનિમિયાના લક્ષણો  છે.

રાની કહે છે, "20 વર્ષની ઉંમરે બીજી પ્રસૂતિ પછી મેં એક વસ્તુ નક્કી કરી છે. અને તે છે: ભલે ગમે તે થાય મારી છોકરીઓ ઓછામાં ઓછી 20 વર્ષની થાય તે પહેલા કોઈ પણ સંજોગોમાં હું તેમના લગ્ન નહિ કરાવું. મારા કિસ્સામાં તો જ્યાં સુધી હું દીકરાને જન્મ નહીં આપું ત્યાં સુધી મારે બાળકો પેદા કરવાનું ચાલુ રાખવું પડશે. ”

તેઓ  નિસાસો નાખે છે પણ શાંત સ્વરે  કહે છે: “અમારા જેવી મહિલાઓ પાસે અમારો આદમી (પતિ) કહે તે પ્રમાણે કરવા સિવાય કોઈ રસ્તો નથી. મારા પલંગથી ત્રીજા પલંગ પરની મહિલા તમે  જોઈ? તેઓ નગ્મા છે. ગઈકાલે તેમની ચોથી પ્રસૂતિ હતી. તેમના ઘરમાં પણ તેમની બચ્ચેદાની (ગર્ભાશય) કઢાવી નાખવાના  વિચારને ફગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે અહીં તેઓ તેમના માતાપિતા સાથે છે અને સાસરિયાઓ સાથે નહીં, તેથી તેઓ  બે દિવસ પછી તેઓ ગર્ભાશય  કઢાવી નાખશે. તેઓ ખૂબ બહાદુર છે. તેઓ કહે છે કે તેમના પતિ સાથે કેવી રીતે વર્તવું તે તેઓ બરોબર જાણે  છે.” વાત કરતા રાની કંઈક ઉદાસીભર્યું હસે છે.

યુનિસેફના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે રાનીની જેમ મોટાભાગની બાળ વધૂઓ પોતાની કિશોરાવસ્થા દરમિયાન બાળકને જન્મ આપે છે. વળી તેમના પરિવારો મોડા લગ્ન કરતી મહિલાઓના પરિવારો કરતા મોટા હોવાનું જાણવા મળે છે . અને મહામારીને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

Bihar's sex ratio widens after birth as more girls than boys die before the age of five. The under-5 mortality rate in Bihar is higher than the national rate
PHOTO • Vishaka George
Bihar's sex ratio widens after birth as more girls than boys die before the age of five. The under-5 mortality rate in Bihar is higher than the national rate
PHOTO • Vishaka George

બિહારમાં જન્મ પછીનો જાતિ ગુણોત્તર વધતો જાય છે કારણ કે પાંચ વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામેલા બાળકોમાં છોકરાઓ કરતા છોકરીઓ વધુ હોય છે. બિહારનો  5 વર્ષથી નીચેના બાળકોનો  મૃત્યુદર રાષ્ટ્રીય દર કરતા વધારે છે

કનિકા સરાફ કહે છે, "2030 સુધીમાં બાળ લગ્ન સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય હાંસલ કરવું એ પહેલેથી જ  પડકારરૂપ હતું. તેનો ખ્યાલ મેળવવા તમારે દેશના કોઈપણ રાજ્યના ગ્રામીણ વિસ્તારોની પરિસ્થિતિ જોવી પડે." કનિકા સરાફ બાળ સુરક્ષા ક્ષેત્રે ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરતી  બિહારના આંગણ ટ્રસ્ટમાં બાળ સુરક્ષા પ્રણાલીના વડા છે. તેઓ કહે છે, "પરંતુ મહામારીએ સમસ્યામાં વધુ સ્તરો ઉમેર્યા છે. અમે આ સમયગાળામાં માત્ર પટનામાં 200 બાળલગ્ન અટકાવવામાં સફળ રહ્યા. આ ઉપરથી તમે બીજા  જિલ્લાઓ અને ત્યાંના ગામોની સ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકો છો."

નીતિ આયોગ અનુસાર બિહાર રાજ્યમાં  2013-15માં જન્મ સમયે જાતિ ગુણોત્તર દર 1000 છોકરાઓએ 916 છોકરીઓનો હતો. આ આંક 2005-07 માં દર 1000 છોકરાઓએ 909 છોકરીઓની સરખામણીમાં સુધારા તરીકે જોવામાં આવ્યો હતો. જો કે તેના પરથી ભાગ્યે જ આશ્વાસન લઈ  શકાય થાય  કારણ કે પાંચ વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામેલા બાળકોમાં છોકરાઓ કરતા છોકરીઓ વધુ હોય છે પરિણામે જાતિ ગુણોત્તર વધતો જાય છે. એટલે કે 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર (દર 1000 જીવંત જન્મ માટે પાંચ વર્ષની ઉમર સુધીમાં મૃત્યુની સંભાવના) રાજ્યમાં 43 છોકરીઓએ  39 છોકરાઓ છે. યુએન એજન્સીઓના અંદાજ મુજબ 2019 માં ભારત માટે આ આંક 35  છોકરીઓએ 34 છોકરાઓનો હતો.

ગંગા માને છે કે તેમના દીકરાનો દીકરો પરિવારમાં આનંદના દિવસો લાવશે -  તેઓ સ્વીકારે છે કે તેમનો પોતાનો દીકરો એ કરી શક્યો નથી. “પ્રકાશ તો કંઈ કામનો નથી. પાંચમા ધોરણ પછી તે ક્યારેય શાળાએ ગયો નહોતો. એટલા માટે જ મારે  એક પૌત્ર જોઈએ છે . તે પરિવારની અને પોતાની માતાની  સંભાળ લેશે. સગર્ભા સ્ત્રીને જે પ્રકારનો પૌષ્ટિક આહાર જોઈએ છે તે રાનીને મળી શક્યો  નથી. નબળાઈને કારણે તે છેલ્લા બે દિવસથી બોલી પણ શકતી નથી. તેથી જ હું તેની સાથે દવાખાનામાં રહી અને મારા દીકરાને ત્યાંથી જવાનું કહ્યું.

"જ્યારે તે નશામાં ઘરે આવે છે, અને મારી પુત્રવધૂ તેને પ્રશ્ન કરે છે, ત્યારે તે તેને ફટકારે છે અને ઘરની  વસ્તુઓ તોડી નાખે છે." પરંતુ આ ડ્રાય સ્ટેટ નથી? એનએફએચએસ -4 કહે છે કે ડ્રાય સ્ટેટ (રાજ્યમાં દારૂબંધી) જાહેર થયા પછી પણ બિહારમાં લગભગ 29 ટકા પુરુષો દારૂ પીએ છે. ગ્રામીણ પુરુષોમાં તે પ્રમાણ લગભગ 30 ટકા છે.

રાનીની ગર્ભાવસ્થા દરમિયાન ગંગાએ તેમના ગામની બહાર ઘરનોકર  તરીકે કામ શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને સફળતા મળી નહીં. રાની કહે છે, "મારી હાલત જોઈને અને મને બીમાર પડતી જોઈને  મારા સાસુએ છેવટે  મારે માટે ક્યારેક ક્યારેક ફળ અને દૂધ લાવવા માટે એક સંબંધી પાસેથી લગભગ પાંચ હજાર રૂપિયા ઉધાર લીધા."

પોતાના શરીર અને જીવન પર પોતાના નિયંત્રણના સદંતર અભાવથી ખિન્ન રાની કહે છે, "જો તેઓ મારી પાસે આ જ રીતે બાળકો પેદા કરાવ્યા કરશે તો મને ખબર નથી કે આવનારા દિવસોમાં મારું શું થશે. પરંતુ જો હું જીવતી રહીશ તો હું મારી છોકરીઓને જેટલું ભણવું હશે તેટલું ભણાવવાનો પ્રયત્ન કરીશ."

"હું નથી ઇચ્છતી કે મારી દીકરીઓની હાલત પણ મારા જેવી થાય."

ગોપનીયતાના કારણોસર લેખમાં કેટલાક લોકોના અને જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે.

ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો

જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Jigyasa Mishra

जिज्ञासा मिश्रा, उत्तर प्रदेश के चित्रकूट ज़िले की एक स्वतंत्र पत्रकार हैं.

की अन्य स्टोरी Jigyasa Mishra
Illustration : Priyanka Borar

प्रियंका बोरार न्यू मीडिया की कलाकार हैं, जो अर्थ और अभिव्यक्ति के नए रूपों की खोज करने के लिए तकनीक के साथ प्रयोग कर रही हैं. वह सीखने और खेलने के लिए, अनुभवों को डिज़ाइन करती हैं. साथ ही, इंटरैक्टिव मीडिया के साथ अपना हाथ आज़माती हैं, और क़लम तथा कागज़ के पारंपरिक माध्यम के साथ भी सहज महसूस करती हैं व अपनी कला दिखाती हैं.

की अन्य स्टोरी Priyanka Borar
Editor : P. Sainath

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Series Editor : Sharmila Joshi

शर्मिला जोशी, पूर्व में पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के लिए बतौर कार्यकारी संपादक काम कर चुकी हैं. वह एक लेखक व रिसर्चर हैं और कई दफ़ा शिक्षक की भूमिका में भी होती हैं.

की अन्य स्टोरी शर्मिला जोशी
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

की अन्य स्टोरी Maitreyi Yajnik